અધ્યાય-૫
પછી શ્રીજીમહારાજે પાટ ઢળાવીને તે ઉપર આસન કરાવ્યું. પછી સવારમાં જેઠી ગંગારામભાઈને કહ્યું જે, “તમે કાયસ્થ લાધીબાઈને અમારી પાસે બોલાવી લાવો.” પછી ગંગારામભાઈ ત્યાં ગયા અને બાઈને કહ્યું કે, “તમે ચાલો, શ્રીજીમહારાજ બોલાવે છે.” ત્યારે લાધીબાઈ બોલ્યાં જે, અમારા ગુરુ તો રામાનંદસ્વામી છે. એટલા માટે હું મહારાજ પાસે નહિ આવું. ત્યારે ગંગારામભાઈએ તે જ પ્રમાણે આવીને મહારાજને કહ્યું. પછી શ્રીજીમહારાજે ગંગારામભાઈને કહ્યું જે, અમે કહીએ તેમ તમે જઈને કહો કે તમે રામાનંદસ્વામીના શિષ્ય છો. તેમજ મહારાજ પણ રામાનંદસ્વામીના શિષ્ય છે, માટે તમે રામાનંદ સ્વામીના શિષ્ય હો તો ગુરુભાઈના નાતે દર્શને આવો આમ કહેજો. પછી ગંગારામભાઇએ જઇને એમજ કહ્યું ત્યારે લાધીબાઇ દર્શને આવ્યાં. ને શ્રીજીમહારાજનાં દર્શન કરીને અતિ આનંદ પામ્યાં. પછી મહારાજે લાધીબાઈને સમાધિ કરાવીને અક્ષરધામમાં મોકલ્યાં. ત્યાં અધઃ ઉર્ધ્વ પ્રમાણે રહિત શીતળ અને શાંત એવો તેજનો સમૂહ, તેને વિષે રત્નજડિત રમણીય દિવ્ય સિંહાસન ઉપર વિરાજમાન, કરોડે-કરોડ મુક્તોએ સેવ્યાં છે ચરણકમળ જેમનાં એવા શ્રીજીમહારાજ, તેમનાં દર્શન કરીને હસ્તમાં જળની ઝારી લઇને શ્રીહરિની સેવામાં પડખે ઊભા રહેલા રામાનંદ સ્વામીને પણ જોયા, પછી લાધીબાઇ સ્વામીને પગે લાગ્યાં. ત્યારે રામાનંદસ્વામી બોલ્યા જે, ‘હવે મહારાજને પગે લાગો, કારણ કે અમારા જેવા તો અહીં કરોડે કરોડ મુક્ત સેવામાં રહેલા છે. આ વાત તમો સમાધિમાંથી જાગો ત્યારે તમામ ભુજના સત્સંગી આગળ કહેજો.’ પછી લાધીબાઇ સમાધિમાંથી જાગ્યાં એટલે તત્કાળ શ્રીજીમહારાજના ચરણારવિંદને નમસ્કાર કરીને બેઠાં. તેવામાં શ્રીજીમહારાજ મુખારવિંદ આડો રૂમાલ દઇને મંદમંદ હસતા થકા બોલ્યા કે, ‘અમને પગે કેમ લાગ્યાં ?’ ત્યારે લાધીબાઇએ કહ્યું જે, ‘હે મહારાજ ! તમે કૃપા કરીને અક્ષરધામમાં મોકલી, તે બહુ દયા કરી. ત્યાંની રચના જોઇ. તેજના પુંજમાં દિવ્ય સિંહાસન ઉપર તમારી મૂર્તિનાં દર્શન કર્યાં. ને કરોડે કરોડ મુક્ત તમારા ચરણારવિંદની ઉપાસના કરે છે.
રામાનંદસ્વામી પણ તમારી સેવામાં હાજર રહેલા છે. તે વખતે રામાનંદસ્વામીને પગે લાગી ત્યારે રામાનંદસ્વામીએ કહ્યું જે, હવે અમને શું પગે લાગો છો ? જે છે તે શ્રીજી મહારાજની મૂર્તિમાં છે, અને પહેલાં ત્યાં હતા ત્યારે અમોએ તમોને કહ્યું હતું કે અમો ડુગડુગી વગાડીએ છીએ અને વેષ ભજવનારા તો વાંસે આવે છે. તે વાતને શ્રીજીમહારાજે સત્ય કરી છે. એમ રામાનંદસ્વામીએ ધામને વિષે મને કહ્યું તેમજ છે. મેં તો સમાધિમાં એવું દીઠું જે, શ્રીજીમહારાજ અક્ષરાતીત અને અવતારના અવતારી, ઇશ્વરના પણ ઇશ્વર, દેવના પણ દેવ, ઉત્પતિ-સ્થિતિ-પ્રલયના કર્તા અને સર્વે જીવપ્રાણી માત્રના કર્મફળ પ્રદાતા છે. એવું લાધીબાઇનું વચન સાંભળીને શ્રીજી મહારાજ બહુજ પ્રસન્ન થયા અને સર્વે સત્સંગીઓ પણ એ વાતને સાંભળીને સત્ય માનવા લાગ્યા. અને પછી સુતાર સુંદરજીભાઇ તથા હીરજીભાઇ પોતાને ઘેર થાળ કરાવીને શ્રીજી મહારાજ આગળ આવીને ઊભા રહ્યા. અને હાથ જોડીને બોલ્યા, ‘હે મહારાજ! જમવા પધારો, ત્યારે મહારાજ જમવા પધાર્યા. ને જમીને જળપાન કરી મુખવાસ લીધો. પછી શ્રીજીમહારાજે પોતા ભેળા સાધુ તથા પાળા તથા સત્સંગીઓને પણ જમાડ્યા. અને આસને આવીને વિરાજમાન થયા. પછી શ્રીજીમહારાજે ઘણીક વાતું કરી, તે વાતું સાંભળીને સર્વે સત્સંગીનાં નાડી પ્રાણ ખેંચાઇ ગયાં અને સ્થિર થઇ ગયા. હાલવા ચાલવાને પણ સમર્થ ન થયા. પછી શ્રીહરિએ કહ્યું જે, તમો સર્વે હરિભક્તો જમવા જાઓ. પછી સત્સંગી સર્વે બોલ્યા જે આપની વાતું સાંભળીને ભૂખ-તરસ સર્વે નાશ પામી ગઇ છે અને જાણીએ જે બેઠા વાતું જ સાંભળીએ. ત્યારે શ્રીજી બોલ્યા, જમીને વહેલા આવજો; અમે વાતું કરવા સારુજ આવ્યા છીએ તે વાતું કરશું, ને સર્વે સાંભળજો. પછી સર્વે સત્સંગી જમવા ગયા. જમીને પાછા આવ્યા ને વાતું સાંભળવા લાગ્યા.
એક દિવસ શ્રીહરિ સગડી કરાવીને તાપતા હતા, તે સમયે લાધીબાઇ દર્શને આવ્યાં, તેજ વખતે સમાધિવાળો દંભી વૈરાગી આવ્યો. તેણે ઘણો દંભ કરવા માંડ્યો, એજ વખતે લાધીબાઇને સમાધિ થઇ. પછી શ્રીજીમહારાજે સગડીમાંથી પકડીને ધગધગતા કોલસા ચીપિયાથી બાઇના કાંડા ઉપર મૂક્યા, તેણે કરીને કાંડામાં ખાડા પડી ગયા. પછી સમાધિવાળો દંભી વૈરાગી તે જોઇને નાસી ગયો. ને તે સમયે સુતાર નારાયણજીભાઇ પાસે હતા અને સુતાર હીરજીભાઇનાં સ્ત્રી અમરબાઇ દર્શને આવ્યાં, તે લાધીબાઇના હાથ ઉપર કોલસા જોઇને ઘણાં વિસ્મય પામ્યાં. પછી શ્રીજીમહારાજને વઢવા લાગ્યાં, આ શું કર્યું ? શ્રીજી હસતા થકા બોલ્યા, ‘તમે એને જગાડો.’ ત્યારે બાઇએ જગાડવાની બહુ મહેનત કરી કાનમાં મોઢું ઘાલીને બૂમો પાડી, તોય પણ બાઇ જાગ્યાં નહિ. પછી અમરબાઇએ શ્રીજીને કહ્યું, આવો પાખંડ કરશો તો તમારા નવા સત્સંગી કોઇ નહિ થાય. પછી સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, ‘જેમ નારાયણની ઇચ્છા હશે તેમ થાશે.’ પછી શ્રીહરિએ લાધીબાઇને સમાધિમાંથી જગાડ્યાં ને પૂછ્યું, તમને કાંઇ પીડા થાય છે ? તો કહે, ‘ના મહારાજ. મને તો કાંઇ નથી થાતું.’ પછી શ્રીહરિએ કહ્યું, તમારા કાંડા ઉપર શું થયું છે ? ત્યારે લાધીબાઇ હાથ સામું જોઇને હસવા લાગ્યાં. ત્યારે ફરીવાર શ્રીજીમહારાજે પૂછ્યું, હવે કાંઇ જણાય છે ? ત્યારે લાધીબાઇ બોલ્યાં જે, ‘થોડી થોડી પીડા જણાય છે. પણ મહારાજ ! તમને જોઇને સર્વે પીડા નાશ થઇ ગઇ છે. પછી સુતાર હીરજીને ઘરેથી મલમની પટ્ટી મંગાવીને ઉપર લગાવી.
શ્રીહરિ નિત્યે તાંસળી ભરીને મીંઢી આવળ પીતા, અને તે ઉપર ખાટી આંબલીની તાંસળી પીતા. એમ ઘણાક દિવસ સુધી પીધું. પછી તે બંધ કરીને તીખાં લવિંગિયાં મરચાંનો ગોળો નિત્યે જમતા, એમ ઘણા દિવસ સુધી જમ્યા. પછી ચૈત્ર માસમાં આંબાની કાચી કેરી ત્રણ શેર પોતે હાથે સુધારીને તેમાં મીઠું નાખીને જમતા. ત્યાર પછી અષાઢ માસને વિષે શ્રીજી મહારાજ ખાટાં લીંબુ ૨૦૦ બસો ચુંસતા. એવી ઘણી ઘણી લીલા ભુજમાં કરતા. એક વખત સુતાર હીરજીભાઇના વિશાળ ચોકમાં દ્રાક્ષના માંડવા નીચે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, સર્વે શ્વેત વસ્ત્રો ધારણ કર્યાં હતાં અને પુષ્પના ઘણાક હાર કંઠને વિષે ધારણ કર્યા હતા, અને કોઇક દિવસ પુષ્પનો મુગટ ધારણ કરતા. એક સમયને વિષે શ્રીહરિ પાટ ઉપર પોઢ્યા હતા. તે સમયે ઠક્કર મુળજી ભક્ત શ્રીજીમહારાજના હાથ-પગ હળવે હળવે ચાંપતા હતા, ત્યારે શ્રીહરિએ કહ્યું જે, ભાર દઇને ચાંપો. એ વખતે મુળજીએ કહ્યું હું ભાર દઇને ચાંપું તો આપને વસમું લાગે, તે સારુ ધીમે ધીમે ચાંપું છું. ત્યારે શ્રીજીમહારાજે આજ્ઞા કરી જે, જેટલું તમારામાં બળ હોય તેટલા જોરથી ચાંપો. પછી ઠક્કર મુળજીએ ઘણા જોરથી મહારાજના હાથ-પગ દાબ્યા, પરંતુ મહારાજને કાંઇ થયું નહીં, મુળજી તો પરસેવેથી રેબઝેબ થઇ ગયા. થાકીને બોલ્યા જે, હે મહારાજ ! મેં તમને આજ ખરેખર ભગવાન જાણ્યા, અને મારો સંશય માત્ર ટળી ગયો. એવી રીતે ભુજનગરને વિશે ઘણીક લીલાઓ કરીને શ્રીહરિ માનકુવે પધાર્યા.
ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે, શ્રી પુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજે ભુજમાં લાધીબાઇને સમાધિ કરાવી, પોતાનાં શિષ્ય કર્યાં અને માનકુવે પધાર્યા, એ નામે પાંચમો અધ્યાય. ૫