રાગ - ગરબી
પદ- ૧
રહ્યું છે મારા હૃદિયામાં રૂપ તમારું. ટેક.
રૂપ તમારું એક હૃદિયામાં રાખ્યું, મેં તો બીજું સર્વે કાઢ્યું છે બારું;
જગના જીવન વાલા તમને જોઈને, વારી મનડું લોભાણું છે મારું. રહ્યું૦૧
તમ વિના શ્યામળિયા રે સ્નેહી, વાલા બીજું નથી લાગતું સારું;
દુરિજન લોક ઘોળ્યાં દાજી મરે છે, તેની ધડક હૈયામાં શીદ ધારું. રહ્યું૦૨
માથું જાતા મન માન્યા રે માવા, કેદી હેતમાંથી નવ હારું;
બ્રહ્માનંદના વાલા પ્રાણ સંગાથી, ઘડી તમને તે કેમ વિસારું. રહ્યું૦૩
પદ - ૨
હૈડામાં મુને વાલા લાગો છો વનમાળી. ટેક.
વાલા લાગો છો લટકાળારે લાલા, મારાં નેણાં ઠરે છે ભાળી ભાળી;
આઠો પહોર આવી વસી અંતરમાં, વાલા મૂરતિ તમારી મરમાળી.હૈ.૧
બાંધ્યા છે બાજુ કાજુ ફુલડાંની માળા,ગળે લાગે છે અતિ રૂપાળી;
મનડાં હરો છો તમે મોરલી વજાડતાં, વળી ગાતાં નાખોછો રંગઢાળી.હૈ.
શું રે કરે સંસારીડો કુડો, મેં તો લોક લજજા સર્વે ટાળી;
બ્રહ્માનંદના વાલા તમ સંગ રમતાં, મારે દાડી દાડી તે દીવાળી. હૈ. ૩
પદ - ૩
ભુધરજી આવી મનડે અમારે તમે ભાવ્યા. ટેક.
અક્ષરાતીત અલબેલા રે, વાલા તમે અમ કારણે વ્રજ આવ્યા;
મનડાં અમારાં તમે લેવાને કાજે, માથે ફુલડાંના તોરા લટકાવ્યા. ભુ૦૧
એક ઘડી શ્યામળીયા રે સ્નેહી, વારી વિસરો નહીં વિસરાવ્યા;
સર્વે તે લોકમાં સહું જાણે છે કાના, કંથ અમારા તમે કાવ્યા. ભુધ૦૨
માયાના જીવ તે તો મર્મ ન જાણે, તેણે સહુ સરખા ઠેરાવ્યા;
બ્રહ્માનંદના વાલા શ્યામ ચતુરવર, જેવા છો તેવા અમને ફાવ્યા. ભુધ.૩
પદ - ૪
પ્રીતમજી પ્યારા જીવું છું તમને જોઈને. ટેક.
મુરતી તમારી મરમાળી રે, વાલા તેમાં હેતે રહી છું ચિત્ત પ્રોઈને;
તમ સાથે મારે નેણો બંધાણો, તેની ખબર નથી બીજા કોઈને. પ્રી૦ ૧
નિઃશંક થઈ માથે છેડો રે નાખ્યો, છોને કહતાં તે લોક વગોઈને;
માથા સાટે તમને વર્યા મોરારી, વારી કુળમરજાદા સર્વે ખોઈને. પ્રી૦ ૨
સમજી વિચારી મેં તો પગલાં ભર્યાં છે, ચાલી મન મતવાલી હોઈને;
બ્રહ્માનંદના વાલા તમને જોઈને, મારું મનડું રહ્યું છે જો મોહીને. પ્રા૦ ૩