રાગ - પરજ ખમાચ
પદ - ૧
આંગણીયે ઝાઝું શું ભણીએ, આવો કાના મારે આંગણીએ;
ભાવકરી નટનાગર ભેટ્યા, હૈડાના તાપ પિયા હણીએ. આવો૦ ૧
હાથકડાં મોતીડાં કેરી માળા, સુંદર છેલ બણી ઠણીએ. આવો૦ ૨
નૌતમ સુંદર પાઘલડીના, પેંચઝુકયા આવી પાંપણીએ. આવો૦ ૩
બ્રહ્માનંદ કહે પ્રેમ કરીને, તૃપ્ત કરું મહી માખણીએ. આવો૦ ૪
પદ - ૨
ઓસરીએ મનડાં હરિએ, આવો પ્યારા મારી ઓસરીએ;
મારું મંદિરીયું તે શ્યામ તમારું, છેટે છેલા શીદને ફરીએ. આવો૦ ૧
પ્રીતમ નૌતમ પાઘલડીમાં, સુંદર છોગલિયાં ધરીએ. આવો૦ ૨
ફુલડાંના હાર અનુપમ પહેરી, કોડે કોડે લટકાં કરીએ. આવો૦ ૩
બ્રહ્માનંદના નાથ છબી તારી, જોઈજોઈ અંતરમાં ઠરીએ. આવો૦ ૪
પદ - ૩
ડોલરિયા રંગના ભરીયા, હસીને બોલો હરિ ડોલરિયા;
નટવર સુંદર નાથજી રે, તમને મેં અંતરમાં ધરીયા. હસિ૦ ૧
મિથ્યા જગની મેં લાલચ મેલી, પ્રાણથકી પ્યારા કરીયા. હસિ૦ ૨
જગજીવન તારા રૂપને જોઈને, સર્વે વિષયરસ વિસરીયા. હસિ૦ ૩
બ્રહ્માનંદના છેલછબીલા, કહાન ચતુરવર કેસરિયા. હસિ૦ ૪
પદ - ૪
વાતડલી રહોને રાતડલી, વા’લા પૂછું એક વાતડલી;
પીતાંબર સાટે મારા પ્રીતમ, સાડી લાવ્યા નવી ભાતડલી. વા’લા૦ ૧
મોરલડી લઈને મનમોહન, દીધું વેલણ કોણે દાતડલી. વા’લા૦ ૨
જેને ઘેર રજની તમે જાગ્યા, કોણ હતી તેની જાતડલી. વા’લા૦ ૩
બ્રહ્માનંદકહે સંશય થયો નહિ, ધન્ય છે તમારી છાતડલી. વા’લા૦ ૪