રાગ - પરજીઓ
પદ - ૧
અંતે જાવું છે ઊઠી એકલા રે, સંગે આવે ન કોઈ;
પંડિત રંક ને રાય કે, હાંરે લાખું લખપતિ હોય. અંતે ટેક.
કુંભ કાચો કાયા જાણવી રે, તેનો નહિ નિરધાર;
નાશ પામે પળ એકમાં, કરીએ કોટિ પ્રકાર. અંતે૦ ૧
માત પિતા સુત નારીઓ રે, સંગે ચાલે ન કોય;
અંત સમે તો સંગાથમાં, પુણ્ય પાપ જ હોય. અંતે૦ ૨
મોટા મોટા તો મરી ગયા રે, છોટા મન મલકાય;
મરણ તો સ્વપ્ને ન સાંભળે, અતિ ઊર હરખાય. અંતે૦ ૩
બાંધવને બાળી આવીને, ભાઈ સંભાળે ભાગ;
મિલ્કતનો તે માલિક બને, એ આશ્ચર્ય અથાગ. અંતે૦ ૪
પસ્તાવો લેશ પામે નહિ રે, ઊર નહિ અફસોસ;
અવિચળ જાણી મેડ્યો રહે, ઊર એજ આલોચ. અંતે૦ ૫
નિત્ય જયાં નોબતો વાગતી રે, રૂડા રાગ સદાય;
એ સ્થળ આજ ઊજજળ પડ્યાં, જોયાં નજરે ન જાય. અંતે૦ ૬
એ જોઈને ઊદાસી અતિ રે, મન આવે છે ઊર;
આલોકમાંથી ઊઠી જવું, એ તો જાણો જરૂર. અંતે૦ ૭
મરણ છે માથે માણસને રે, ખરેખરું ખચિત;
જગદીશાનંદનું તે થકી, કયાંઈ ચોટ્યું ન ચિત્ત. અંતે૦ ૮