રાગ ગરબી
પદ - ૧
કેશવપ્રસાદજી ચાલી ગયા રે, શ્રીજી સાથે અક્ષરધામ જો;
સરવે સંત વરણી પાળા રુવે રે, રુવે સરવે પુરુષ ને વામ જો. કે. ૧
પ્રથમ ઊદાસી થઈ આ લોકથી રે, વાળી વરતી અંતર માંય જો;
શ્રીસહજાનંદમાં મન જોડીયું રે, બીજીવાત ગમે નહી કાંય જો. કે. ૨
દિવસ ચાર સમાધિમાં રહ્યા રે, પાંચે આવ્યા દિવ્ય વિમાન જો;
શ્રીજી આવ્યા પોતે તેડવા રે, સૌને દીધાં દર્શન દાન જો. કેશ. ૩
ચાલીશ ઊપર છઠ્ઠિ શાલની રે, ચૈત્ર વદી ચોથ કહેવાય જો;
તેતો સૌને દુઃખકારી થઈ રે, તે દુઃખ મુખ વરણ્યું નવ જાય જો. કે. ૪
પુરુષોત્તમદાસ રુવે ઘણું રે, બોલે વચન શોકની ઝાળ જો;
નાની વયમાં મુકયો મુજને રે, મારી કોણ કરશે પ્રતિપાલ જો. કે. ૫
બેઊ પત્નિ પોકારે અતિ ઘણું રે, રોઈ રોઈ આંખો કરી છે રાતી જો;
સુણી વિલાપ શ્રવણે તેમના રે, જાય ફાટી સૌની છાતી જો. કે. ૬
ગંગાબેન રુવે અતીસે ઘણું રે, જમનાબેન રુવે થઈ દીન જો;
થર થર કંપે કાયા તેમની રે, જેમ જલ વિનાનાં મિન જો. કે. ૭
તાજા તુરંગ સુણી તે વાતને રે, ધ્રૂજી ધરણી પડ્યા તે વાર જો;
તૃણજળ સરવે તેણે ત્યાગીયું રે, ચાલી લોચનમાં જળ ધારજો. કે. ૮
પશુ પંખી સર્વે ઝાંખાં થયાં રે, ત્યારે મનુષ્યની શી વાત જો;
વચન વિચાર્યુ શિક્ષાપત્રીનું રે, તેથીકરી નહિ આત્મઘાત જો. કે. ૯
હાહાકાર થયો સુણી શહેરમાં રે, સરવે હાટે પડી હડતાલ જો;
મોટા મોટા રુવે સુંણી શેઠીયા રે, રુવે વૃદ્ધ જોબન ને બાળજો. કે. ૧૦
જે સુણે તે મુખે હાય હાય કરે રે, આજ થયો કાળો કેર જો;
દૈવ શું ગમીયું તુજને રે, તુજને કાંઈ ન આવી મેર જો. કેશવ. ૧૧
પછી વિમાન જરીનું બનાવીયું રે, ઊપરસોનાં શિખર ઘાલ્યાં જો;
મધ્યે મહારાજને પધરાવીને રે, ઊત્સવકરતા સરવે ચાલ્યા જો.કે. ૧૨
થાય ઊછવમાં રુદન અતિ રે, સૌનાં કંપે થર થર કાય જો;
ધિર ધરી શકે નહિ અંતરે રે, વાજાં હાથેથી પડી જાય જો. કે.૧૩
આગળ સોનામહોરો ઊડે ઘણી રે, અન્નનાં ગાડાં ઊભી વાટ જો;
આવી રીતે ઊત્સવ કરતા રે, ગયા નારાયણને ઘાટ જો. કે. ૧૪
ચંદન ચિત્તામાં પધરાવીને રે, દીધો અગ્નિ કેરો દાહ જો;
સંતહરિજન સૌ રુદન કરે રે, કહે આજ અમારાં અભાગ્ય જો . કે.૧૫
સ્નાન કરી પછી સૌ ચાલીયા રે, આવ્યા મંદિરમાં તત્કાળ જો;
સુનુ મંદિર જોઈને નજરે રે, ઊઠી અંતર સૌને ઝાળ જો. કે. ૧૬
વરણી પાળા હરિજન સંતને રે, આંખે આંસું નવ સુકાય જો;
ધીર ધરી શકે નહિ અંતરે રે, વારે વારે હૈયાં ભરાય જો. કે. ૧૭
રામશરણજી જોવા કારણે રે, આવ્યા દૂર થકી ઘણે સ્નેહ જો;
સુંણી મૃત્યુ શ્રવણે ભાઈનું રે, તુરત ત્યાગી દીધો દેહ જો.કે. ૧૮
સુનો મેડો શૂળી સમ થયો રે, વળી જાણે કાળો વ્યાલ જો;
ગાદીતકીયો ગાડી ગાદલું રે, ઢોલીયો દેખી ઊઠે ઝાળ જો. કેશ. ૧૯
સર્વે સુનુ લાગે સર્વેને રે, મેડો મંદિર ખાવા ધાય જો;
દાઝે ચિંતાએ તનડાં ઘણાં રે, પળએક કલપ સરીખી જાય જો. કે.
દેશ વિદેશ જન સુંણી વારતા રે, પડે પૃથ્વી પર તત્કાળ જો;
આંખે આંસુની ધારા વહે રે, ઊઠે અંતર દુઃખની ઝાળ જો. કે.૨૧
સર્વે ગુણ સંભારે તેમના રે, ધીરજ ધારી દયા અપાર જો;
શાસ્ત્ર પુરાણમાં જાણે ઘણું રે, જાણે વેદ તણો વળી સાર જો. કે.૨૨
આવી સંત સભામાંહી બેસતાં રે, કરતા જ્ઞાન ધરમની વાત જો;
બોલે શ્લોક મુખેથી અતિઘણા રે, થાય શાસ્ત્રી સુંણી રળિયાત જો.કે. ૨૩
મોટા રાજા રૂડી રીતીથી રે, તેડાવે કરી બહુ તાણ જો;
તનધન સર્વે સાપી આપણું રે, થઈરહે તેમના વેચાણ જો. કેશ. ૨૪
કેશવ જશ વિસ્તારીયો જગતમાં રે, દીધો ડંકો દેશો દેશ જો;
કવિજન ઊપમા તે નવ કહી શકે રે, કેતાં પાર ન પામે શેષ જો. કે. ૨૫
એવા ગુણ સંભારી એમના રે, આવે સોનાં હૈયાં ભરાય જો;
નેણે ધારા છૂટે નીરની રે, ધ્રૂજી ધરણીએ પડી જાય જો. કેશ. ૨૬
શ્રીજી તમને તે શું ગમીયું રે, કર્યો કેવો આજ વિચાર જો;
સ્થંભ ઊખાડીને સત્સંગનો રે, સૌને કર્યાં નિરાધાર જો. કે. ૨૭
સ્વામી તમને ગમીયું તે ખરું રે, એમાં નથી અમારો ઊપાય જો;
દયાકરી સૌ સત્સંગીની રે,કરજો કઠણ સમયમાં સાર જો.કે. ૨૮
સારો સંપ થાય બેય દેશમાં રે, એવી સૌને બુદ્ધિ દેજો જો;
બદ્રિનાથ કહે કર જોડીને રે, મુજને વેલો તેડી લેજો જો. કેશ. ૨૯