૬. વંગડીમાં ડુંગરજીને મરચાંનો ગ્રાસ આપ્યો, રસ્તામાં ઐશ્વર્ય બતાવ્યું, મેરાઈવાડીમાં થઈ તેરા, કાળાતળાવ, રામપર, દહીંસરા થઈ ભુજ આવ્યા.

Submitted by swaminarayanworld on Tue, 03/05/2016 - 3:19pm

અધ્યાય-૬

માનકુવાને વિષે સુતાર નાથાને ઘેર ઉતર્યા. અને શ્રીહરિ હંમેશાં નાથાને ઘેર ભોજન કરતા. ભોજનમાં મરચાંનો અર્ધાશેરનો ગોળો નિત્ય જમતા. એક દિવસ શ્રીજીમહારાજ જમવા બેઠા તે સમયે દંઢાવ્ય દેશના રાજપુત ડુંગરજી શ્રીહરિને દર્શને આવ્યા. દંડવત્‌ પ્રણામ કરીને બારણાની સાખ પકડીને ઊભા રહ્યા. પછી શ્રીજીમહારાજે કુશળ સમાચાર પૂછ્યા ને કહ્યું. ‘આ પ્રસાદ જમશો ?’ એમ કહીને થોડોક બાજરાનો રોટલો ને એક ગ્રાસ મરચાંનો લાડુ આપ્યો. તે પ્રેમે કરીને લીધો. પ્રથમ ડુંગરજીએ મરચાંનો ગ્રાસ ભર્યો. તેથી અતિશય મોઢું બળ્યું તેણે કરીને દેહની શુધ્ધિ રહી નહી. પછી શ્રીજી મહારાજે પોતાને હાથેથી ગાયનું તાજું ઘી જમાડ્યું. તેણે કરીને શાંતિ વળી. પછી ફરી વાર શ્રીજીમહારાજે જમવા બેસાડ્યા. ને દાળને રોટલો આપ્યો. એટલે જમતાં જમતાં સબડકો બોલ્યો. ત્યારે શ્રીહરિએ કહ્યું, ‘સબડકો બોલાવ્યા વિના એમને એમ જમો. ત્યારે ડુંગરજીએ કહ્યું, ‘હે મહારાજ ! એ વિના ગળે ઉતરતું નથી.’ એ વખતે શ્રીજીમહારાજે કહ્યું, ‘સબડકો લેવો એ પણ એક સ્વાદ છે.’ પછી ડુંગરજીભાઇ જમીને ઊઠ્યા તે કેડે શ્રીહરિએ પોતાની થાળીમાંથી નારાયણજી સુતારને પ્રસાદ આપ્યો. એ પછી શ્રીહરિએ ત્યાંથી ચાલવાની ઇચ્છા કરી. ત્યારે નાથા સુતારનાં માતાજીએ કહ્યું કે, ‘આ નાથાને તમો ઘોડા સાથે લઇ જાઓ, તે રામપુરથી ઘોડું લઇને પાછો આવશે.’ ત્યાંથી શ્રીહરિ ઘોડે બેસીને ચાલ્યા. નાથો પણ સાથે હતો. અને રસ્તામાં સ્વામિનારાયણ ભગવાન નાથાને ઇશ્વરની વાતો કરતા કરતા માર્ગમાં ચાલ્યા. ત્યારે નાથો કહે, ‘હે મહારાજ ! તમો ભગવાન છો ?’ ત્યારે મહારાજ કહે, ‘હું ભગવાન નથી. અમે તો સંત છીએ.’ એમ સંવાદ કરતા કરતા ગામ વંગડીએ ગયા.

ત્યાં તળાવને કાંઠે દેરી ઉપર મહારાજ ઉતર્યા ને નાથાને કહ્યું, ‘ઘોડીને પાણી પાઈ આવો. ત્યારે નાથો ઘોડી ઉપર બેસીને, પાણી પાવા ગયો. તળાવમાં ખામણું હતું, તેમાં ઘોડી સહિત નાથો પડી ગયો. અને ચોતરફ પાણી ફરી વળ્યું. ત્યારે શ્રીજી મહારાજે પોતે બેઠા હતા ત્યાંથી હાથ લાંબો કરીને ઘોડીને પેટ હેઠે હાથ રાખીને ઘોડી સહિત નાથાને પાણીથી બહાર કાઢ્યો. ત્યારે નાથો ઘોડી બાંધીને સરક હાથમાં લઇને અને સરકને ચોવડી કરીને મહારાજ પાસે આવીને કહે, ‘હે મહારાજ ! તમે કહેતા હતા કે, હું ભગવાન નથી, પણ તમે જ છત્રી ઉપરથી હાથ લાંબો કરીને ઘોડી સહિત મને પાણીથી બહાર કાઢ્યો. જેમ રામચંદ્રજી ભગવાન પૂરી જમતા હતા, તે વખતે તેમના હાથમાંથી કાગભૂષંડી પૂરી લઇને ચાલ્યા, તેને કેડે રામચંદ્રજીએ હાથ લાંબો કર્યો ને બ્રહ્માંડને વિષે કાગભૂષંડીને ફેરવ્યા. તેવી જ રીતે તમે હાથ લાંબો કરીને મને તળાવમાંથી બહાર કાઢ્યો. માટે કહો, હું ભગવાન છું. નહિ તો હું આ સરકેથી મારું છું, ત્યારે શ્રીહરિ કહે, ‘મારીશ માં, હું ભગવાન છું. પછી નાથો સુતાર કહે, ‘શાસ્ત્રમાં ચૌદ રત્નો કહ્યાં છે’ માર પંદરમું રત્ન છે. તે જુઓને ! પહેલાં ભગવાન નોતા કહેતા; પણ હવે કહેવું પડ્યું.

પછી મહારાજે રામપુરની વાડીમાં જવાની ઇચ્છા કરી નાથાને ઘોડી આપીને માનકુવે પાછો મોકલ્યો. ત્યાંથી મહારાજ ચાલ્યા તે મેરાઇ વાડીએ દિવસ પહોર પાછલો હતો ત્યારે પધાર્યા, અને કુંડી ઉપર શ્રીહરિ જઇને ઊભા રહ્યા. તે સમયે શ્રીહરિએ હસ્તમાં કમંડલુ ધારણ કર્યું હતું અને ખભા ઉપર મૃગચર્મ ધારણ કર્યું હતું. અને શાલિગ્રામ ને બાલમુકુંદનો બટવો કંઠને વિષે ધારણ કર્યો હતો, ને મસ્તક ઉપર ભુરા બાબરીયા કેશ શોભી રહ્યા હતા, આવી સુશોભિત મૂર્તિ વાડીની કુંડી ઉપર બિરાજી રહેલી હતી. અને તે કૂવા ઉપર ત્રણ કણબી ભાઇ કોશ હાંકતા હતા. જે ત્રણનાં નામ, એક ભીમજી, બીજા ખીમજી અને ત્રીજા લક્ષ્મણ. એ ત્રણે ભાઇ કોશ ચલાવતા હતા, ત્યારે કૂવાના થાળા આગળ શ્રીહરિએ આવીને ત્રણે ભાઇઓને કહ્યું જે, ‘અમને ક્ષુધા લાગી છે, જમવા માટે રોટલો આપો.’ ત્યારે ત્રણે ભાઇઓએ કહ્યું જે, ‘હે બાવા ! રોટલો તો અમે જમીને અત્યારે કોશ જોડ્યા છે. હવે ક્યાંથી આપીએ ?’ ત્યારે શ્રીહરિએ કહ્યું, ‘આ સામે ડેલામાં, છીંકા ઉપર માટલીમાં, સાંજે જમવા સારુ રાખ્યો છે, તેમાંથી મને જમવા સારુ અડધો રોટલો આપો.’ એમ કહ્યું, બે ત્યારે ભાઇએ ના પાડી. પણ લખુએ પોતાનો રોટલો જમવા આપ્યો. પછી કોશ હાંકીને ઠાલવવા સામા ગયા. અને કોશ ઠાલવીને પાછા વળ્યા. અને મહારાજ સામી દૃષ્ટિ કરીને જોયું, ત્યારે તે સમયે મહારાજે પોતાનું મસ્તક ધુણાવ્યું, તે મસ્તકના વાળની લટો તે ત્રણેય ભાઇઓને સોનાની કિરણો તુલ્ય તેજોમય દેખાણી અને તે મહારાજની મૂર્તિ પણ તેજોમય દેખાણી તે જોઇને, ખીમજી તથા ભીમજીએ પોતાના ભાઇ લખુને કહ્યું જે, ‘તેં આ બ્રહ્મચારીને રોટલો જમવા આપ્યો તે બ્રહ્મચારી તો કામણટુમણીયો તથા જાદુગરો છે. તે જોને, આ રોટલો જમીને આપણને, જાદુ કરી બતાવ્યો અને હમણાં જ આપણને બીજા મનુષ્ય જેવા જણાતા હતા. અને અત્યારે જ સર્વે મૂર્તિ તેજોમય જટા સહિત દેખાડી. એમ વાત કરે છે ત્યાં તો મહારાજે પોતાના અંગમાંથી ફરીવાર કોટાનકોટી સૂર્ય તથા કોટાનકોટી ચંદ્રમા તથા મહાતેજ તે પણ જેના તેજમાં લીન થઇ જાય તેવી પોતાની તેજોમય મૂર્તિમાંથી તેજની કિરણો ત્રણે ભાઇઓને દેખાણી, તે મૂર્તિ કિરણો તથા તેજોમય જટા સહિત જોઇને ભીમજીભાઇ બોલ્યા જે, ‘હે લખુ ! તેં આ બાવાને રોટલો જમવા આપ્યો, તે જમીને જો વળી આપણને જાદુ દેખાડ્યા.’ એમ કહીને કોશ હાંક્યા, તે કોશના પૈયાની સામે એક આંબલીનું વૃક્ષ બહુ જ મોટું ઊભેલું હતું. તે સામું ત્રણે ભાઇઓએ કોશ હાંકતાં જોયું, ત્યાં અકસ્માત આંબલીના વૃક્ષ નીચેથી તે આંબલીના ટોચ સુધી સોંસરી બ્રહ્મચારીની મૂર્તિ તે ત્રણે ભાઇઓને દેખાણી. અને તે આંબલીની ટોચ ઉપર ચારે તરફ તેજ તેજના અંબાર છાઇ ગયા.

અને અગણિત દેવતા વિમાને સહિત દેખાણા, તથા અનંત મુક્ત તે પણ ચારેકોરે તેજના અંબારમાં દેખાણા. તેને જોઇને ખીમજી તથા ભીમજી બે ભાઇ બોલ્યા જે, લખુ ! તેં આ બ્રહ્મચારીને રોટલો ખાવા દીધો તે જમીને આપણને ફરીવાર જાદુ દેખાડ્યા, કેમ જે આ બ્રહ્મચારી હમણાં જ કુંડી ઉપર બેઠા હતા અને એટલી વારમાં આ આંબલીના વૃક્ષ ઉપર દેખાણા, એમ વાત કરતા કરતા કૂવાના થાળા પાસે ત્રણે ભાઇઓ ગયા, ત્યારે બ્રહ્મચારીએ લક્ષ્મણને કહ્યું જે, ‘પટેલ ! તમારે કાંઇ જોઇતું હોય તો માગો, અત્યારે જે માગો તે હું તમને આપું.’ એમ કહીને પૂછ્યું જે, ‘તમો કયા દેવની ઉપાસના કરો છો ?’ ત્યારે તેમણે કહ્યું જે, ‘અમારા ગામમાં મહાદેવ છે તેને માનીયે છીએ. અને વિશેષપણે કરીને તો, અહીંથી ત્રણ ગાઉં છેટે બિલેશ્વર મહાદેવ છે તેને માનીયે છીએ. તેની રુદ્રી પણ કરાવીએ છીએ. અને અમને જે કાંઇ અન્ન, વસ્ત્ર, ધન તથા પુત્રાદિક પદાર્થ જે જોઇએ તે મહાદેવ સ્વામી આપે છે, તે માટે હવે હું તમો પાસે શું માગું ? એવી રીતે લક્ષ્મણે કહ્યું. ત્યારે બ્રહ્મચારીએ તેમને કહ્યું જે, ‘હું તારું આત્યંતિક કલ્યાણ કરીશ. અને તારી સાત પેઢી સુધી તારા કુળમાં સર્વે મુક્તજીવ જન્મશે. અને સર્વે મારી ભક્તિ ઉપાસના કરશે એવો તમારો પવિત્ર પરિવાર થશે. એવી રીતે લક્ષ્મણ ભક્તને વરદાન આપીને આથમણી દિશાએ ગંગાજીના સન્મુખ ચાલ્યા ગયા. તે ગામ તેરે તથા કાળાતળાવ ગયા. અને ત્યાંથી ફરીને પાછા વીશ દિવસ ગયા પછી પાછા તે જ વાડી ઉપર તે લક્ષ્મણ ભક્તને કહી ગયા જે, ‘આ તમારો છાસટીયો પાકેલો ઊભો છે, તે હવે તરત જ ઉતાવળથી કાપી લેજો, કારણકે વરસાદ ઘણો થશે. અને નહિ કાપો તો સડી જાશે.’ એમ બ્રહ્મચારી લક્ષ્મણ ભક્તને કહીને ત્યાંથી ચાલ્યા તે ગામ રામપર ગયા.

પછી તે ભક્તે વાડીના ધણી જે ગરાસીયા તેમને કહ્યું જે, ‘છાસટીયો પાકી રહ્યો છે, તે મને રજા આપો તો વાઢી લઉં.’ ત્યારે ગરાસીયે ના પાડી, અને કહ્યું, બીજા મનુષ્યના છાસટીયા કાચા છે તે હમણાં નહીં કપાય. ત્યારે ભક્તે કહ્યું જે, ‘તમે મને છાસટીયાની ઉધડ બાંધી આપો તો હું કાપી લઉં, ને તમારી આજ્ઞા વિના, મારે ઘેર નહિં લઇ જાઉં, કારણકે મારો પાકેલ માલ બગડી જાશે, માટે ઉધડ બાંધી આપો તો સારું,’ એમ કહીને રજા લીધી. અને પોતાનો છાસટીયો કાપીને સાચવી મૂક્યો. પછી બ્રહ્મચારીના વચન પ્રમાણે ત્યાં ઘણો વરસાદ વરસ્યો. અને કોઇ મનુષ્યનો છાસટીયો એક પાટી પણ પલળ્યા વિના ન રહ્યો.

પછી બ્રહ્મચારી રામપુરને વિષે એક દિવસ રહીને ચાલ્યા તે ગામ દહીંસરાના તળાવની દક્ષિણાદિ ને નૈઋત્ય ખૂણાની પાળ છે ત્યાં આવીને બેઠા. પછી શૌચક્રિયા કરીને તથા સ્નાન કરીને જળપાન કર્યું પછી ભક્તજનો આગળ વાત કરી જે, ‘આ તળાવમાં અમે સ્નાન કર્યું છે, તે માટે આજથી આ તળાવનું નામ હરિસરોવર કહેવું. અને આ સરોવર સર્વે તીર્થ કરતાં અધિક તીર્થ છે. એવી રીતે વાત કરીને ત્યાંથી ચાલ્યા તે ભુજ આવ્યા. ને હીરજી સુથારને ઘેર ઉતારો કર્યો.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રી પુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે માનકૂવે ડુંગરજી મહારાજને દર્શને આવ્યા અને મહારાજે તેમને મરચાંનો એક ગ્રાસ આપ્યો અને માનકૂવેથી ચાલતાં રસ્તામાં ઘણું ઐશ્વર્ય બતાવ્યું. પછી ત્યાંથી ભુજ આવી સુંદરજીને ઘેર ઉતર્યા, એ નામે છઠ્ઠો અધ્યાય. ૬