સખી સંત સહિત ઘનશ્યામ રે. જેતલપુરમાં (૫)

Submitted by swaminarayanworld on Mon, 18/04/2016 - 10:14pm

રાગ ગરબી

પદ - ૧

સખી સંત સહિત ઘનશ્યામ રે. જેતલપુરમાં.

બહુ દિન રહ્યા સુખધામ રે. જેતલપુરમાં. ૧

ઘણી લીલા કરી જગદીશ રે. જેતલપુરમાં.

કેતાં પાર પામે નહી શેષ રે. જેતલપુરમાં. ૨

કર્યા મોટા મોટા જગન રે. જેતલપુરમાં.

તેમાં ખૂત્યાં નહી ઘૃત અન્ન રે. જેતલપુરમાં. ૩

દ્વિજ સભા અતિ સારી રે. જેતલપુરમાં.

દીધાં દાનને દક્ષિણા ભારી રે. જેતલપુરમાં. ૪

વળી પૂછ્યા પ્રશ્ન મહારાજ રે. જેતલપુરમાં.

દેતાં ઊત્તર આપ્યા દ્વિજ લાજ રે. જેતલપુર. ૫

ઘરો ઘર ફરી ઘનશ્યામ રે. જેતલપુરમાં.

કર્યા જનને પુરણ કામ રે. જેતલપુરમાં. ૬

બાંધ્યો હિંડોળો વડની ડાળ રે. જેતલપુરમાં.

તેમાં બેસી ઝુલ્યા ધર્મલાલ રે. જેતલપુરમાં. ૭

કાઢ્યો દ્વિજ તણો ભૂત ભારી રે. જેતલપુરમાં.

જાય બદ્રિનાથ બલહારી રે. જેતલપુરમાં. ૮

 

પદ - ૨

રૂડી બોરસડી ફુલવાડી રે. જેતલપુરમાંઈ.

શ્યામ સભા કરે ત્યાં દાડી રે. જેતલપુરમાંઈ. ૧

મોલ પાસે છે આસોપાલવ રે. જેતલપુરમાં.

જેની ઘેરી છાયા નવલ રે. જેતલપુરમાંઈ. ૨

તેના હેઠે હરિવર રાજે રે. જેતલપુરમાંઈ.

જોઈ રૂપ મદન મન લાજે રે. જેતલપુરમાંઈ. ૩

હરિભક્ત હાર બહુ લાવે રે. જેતલપુરમાંઈ.

વળી ચંપાની ટોપી પહેરાવે રે. જેતલપુરમાં. ૪

હરિ આંબલા હેઠે આવી રે. જેતલપુરમાંઈ.

સારી સભા કરી મન ભાવી રે. જેતલપુરમાં. ૫

બેઊ આચારજ બેસાડી રે. જેતલપુરમાંઈ.

સહુ પાસે તે પૂજા કરાવી રે. જેતલપુરમાંઈ. ૬

કર્યા સંતતણા વિભાગ રે. જેતલપુરમાંઈ.

ધન્ય ધન્ય એ ભૂમીનાં ભાગ્ય રે. જેતલપુર. ૭

એવી લીલા કરે ભગવાન રે. જેતલપુરમાંઈ.

સુણી બદ્રિનાથ ધરે ધ્યાન રે. જેતલપુરમાંઈ. ૮

 

પદ - ૩

સખી સંત સહિત બહુવારરે. મોહોલમાં આવીને.

રહ્યા પ્રિતમ કરી ઘણો પ્યાર રે. મોહોલ. ૧

સારી સભા કરે જીવન રે. મોહોલ.

કરે ઊત્તર ને પ્રશ્ન રે. મોહોલ. ૨

બેસે ગોખે ઘણું ઘનશ્યામ રે. મોહોલ.

મોટા મુનિ કરે પ્રણામ રે. મોહોલ. ૩

ભવ બ્રહ્માને વિષ્ણુ દેવ રે. મોહોલ.

કરે શ્રીહરિની નિત્ય સેવ રે. મોહોલ. ૪

તેજ રૂપ થઈ એકદન રે. મોહોલ.

કર્યાં કેશવનાં દરશન રે. મોહોલ. ૫

પછી ત્રણ ગોળા થઈ ગયા રે. મોહોલ.

રાયણ પાને પાને દિપ થયા રે. મોહોલ. ૬

જોઈ વિસ્મય થયાં સહુ જન રે. મોહોલ.

પૂછ્યું શ્યામને જઈ પ્રશ્ન રે. મોહોલ. ૭

કહી વાત વાલે વિસ્તારી રે. મોહોલ.

દાસ બદ્રિનાથ જાય વારી રે. મોહોલ. ૮

 

પદ - ૪

મણીમય મોલ સુખકારી રે. મોલ બહુ શોભે છે.

અતિ જીરણ થઈ ગયો ભારી રે. મોલ બહુ. ૧

પછી પ્રિતેથી નિર્ગુણદાસ રે. મોલ બહુ.

ગયા મોટા સાહેબને પાસ રે. મોલ બહુ. ૨

કરી વાતને બોધ બહુ દીધો રે. મોલ બહુ.

તેના પાસે માગી મોલ લીધો રે. મોલ બહુ. ૩

પછી પાયો ખોદાવી હુલાસે રે. મોલ બહુ.

બાંધ્યો ઘાટ તે મોલની વાંસે રે. મોલ બહુ. ૪

કરી હાથણીઓ બહુ જાડી રે. મોલ બહુ.

અતિ ઉંચી મોલને અડાડી રે. મોલ બહુ. ૫

બહુ બારીયું જાળીયું સુધારી રે. મોલ બહુ.

જાણે નવો બન્યો સુખકારી રે. મોલ બહુ. ૬

સજ કરાવ્યો નિર્ગુણદાસે રે. મોલ બહુ.

બહુ દિન રહી પોતે પાસે રે. મોલ બહુ. ૭

પ્રિતે કરી જે દર્શન કરે રે. મોલ બહુ.

બદ્રિનાથ કે ભવ તે તરે રે. મોલ બહુ. ૮

 

પદ - ૫

દેવસર સરોવર ભારી રે. સાંભળો સાહેલી.

નાય નિત્ય તેમાં મોરારી રે. સાંભળો. ૧

ખાંતે ખાંતે કરી અલબેલ રે. સાંભળો.

જળમાંહી કરે બહુ ખેલ રે. સાંભળો. ૨

તેને જોવા આવે સુર સાથ રે. સાંભળો.

કરે પુષ્પવૃષ્ટિ કરી માથ રે. સાંભળો. ૩

નાય નીરમાંહી એમ હરિ રે. સાંભળો.

કરે પ્રક્રમા ચોફેર ફરી રે. સાંભળો. ૪

વળી કોટમાં જઈ જીવન રે. સાંભળો.

પૂજે ખીજડી દસરાદન રે. સાંભળો. ૫

એવી લીલા જેતલપુર કરે રે. સાંભળો.

જેહ સુણે તેનાં પાપ હરે રે. સાંભળો. ૬

માટે ધન્ય જેતલપુર ગામ રે. સાંભળો.

એના તુલ્ય નહિ બીજું ધામ રે. સાંભળો. ૭

એની રજ ચડાવે શુદ્ધ થાય રે. સાંભળો.

દાસ બદ્રિનાથ એમ ગાય રે. સાંભળો. ૮

Facebook Comments