૨૯ ત્યાંથી ચુડા-રાણપરુ , દેરડી, દુર્ગપુર , ગુડેલ, ધોરાજી, કાલવાણી, ભાદરા, પીપળીયા, માળીયા, લાકડીયા, આધોઈ, ભચાઉ થઈ ભુજ પધાર્યા, પરમહંસની દીક્ષાની વ્યવસ્થા કરી, જેમલજીનો પ્રશ્ન જે કોની માળા ફેરવો છો તેનો ઉત્તર.

Submitted by swaminarayanworld on Wed, 18/05/2016 - 10:21pm

અધ્યાય-૨૯

જુનાગઢમાં ભેળા થયેલા સંતો અને સત્સંગીઓને કિનખાબનાં વસ્ત્રે સહિત દર્શન આપીને બ્રાહ્મણને તથા સર્વે સંતોને જમાડ્યા. ત્યાં સાધુઓની તથા પરમહંસ દીક્ષાવાળાની પોતે વ્યવસ્થા કરી. સાધુનાં મંડળોને સોરઠ દેશમાં ફરવા જવાની આજ્ઞા કરી. પરમહંસનાં મંડળોને ભેળા લઇને પોતે ગામ ચૂડા-રાણપુર આવ્યા. ત્યાંથી ગામ દેરડી પધાર્યા. ત્યાંથી ગામ દુર્ગપુર આવ્યા ને ત્યાંથી કાઠીયાવાડ થઇને ફરી સોરઠમાં ગુડેલ આવ્યા ને ત્યાંથી ધોરાજી થઇને કાલવાણી પધાર્યા. ત્યાં સાધુનાં મંડળ ભેગાં થયાં. તેમને સાધુની દીક્ષા મૂકાવીને પરમહંસની દીક્ષા ધારણ કરાવી. ને તેમનાં પાંચ પાંચ મૂર્તિનાં મંડળ કરીને દેશદેશ પ્રત્યે ફરવા જવાની આજ્ઞા કરી. પછી પોતે થોડાક દિવસ ત્યાં રહીને ત્યાંથી ગામ ભાદરામાં વિશ્રામ સુતારની ખડકીમાં એક મહિનો સુધી રહ્યા ને ત્યાં રહીને સત્સંગમાં વચન પત્ર લખ્યો જે, જે સત્સંગીઓને સાધુ થાવું હોય, તેઓ ભાઇ રામદાસજી પાસે જઇને પરમહંસ થઇને અમારી પાસે ભુજ આવજો. એમ લખીને ત્યાંના હરિભક્તોને શ્લોક, કીર્તન, વાર્તા શિખવ્યાં. ત્યાં રહીને ભાઇ રામદાસજી તથા ગોવિંદ સ્વામી પ્રત્યે જેતલપુર ગામને વિષે મહારૂદ્ર કરાવવા માટે સામગ્રી ભેળી કરવાનો પત્ર લખ્યો.

ત્યાંથી ચાલ્યા તે લાલજી સુતારને સાધુ કરવા માટે ભેળા લઇને ગામ પીપળીયે પધાર્યા. ત્યાંથી માળીયાના રણમાં ગયા. તે વખતે એક અકળ પુરુષ ત્યાં આવ્યો તેણે પાણી માંગ્યું. ત્યારે પોતાની ભૂખ-તરસ ન ગણીને તેને થોડું પાણી હતું તે પણ આપી દીધું. ત્યારે પોતાના ભક્ત જે લાલજી સુતાર તેને તરસ લાગી. ત્યારે તે ભક્ત બોલ્યા જે, હે મહારાજ ! મને તો ઘણી તરસ લાગી છે. ત્યારે મહારાજે રણમાં પાણીની સેર્ય બતાવી અને કહ્યું આ પાણી પી લ્યો. ત્યારે તે ભક્ત બોલ્યા જે, આ પાણી સર્વે ખારું છે. ત્યારે મહારાજે કહ્યું જે, આ પાણીમાં તો ગંગા-જમુનાની સેર્યુ મળે છે. તે પાણી ચાખી જુઓ ! ત્યારે લાલજી ભક્તે પાણી ચાખી જોયું ત્યારે પાણી મીઠું લાગ્યું. ત્યારે પાણી ભરીને શ્રીજીમહારાજને પાયું ને પોતે પણ પીધું. તેને તે પાણી ફરીને ચાખી જોયું ત્યારે ખારું લાગ્યું. એવી રીતે લીલા કરીને ચાલ્યા તે રણ ઉતર્યા. ત્યાં દિવ્ય દેહે રામાનંદ સ્વામી મળ્યા. તેમને નમસ્કાર કરીને ચાલ્યા તે વનમાં રાત રહ્યા. ત્યાંથી ચાલ્યા તે માર્ગમાં તળાવ આવ્યું. ત્યાં સ્નાન કર્યું ને ત્યાંથી ચાલ્યા તે આગળ એક બીજું તળાવ આવ્યું. ત્યાં બે સ્ત્રીયો બેઠેલી હતી. તેને મહારાજનાં દર્શન કરીને સમાધિ થઇ.

પછી મહારાજ ત્યાંથી ચાલ્યા તે એક તળાવ આવ્યું ત્યાં બે બાળક હતાં, તે મહારાજને જોઇને બોલ્યાં જે, આ આગળ જાય છે તે ભગવાન છે, ને વાંસે તેના સેવક જાય છે. તે વાતને સાંભળીને મહારાજ ચાલ્યા તે વાંઢીયે આવ્યા. ને ત્યાંથી ચાલ્યા તે ગામ લાકડીયા પધાર્યા ને ત્યાંથી ચાલ્યા તે આધોઇ શહેરમાં આવ્યા ને લાલજી ભક્તને સાધુ કર્યા ને નિષ્કુળાનંદ એવું નામ ધારણ કર્યું. ને ત્યાં લાધાજીના દરબારમાં એક માસ સુધી રહ્યા. ને હરિભક્તોને બહુ જ સુખ આપ્યું.

શ્રીજીમહારાજના હાથમાં માળા જોઇને તે ભક્તોએ કહ્યું જે, હે મહારાજ ! અમે તમારું ભજન કરીએ છીએ, ને તમારી માળા ફેરવીએ છીએ. ને તમે કોનું ભજન કરો છો ? ને માળા ફેરવો છો ? ત્યારે મહારાજે કહ્યું જે, તમે સર્વે સત્સંગી ભેળા થઇને આંહી આવીને બેસો ને એનો ઉત્તર અમે કરીએ. પછી સર્વે સત્સંગીઓ આવીને બેઠા. ત્યારે મહારાજે કહ્યું જે, તમે સર્વે સત્સંગીઓ ઘેર બેઠાં અમારું ભજન કરો છો ને માળા ફેરવો છો. જે અમારી માળા ફેરવે છે અને અમારું ભજન કરે છે, તેના કલ્યાણને અર્થે અમે અમારું અક્ષરધામ રૂપી ઘર તેનો ત્યાગ કરીને પગપાળા ફરીને વન-પર્વત તથા કાંટા-કાંકરા, ભૂખ-તરસ તે સર્વેને સહન કર્યું છે. અને જ્યાં તમ જેવા હરિભક્તો હોય તેને અર્થે ગામોગામ ને ઘરોઘર ફરીને દર્શન આપીને તથા વાતું કરીને તથા સત્સંગ કરાવીને તેમને બંધન થકી તથા ચોરાશી થકી મૂકાવીને એકાંતિક ભક્ત કરીને અક્ષરધામમાં લઇ જઇએ છીએ. માટે જે અમારા સત્સંગીઓ છે, તેમાં કોઇ જાતની કસર રહેવા દેવી નથી. માટે સર્વેને શુદ્ધ સત્તામાત્ર કરીને ભગવાનના ધામમાં લઇ જવા માટે સર્વે દેશમાં તથા કચ્છ દેશમાં ફરીએ છીએ.

આવી રીતનો વિચાર કરીને અમે ધ્યાન કરીને માળા ફેરવીએ છીએ આ અમારો સિધ્ધાંત તમોને કહ્યો. ત્યારે સર્વે સત્સંગીઓએ તથા જેમલજીએ પૂછ્યું જે, હે મહારાજ ! તમે ક્યારેક માળા ફેરવતાં એક પારો મૂકો છો ને ક્યારેક બે બે પારા ભેળા મૂકો છો. ને ક્યારેક ત્રણ ત્રણ પારા મૂકો છો, ને ક્યારેક ચાર ચાર તથા પાંચ પાંચ પારા મૂકો છો તેનું શું કારણ છે તે કહો. ત્યારે મહારાજ બોલ્યા જે, એ તો તમે જેમ મુને સંભારો છો ને ભજન કરો છો, તેમ હું પણ જે મારા એકાંતિક ભક્તો છે તેને સંભાળીને ભજન કરૂં છું ને માળા ફેરવું છું જે, આ ગામમાં એક હરિભક્ત એકાંતિક છે. ને આ ગામમાં બે કે ત્રણ કે ચાર છે. એમ સંભાળીને ક્યારેક એક અને ક્યારેક બે પારા મૂકું છું. ત્યારે સર્વે સત્સંગીઓએ તથા જેમલજીએ કહ્યું જે, તમો તો દયાળુ છો. તે કૃપા કરીને અમારા કલ્યાણને વાસ્તે પધાર્યા છો. માટે તમે તો આત્મારામ છો. ને પૂર્ણ કામ છો. એમ હરિભક્તોએ કહ્યું. એવી રીતે મહારાજ હાસ્યવિનોદ કરતા કરતા હરિભક્તોને સુખ આપીને ત્યાંથી ચાલ્યા તે ભચાઉ પધાર્યા. ને શાહ વાઘાને ઘેર થાળ જમીને ભચાઉથી ચાલ્યા તે ગામ ચિરઇના તળાવ કુંવરસરની પાળે મીઠી જારના વૃક્ષ તળે બેઠા. ત્યાંથી ચાલ્યા તે મહારાજ શ્રી ભુજનગર પધાર્યા ને ત્યાં સુંદરજીભાઇને ઘેર નિવાસ કરીને રહ્યા.

શ્રીજીમહારાજ સંવત્‌ ૧૮૬૪ના ભાદરવા સુદિ પડવાને દિવસે ભુજનગરને વિષે સુતાર હીરજીભાઇના ઘરને વિષે વિરાજમાન હતા. તે વખતે મુકુંદાનંદ બ્રહ્મચારી તથા મુક્તાનંદ સ્વામી તથા આનંદાનંદ સ્વામી તથા વ્યાપકાનંદ સ્વામી તથા સ્વરૂપાનંદ સ્વામી આદિક સંતો તથા પાર્ષદો તથા ભુજને ફરતાં ગામડાંના કેટલાક હરિભક્તો મહારાજને સાથે રહ્યા હતા.ને પડવાને દિવસે સાંજની સભામાં મહારાજ પાટ ઉપર વિરાજમાન હતા ને સંત-હરિભક્તો પણ આવીને મહારાજની સમીપે બેઠા. તે વખતે હીરજીભાઇ તથા સુંદરજીભાઇ એ બે ભાઇ સભામાં આવીને મહારાજનાં દર્શન કરીને તથા હરિભક્તનાં દર્શન કરીને બેઠા. ત્યારે મહારાજ વાર્તા કરવા લાગ્યા જે, ભગવાનના ભક્તને ભગવાનનો રાજીપો મેળવવો તે તો અનુવૃત્તિ સાચવવાથી થાય છે. પણ અનુવૃત્તિ સાચવવી ઘણી કઠણ છે. એ પ્રકારની ઘણીક વાર્તા કરી.

પછી હીરજીભાઇના મનમાં એવો સંકલ્પ થયો જે, મહારાજ મારે ઘેર અન્નકૂટનો ઉત્સવ કરે તો બહુ સારું. એ સંકલ્પને જાણીને મહારાજ બોલ્યા જે, હીરજીભાઇ ! તમારે ઘેર અન્નકૂટનો ઉત્સવ કરવો છે. એ વાતને સાંભળીને હીરજીભાઇ તત્કાળ મહારાજનાં ચરણારવિંદમાં આવીને પડ્યા. ને બોલ્યા જે, હે મહારાજ ! મારા મનમાં જે સંકલ્પ હતો તે તમોએ જાણ્યો. ને મહારાજ ! મારા મનમાં તો તમોએ લાધીબાને ઘેર અન્નકૂટનો ઉત્સવ કર્યો હતો તે દિવસથી એમ સંકલ્પ થયા કરતો જે, મહારાજ મારે ઘેર આવો ને આવો જ અન્નકૂટનો ઉત્સવ કરે તો મારું સર્વ દ્રવ્ય લેખે લાગે ને અમારાં સગાં વહાલાંને પણ દેહે કરીને સેવાનો લાભ મળે. એ સંકલ્પને, હે મહારાજ ! હું નો તો કહી શકતો, પણ ભક્તવત્સલ એવા તમો સફળ કરશો એવો દૃઢ ભરૂંસો છે.

એવાં વચન સાંભળીને શ્રીહરિ પ્રસન્ન થયા ને સર્વે સભાને સાંભળતાં હીરજીભાઇને મહારાજે અન્નકૂટના ઉત્સવની સામગ્રી ભેળી કરવાની આજ્ઞા કરી. શ્રીજીમહારાજને પણ મુળજી બ્રહ્મચારી તેડવા આવ્યા. તે ભેળા સુંદરજીભાઇને ઘેર જમવા પધાર્યા. સુંદર જળે કરીને હસ્તચરણ ધોઇને બાજોઠ ઉપર વિરાજમાન થયા. ત્યાં મુળજી બ્રહ્મચારી થાળ લાવીને બીજા બાજોઠ ઉપર ધારણ કર્યો, ને એક હાથમાં રૂમાલ લઇને મક્ષિકા નિવારણ કરવા લાગ્યા. એવી રીતે મહારાજે થાળ જમીને જળપાન કર્યું, ને મુખ ધોઇને હીરજીભાઇએ આપ્યો જે મુખવાસ તેને લઇને ઢોલિયે વિરાજમાન થયા. થાળની પ્રસાદી સુંદરજીભાઇને આપી. ને જળપાન કરીને પોઢી ગયા.

ઇતિ શ્રી સહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજે પરમહંસની દીક્ષાની વ્યવસ્થા કરીને જેમલજીએ પૂછ્યું જે, તમે કોની માળા ફેરવો છો ? ને સુંદરજીને ઘેર પોઢ્યા એ નામે ઓગણત્રીસમો અધ્યાય. ૨૯