૧૮ ભુજમાં ઘણીક વાતો કરી તથા પાકશાળામાં બે સ્વરૂપે દર્શને આપ્યાં તથા અન્નકૂટનો ઉત્સવ કર્યો.

Submitted by swaminarayanworld on Tue, 03/05/2016 - 7:54pm

અધ્યાય-૧૮

દિવાળીને દિવસે પ્રાતઃકાળમાં શ્રીજીમહારાજ ઊઠીને સર્વે સંતોહરિ ભક્તોને સાથે લઇને હમીર સરોવરમાં સ્નાન કરવા પધાર્યા. ત્યાં પોતાનાં વસ્ત્રો કાંઠે ઉતારીને સખા સહિત જળમાં પ્રવેશ કર્યો અને ઘણીક જળલીલા કરીને પછી બહાર નીકળીને પોતાનાં વસ્ત્રો ધારણ કરીને તૈયાર થયા. ત્યાં તો મુનિઓ તથા હરિભક્તો પણ તૈયાર થયા ને શિવરામ મહેતાએ સુંદર સાજ સજીને હરડી ઘોડી લાવીને, મહારાજ આગળ ઊભી રાખીને મહારાજને પ્રાર્થના કરી જે, હે મહારાજ ! ઘોડી ઉપર બિરાજો. ત્યારે મહારાજ ઘોડી ઉપર વિરાજમાન થયા. ને નાના પ્રકારનાં વાજાં વગાડતા ને કીર્તન બોલતા સર્વે હરિભક્તો ચાલવા લાગ્યા. ને મહારાજ પણ મંદ મંદ હસતા હસતા અમૃતની દૃષ્ટિએ જોતા થકા ધીરે ધીરે ઘોડીને ચલાવવા લાગ્યા. એવી રીતે ભુજનગરના સર્વે હરિભક્તોને આનંદ પમાડતા પોતાને ઉતારે આવ્યા. ને ઘોડીથી હેઠા ઉતરીને પાટ ઉપર વિરાજમાન થયા. પછી મુળજી બ્રહ્મચારી બોલાવવા આવ્યા, તે ભેળા જમવા પધાર્યા. ને સૌ હરિભક્તોને જમાડીને મહારાજ પોઢી ગયા. ને ત્રીજા પહોરને વખતે જાગીને પછી સભા કરી. સર્વે સંતો-હરિભક્તો તથા બીજા સર્વે જનો સભામાં આવીને બેઠા, તે સર્વેને શ્રીહરિએ ઘણીક ધર્મ સંબંધી વાર્તા કરી.

પછી સાયંકાળ થયો ત્યારે મહેતા શિવરામે તથા મહેતા હરજીવને સુંદર દીપમાળા પુરાવી ને તેની મધ્યે પાટ ઉપર મહારાજને બેસાર્યા. શ્રીહરિને સુંદર જરીયાની વસ્ત્રો ધારણ કરાવીને પૂજા કરીને આરતી ઉતારી. પછી સર્વે જનો મોટો ઉત્સવ કરવા લાગ્યા. દશ વાગ્યાને સમયે ઉત્સવની સમાપ્તિ કરીને સર્વેને શ્રીજીમહારાજે પ્રસાદીનાં પતાસાં આપ્યાં ને શ્રીહરિ થાળ જમીને પોઢી ગયા. પ્રાતઃકાળમાં ઊઠીને સંતો, બ્રહ્મચારી, પાર્ષદો તથા સખાઓને સાથે લઇને રામકુંડમાં સ્નાન કરીને પાછા પોતાને ઉતારે પધાર્યા ને પોતાનું નિત્યકર્મ કરવા માટે સુંદર આસન ઉપર પૂર્વ મુખે બેઠા. ત્યાં પ્રાગજી પુરાણી મહારાજ પાસે આવીને નમસ્કાર કરીને કહેવા લાગ્યા જે, હે મહારાજ ! ભાત, દાળ, શાક આદિક સર્વે પ્રકારનાં ભોજન તૈયાર થઇ ગયાં છે. એમ કહીને બેઠા. ત્યાં તો લાધીબા આવ્યાં ને મહારાજને પંચાંગ નમસ્કાર કરીને કહેવા લાગ્યાં જે, હે મહારાજ ! અન્નકૂટની સર્વે સામગ્રી તૈયાર થઇ ગઇ છે માટે તમો પધારો.

પછી મહારાજ પ્રાગજી પુરાણીને સાંભળતાં લાધીબાઇને કહેવા લાગ્યા જે, તમો સર્વે પકવાન ભરીને થાળ તૈયાર કરો. અમે અન્નકૂટ ભરવા સારુ આવીએ છીએ. એમ કહીને લાધીબાને મહારાજે મોકલ્યાં. ને પ્રાગજી પુરાણીને પણ કહેવા લાગ્યા જે, તમો સર્વે તૈયાર થઇ રહેજો, અમો અન્નકૂટ ભરવા માટે આવીએ છીએ. ત્યારે પ્રાગજી પુરાણી પણ પાકશાળામાં ગયા; ને મહારાજ પોતાનો નિત્યવિધિ પૂરો કરીને સુંદર શ્વેત વસ્ત્રો ધારણ કરીને પોતાના પાર્ષદો તથા સખાઓને સાથે લઇને પોતાના ઉતારાથી બહાર નીકળ્યા. પછી મહારાજ બે સ્વરૂપે થયા. એક સ્વરૂપે પાર્ષદોને સંગાથે લઇને બાઇઓની પાકશાળામાં પધાર્યા, ને બીજે સ્વરૂપે સર્વે સખા-પાર્ષદોને સંગાથે લઇને ભાઇઓની પાકશાળામાં પધાર્યા. તે વખતે બાઇઓ જાણે જે, મહારાજ પ્રથમ આપણી પાકશાળામાં પધાર્યા છે. ને ભાઇઓ જાણે જે, મહારાજ પ્રથમ આપણી પાકશાળામાં પધાર્યા છે એમ જાણ્યું. પછી શ્રીજી મહારાજે ભાઇઓની પાકશાળામાં બાલમુકુંદજીની મૂર્તિને સિંહાસન ઉપર પધરાવીને તેમના આગળ પ્રથમ સુંદર સોનાના થાળમાં દૂધપાક, બાસુંદી, શીખંડ, સાકરનો શીરો, કેસરીયો બિરંજ, મોહનથાળ, મેસુબ, સક્કરપારા, બરફી, પેંડા, મોતીયા, જલેબી, સુતરફેણી, ઘેબર, બરફીચુરમું, શેવો, કેળાં રોટલી, રસરોટલી, મગદળ, મગજ, દળના લાડુ, સાકરના ચુરમાના લાડુ, જાજરીયાના લાડુ, બદામ પાક, ગુલાબપાક, પીસ્તાપાક, સાલમપાક, સાકરનો કંસાર, પૂરણપોળી, માલપૂવા, મોળા ગાંઠીયા, કઢી, ફૂલવડી, અનેક પ્રકારનાં ભજીયાં, તથા સુરણ, રતાળું, દૂધી એ આદિક અનેક પ્રકારનાં શાક, તથા દ્રાક્ષ, ખારેક, સુરણ એ આદિક અનેક પ્રકારનાં રાયતાં, તથા મેથી, મોગરી, મૂળા, સૂવા, તાંદળજો એ આદિક અનેક પ્રકારની ભાજી, તથા તુવેર, મગ, અડદ, ચણા, વાલ એ આદિક અનેક પ્રકારની દાળ, તથા વઘારેલા ચણા, વટાણા, વાલ આદિકના લીલવા, તથા ચોખા, અડદ આદિના પાપડ, તથા મેથીયાં કેરી, તથા રાઇતિ કેરી, ગોળ કેરી, બોળ કેરી, લીંબુ, ગરમરૂ, આદુ આદિક અનેક પ્રકારનાં અથાણાં તથા પીશોરી, ત્રિપાંખાળી, જીરાસાર આદિક અનેક પ્રકારના ભાત, દહીંની કઢી, આદિક અનેક પ્રકારનાં ભોજન, વ્યંજન તેને ધર્યાં, ને મોટો થાળ બોલ્યા. તે સમયને વિષે સર્વે જનોને જોતાં બાલમુકુંદજીની મૂર્તિ શ્રીહરિને વિષે લીન થઇ ગઇ.

મહાતેજોમય આશ્ચર્યકારી ને દ્વિભુજરૂપે શ્રીહરિ સર્વે અન્નકૂટ જમે છે, એવાં સર્વે જનોને દર્શન થયાં. તે સમયને વિષે અનંત મુક્તો દિવ્યરૂપે કરીને શ્રીહરિની પ્રસાદી લેવા આવ્યા. તે સમયે શ્રીજીમહારાજે, જે જેના ઉપાસકો હતા તેને તેના ઇષ્ટદેવરૂપે દર્શન દીધાં. તેમાં જે રામચંદ્રના ઉપાસક હતા, તેમણે ગરૂડ ને વિષ્વક્‌સેનાદિક પાર્ષદે સહિત રામચંદ્રજી રૂપે દેખ્યા. ને જે શ્રીકૃષ્ણના ઉપાસક હતા, તેમણે નંદ-સુનંદાદિક પાર્ષદે સહિત શ્રીકૃષ્ણરૂપે દેખ્યા. તે સિવાયના બીજાઓએ પણ પોતપોતાના ઇષ્ટદેવરૂપે દેખ્યા. એવાં શ્રીહરિનાં અલૌકિક દર્શન કરીને તેમણે શ્રીહરિનો અનન્ય આશ્રય કર્યો. એ જેવી રીતે ભાઇઓની પાકશાળામાં શ્રીહરિએ બાલમુકુંદની મૂર્તિ આગળ અન્નકૂટ પૂરાવીને તે મૂર્તિને પોતાની મૂર્તિને વિષે લીન કરીને અનેક આશ્ચર્યકારી દર્શન દીધાં હતાં, તેવી જ રીતે બાઇઓની પાકશાળામાં પણ, એકજ સમયમાંજ એવાં દર્શન આપ્યાં હતાં. તે દર્શન કરીને સર્વે પોતાનાં ભાગ્ય માનવા લાગ્યાં. આવી રીતે મહારાજે બેય પાકશાળામાં જમીને જળપાન કરીને ભક્તે આપ્યો જે મુખવાસ તેને અંગીકાર કરીને પછી એક સ્વરૂપે થઇને સભામાં પાટ ઉપર આવીને વિરાજમાન થયા. પછી સંતો તથા પાર્ષદોને જમવાની મહારાજે પંક્તિ કરાવીને વારંવાર પીરસીને અતિ હેતે કરીને જમાડ્યા; ને હરિભક્તોની પંક્તિ કરાવીને તેમને પણ જમાડ્યા. સર્વે સંતો જમીને ઉતારે ગયા ને હરિભક્તો પણ પોતપોતાને ઉતારે ગયા.

ત્રીજા પહોરને વખતે મહારાજે સભા કરાવી. તે સભા મધ્યે સર્વે સંતો તથા હરિભક્તો મહારાજની પૂજા કરવા માટે પૂજાનાં પાત્ર હસ્તમાં લઇને મહારાજની રાહ જોતા હતા. ત્યાં શ્રીજી સર્વે શ્વેત વસ્ત્રો ધારણ કરીને ચાખડીએ ચઢીને પોતાના પાર્ષદોએ વિંટાણા થકા સભા મધ્યે પધાર્યા. તે સમયે લક્ષાવધિ જનો, હે મહારાજ ! જયકારી પ્રવર્તો ! જયકારી પ્રવર્તો ! જયકારી પ્રવર્તો ! એવી રીતે શબ્દ કરવા લાગ્યા. ને દેવતાઓ પણ નમઃશબ્દ, સાધુ શબ્દ, ને જય શબ્દ ઉચ્ચારણ કરવા લાગ્યા. શ્રીજીમહારાજ પણ તે શબ્દને સાંભળતા થકા, પાટ ઉપર વિરાજમાન થયા. ને પ્રથમ સર્વે સંતો મહારાજની પૂજા કરવા ઊઠ્યા. તે કેસર-ચંદન ને પુષ્પના હાર તેણે કરીને પૂજા કરી. પછી મુકુંદાનંદવર્ણી તથા મુક્તાનંદસ્વામી તથા આનંદાનંદમુનિ તથા સ્વરૂપાનંદમુનિ તથા સુખાનંદમુનિ આદિ સર્વે મુનિઓ સ્તુતિ કરવા લાગ્યા જે, હે અક્ષરપતિ ! હે સર્વાવતારી ! તમે જયકારી પ્રવર્તો. તે તમો કેવા છો તો, સર્વે બધ્ધ મુક્ત તથા ચૈતન્યવૃંદ તથા સ્થાવર જંગમ સર્વ જગત તેને વિષે મૂર્તિમાનની પેઠે વ્યાપક છો. ને તેથી વ્યતિરેકપણે અક્ષરધામને વિષે અનંત દિવ્ય મુક્તમંડળે સેવ્યા થકા નિરંતર અક્ષરધામને વિષે વિરાજમાન છો, ને અનંત જીવનાં કલ્યાણ કરવા સારુ, અનંત મુક્તે વિંટાણા થકા, મનુષ્યમૂર્તિને ધારણ કરીને પૃથ્વી ઉપર બિરાજો છો. એવા જે તમે તેમને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. એવી રીતે સ્તુતિ કરીને મુનિ સર્વે સભામાં બેઠા. અને લાધીબા તથા મહેતા શિવરામ તથા મહેતા હરજીવન તથા મહેતા નારાયણજી આદિક સર્વે મળીને મહારાજની પૂજા કરવા લાગ્યા.

તેમણે શ્રીજીમહારાજને જરીયાની સુરવાલ તથા જરીયાની બુટ્ટાદાર ડગલી તથા જરકસી પાઘ ને જરીયાની છેડાનું નવાનગરનું શેલુંએ આદિક જરીયાની વસ્ત્રો ધારણ કરાવ્યાં. ને પછી સોનાનાં કડાં તથા પોંચી અને કંઠમાં ઉતરી, ને મોહનમાળા, મોતીનીમાળા આદિક આભૂષણો ધારણ કરાવીને, કેસર-ચંદનની અર્ચા કરી. પછી સુગંધીદાર પુષ્પના હાર ધારણ કરાવીને, પછી અનેક વાટોની આરતી પ્રગટાવીને ઉતારી. પછી સર્વેએ મળીને ઘણીક સ્તુતિ કરી. પછી શ્રીજીમહારાજે હરિભક્તોને એમ આજ્ઞા કરી જે, એક એક ગામના હરિભક્તો સાથે મળીને અમારી પૂજા કરવા આવો. પણ સૌને એક સાથે ન આવવું. પછી એક એક ગામના હરિભક્તો સર્વે ભેળા થઇને, મહારાજની પૂજા કરવા સારુ સમીપે આવ્યા. ને સુંદર રેશમી વસ્ત્રો તથા જરીયાની વસ્ત્રો મહારાજને ધારણ કરાવ્યાં. ને મસ્તકે સુંદર જરીયાની પાઘ બંધાવી. ને પાઘને વિષે પુષ્પના તોરા ધારણ કરાવ્યા. પછી શ્રીહરિને કેસર-ચંદનની અર્ચા કરીને કંકુનો ચાંદલો કર્યો. પછી સુંદર સુગંધીમાન ગુલાબ, ચંપો, જાઇ, જુઇ, મોગરો, ગુલદાવદી આદિક પુષ્પના અગણિત હાર ધારણ કરાવ્યા, ને સુંદર ગજરા ને બાજુબંધ બાંધ્યા. એવી રીતે સર્વે દેશના હરિભક્તો અનુક્રમે પૂજા કરીને સૌ સ્તુતિ કરીને સભામાં બેઠા. પછી તે હરિભક્તોને મહારાજે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિના સ્વરૂપ સંબંધી વાર્તા કરીને તથા ઘણાક ચમત્કાર બતાવીને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો. ને બે-ચાર દિવસ પછી, સર્વેને પોતપોતાના દેશમાં જવાની આજ્ઞા કરી. ત્યારે તે હરિભક્તો મહારાજનાં દર્શન કરીને પોતપોતાના દેશમાં ગયા, ને સંતોને પણ મહારાજે ફરવાની આજ્ઞા કરી. તે કેટલાક સંતો ફરવા ગયા, ને કેટલાક મહારાજ પાસે રહ્યા. એવી રીતે મહારાજે ભુજનગરમાં રહીને લાધીબાને ત્યાં અન્નકૂટનો ઉત્સવ કર્યો.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજે ભુજમાં હરિભક્તોને ઘણીક વાત કરી તથા બાઇઓ-ભાઇઓની બે પાકશાળામાં, બે સ્વરૂપે દર્શન આપ્યાં તથા દેવતાઓએ તથા હરિભક્તોએ પૂજા  કરીને અન્નકૂટનો ઉત્સવ કર્યો એ નામે અઢારમો અધ્યાય. ૧૮