મહિમા કહું રે મોટા ધામનો, સુંણો સર્વે રે જન (૧)

Submitted by swaminarayanworld on Mon, 18/04/2016 - 10:35pm

 

રાગ ધોળ

પદ - ૧

મહિમા કહું રે મોટા ધામનો, સુંણો સર્વે રે જન;

પ્રતિત જાણિને અંતરે, સત્ય માનજો મન. મહિમા. ૧

છપૈયા શહેર સોહામણું,જનમ્યા જયાં ઘનશ્યામ;

સર્વે ધામમાં શિરોમણિ, ધામ છપૈયા ગામ. મહિમા. ૨

મંદિર ત્યાં અતિ ઓપતું, શોભા કહિ નવ જાય;

હરિજન હજારો હલકિને, દોડી દરશને જાય. મહિમા. ૩

શિખર મંદિરનાં ત્રણ છે, ઉંચાં અડ્યાં ગગન;

જરિની ધજાએા ફરફરે, જોઈ થઈએ મગન. મહિમા. ૪

હાથણિયુંને હૈયારખિ, પગથિયાની હાર;

બેઊ બાજુ પર દેવ છે, તે તો શોભે અપાર. મહિમા. ૫

ભોળા ભવાનીને ગણપતિ, વળી દિપે દિનેશ;

હનુમાન રહે હજુરમાં, ગદા લૈને હમેશ. મહિમા. ૬

મંડપ મણિમય બાંધ્યો, બાંધિ હાંડિની હાર;

લીલી પિળીને નવરંગિ, ગણતાં આવે ન પાર. મહિમા. ૭

ઝમરખ તે ખલકે ઘણા, દિપે દિવા અનેક;

એહ આદિ શોભા મંદિરની, કેતાં આવે ન છેક. મહિમા. ૮

પહેલા દેવળમાં જે દેવ છે, કહું તેહનાં નામ;

રાધા કૃષ્ણ વાસુદેવને, જોઈ થાઈએ નિષ્કામ. મહિમા. ૯

મધ્યના મંદિર આગળે, ઊભા બે ચોપદાર;

કનક છડી લઈ કરમાં, કરે જય જય ઊચ્ચાર. મહિમા. ૧૦

રતન સિંહાસન ઊપરે, રાજે સુંદર શ્યામ;

અખિલ લોકના અધિપતિ, નામ છે ઘનશ્યામ. મહિ. ૧૧

માધુરી મૂરતિ માવની, હસે મુખથી મંદ;

શોભા જોઈ શણગારની, થાય અતિ આનંદ. મહિમા. ૧૨

જામો જરિનો ઝગમગે, રૂડિ ચાળ વિશાળ;

સોનેરી બુટ્ટાએ શોભતો, પેર્યો છે સુરવાળ. મહિમા. ૧૩

મુગટ મણિમય માથડે, ખંભે સુંદર સાલ;

કનક સોટી શોભે કરમાં, વળી રેશમી રુમાલ. મહિમા. ૧૪

કંઠમાં ઉતરી ઓપતી, પેરી પ્રાણ આધાર;

ગંઠો મોતી દામ દમકે, હૈયે ચંદન હાર. મહિમા૦ ૧૫

વેઢ વીંટી કડાં સાંકળાં, બાંધ્યા બાજુ બે બાંય;

ચરણમાં ઝાંઝર ઝમકે, શોભા કહી નવ જાય. મહિમા૦ ૧૬

કાનમાં કુંડળ લળકે, રૂડે નંગ જડાવ;

ચમર ઢળે શિર શ્યામને, શોભે નટવર નાવ. મહિમા૦ ૧૭

ભક્તિ ધરમ દ્રઢ ભાવથી, સદા રહે સંગાથ;

પ્રદ્યુમન માન મૂકીને, ઊભા જોડી બે હાથ. મહિમા૦ ૧૮

ત્રીજે મંદિર રામ રેવતી, હરિકૃષ્ણ કહેવાય;

એ આદિ મૂરતી દશને, રાખો રૂદિયા માંય. મહિમા. ૧૯

છપૈયે જઈ ઘનશ્યામનાં, જેણે કર્યાં દરશન;

ધન્ય ધન્ય તેહ જનને, કર્યું કુળ પાવન. મહિમા. ૨૦

જન્મ સ્થાન જે જને જોયું, કહું તેને છે ધન્ય;

ધન્ય ધન્ય તેની માતને, તેના તાતને ધન્ય. મહિમા. ૨૧

નારાયણસર નાઈને, છપૈયામાં લે છાપ;

તેજ સમે તે પ્રાણીનાં, જાય સમુળાં પાપ. મહિમા. ૨૨

અડસઠ તિરથ આવીને, કર્યો છપૈયે વાસ;

તેત્રીશ કોટી દેવતા, રહે કરી ઊલાસ. મહિમા. ૨૩

એવા તિરથમાં જે જન ગયો, પ્રિતે કરી એક વાર;

ઈકોતેર કુળ તેહનાં, પામે ભવ જળ પાર. મહિમા. ૨૪

મહિમા અપરંપાર છે, તેહ ધામનો આજ;

ભવ બ્રહ્માદિક ગાય છે, ગાય સંત સમાજ. મહિમા. ૨૫

જે જન શીખે ને સાંભળે, ગાશે કરીને પ્યાર;

દાસ બદ્રિનાથ એમ કહે, સેજે તરશે સંસાર. મહિમા. ૨૬

Facebook Comments