અધ્યાય-૫૩
મુકુંદ બ્રહ્મચારીએ પૂછ્યું જે, હે મહારાજ ! ભગવાનના સ્વરૂપનો મહિમા કહો. ત્યારે શ્રીજીમહારાજ કહેવા લાગ્યા જે, હે વર્ણિન્ ! જે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે તે તો સૂક્ષ્મ થકી પણ અતિ સૂક્ષ્મ છે અને પૃથ્વી આદિક સર્વે તત્ત્વો તેનું આત્મા છે, અને તે થકી પર પ્રધાનપુરુષ તેનું પણ આત્મા છે. અને તે પ્રધાનપુરુષ થકી પર જે શુધ્ધ પુરુષ અને પ્રકૃતિ તેનું પણ આત્મા છે અને તેથી પર જે અક્ષર તેનું પણ આત્મા છે અને એ સર્વે ભગવાનનું શરીર છે. અને જેમ દેહ થકી જીવ છે તે સૂક્ષ્મ અને શુધ્ધ છે અને ઘણો પ્રકાશમાન છે. તેમ એ સર્વે થકી ભગવાન અતિશય સૂક્ષ્મ છે અને અતિશય શુધ્ધ છે અને અતિશય નિર્લેપ છે અને અતિશય પ્રકાશે યુક્ત છે.
જેમ આકાશ છે તે પૃથ્વી આદિક ચારે ભૂતોમાં વ્યાપક છે અને પૃથ્વી આદિક ચાર ભૂતથી અસંગી છે અને તે ચારે ભૂતની ઉપાધિ તે આકાશને અડતી નથી. અને આકાશ તો અતિશય નિર્લેપ થકો એ ચારે ભૂતને વિશે રહ્યો છે, તેમ પુરુષોત્તમ ભગવાન તે સર્વના આત્મારૂપે કરીને સર્વેને વિષે રહ્યા છે તે પણ અતિશય નિર્વિકાર છે, અને અસંગી છે. અને પોતે પોતાના સ્વભાવે યુક્ત છે. અને તે સરખો થવાને કોઇ સમર્થ નથી થતો. જેમ આકાશ ચારે ભૂતમાં રહ્યો છે પણ ચારે ભૂત આકાશ જેવા નિર્લેપ તથા અસંગી થવાને સમર્થ નથી, તેમજ પુરુષોત્તમ ભગવાન સર્વના આત્મા છે તો પણ અક્ષર પર્યંત કોઇ પણ પુરુષોત્તમ ભગવાન જેવા સમર્થ થવાને સમર્થ થતા નથી. એવી રીતે જે અતિશય સૂક્ષ્મપણું અને અતિશય અસંગીપણું અને અતિશય પ્રકાશેયુક્તપણું અને અતિશય ઐશ્વર્યેયુક્તપણું તે એ ભગવાનની મૂર્તિને વિષે નિર્ગુણપણું છે.
જેમ ગિરનાર પર્વત છે તેને લોકાલોક પર્વતની પાસે મૂકીએ ત્યારે તો તે અતિશય નાનો ભાસે. પણ ગિરનાર પર્વત કાંઇ નાનો થયો નથી. એ તો લોકાલોકની અતિશય મોટાઇ આગળ અષ્ટાવરણે યુક્ત જે અનંતકોટિ બ્રહ્માંડો તે અણુની પેઠે અતિ સૂક્ષ્મ ભાસે છે, પણ તે બ્રહ્માંડો કાંઇ નાનાં થઇ ગયાં નથી, પણ એ તો ભગવાનની મોટપ આગળ નાનાં જણાય છે. હે વર્ણિન્દ્ર ! એવી રીતે ભગવાનની મૂર્તિને વિષે અતિશય મોટાઇ તે ભગવાનનું સગુણપણું છે. ત્યારે કોઇને એમ આશંકા થાય જે ભગવાન નિર્ગુણરૂપે તો અતિ સૂક્ષ્મ કરતાં પણ અતિ સૂક્ષ્મ છે, અને સગુણરૂપે તો અતિ સ્થૂળ કરતાં પણ સ્થૂળ છે. ત્યારે એ બન્ને રૂપનું ધરનારું જે ભગવાનનું મૂળ સ્વરૂપ તે કેવું છે ? તો તેનો ઉત્તર એ છે જે, પ્રકટ પ્રમાણ મનુષ્યાકારે દેખાય છે એ જ ભગવાનનું સદાય મૂળ સ્વરૂપ છે. અને નિર્ગુણપણું અને સગુણપણું એ તો મૂર્તિનું કોઇક અલૌકિક ઐશ્વર્ય છે.
હે વર્ણિન્દ્ર ! શ્રીકૃષ્ણ ભગવાન બ્રાહ્મણના પુત્રને લેવા સારુ અર્જુન સહિત રથમાં બેસીને ચાલ્યા તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનું તમ આવ્યું તેને સુદર્શન ચક્રે કરીને કાપીને તેથી પર જે બ્રહ્મજ્યોતિ તેમાં રહ્યા જે ભૂમાપુરુષ તેની પાસેથી બ્રાહ્મણના પુત્રને લઇ આવ્યા. ત્યારે તે રથ અને ઘોડા માયિક હતા અને સ્થૂળભાવે યુક્ત હતા પણ તે શ્રીકૃષ્ણ ભગવાનને યોગે કરીને અતિ સૂક્ષ્મ અને ચૈતન્ય રૂપ થઇને ભગવાનના નિર્ગુણ બ્રહ્મધામને પામ્યા. હે વર્ણિવર્ય ! આવી રીતે સ્થૂળ પદાર્થને સૂક્ષ્મપણાને પમાડી દેવું એ શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિમાં નિર્ગુણપણું છે. અને એ જ શ્રીકૃષ્ણ ભગવાને પોતાની માતા યશોદાજીને પોતાના મુખમાં અષ્ટાવરણેયુક્ત સમગ્ર બ્રહ્માંડ દેખાડ્યું. તેમજ અર્જુનને પણ પોતાની મૂર્તિને વિષે વિશ્વરૂપ દેખાડ્યું. અને અર્જુન વિના જે બીજા હતા તેઓએ તો સાડા ત્રણ હાથની ભગવાનની મૂર્તિને જ દેખી હતી.
અને જ્યારે ભગવાને વામનાવતાર ધાર્યો ત્યારે પહેલું તો તેમણે વામનરૂપે જ દર્શન આપ્યું. અને ત્રણ ડગલાં પૃથ્વી બળીરાજા પાસેથી શ્રીકૃષ્ણાર્પણ કરાવ્યા પછી તો એવું પોતાના સ્વરૂપને વધાર્યું જે સાત પાતાળનું તો એક પગલું કર્યું અને આકાશમાં તો પોતાનું શરીર બધે સમાઇ રહ્યું. અને બીજું પગલું ઊંચું મેલ્યું તેણે તો સાત સ્વર્ગને વિંધીને અંડ કટાહ ફોડ્યું. એવું જે ભગવાનનું મોટું સ્વરૂપ થયું તેને તો બળીરાજાએ જ જોયું. અને બળીરાજા વિના જે બીજા હતા તેઓએ તો જેવું વામન સ્વરૂપ ભગવાને ધારણ કર્યું હતું, તેવું ને તેવું જ દીઠું. હે વર્ણિન્ ! એવી રીતે જે ભગવાનને વિષે અતિશય મોટાઇથી જે મોટાઇ દેખાય એ ભગવાનની મૂર્તિને વિષે સગુણપણું જાણવું. જેમ આકાશ છે તે શીતકાળે તથા ઉષ્ણકાળે મેઘની ઘટાએ રહિત હોય અને જ્યારે વર્ષાઋતુ આવે ત્યારે તો અસંખ્ય વાદળાંની ઘટાએ કરીને ભરાઇ જાય છે તે કાળે કરીને આકાશમાં મેઘની ઘટાઓ ઉત્પન્ન થાય છે.
અને પાછી તેમાં જ લીન થઇ જાય છે, તેમ ભગવાન પોતાની ઇચ્છાએ કરીને પોતામાંથી નિર્ગુણ અને સગુણરૂપ જે ઐશ્વર્ય તેને પ્રકટ કરીને પાછું પોતામાં લીન કરે છે. એવા જે ભગવાન તે મનુષ્ય જેવા જણાતા હોય તો પણ તેના મહિમાનો કોઇ પણ પાર પામતા નથી. હે વર્ણિન્દ્ર ! જે ભક્ત એવી રીતે ભગવાનની મૂર્તિમાં નિર્ગુણપણું અને સગુણપણું સમજે તેને કાળ, કર્મ અને માયા તે બંધન કરવાને સમર્થ થતાં નથી. અને તેને આઠે પહોર અંતરમાં આશ્ચર્ય રહ્યા કરે છે.
ત્યારે મુકુંદ બ્રહ્મચારીએ પૂછ્યું જે, મહારાજ ! બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે કલ્યાણની રીત તથા ભગવાનની મૂર્તિ એક સરખી છે કે જુદી જુદી છે તે કહો. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે હે વર્ણિન્દ્ર ! ભગવાનની મૂર્તિ તો સદાય એક સરખી છે. તો પણ ભગવાન પોતાની મૂર્તિને જ્યાં જેવી દેખાડવી જોઇએ ત્યાં તેવી પોતાની ઇચ્છાએ કરીને દેખાડે છે અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ઘટે ત્યાં તેટલો પ્રકાશ કરે છે. અને પોતે તો સદા દ્વિભુજ છે, તો પણ પોતાની ઇચ્છાએ કરીને ક્યાંક ચારભુજ અને કોઇ ઠેકાણે અષ્ટભુજ અને કોઇ વખતે અનંત ભુજને દેખાડે છે. તથા મચ્છકચ્છાદિક રૂપે કરીને જણાય છે. એવી રીતે જ્યાં જેવું ઘટે ત્યાં તેવું સ્વરૂપ પ્રકાશે છે. અને પોતે તો સદાય એક રૂપે જ બિરાજમાન રહે છે. તેમ જ એક ઠેકાણે રહ્યા થકા અનંતકોટિ બ્રહ્માંડને વિષે અંતર્યામીરૂપે વ્યાપીને રહે છે. જેમ વ્યાસજી એક હતા છતાં જ્યારે શુકજીને બોલાવવા માટે સાદ કર્યો ત્યારે સ્થાવર જંગમ સર્વ જીવમાં રહીને સાદ કર્યો. અને શુકજીએ પણ જ્યારે હુંકારો દીધો તે પણ સ્થાવર જંગમ સર્વે સૃષ્ટિમાં રહીને હુંકારો દીધો.
હે વર્ણિન્દ્ર ! એવી રીતે જે શુકજી જેવા મોટા સિધ્ધ હોય તે પણ સર્વ જગતમાં વ્યાપવાને સમર્થ થાય છે તે તો ભગવાનના ભજનમાં પ્રતાપે કરીને એવી યોગકળાને પામ્યા છે, તો પછી ભગવાન પુરુષોત્તમ તો પોતે યોગેશ્વર છે અને સર્વ યોગકળાના નિધિ છે તે એક ઠેકાણે રહ્યા હોય છતાં પણ અનંત કોટિ બ્રહ્માંડમાં પોતાની ઇચ્છાએ કરીને જ્યાં જેમ ઘટે ત્યાં તેમ જણાય તેમાં શું કહેવું ? અને એ ભગવાનમાં એમ હોય તેનું શું આશ્ચર્ય છે ? જેમ કોઇક ગોડીઓ હોય તે તુચ્છ માયાને જાણે તેમાં પણ લોકોને કેવું આશ્ચર્ય થાય છે ? અને તેની યથાર્થ ખબર પણ પડતી નથી, તો ભગવાનમાં તો સર્વે યોગકળાઓ રહી છે તે મહા આશ્ચર્યરૂપ છે. તેને જીવ કેમ જાણી શકે ? માટે ભાગવતમાં કહ્યું જે, આટલા ભગવાનની માયાને તર્યા છે. અને વળી એમ પણ કહ્યું છે જે, કોઇ ભગવાનની માયાના બળનો પાર પામ્યા નથી. હે વર્ણિન્દ્ર ! તેણે કરીને ભગવાનના ભક્તને એમ જાણવું જે, એ ભગવાનની યોગકળામાં બ્રહ્માદિક જેવાને કુતર્ક થાય તો એ ભગવાનની માયાને પાર પામ્યા ન કહેવાય. તે કુતર્ક તે શું જે, એ ભગવાન એમ કેમ કરતા હશે ? અને ભગવાનને એમ સમજે જે, એ તો સમર્થ છે તે જેમ કરતા હશે તે ઠીકજ કરતા હશે. એવી રીતે ભગવાનને નિર્દોષ સમજે, તે માયાને તર્યા કહેવાય. અને હે વર્ણિન્દ્ર ! કલ્યાણની રીત તો એક સરખી છે પણ ભજનારા જે પુરુષ તેમાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના ભેદ છે. અને તેની શ્રધ્ધા પણ અનંત પ્રકારની છે તેને યોગે કરીને કલ્યાણના માર્ગમાં પણ અનંત ભેદ થયા છે. અને વસ્તુગતે તો કલ્યાણનો માર્ગ એક જ છે. અને ભગવાનનું સ્વરૂપ પણ એક જ છે. અને તે ભગવાન અતિશય સમર્થ છે અને તે જેવો અક્ષર પર્યંત કોઇ સમર્થ થતો નથી.
હે વર્ણિવર્ય ! એ સિધ્ધાંત વાર્તા છે. અને જે પ્રગટ ભગવાનના ભક્ત હોય તે ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મા, શિવ, શુકજી, નારદ જેવા પણ થાય અને પ્રકૃતિ પુરુષ જેવા થાય અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય તો પણ શ્રીપુરુષોત્તમનારાયણ જેવા થવાને તો કોઇ સમર્થ નથી. અને હે વર્ણિન્દ્ર ! જે પરમેશ્વર છે તે તો સર્વાત્મા એવા જે બ્રહ્મ તેના પણ આત્મા છે અને અક્ષરના પણ આત્મા છે અને અનંત કોટી મુક્તના પણ આત્મા છે. એવા જે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ તેનો હું બ્રહ્મરૂપ એવો દાસ છું અને તે ભગવાનનો મહિમા તો એમ સમજે જે, ‘‘घुपतय एव ते न ययुरंतमनंततया’’ ઇત્યાદિક શ્રુતિએ ભગવાનનો મહિમા અતિશય પ્રતિપાદન કર્યો છે. અને હે મુકુંદવર્ણિ ! બીજા જે મચ્છ-કચ્છાદિક જે ભગવાનના અવતાર છે તેમાં અમારી અતિ રુચિ નથી. અને એવી રીતે તો અમારે ઉપાસના છે જે સર્વેથી પર એક તેજનો સમૂહ છે. તે તેજનો સમૂહ અધો ઉર્ધ્વ તથા ચારે કોરે પ્રમાણે રહિત છે, અને અનંત છે. અને તે તેજના સમૂહના મધ્ય ભાગને વિષે એક મોટું સિંહાસન છે. અને તેની ઉપર દિવ્યમૂર્તિ એવા જે શ્રીકૃષ્ણ નારાયણ પુરુષોત્તમ ભગવાન તે બિરાજમાન છે. અને તે સિંહાસનની ચારે બાજુ અનંત કોટી મુક્ત બેસીને શ્રીનારાયણનાં દર્શન કરે છે. એવા મુક્તે સહિત શ્રી નારાયણ તેને અમે નિરંતર દેખીએ છીએ. અને તે ભગવાનને વિષે તેજનું અતિશયપણું છે તેણે કરીને જ્યારે એ સભા સહિત ભગવાનનાં દર્શન નથી થતાં ત્યારે અમને અતિશય કષ્ટ (દુઃખ) થાય છે. અને હે વર્ણિન્દ્ર ! તે તેજનો સમૂહ તો અમને નિરંતર દેખાય છે તો પણ એને વિષે અમને રુચિ નથી. અને ભગવાનની મૂર્તિનાં દર્શનથી જ અતિ સુખ થાય છે. અમારે એવી રીતે ઉપાસના છે.
ત્યારે મુકુંદવર્ણિ પૂછે છે જે, હે મહારાજ ! શ્રી નારાયણમાં અને મુક્તમાં ભેદ કેટલો છે ? તે પ્રશ્ન સાંભળીને મહારાજ કહેવા લાગ્યા જે, જેમ ચંદ્રમા છે અને તારા છે, તેમાં ભેદ છે કે નહીં ? જુવોને, પ્રકાશપણે કરીને સરખા નથી. તેમજ બીંબમાં પણ ઘણો ભેદ છે અને સર્વે ઔષધિઓનું પોષણ તે પણ ચંદ્રમા વતે જ થાય છે પણ બીજા તારાઓથી થતું નથી. અને રાત્રિનો અંધકાર પણ ચંદ્રમાએ કરીને ટળે છે પણ તારાઓથી ટળતો નથી. તેમ શ્રી નારાયણ અને મુક્તમાં ભેદ છે.
ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્યઅચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે જે પુરુષોત્તમ ગીતા તેમાં ભગવાનના સ્વરુપનો મહિમા અધિક કહ્યો એ નામે તેરમો અધ્યાય.૧૩ સળંગ અધ્યાય. ૫૩