અધ્યાય ૭૦
ચોથે દિવસે શ્રીજીમહારાજ વહેલા ઊઠીને ટાઢા પાણીમાં સ્નાન કરીને દરબારમાં આવ્યા અને પોતાના આસનમાં બેઠા. ત્યારે દરબારમાંથી બાઇઓ શ્રીજી મહારાજનાં દર્શન કરવા આવ્યાં. તેમણે શ્રીજીમહારાજના શરીર સામું જોયું તે ટાઢથી શરીર ફાટી ગયું હતું અને શરીર ઉપર લોહીના મોતીઆ જણાતા હતા. તે જોઇને દરબાર બાપુજીભાઇનાં મોટાં દીકરી હતાં તેમને દયાએ કરીને નેત્રમાં પાણી આવી ગયાં. તેને જોઇને શ્રીજીમહારાજને પોતાના ભક્તજન ઉપર દયા આવી, ત્યારે શ્રીજીમહારાજે તે બાઇને કહ્યું જે બાઇ ! તમારા ઉપર અમે પ્રસન્ન થયા છીએ તેથી તમો જે માગો તે તમને આપીએ. ત્યારે તે બાઇએ કહ્યું જે, હું બે વરદાન માગું છું, તે દયા કરીને આપો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે ‘તમારી નજરમાં આવે તે માગો’. ત્યારે તે બાઇએ હાથ જોડીને કહ્યું જે, હે મહારાજ ! તમે આજથી શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરજો અને એક વખત જમો છો તે બે ટાણાં જમો.
આ બે વરદાન મને દયા કરીને આપો. પછી શ્રીજી મહારાજે કહ્યું જે, ‘એ બે વરદાન તમને આપ્યાં.’ તે સમયમાં મેડા ઉપરથી શ્રીજીમહારાજ પોતાને આસને આવી ઢોલિયા ઉપર બિરાજમાન થયા. ત્યાં દંઢાવ્ય દેશના ગામ ડાંગરવાના ગરાસીઆ અગરોજી તથા અમરોજી ભેળા થઇને પગે લાગીને બેઠા. ત્યારે અગરોજી હાથ જોડીને બોલ્યા જે, હે મહારાજ ! આજે અમારી ખાંડની રસોઇ છે. અને આપના માટે થાળ અમારે ઉતારે કરીશું. ત્યારે બાપુજી બોલ્યા જે, આજ તો અમારી રસોઇ છે ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, સંઘના જે સત્સંગી આવ્યા છે. તે રસોઇનો સામાન લઇને આવ્યા છે. માટે તે કરવા દ્યો. ત્યારે બાપુજીએ કહ્યું જે, મહારાજ ! તમારે સંતોને પીરસવા આવવાનું છે. ત્યારે મહારાજે કહ્યું જે, તો રસોઇ દોઢી કરાવજો. ત્યારે તેમણે કહ્યું જે બમણી કરાવીશું. કાંઇ વાંધો નથી. આપનો પ્રતાપ છે.
ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, ‘પીરસવા આવશું.’ પછી તે ભક્તે સાધુઓના ચોકે રસોઇનો સામાન મોકલાવ્યો. પછી પોતાને ઉતારે શ્રીજીમહારાજ માટે થાળ કરાવ્યો. તે ચાર પ્રકારનાં ભોજન, રાયતું અને પાક, અથાણાં, તેમજ દૂધ-સાકર તે સારી પેઠે અન્નકૂટના જેવો થાળ બનાવ્યો. પછી અગરોજી મહારાજને તેડવા આવ્યા તેમણે પગે લાગીને કહ્યું જે, હે મહારાજ ! થાળ તૈયાર થયો છે માટે જમવા પધારો. મહારાજ જમવા પધાર્યા. ભેળા બાપુજી પણ ચાલ્યા. પછી અગરાજીએ બાજોઠ ઢાળી દીધો તેના ઉપર શ્રીજી મહારાજ બેઠા અને સર્વે ભોજન થાળમાં પીરસીને લાવ્યા. પછી મહારાજ બોલ્યા જે, ‘ભારે થાળ કર્યો છે.’ ત્યારે અગરોજી બોલ્યા જે આજે જે અવસર આવ્યો છે તે ફરીને આવવાનો નથી. આજ અમારો જન્મ સફળ થયો છે જે, શ્રીજીમહારાજ જમે અને અમે દર્શન કરીએ.
પછી શ્રીજીમહારાજ જમવા લાગ્યા અને ભક્ત જનો દર્શન કરવા લાગ્યા. પછી શ્રીજીમહારાજે બાપુજીને કહ્યું જે આવો જમો. ત્યારે તેમણે કહ્યું જે, દરબારમાં રસોઇ થઇ હશે ત્યાં જમશું. ત્યારે અગરોજી તથા અમરોજી બન્ને બોલ્યા જે, જ્યારે પોતે શ્રીજીમહારાજ જમવાનું કહે છે ત્યારે તો ના ન જ પડાય. માટે આવો આપણે ત્રણે ભેળા જમીએ. ત્યારે મહારાજે કહ્યું જે, બેસો. પછી જમવા બેઠા. અને પોતે થાળમાંથી પ્રસાદી આપી તે જમ્યા. પછી પાળા ભગુજી પાસે પાણી મંગાવ્યું. તે ભગુજીએ પાણીનો લોટો ભરીને આપ્યો, મહારાજે ચળુ કરીને પાણી પીધું અને મુખવાસ, પાનબીડી લઇને વસ્ત્રો પહેરીને દરબારમાં ગયા, ત્યાં પોતાને આસને બિરાજમાન થયા. પછી મહારાજે અમરાજીને કહ્યું જે, ખબર કાઢો, સાધુઓની રસોઇને કેટલી વાર છે ? ત્યારે અમરાજીએ આવીને મહારાજને કહ્યું જે, રસોઇ તૈયાર છે.
ત્યારે શ્રીજીમહારાજ જય સચ્ચિદાનંદ કહીને સાધુઓને પીરસવા પધાર્યા. પાકશાળામાં વસ્ત્રો ઉતાર્યાં અને હીરકોરનું ધોતીયું પહેર્યું, ખેસ આડસોડે નાખીને તે ખેસને બાંધીને ઊભા રહ્યા અને શ્રીજીમહારાજે કહ્યું જે, ક્યાં છે ભંડારી સાધુ ? લાવો લાડુ. પછી સાધુઓ લાડુના ત્રાંસ ભરીને આગળ આવ્યા. ત્યારે શ્રીજીમહારાજ બે હાથમાં બબ્બે લાડુ લઇને પીરસવા લાગ્યા અને કહ્યું જે, હે મહારાજ ! લ્યો લાડુ, મહાપુરુષો લ્યો લાડુ. એમ કહીને સાત વાર પંક્તિમાં ફર્યા. જ્યારે કોઇએ ન લીધા ત્યારે ભંડારીને પીરસીને હાથ ધોઇને પોતાને સ્થાનકે પધાર્યા અને ઢોલિયા ઉપર બિરાજમાન થયા પછી પોતાના પાર્ષદને કહ્યું જે, પાણી લાવો; તરસ લાગી છે. પછી તેમણે પાણીનો લોટો ભરીને આપ્યો. મહારાજે જળપાન ર્ક્યું. પછી પોઢી ગયા અને પાળા તો મહારાજને રાજી કરવા સારુ સેવામાં તત્પર થયા. પછી મહારાજ બે કલાક પોઢીને જાગ્યા અને પાણી માગ્યું.
પાર્ષદે પાણી આપ્યું તે જળપાન કર્યું અને પાછો લોટો પાળાને આપ્યો. પછી પાર્ષદે એ પ્રસાદીનું જળ પોતાના લોટામાં લઇને પીધું. પછી મહારાજ વાતો કરવા લાગ્યા. સત્સંગીઓ અને પાર્ષદો સાંભળીને રાજી થયા. પછી ત્રીજો પહોર થયો ત્યારે મહારાજે કહ્યું ‘બહાર તળાવથી દક્ષિણ બાજુ લીંબડા ઊભા છે. ત્યાં ચાલો,સભા કરીએ. ત્યારે સત્સંગીઓ બોલ્યા જે, સારું મહારાજ. પછી કૂવાથી આથમણી કોર લીંબડા નીચે ઢોલિયો બિછાવ્યો તેના ઉપર ગાદી તકીઓ બિછાવીને બિરાજમાન થયા અને સાધુ તથા સત્સંગીઓની સભા થઇ અને પરમહંસો વાજાં વગાડીને કીર્તન ગાવા લાગ્યા. પછી અગરોજી ને અમરોજી એ બન્ને જણ પોશાક લઇને આવ્યા અને કિનખાબની ડગલી અને સુરવાલ પહેરાવ્યાં અને માથે શેલું બંધાવ્યું તથા કેડમાં પણ શેલું બંધાવ્યું અને શાલ ઓઢાડી. પછી આરતી કરીને પ્રદક્ષિણા કરી. દંડવત્ પ્રણામ કરી પગે લાગી દર્શન કર્યા. મહારાજનાં ચરણ છાતીમાં તથા મસ્તક પર લીધાં.
પછી મહારાજે પેંડા પતાસાંની પ્રસાદી આપી. પછી સાધુઓને પણ કંકુના ચાંદલા કરીને ધોતિયાં ઓઢાડ્યાં અને દર્શન કર્યાં. પછી બે વાળંદો બે મશાલો લઇને આવ્યા અને સાધુ ગોડી બોલ્યા. પછી શ્રીજીમહારાજ ઊભા થયા અને સાધુઓ આરતી બોલ્યા. નારાયણ ધૂન્ય કરી રહ્યા પછી શ્રીજીમહારાજ બેસીને પ્રથમ પગે લાગ્યા. પછી સાધુઓ દંડવત્ કરીને એક એક આવીને પગે લાગ્યા. પછી યોગ્ય રીતે બેસી ગયા. પછી સંતોએ પ્રશ્નો પૂછ્યા અને મહારાજે ઉત્તરો કર્યા.
પછી મહારાજે સત્સંગીઓને કહ્યું જે, આવતી કાલે હુતાશની છે તે રંગ રમવા માટે સહુ દરબારમાં આવજો. કાલે હિમાલયને ના કહેશું તેથી ટાઢ નહીં પડે. એમ કહીને શ્રીજીમહારાજ પોઢવા પધાર્યા. સાધુઓ ને સત્સંગીઓ પોતપોતાને ઉતારે ગયા. પછી પાંચમે દિવસે શ્રીજીમહારાજે દરબારમાં ગરમ જળથી સ્નાન કર્યું અને પોતાને ઉતારે પધાર્યા અને ત્યાં નિત્યવિધિ કરી.
પછી કરજીસણવાળા ગોવિંદજીભાઇ આવ્યા. તે શ્રીજી મહારાજ આગળ બેઠા અને કહ્યું જે મહારાજ ! આજે અમારી ખાંડના લાડુની રસોઇ છે. પછી મહારાજે કહ્યું સારું. પછી બાપુજી મહારાજ પાસે આવ્યા અને પગે લાગીને કહ્યું જે, હે મહારાજ ! રંગ તૈયાર છે અને મંગાવેલો રંગ પણ અમદાવાદથી આવી ગયો છે. ત્યારે શ્રીજીમહારાજ કેડ બાંધીને રંગ રમવા તૈયાર થયા. પછી સત્સંગીઓ સર્વે દરબારમાં આવીને ચોકમાં ભેળા થયા અને શ્રીજીમહારાજ મેડા ઉપર બેઠા હતા ત્યાં બાપુજીએ ગુલાલના ગોટાની ભરેલી દશ છાબો મહારાજની આગળ મૂકી. ત્યારે શ્રીજીમહારાજ ગોટો હાથમાં લઇને તત્કાળ પોતાના એકાંતિક ભક્તો ઉપર મારવા લાગ્યા. તે ધોળા ગુલાલનો ગોટો પૃથ્વી ઉપર ફૂટે તે આકાશમાં ધોળો રંગ થઇ જાય અને જ્યારે લીલા રંગનો ગોટો મારે ત્યારે પૃથ્વી અને આકાશ લીલાં થઇ જાય. જ્યારે પીળો ગોટો મારે ત્યારે આકાશ પૃથ્વી પીળાં થઇ જાય. અને શ્રીજીમહારાજ જેવા રંગના ગોટા મારે તેવા લીલા, પીળા, ધોળા અને લાલ રંગની ગરદ ઉડે તેથી પૃથ્વી અને આકાશમાં જુદા જુદા રંગો જણાતા હતા.
પછી પતંગ કેસૂડાં અને ગુલાલની રમઝટ ખૂબ જ કરી, તેણે કરીને દરબારના ચોકમાં જેમ વરસાદની હેલી થાય તેમ રંગનો કીચડ થયો. તે જોઇને આકાશમાં દેવતા પોતાના વિમાનમાં બેસીને અંતરિક્ષમાંથી દર્શન કરતા થકા બોલવા લાગ્યા જે, પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે આજે રંગ રમે છે અને તેનાં દર્શન તો મોટા યોગીઓને પણ થતાં નથી. અને આ પૃથ્વીનાં માણસો ભગવાન ભેળા રમે છે અને જમે છે, સાથે બેસે છે, સાથે હાલે છે, ચાલે છે. આવો અમૂલ્ય લાભ મનુષ્યોને મળ્યો છે. તે મનુષ્યનાં એવાં શું પૂણ્ય હશે જેણે કરીને આવા જોગને પામ્યાં છે ? એમ કહીને દુંદુભિવાજાં વગાડવા લાગ્યા. પછી મહારાજે તાળી વજાડીને કહ્યું જે, હવે ચાલો, તળાવમાં સ્નાન કરવા જઇએ.
પછી શ્રીજીમહારાજ આગળ ચાલ્યા. દેવો સર્વે પોતપોતાને સ્થાનકે ગયા. પછી શ્રીજીમહારાજે, સંતોએ, બ્રહ્મચારીઓ તથા પાળા અને સંઘના સર્વ સત્સંગીઓએ સ્નાન કર્યું. પછી મહારાજ પોતાને સ્થાને ગયા અને બીજા સર્વ પણ પોતપોતાને સ્થાને ગયા. પછી ગોવિંદભાઇએ મહારાજને કહ્યું જે, થાળ તૈયાર થયો છે તે જમવા પધારો. પછી મહારાજ ત્યાં પધાર્યા અને આસન ઉપર મહારાજને પધરાવ્યા અને પછી ચાર પ્રકારનાં ભોજન વગેરેનો થાળ મહારાજની આગળ અન્નકૂટની જેમ ધર્યો. પછી બીજા હરિભક્તો દર્શન કરવા આવ્યા હતા તે બોલ્યા જે આજે થાળ બહુ મોટો કર્યો છે.
ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, આ ગોવિંદભાઇ અને એમનાં ઘરનાં મનુષ્યોએ સર્વસ્વ ભગવાન અને સંતને અર્થે કરી રાખ્યું છે. કરજીસણમાં એમને ઘેર અમોએ ચૌદ સમૈયા કર્યા છે. એની શ્રધ્ધા આજ દિવસ સુધી એવી ને એવી છે પણ મંદ પડતી નથી અને બીજા તો દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય પણ એ તો દેહ છતાં જ અક્ષરધામમાં બેઠા છે એમ જાણવું, અને તમારે સર્વને એવા થાવું. એમ કહીને શ્રીજીમહારાજ સારી પેઠે જમ્યા. પછી આચમન કરી મુખવાસ લઇને પોતાના દરબારમાં પોતાને આસને પધાર્યા. પછી ગોવિંદજીને શ્રીજીમહારાજે કહ્યું જે, સાધુઓની ખબર કાઢો જે કેટલી વાર છે. પછી ગોવિંદજીભાઇએ સાધુઓને પૂછ્યું જે, રસોઇને કેટલી વાર છે ? ત્યારે સાધુઓએ કહ્યું જે તૈયાર છે. પછી શ્રીજીમહારાજ સાધુઓની પાકશાળામાં પધાર્યા અને પૂર્વની પેઠે તૈયાર થઇને બોલ્યા જે, લાડુ લાવો. ત્યારે સાધુઓ લાડુના ત્રાંસ ભરીને લાવ્યા. મહારાજ બે હાથમાં બે બે લાડુ લઇને પીરસવા લાગ્યા અને મહાપુરુષો ! લ્યો લાડુ. મહારાજો ! લ્યો લાડુ. એવી રીતે બોલતા થકા તાણ કરીને સાત વાર ફર્યા.
જ્યારે કોઇએ લીધો નહીં ત્યારે ભંડારીને પીરસીને હાથ ધોઇને પોતાને આસને પધાર્યા અને પાણી પીધું. પછી તે પ્રસાદીનું પાણી પોતાના પાર્ષદ ભગુજીએ પીધું. મહારાજ વાતો કરવા લાગ્યા. હરિભક્તો સાંભળવા લાગ્યા. પછી મહારાજે કહ્યું જે, ચાલો બહાર તળાવથી દક્ષિણ બાજુ અને કૂવાથી આથમણાં લીંમડા નીચે સભા કરીએ. ત્યારે સત્સંગીઓએ ઢોલિયો લીધો તે લીંમડા હેઠળ ઢાળ્યો, ઉપર ગાદલું પાથરીને તકીઓ મૂક્યો તે ઉપર મહારાજ બિરાજમાન થયા. આગળ સાધુઓ તથા સત્સંગીઓની સભા ભરાઇને બેઠી. સાધુઓ વાજીંત્ર વગાડીને કીર્તન ગાવા લાગ્યા. ત્યારે ગોવિંદજીભાઇ મહારાજની પૂજા કરવા આવ્યા તે કિનખાપનો સુરવાળ અને ડગલી અને માથે બાંધવા સારુ શેલું અને કેડમાં બાંધવા સારુ શેલું અને ખભે નાખવા સારુ શેલું એ બધો પોશાક લાવ્યા તે ધરાવીને શાલ ઓઢાડી અને કંકુનો ચાંદલો કર્યો અને પછી આરતી ઉતારીને મહારાજનાં ચરણારવિંદ છાતીમાં લીધાં.
પછી શ્રીજીમહારાજે પેંડા પતાસાંની પ્રસાદી ગોવિંદજીભાઇને આપી. પછી સર્વ સાધુઓને કંકુના ચાંદલા કરીને ધોતીયાં ઓઢાડ્યાં. અને પછી સંતો ગોડીનાં પદ બોલવા લાગ્યા અને બે વાળંદો મશાલો લઇને આવ્યા. પછી મહારાજ ઊભા થયા અને પછી સંતો આરતી બોલીને નારાયણ ધૂન્ય બોલ્યા. પછી સંતોએ મહારાજને દંડવત્ કરીને એક એક આવીને પગે લાગીને જેને જેમ ઘટે તેમ બેસી ગયા. પછી સંતો પ્રશ્ન પૂછવા લાગ્યા અને મહારાજ તેના ઉત્તરો કરવા લાગ્યા. એમ પ્રશ્નોત્તર કરતાં રાત્રી જ્યારે એક પહોર ગઇ ત્યારે શ્રીજી મહારાજ પોતાને ઉતારે પોઢવા પધાર્યા અને સાધુઓ તથા સત્સંગીઓ પણ પોતપોતાને ઉતારે ગયા.
પછી મહારાજે છઠ્ઠે દિવસે સવારમાં વહેલા ઊઠીને ગરમ પાણીએ સ્નાન કર્યું. પછી હીરકોરનું ધોતીયું પહેરીને અને ગરમ શાલ ઓઢીને ઉગમણે મુખારવિંદે બેસીને હસ્તકમળમાં માળા લઇને ફેરવવા લાગ્યા ને પોતાના સ્વરૂપનું ધ્યાન કરીને ઢોલિયે બિરાજમાન થયા, અને સત્સંગીઓ દર્શન કરવા આવ્યા. ત્યારે વહેલાલના પાટીદાર જેસંગભાઇ બોલ્યા જે, હે મહારાજ ! આજ અમારી રસોઇ છે. ત્યારે મહારાજે કહ્યું જે સારું. પછી જેસંગભાઇએ સંતોને ચોકે સામાન પહોંચાડ્યો અને શ્રીજીમહારાજ માટે થાળ પોતાના ઉતારામાં કર્યો તે શાક પાક અને ચારે પ્રકારનાં ભોજનો તૈયાર કરીને બોલાવવા આવ્યા, અને કહ્યું જે, હે મહારાજ ! થાળ તૈયાર થયો છે, જમવા પધારો. પછી મહારાજ ત્યાં પધાર્યા અને પાર્ષદ ભગુજીએ ધાબડી પાથરી આપી તેના ઉપર બેઠા અને જેસંગભાઇએ થાળ લાવીને અન્નકૂટની પેઠે પૂર્યો.
પછી મહારાજ જમવા લાગ્યા તે જમતા જાય અને પાણી પીતા જાય. તે જ્યારે જળ પીએ ત્યારે ત્રણ ઘૂંટ પાણી પીએ ને પેટ ઉપર હાથ ફેરવે અને વળી કહે કે, આજ તો બહુ જમ્યા. એવી રીતે જમીને પછી કહ્યું જે, હવે પાણી લાવો. પછી ભગુજીએ પાણીનો લોટો આપ્યો અને શ્રીજી મહારાજ જલપાન કરી રહ્યા ત્યારે જેસંગભાઇએ પાનબીડાનો મુખવાસ આપ્યો તે મહારાજ જમ્યા. પછી પોતાને આસને પધાર્યા, અને ઢોલિયે બિરાજમાન થયા.
પછી શ્રીજીમહારાજે જેસંગભાઇને કહ્યું જે, રસોઇની ખબર કઢાવો કેટલી વાર છે ? ત્યારે જેસંગભાઇ રસોડે જઇને પૂછ્યું. ત્યારે સાધુઓએ કહ્યું જે રસોઇ તૈયાર છે. પછી શ્રીજીમહારાજ પાકશાળામાં પધાર્યા વસ્ત્ર ઉતારી હીરકોરનું ધોતીયું પહેરીને, ખેસ આડસોડે ખભે નાખીને કેડમાં તાણી બાંધીને કહ્યું જે, લાડુ લાવો. પછી સાધુઓ ત્રાંસ ભરીને આગળ આવ્યા. પછી એક હાથમાં બબ્બે લાડુ લઇને બોલે જે, લ્યો લાડુ, મહારાજો ! મહાપુરુષો ! લ્યો લાડુ. એમ હેતે કરીને પીરસે અને કહે કે, ગુરુપ્રસાદ લ્યો, ગુરુપ્રસાદ. એમ પીરસીને વારંવાર પંક્તિમાં ફર્યા.
પછી જ્યારે કોઇએ લાડુ ન લીધા ત્યારે ભંડારી સાધુઓને પીરસીને હાથ ધોઇને પોતાને આસને પધાર્યા અને પોતાના પાર્ષદ પાસે પાણી મંગાવ્યું. ભગુજીએ પાણીનો લોટો આપ્યો. પછી જલપાન કરીને પોઢ્યા. પછી થોડીવાર થઇ ત્યારે જાગ્યા અને પાર્ષદે પાણીનો લોટો આપ્યો તે લઇને શ્રીજીમહારાજ મુખારવિંદ ધોઇને કોગળા કરીને જલપાન કરીને ઢોલિએ બિરાજ્યા. અને વાતો કરી તે સંતોએ અને હરિભક્તોએ સાંભળી. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, દિવસ એક પહોર છે માટે ચાલો તળાવની દક્ષિણ બાજુ લીંબડા હેઠે સભા કરીએ. પછી સત્સંગીઓએ ગાદી તકિયા સહિત ઢોલિયો બિછાવ્યો. તે ઉપર મહારાજ પૂર્વ મુખે બિરાજમાન થયા. આગળ સાધુઓ અને સત્સંગીઓની સભા ભરાઇને બેઠી. અને મુક્તાનંદ સ્વામી આદિ સંતો સરોદા, સતાર, તાલ વગાડીને વિષ્ણુપદ બોલવા લાગ્યા. પછી જે સત્સંગીની રસોઇ હતી તે સત્સંગી શ્રીજીમહારાજ સારુ પોશાક લઇને આવ્યા તે કિનખાબની ડગલી અને સુરવાલ અને માથે બાંધવાનું શેલું અને ખભે નાખવાનું શેલું, એ સર્વ વસ્ત્રો મહારાજે અંગીકાર કર્યાં. પછી હરિભક્તે આરતી ઉતારીને મહારાજનાં ચરણારવિંદ છાતીમાં લીધાં. પછી શ્રીજી મહારાજે તેને પેંડા પતાસાંની પ્રસાદી આપી. પછી સંતોને કુમકુમના ચાંદલા કર્યા અને ધોતિયાં ઓઢાડ્યાં. પછી દર્શન કર્યાં. પછી સંતો પૂર્વરાગનાં પદો બોલ્યા. બે વાળંદો મશાલો લઇને આવ્યા. આરતી સમય થયો ત્યારે શ્રીજીમહારાજ ઊભા થયા અને સાધુઓ પણ ઊભા થઇને આરતી બોલ્યા. નારાયણ ધૂન્ય કરીને એક એક આવીને મહારાજને પગે લાગીને જેને જેમ ઘટે તેમ તે બેસી ગયા.
પછી શ્રીજીમહારાજે કહ્યું જે, આજ તો ઝીલણિયાં પદ બોલો. ત્યારે સાધુઓ ઝીલણિયાં કીર્તનો બોલ્યા. પછી મહારાજે કહ્યું જે, હવે કીર્તનો રાખો બહુ સારાં કીર્તનો બોલ્યા, હવે અમે થોડીક વાતો કરીએ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, હે મહારાજ ! બહુ સારું. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે, વાત કરવી, કથા કરવી, કીર્તન ગાવાં, તેમાં ભગવાનને સંભાળીને ગાવાં તો તેના ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. અને એવી ભક્તિ કરીને એનો જીવ શુદ્ધ થાય છે. અને ભગવાનને વિસારીને જગતમાં ઘણા ગાય છે તે ગાનારા ભ્રષ્ટ થઇ જાય છે. તે માટે આપણે જે જે ક્રિયા કરવી તે ભગવાનને સંભાળીને કરવી. એવી રીતે શ્રીજીમહારાજે બહુ વાર્તા કરી, આ તો દિશમાત્ર લખી છે. પછી શ્રીજીમહારાજ દરબારમાં પોતાને ઉતારે પોઢવા પધાર્યા. પછી સંતો અને સત્સંગીઓ પણ પોતપોતાને ઉતારે ગયા.
ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજે મછીઆવમાં ચોથે દિવસે ટાઢાજળથી સ્નાન કર્યું અને પાંચમે તથા છઠ્ઠે દિવસે લીલા કરી અને અગરાજીએ જમાડ્યા તથા સાધુ અને સત્સંગીઓ પોતપોતાને ઉતારે ગયા એ નામે સિત્તેરમો અધ્યાય. ૭૦