રાગ ગરબી
પદ - ૧
સખી સાંભળને કહું વાતડી રે, હૈયે ધર્યા જેવી નિત્ય ધ્યાન.
અલબેલો અમદાવાદ આવીયા રે. - ટેક.
સુણી સામા હરિજન ચાલીયા રે, પૂજયા ભાવે કરી ભગવાન. અલબેલો.
બહુ વાજાં વાગે હરિ આગળે રે, ડફ ભેરીને પડઘમ સાર. અલબેલો.
ઝાંઝ પખાજ વાગે ઊમંગમાં રે, ઢોલ ત્રાંસાતણો નહિ પાર. અલબેલો.
નગારાને નોબતું ગડગડે રે, વાગે ડંકા ને ઊડે નિશાન. અલબેલો.
સુંણી શહેર હાલકલોલ થયું રે, જોઈ જીવન ભૂલીગયા ભાન. અલબેલો.
રોઝે ઘોડે શોભે ઘણું શ્યામળો રે, થાય ચમર બોલે ચોપદાર. અલબેલો.
ધીરે ધીરે ચાલે વાલો ચાલતા રે, આવ્યા મંદિરમાં કરી પ્યાર. અલબેલો.
રંગમોલ મણિમય શોભતો રે, કર્યો ઉતારો ત્યાં જગદીશ. અલબેલો.
બદ્રિનાથ કહે ત્યાં આવીયા રે, ભવ બ્રહ્મા નારદજી ને શેષ. અલબેલો.
પદ - ૨
સખી વેદી ઊપર બેસી વાલમો રે, કરી હોળી રમવાની હામ.
રમે શ્રીનગરમાં રંગ રસીયો રે, પુરુષોત્તમ ચડી પાટ ઊપરે રે;
કસી કમર સુંદર ઘનશ્યામ. રમે. ૧
ચહુકોરે શોભે સંત મંડળી રે, જેમ ફુલ્યું કમળનું વન. રમે.
કેશુ કેશર કસુંબો રંગ લાવીયા રે, નાખે જન ઊપર ભગવન. રમે.. ૨
નાખે અબીલ ગુલાલ અતિ ઘણો રે, હોળી હોળી કહે હરિ મુખ. રમે..
છાયાં અમર વિમાન આકાશમાં રે, જય જય બોલી લઈએ સુખ. રમે.
વળી મંડપ ઊપર જઈ માવજી રે, રમ્યા ઊછવીયા સંગે અલબેલ. રમે..
રસ બસ કર્યા સૌને રંગમાં રે, વાલે વાળી રંગડાની રેલ. રમે. ૪
વાગે વાજાં અતી ઘણા તાનમાં રે, થાયે ગવૈયાના બહુ ગાન. રમે.
દાસ બદ્રિનાથ કહે શ્યામને રે, જોઈ જન ભુલે ખાનપાન. રમે. ૫
પદ - ૩
સખા સંત સંગાથે લઈ શામળો રે, ગયા નાવા નારાયણ ઘાટ
નાય નાથ નારાયણ ઘાટમાં રે, રંગે ભર્યા નાય રંગ રસિયો રે
આવ્યા દેવ દર્શન કરવા માટ. નાય. ૧
મૂર્તિમાન ગંગાજી ત્યાં આવીયાં રે, સર્વે તીરથ લઈને સંગ. નાય.
હાથ જોડી બોલ્યાં હરિ આગળે રે, રાખો અહીં મને દીનાનાથ. નાય. ૨
કૃપા કરી કેશવ ગંગા ઊપરે રે, આપ્યો નારાયણ ઘાટે નિવાસ. નાય.
બહુ વાર ક્રિડા કરી નીરમાં રે, સખા સંત સંગે અવિનાશ. નાય. ૩
નાથ નાહીને નીસર્યા બારણે રે, પહેર્યો પીળો સુંદર સુરવાલ. નાય.
રૂડો જામો જરીનો માથે મોળીયું રે, ખભે શેલુ ને કરમાં રૂમાલ. નાય. ૪
ઘણા મુલે ઘોડે ચડી માવજી રે, આવ્યા મંદિરમાં સુખધામ રે. નાય.
દરવાજા પાસે એક લીંબડો રે, ત્યાં બેઠા બદ્રિનો શ્યામ. નાય. ૫
પદ - ૪
જગજીવન જમ્યા રંગ મોલમાં રે, રૂડાં વિધ વિધનાં પકવાન;
શોભે સંત મંડળમાં માવજી રે, જમી તૃપ્ત થઈ અલબેલડો રે;
પછી લીધાં પ્રિતે બીડાં પાંન. શોભે. ૧
પછી સંત તણી થઈ પંગતિ રે, આવ્યા પોતે પીરસવા કાજ. શો.
ડાબે ખભે હરિ નાખી ખેસને રે, કસી કમર સુંદર મહારાજ. શો. ૨
લઈ લાડુ જલેબી હરિ હાથમાં રે, આપે સંતને કરી મનુવાર. શો.
હરિ હેતે કરીને પોતે પીરસે રે, ફરે પંગતમાં વારંવાર. શો. ૩
વળી ભજીયાં વડાં ને રાઈતાં રે, બીજાં શાક તણો નહી પાર. શોભે.
દૂધ ભાત ને સાકર ખોબલે રે, આપે પ્રિતમ કરી બહુ પ્યાર. શો. ૪
વાલો તૃપ્ત કરી સર્વ સંતને રે, રંગ મોલે પોઢ્યા દિનોનાથ. શોભે.
ઘનશ્યામ સુંદર છબી ઊપરે રે, વારી જાય છે બદ્રિનાથ. શો. ૫