અધ્યાય ૭૧
સાતમે દિવસે શ્રીજીમહારાજ સવારમાં વહેલા ઊઠ્યા અને ગરમ જળે સ્નાન કર્યું. પોતાનો નિત્યવિધિ કરીને ઢોલિયે બિરાજમાન થયા. ત્યારે ભુજ નગરના જેઠી ગંગારામ આવીને પગે લાગીને બેઠા. ત્યારે મહારાજે કહ્યું જે, જેઠી ! આજે મલ્લયુધ્ધ કરો તો જોઇએ. ત્યારે ગંગારામ અને તેના ભત્રીજા વાલજી બે લડ્યા, તે ખૂબ લડ્યા. ત્યારે શ્રીજીમહારાજ પ્રસન્ન થયા. અને ગંગારામને પોતાની પ્રસાદીનો વાઘો ને શેલું તથા ચોફાળ તથા ટોપી એ આદિક વસ્ત્રો આપ્યાં. ત્યારે વાલજીએ કહ્યું જે, હે મહારાજ ! ગંગારામને એકને આપ્યો અને લડ્યા, અમે બે તેથી તેમાંથી અર્ધો ભાગ હું લઇશ. ત્યારે મહારાજે કહ્યું જે, એ તો અમે ગંગારામને એકલાને આપ્યો છે. ત્યારે વાલજીએ કહ્યું જે, મને પણ કાંઇક આપો. ત્યારે શ્રીજીમહારાજે વાલજીને એક મુઠી ભરીને રૂપીયા આપ્યા.
બાપુજીએ સંતોને માટે પાકી રસોઇ કરાવી અને શ્રીજી મહારાજ સારુ થાળ કરાવ્યો. પછી બાપુજી આવ્યા તે પગે લાગીને તેણે મહારાજને કહ્યું જે, હે મહારાજ ! જમવા પધારો. પછી શ્રીજીમહારાજ જમવા પધાર્યા અને જમીને પાછા પોતાને સ્થાને આવ્યા. ત્યારે બાપુએ કહ્યું જે સંતોની રસોઇ તૈયાર છે. ત્યારે શ્રીજીમહારાજ વસ્ત્રો ઉતારીને હીરકોરનું ધોતિયું પહેરીને, ખેસ આડસોડે ખભે નાખીને તે જ ખેસથી કેડ બાંધીને બે હાથમાં બબ્બે લાડુ લઇને પીરસવા લાગ્યા અને કહ્યું જે, હે મહારાજ ! લ્યો લાડુ, લ્યો લાડુ, મહાપુરુષો ! લ્યો લાડુ. લ્યો ગુરુપ્રસાદ.
એમ વારંવાર કહીને સાત વાર ફર્યા અને જ્યારે કોઇએ ન લીધા ત્યારે ભંડારી સંતોને પીરસીને હાથ ધોઇને પોતાને આસને ઢોલિયા ઉપર બિરાજમાન થયા. અને પાર્ષદે પાણીનો લોટો મહારાજને આપ્યો તે જલપાન કરીને પોઢ્યા. પછી બે ઘડી આરામ કરીને જાગ્યા ત્યારે પાર્ષદે પાણીનો લોટો મહારાજને આપ્યો. તે કોગળા કરીને જલપાન કરીને સત્સંગીઓને વાર્તા કરવા લાગ્યા. એમ કરતાં જ્યારે ત્રીજો પહોર થયો. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, કાલે સભા કરી હતી ત્યાં ચાલો, સભા કરીએ. ત્યારે સત્સંગીઓએ ઢોલિયો લીધો અને તળાવની દક્ષિણ બાજુ અને કૂવાથી આથમણી કોરે લીંબડા હેઠે ઢોલિયો ઢળાવીને ગાદલું તથા તકિયો નખાવીને તે ઉપર પૂર્વ મુખે બિરાજમાન થયા. અને સંતો તથા સત્સંગીઓની સભા ભરાઇને બેઠી.
ત્યારે ગામ ભેલાવાળા ગોવિંદરામ વિશામણનો વેશ લઇને આવ્યા. તેણે કાઠીના જેવાં લુગડાં પહેર્યાં અને મોટો પાગડો બાંધ્યો અને છ સાત માળાઓ કંઠમાં નાખીને હાથમાં કરતાલ લઇને મહારાજ આગળ આવીને ઊભા રહ્યા. ત્યારે શ્રીજીમહારાજે પૂછ્યું જે, ‘ભક્ત’ ! ક્યાં રહો છો ? અને ક્યું તમારું ગામ ? અને શું તમારું નામ ? અને અમ પાસે કેમ આવ્યા ? ત્યારે બોલ્યા જે; પાળીયાદના કાઠી છીએ અને વિશામણ ભક્ત મારું નામ છે અને અમે એમ સાંભળ્યું છે જે, સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે તે તમને જોવા આવ્યા છીએ. ત્યારે મહારાજે કહ્યું જે સારું, બેસો. ત્યારે બીજા ભેળા કાઠી હતા તે બોલ્યા જે, ભક્ત તો બહુ મોટા છે અને જે ઝાડ સૂકાઇ ગયું હોય તેની ઉપર ભક્ત હાથ ફેરવે તો ઝાડ લીલું થાય છે અને તેને પાંદડાં આવે છે. ત્યારે મહારાજે કહ્યું જે આ લીંબડો સૂકાઇ ગયો છે તે લીલો કરો. ત્યારે વિશામણ ભક્ત કહે એ તો હમણાં જ લીલો થશે. પછી તે સૂકા લીંબડા પાસે ગયા. અને તેને હાથ અડાડ્યો અને પાણી લઇને છાંટ્યું અને પછી ખૂબ ધૂણ્યો. અને ધૂધકારીઓ કરીને હાહાકાર મચાવી દીધો. આવી રીતે દાખડો કર્યો તો પણ તે લીંબડાનું ઠૂંઠૂં લીલું થયું નહીં અને પાંદડાં પણ આવ્યાં નહીં. અને મહારાજ તો મુખ આડો રૂમાલ દઇને મંદમંદ હસવા લાગ્યા. વિશામણ તો ધૂણી ધૂણીને થાક્યો પછી આવીને મહારાજને પગે લાગ્યો અને બોલ્યો જે ‘અમે મોરે તો બે ત્રણ ઠેકાણે સૂકાં લાકડાંને લીલાં કર્યાં હતાં અને તમારી આગળ તો અમારું કાંઇ ન ચાલ્યું. માટે તમો તો ભગવાન ખરા. અમારો અપરાધ ક્ષમા કરજો અને સારું કરજો. ત્યારે મહારાજે કહ્યું જે તમારો અપરાધ શું છે ? અને તમે તો ભગવાનના ભક્ત છો તે તમારું સારું થશે. પછી પગે લાગીને ઊઠી ગયો.
પછી વળી ગામ વાંકાનેરનો જીવરામ વિપ્ર તે વૈરાગી થઇને આવ્યો અને પોતે આંધળો થઇને બે ત્રણ છોકરાં સાથે લાવ્યો. નાનાને એક ખભા ઉપર બેસાર્યું હતું અને એકને આંગળીએ વળગાડ્યું હતું અને એક પાછળ ચાલ્યું આવતું હતું એવા વેષે આવીને મહારાજ આગળ ઊભો રહ્યો. અને મહારાજને અરજી કરી જે હે મહારાજ ! આજ અમારો આપત્કાળ આવી પડ્યો છે, તે માટે તમારી આગળ આવ્યો છું. ત્યારે મહારાજે કહ્યું જે, તમારે શું આપત્કાળ પડ્યો છે ? ત્યારે વૈરાગી બોલ્યો જે, અમે માર્ગે ચાલ્યા આવતા હતા ત્યારે અમારા ભેળો એક વૈરાગી થયો. તે જુવાન હતો અને બે દિવસ અમારા ભેળો ચાલ્યો. તે આ છોકરાની માને લઇ ગયો અને આ છોકરાં નાનાં અને હું આંધળો તે આ દુઃખ માથે આવી પડ્યું છે. ત્યારે મહારાજે પૂછ્યું જે, ‘તમારે વૈરાગીમાં એમ થાય ખરું ?’ ત્યારે તે વૈરાગી બોલ્યો જે, ‘વૈરાગીમાં તો એમ થાય.’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘તે ખોટી ચાલ છે.’ પછી બાપુજીને મહારાજે કહ્યું જે, ‘આને પાંચ રૂપિયા આપો.’ પછી બાપુજીએ પાંચ રૂપિયા આપ્યા. પછી મહારાજે કહ્યું જે, તમને ભગવાન અન્ન વસ્ત્ર આપશે. પછી રાજી થઇને ગયો.
પછી બે વાળંદ બે મશાલો લઇને આવ્યા અને આરતી થઇ. પછી નારાયણ ધૂન્ય કરીને મહારાજને પગે લાગીને સંતો અને હરિભક્તો જેને જેમ ઘટે તેમ બેસી ગયા, પછી શ્રીજીમહારાજે કહ્યું જે, ‘આજ તો ટીંખળ જોયાં છે માટે ગાવણું કરો.’ પછી મુક્તાનંદ સ્વામી આદિક સંતો વાજાં વગાડીને વિષ્ણુપદ બોલ્યા. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, ‘હવે કીર્તન રાખો. ભગવાનની વાત કરીએ.’ પછી મહારાજે બહુ પ્રકારે વાર્તા કરી, પછી બોલ્યા જે, સત્સંગીના સંઘ સર્વે ચાલ્યા અને અમે પણ સવારમાં વહેલા ચાલશું. ત્યારે બાપુજીએ કહ્યું જે, હે મહારાજ ! તમો આટલા દિવસ રહ્યા પણ અમારી રસોઇ તો કોઇ દિવસ જમ્યા નથી તે કાલે નહીં ચલાય.
ત્યારે મહારાજે કહ્યું જે ઝાઝા દિવસ થયા છતાં તમો કહો છો તો જમીને ચાલશું. એમ કહીને પોઢવા પધાર્યા અને સંતો પોતાને ઉતારે ગયા, પછી સવારમાં વહેલા શ્રીજીમહારાજ ગરમ જળથી સ્નાન કરીને પછી પવિત્ર આસને બેસીને નિત્યવિધિ કરીને ઢોલિયે બિરાજમાન થયા. પછી બાપુજીએ સંતોને માટે રસોઇ કરાવી અને દરબારમાં થાળ કરાવીને બાપુજીભાઇ મહારાજને તેડવા આવ્યા અને શ્રીજીમહારાજ દરબારમાં જમીને પોતાને આસને પધાર્યા. અને બાપુજીએ કહ્યું જે, ‘સંતોની રસોઇ તૈયાર થઇ છે માટે પીરસવા પધારો. ત્યારે શ્રીજીમહારાજ વસ્ત્રો ઉતારીને ધોળું ધોતિયું પહેરીને તથા ખેસ આડસોડે નાખીને અને તે ખેસથી કેડ બાંધીને બે હાથમાં બબ્બે લાડુ લઇને પીરસવા લાગ્યા અને કહ્યું જે, હે મહારાજ ! લ્યો લાડુ, લ્યો લાડુ, મહાપુરુષો ! લ્યો લાડુ. લ્યો ગુરુપ્રસાદ. એમ વારંવાર પંક્તિમાં ફરીને જ્યારે કોઇએ લાડુ ન લીધા ત્યારે ભંડારીને પીરસીને પછી આસને પધાર્યા અને ઘડી એક પોઢીને જાગ્યા.
પછી દરબારમાં સભા કરી ત્યારે બાપુજી પૂજા કરવાની સામગ્રી લાવ્યા. લીલા કિનખાબનો સુરવાલ અને ડગલી તથા માથે બાંધવાનું જરિયાની શેલું અને ખભે નાખવાનું જરિયાની શેલું તથા ભારે કીંમતી શાલ એ સર્વે વસ્ત્રો શ્રીજી મહારાજને ધરાવીને કુમકુમનો ચાંદલો કરીને આરતી ઉતારી. અને ચરણારવિંદ છાતીમાં લીધાં. પછી સંતોને ધોતિયાં ઓઢાડ્યાં. પછી પ્રદક્ષિણા કરીને દંડવત્ કરી રહ્યા ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, હવે ચાલશું. અને અમદાવાદ જવાનો વિચાર છે.
પછી બાપુજી સુખડીના લાડુ લાવ્યા અને કહ્યું જે, હે મહારાજ ! આ ભાતુ છે તે સર્વે સંતોને બે બે લાડુ આપો. ત્યારે મહારાજે બબ્બે લાડુ સર્વ સંતોને આપ્યા અને સંતોને કહ્યું જે, હળવા હળવા અમદાવાદને માર્ગે ચાલવા માંડો. અને અમે પણ આવીએ છીએ. આ રીતે ગામ મછીઆવે સં.૧૮૭૬ અઢારશો છોત્તેરના ફાગણ સુદ પુનમને દિવસે ફૂલદોલના ઉત્સવની ઘણીક લીલા કરીને પછી શ્રીજીમહારાજ ઘોડા ઉપર સવાર થઇને કાઠીપાળા અને સવારોએ વિંટાણા થકા ચાલ્યા તે માર્ગમાં હરિભક્તોનાં ગામ આવે ત્યાં તેની સેવા અંગીકાર કરતા અને સત્સંગીઓને આનંદ આપતા થકા અમદાવાદ પધાર્યા. ત્યારે શ્રીનગરના સત્સંગીઓએ વાજતે ગાજતે સન્માન કરીને નવાવાસના હરિભક્તને ઘેર પધરાવ્યા.
ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે ભુજના ગંગારામ મલ્લ પાસે કુસ્તી કરાવી અને મછીયાવનો સમૈયો સંપૂર્ણ કરાવીને અમદાવાદ પધાર્યા એ નામે એકોતેરમો અધ્યાય. ૭૧