રાગ ગરબી
પદ - ૧
કર જોડીને વારમવાર નમુ હનુમંતા રે,
જેનો મહિમા છે અપરંપાર, આવે નહી અંતા રે.
અંજની જેની માત છે રે, કેશરી વાનર તાત,
રાજી કરી રઘુનાથને, થયા ભક્ત ભારે વિખ્યાત. નમુ. ૧
વિર કાછ કટે કસીયો રે, તેલ સિંદૂર શરીર,
હાક સુણી હનુમંતની, પ્રેત પિશાચ પામે પીર. નમુ. ૨
ડાકીની સાકીની યોગીની રે, યક્ષને રાક્ષસ ઘોર,
ભૂત ભૈરવને કોટરા, નામ સુણી પાડે બકોર. નમુ. ૩
આદિત ઊગતો જોઈને રે, કુદીને પકડ્યો હાથ,
સહાય કરો સંકટમાં, દાસ કહે છે બદ્રિનાથ. નમુ. ૪
પદ - ૨
સતી સીતાને ખોળવા કાજ, પ્રેરાયા રઘુવીર રે,
ચાલ્યા ચુપ કરી કપીરાજ, ગયા સિંધુ તિર રે,
સંપાતીની સુણી વાર્તા રે, ગિરી ચડ્યા તત્કાળ.
હાક મારીને કુદ્યા, તેહ પર્વત પેઠો પાતાળ. પ્રેરાયા. ૧
સુરગણે પ્રેરી સુરસારે, આવી તે રોકવા કાજ,
તેને પ્રતાપ દેખાડીને, ચાલ્યા વેગે કરી કપિરાજ. પ્રેરાયા. ૨
છાયાગ્રહ નામે રાક્ષસી રે, છાયા ગ્રહી કરે નાશ,
તેને મારી એક પલમાં, વેગે ઊડીને જાતાં આકાશ. પ્રેરાયા. ૩
લંકનીને મુરછા કરી રે, ગયા વિભિષણ પાસ,
બદ્રિ કહે તેને પૂછીને, પછી આવ્યા સીતાને નીવાસ. પ્રેરા. ૪
પદ - ૩
રાજા રામજીના સેવક, હનુમંત બળિયા રે,
ટાળી ટળે નહિ જેની ટેક, જાય નહિ કળિયા રે;
સીતાને શાંતિ પમાડીયાં રે, મુદ્રિકા દઈ જોડ્યા હાથ,
ધીર ધરો માતા મનમાં, વેલા આવશે યાં રઘુનાથ. હનુમંત. ૧
આજ્ઞા માગી ગયા બાગમાં રે, ફળ ખાવાને મીશ,
અશોક બાગ ઊખાડીયો, માર્યા દૈત્ય લાવી અતી રીશ. હનુમંત. ૨
રાવણે પુત્રને પ્રેરીયો રે, સેના આપીને સંગ,
ઝાડે કરી ઝુડ્યો તેહને, મારી સેના કરી અંગ ભંગ. હનુમંત. ૩
લંકા લગાડી પલમાં રે, સીતાજીને નામી માથ,
કૂદી આવ્યા રામ પાસ રે, વારી જાય છે બદ્રિનાથ. હનુમંત. ૪
પદ - ૪
ધન્ય ધન્ય કેશરી કુમાર, જાઉં બલીહારી રે,
જેના પરાક્રમનો નહિ પાર, સદા સુખકારી રે.
લક્ષ્મણને આવી મુર્છા રે, સાંગ લાગી જેહવાર.
ઔષધી લેવા ચાલીયા, આવ્યા કપટ મુનિને દ્વાર. જાઉં. ૧
મકરીયે કહી ઓળખાવીયો રે, કાલનેમી એનું નામ,
પૂછે ગ્રહી મારી તેહને, ગયા દ્રોણાચળ જેહ ઠામ. જાઉં. ૨
પ્રેમેથી પહાડ ઊપાડીને રે, વેગે આવ્યા વૈદ પાસ,
લક્ષ્મણજીને જગાડીને, ટાળ્યો સર્વે સેનાનો ત્રાસ. જાઉં. ૩
રામ રાજી થઈ મનમાં રે, ભેટ્યા ભરીને બાથ,
આનંદ વાધ્યો અતિ ઘણો, દાસ કહે છે બદ્રિનાથ. જાઉં. ૪