રાગ - માઢ
પદ - ૧
આવો પ્રીતમ પ્યારા ધર્મ દુલારા, સર્વથી સારા શ્યામ;
છોજી આપ અમારા, નેણાનાં તારા, નર જગ ન્યારા નામ. આવો૦
ધર્મના નંદન, છો જગ વંદન, ચંદન ચર્ચિત અંગ;
દુઃખ નિકંદન, ખળબળ ખંડન, મંડન મુક્ત ઊમંગ રે. આવો૦ ૧
શામ સોહાગીમાં, લગની લાગી, ભાંગી મહા ભ્રમજાળ;
આપ વિષે હું થયો અનુરાગી, ત્યાગી કપટ તત્કાળ રે. આવો૦ ૨
પ્યારી તારી છબી ગિરધારી, છે મારી જીવનદોર;
વારીજ નેણતણી બલિહારી, છો મારા ચિત્તના ચોર રે. આવો૦ ૩
અંગ ઊમંગ ઊત્તમ થયો છે જોઈ છબી નવરંગ;
રંગ અભંગ રહે સત્સંગનો, ભીતિ તણો થાય ભંગ રે. આવો૦૪
લક્ષણ ઊત્તમ લક્ષ પ્રકારે, છોજી વિચક્ષણ સુર;
ભક્ષણ કાળતણાથી તતક્ષણ, રક્ષણ કરજો જરૂર રે. આવો૦૫
ભાળી રૂપાળી છબી મરમાળી, ટાળી ત્રિવિધના તાપ;
હે વનમાળી તમે હદ વાળી, દીધાં પ્રજાળી પાપ રે. આવો૦૬
દાન તમે નિજ જ્ઞાનનું દીધું, ભાન દઈ ભગવાન;
માન તજી ગુણગાન કરું છું, ધરી ધરી તવ ધ્યાન રે. આવો૦૭
ચંદ્રવદન સુખકંદ તમારું, વંદે સદા મુનિવૃંદ;
નંદતણા પણ નંદન તે તમે, કહે જગદીશાનંદ રે. આવો૦૮