રાગ ધોળ
પદ - ૧
મુકુંદ મુનેરે મેલી ગયા, કરી કઠણ મન;
દયા ન આવી દિલમાં, મેલ્યાં અધવચ વન. મુકુંદ. ૧
આશા મનમાં એવી હતી, જાણું લઈ જાશે સાથ;
નહિ તો ઝાઝુ પોતે આંહી રહી, સુખીયા કરશે અનાથ. મુકુંદ. ૨
પહેલી પ્રિતી તો બહુ કરી, સદા રાખીને પાસ;
કેમ ઉતારી રે આ સમે, અમથી થઈને ઊદાસ. મુકુંદ. ૩
બહુ રે દયાળુ છો તમે, કઠણ થયા કેમ આજ;
દાસ જાણીને પોતાંતણા, રાખો મેર મહારાજ. મુકુંદ. ૪
તમ રે વિના ગમતું નથી, કહીયે કેને જઈ વાત;
હેત વચન કહી મુજને, કીધો વિશ્વાસઘાત. મુકુંદ. ૫
આસન સુનું રે દેખીને, થાય ઊદાસ મન;
મંદિરમાં ગમતું નથી, દાઝે ચિંતાયે તન. મુકુંદ. ૬
મુકુંદ કંદ તમે સુખ ન દીઘું, દીધું દુઃખ અપાર;
તમને ઘટે નહિ નાથજી, દયા આણો લગાર. મુકુંદ. ૭
ઓચિંતાના ચાલી નિસર્યા, માની એકનાં વચન;
અમને મેલ્યાં તમે રડતાં, એવું ન ઘટે જીવન. મુકુંદ. ૮
કર બે જોડી વિંનતી કરી, દાસ કહે બદ્રિનાથ;
કૃપા કરી મુજ ઊપરે, સદા રાખો સંગાથ. મુકુંદ. ૯