રાગ - ગરબી
પદ - ૧
સ્વામી પ્રગટ થયા તે સહુ સાંભળો રે,
સાધુ જનને અલૌકિક સ્વાદ, ગુણગાઈએ પવિત્ર ધર્મવંશનારે. ટેક.
જેની માતા ભક્તિ નામે મહાસતિ રે, પિતા પાંડે હરિપ્રસાદ. ગુણ૦
ગુણવંત છપૈયા એક ગામ છે રે, પાસે અવધનગર મોટું ધામ. ગુણ૦
ચૈત્રશુકલ નવમીએ પ્રભુ જનમિયા રે, હરિકૃષ્ણ ધર્યું છે શુભનામ. ગુ૦
બાળલીલા કરેછે બહુભાતની રે, માતપિતાને હરખ ન માય. ગુણ૦
વ્હાલો ચંદ્રકળાની પેઠે વધતા રે, નરનારી જોઈને ખુશી થાય.ગુણ૦
આઠવર્ષે પામ્યા તે ઊપવિતને રે, તજયું ભુવન આણીને વૈરાગ્ય. ગુણ૦
ગુણ ચરિત્ર મનોહર ગાવવારે, મળ્યો બ્રહ્માનંદને માગ. ગુણ૦
પદ - ૨
ચાલ્યા ઊત્તર દિશામાં પોતે એકલા રે,
વન પર્વત ઓળંગ્યા દશવિશ, બલીહારી નવલ ઘનશ્યામનીરે. ટેક.
મુક્તનાથ જઈને તપ કીધલું રે, સાધી યોગકળાતે જગદીશ. બલિ૦
ત્યાંથી તીર્થકરતા પોતે ચાલીયા રે, કરતા બહુજનને ઊપદેશ. બલિ૦
જગન્નાથ જઈ દક્ષિણ પધારીયા રે, પછી આવ્યા તે પશ્ચિમદેશ. બલિ૦
ગેહેરી છાયા અજબ ગિરનારની રે, ભેટ્યા રામાનંદ સુખકંદ. બલિ૦
દઈ દિક્ષા પોતાનું પદ સ્થાપીયું રે, ધર્યું નામ તે સહજાનંદ. બલિ૦
કચ્છ ગુર્જરધરાને પાવન કરી રે, આવી વસ્યા દુર્ગપુર આપ. બલિ૦
બ્રહ્માનંદ કહે જગ ઊપરે રે, વધ્યો દિનદિન અધિક પ્રતાપ. બલિ૦
પદ - ૩
ત્યાંથી નિજ કુટુંબીને તેડાવીયાં રે,
બે ભાઈ ભાઈનો પરીવાર, વધીશોભા અધિક ધર્મવંશની રે. ટેક.
મોટાભાઈ તે રામપ્રતાપજી રે, છોટા ઈચ્છારામ ઊદાર. વધી૦
મોટા બંધુના અવધપ્રસાદજી રે, બંધુ છોટાના રઘુવીર. વધી૦
બેને આચાર્ય કર્યા સત્સંગના રે, જાણી ધર્મધુરંધર ધીર. વધી૦
ધર્મવંશી હોય તે રહે ધર્મમાં રે, પરત્રિયા સુતા માત સમાન. વધી૦
પરપુરુષ ભાઈને પિતા સરખો રે, હોય છોટો તે પુત્ર નિદાન. વધી૦
કરે પુરુષ પ્રબોધ રૂડા પુરુષને રે, કરે ત્રિયા ત્રિયાને ઊપદેશ. વધી૦
એવી રીતિ ઊદ્ધવ સંપ્રદાયની રે, કહે બ્રહ્માનંદ પાપ નહિ લેશ. વધી૦
પદ - ૪
સાવર્ણી ગોત્ર શાખા કૌથમી રે,
સરવરિયા બ્રાહ્મણ વેદસામ; રૂડી ઊદ્ધવમતની કહું રીતડીરે. ટેક.
તેનાં રૂડાં પ્રવર વળી ત્રણછે રે, સર્વે ત્યાગી નમે નિષ્કામ. રૂડી૦
ન્હાયે ધોયે પૂજા લઈ હાથમાં રે, પ્રેમે નમવું ગ્રહીને ગુરુપાય. રૂડી૦
ઊપદેશ દીએતે ઊર ધારવો રે, જેથી જન્મમરણ દુઃખ જાય. રૂડી૦
દારૂ માટી ચોરી અવેરી મૂકવાં રે, એવાં નિયમ ધરાવે સાક્ષાત. રૂડી૦
નહિ હસા વટલાવે વટલે નહિ રે, નહિ કરે પોતેપોતાની ઘાત. રૂડી૦
જેવો હોય અધિકારી તેવો જોઈને રે, પછે સંભળાવે મંત્રરાજ. રૂડી૦
કહે બ્રહ્માનંદ એ મત અનુસરે રે, તેનાં સરે અલૌકિક કાજ. રૂડી૦