અધ્યાય ૭૩
શ્રીજી મહારાજે ગામ વિજાપુરમાં સથવારાની નાતનાં સારાં સત્સંગી વજીબાઇ નામનાં રહેતાં હતાં, તેને જેવી રીતે સત્સંગ થયો તેની સૌ હરિભક્તો આગળ વિસ્તારીને વાત કરી, જે વજીબાઇ જ્યારે સત્સંગી થયાં તે પહેલાં મારગીના પંથમાં હતાં, ત્યારે પોતાના ગામમાં જે જે વૈરાગી આવે તેને પોતાને ઘેર ઉતારો દેતાં, અને ગાંજો-ભાંગ પણ આપતાં તથા ખાવા પીવા પણ ભગવાન તુલ્ય જાણીને આપતાં. અને તે ભેખ ગમે તેવા ફેલ કરે તેનો અવગુણ પણ મનમાં કાંઇ પણ આવવા દેતાં નહીં.
પછી તેના ગામમાં કોઇક સમયે સાધુ રામદાસભાઇ ગયા અને ગામમાં ભિક્ષા કરતા કરતા તેને ઘેર ગયા. ત્યારે વજીબાઇએ તેમને ભેખ જાણીને આદરભાવ કરીને તેના મુખથી સાવધાન પૂર્વક ભગવદ્ વાતો સાંભળી. હેતે કરીને દશ બાર દિવસ રાખ્યા, ત્યારે સત્ય અને અસત્યની તેને ખબર પડી. તે બાઇનો પતિ અને પોતે સત્સંગની વાત સાંભળીને સત્સંગી થયાં. બીજા સર્વે મતપંથનો ત્યાગ કરીને અમારે વિષે અત્યંત હેત થયું. પણ તેમને અમારાં પ્રત્યક્ષ દર્શન થયેલ ન હતાં. ત્યાર પછી કોઇ વૈરાગી ઘેર આવે તેને ગાંજો, ભાંગ, લોટ એ કાંઇ પણ આપે નહીં.
પછી અમે એક સમયે બ્રહ્મચારીનો વેષ લઇને ત્યાં ગયા. કોઇ માણસને અમે પૂછ્યું જે, અમે ઉતારો ક્યાં કરીએ ? આ ગામમાં સાધુની સેવા કરે તેવું કોઇ છે ? ત્યારે તેણે કહ્યું જે, બીજાં તો કોઇ નથી પણ એક વજીબાઇ સાધુની સેવા કરે એવી હતી તે પણ હવે બગડી ગઇ છે. તે હવે સ્વામિનારાયણની થઇ ગઇ છે. માટે તમો જો ત્યાં જાશો તો સુખીઆ થાશો નહીં અને ઉતરવા પણ દેશે નહીં. એવાં તેનાં વચન સાંભળ્યાં તો પણ અમો ત્યાં ગયા અને વજીબાઇને કહ્યું જે, અમે તીર્થવાસી છીએ તે કહો તો તમારે ઘેર રાત રહીએ. ત્યારે તે કહે જે, ‘અહીં નહીં. બીજે ક્યાંક ગામમાં માગી ખાઓ. અને તમારા જેવા ધૂતીને પેટ ભરનારા ઘણાએ આવે છે અને તમે પણ ખાવા ન મલ્યું ત્યારે પારકો માલ ખાવા સાધુ થયા અને ખાઇ પીને શરીર વધાર્યું છે, તેથી જીવાત્માનું શું કામ થયું ? અને તીર્થવાસી થયા તેણે કરીને તો લાખ ચોરાશીના ફેરા ટળશે નહીં. જો આત્યંતિક કલ્યાણની ઇચ્છા હોય તો શ્રી સ્વામિનારાયણનું હેતે સહિત ભજન કરો તો આત્યંતિક કલ્યાણ થાય. ત્યારે અમે તેને કહ્યું જે, તમે તો ભોળાં જણાઓ છો, કોઇએ તમને ભરમાવ્યાં છે. સ્વામિનારાયણ તો પાખંડી છે. તેણે તો બાબરો ભૂત વશ કર્યો છે. તેણે કરીને તે જગતને ભરમાવે છે. તેની પ્રસાદી જે કોઇ ખાય તે પણ ગાંડા થઇ જાય છે.
ત્યારે તેણે કહ્યું જે, અરે બાવા ! આવાં ખોટાં ગપ્પાં શું મારો છો ? અને અનંત કોટી બ્રહ્માંડના કારણ જે કહેવાય છે તે જ સ્વામિનારાયણ પોતે છે, તેઓ પૃથ્વી ઉપર અધર્મનું ખંડન કરીને ધર્મનું સ્થાપન કરવા પ્રગટ થઇને અગણિત જનોનો ઉધ્ધાર કરે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવા તો જેની સ્તુતિ કરે છે અને શેષ, શારદા જેનું ગુણ ગાન કરે છે, તેને જે અજ્ઞાની જીવો છે તે જાણી શકતા નથી. ત્યારે અમોએ કહ્યું જે, આજ કળિયુગમાં ભગવાન હોય નહીં, અને કહો તો કાશી સુધીના પંડિતોને બોલાવીને મોટી સભા કરીએ, અને તે નિર્ણય કરે તો સ્વામિનારાયણ ભગવાન સાચા.
ત્યારે તેણીએ કહ્યું જે, યમુનાજીને કાંઠે યજ્ઞ કરનારા જે ઋષિઓ કે જે, શાસ્ત્ર પુરાણના ભણેલા હતા તેમણે પણ ભગવાનને ઓળખ્યા નહીં. તો પછી આજના શાસ્ત્રીઓ અને પુરાણીઓ શું નિર્ણય કરશે તે વિચારી જુવો. પશુના પાલન કરનારા જે ગોવાળીયા તેમણે પ્રત્યક્ષ પ્રભુને જાણ્યા. અને જે બ્રહ્મા બુધ્ધિશાળી કહેવાય છે તેણે પણ ન ઓળખ્યા. માટે ભગવાન ઓળખવામાં બુધ્ધિનું કામ નથી પણ ભગવાનની કૃપા હોય અથવા પૂર્વ જન્મના સારા સંસ્કાર હોય તો જ ભગવાન ઓળખાય છે. ત્યારે અમોએ કહ્યું જે, તે વાત બધી ખોટી છે અને તમારા મનમાં ખોટી ભ્રમણા છે. ત્યારે તેણીએ અમોને કહ્યું જે, તું ખોટો અને તારો ગુરુ પણ ખોટો. પણ અમે તો સ્વામિનારાયણને શિર જાય તોય પણ મૂકીએ નહીં. અમે તો એવો નિશ્ચય કર્યો છે જે, બ્રહ્મા જેવા સમજાવવા આવે તો પણ તેને અમે મૂકીએ નહીં.
પછી તે બાઇનો પતિ આવ્યો. તેણે પણ અમને બીક દેખાડી અને કહ્યું જે, બાવા ! તું અહીંથી ચાલ્યો જા. ત્યારે અમે તેને કહ્યું જે, ઓસરીમાં અને એક પડખે પડ્યા રહીશું. કાંઇ અમે તમારી પાસે લેવા આવ્યા નથી. કદાચ તમે લાકડી લઇને મારશો તો પણ જશું નહીં. ત્યારે તેણે કહ્યું જે, તમે ભલે પડી રહો પણ આસન કે ખાવાપીવાનું કાંઇ પણ મળશે નહીં. અને ચલમ કે બીડી પીતાં દેખશું તો તમારો લબાચો બહાર ફેંકી દેશું, કારણ કે હું સ્વામિનારાયણનો સત્સંગી છું તે મારાં ઘરમાં બીડી કે ચલમ પીવાય નહીં. પછી અમે વસ્ત્ર પાથરીને પૃથ્વી પર સૂઇ ગયા અને શરીરમાં ભૂમિ ખૂંચવા લાગી ત્યારે અમે તે બાઇને કહ્યું જે, કાંઇ પલંગ જેવું હોય તો આપો. ત્યારે તે બાઇએ કહ્યું જે, જુવો ક્યાં મારા ઘરમાં પલંગ છે ? હું ક્યાંથી આપું ?
ત્યારે અમે તે બાઇને કહ્યું જે, તારા બીજા ઓરડામાં પલંગ પડ્યો છે તે અમને આપ. તે સાંભળીને વજીબાઇ ઘણું આશ્ચર્ય પામ્યાં. પછી તેઓએ ઊઠીને અમને પલંગ ઓરડામાંથી કાઢી આપ્યો. ત્યારે અમોએ તે બાઇને કહ્યું જે, હે બાઇ ! અમને પાથરવા માટે એક ગોદડું પણ આપો, ત્યારે તે બાઇએ કહ્યું જે, ગોદડું ક્યાંથી આપું ? અમને તું શા કારણથી હેરાન કરે છે ? પહેલાં તો કહેતો હતો જે મને કાંઇ નહીં જોઇએ. અને અત્યારે વળી ગોદડું માગે છે ? ઘરમાં જે ગોદડાં હતાં તે અમે પાથરીને સૌ સૂતાં છીએ. ત્યારે અમે તેને કહ્યું જે, ઘરની અંદર ગોદડાંની થોકડી પડી છે તેમાંથી નવું ગોદડું અમને આપો. ત્યારે વજીબાઇ અમારાં વચન સાંભળીને વિચાર કરવા લાગ્યાં જે આ બાવો ઓરડામાં ગોદડાં પડ્યાં છે તેને ક્યાંથી દેખતો હશે ? આ કાંઇક આશ્ચર્યની વાત છે. પણ તેમાં હું ભરમાઉં નહીં, એમ જાણીને તેમણે અમને બે ગોદડાં આપ્યાં. પછી તે બાઇ ઘરનું બારણું બંધ કરીને સૂઇ ગયાં.
ત્યાર પછી અમે ઓટા ઉપર ઢોલિઓ ઢાળીને ઉપર પોઢી ગયા. ત્યાર પછી અર્ધી રાત જ્યારે ગઇ ત્યારે તે બાઇએ બારણાંમાંથી અમારાં સામું જોયું. ત્યારે તે બાઇને અમે ઐશ્વર્ય જણાવવા સારુ અમારાં ચરણારવિંદ પીપળાની ડાળ સુધી લાંબાં કરી દેખાડ્યાં. ત્યારે તે બાઇએ મનમાં વિચાર કર્યો જે, આ પુરુષ કોઇક ચમત્કારિક છે પણ, મારે તો સ્વામિનારાયણને વિષે પતિવ્રતાપણું છે. તે જો મારું મન ભરમાવવા માટે કોઇ વૈરાટ પુરુષનું સ્વરૂપ ધારણ કરી દેખાડે અથવા તો કોઇ આકાશમાં ઉડી જાય અથવા તો કોઇ સૂર્ય અને ચંદ્રમામાં લીન થાય, તો પણ મારે તો સ્વામિનારાયણ ભગવાન વિના સર્વે માયાના દાસ છે, પણ ભગવાન તો એક સ્વામિનારાયણ જ સાચા છે, તે વિના કોઇ સોએ સો પ્રકારે સિધ્ધાઇ બતાવે, તો કોઇ અગ્નિમાં પ્રવેશ કરે, અથવા તો કોઇ સમુદ્રમાં પ્રવેશ કરે, અથવા તો કોઇ પરના મનની વાત કહી બતાવે, તો પણ સર્વે માયાના જીવ છે. અને જગતમાં મૂર્ખ લોકોને ભરમાવવા માટે યોગીનો વેષ લઇને ઘણા આના જેવા ફરે છે. પણ મારે તો સ્વામિનારાયણ વિના સર્વે ખોટા છે. અને સ્વામિનારાયણ ભગવાનનો જેને નિશ્ચય ન હોય તેને બીજા પુરુષનો ભાર આવે. અને જે સાચો સત્સંગી હોય તેને જો કોઇ સિધ્ધાઇ બતાવે તો પણ તેને પાખંડી છે એમ જાણે છે. પણ મને તો શંકર કે શેષજી કે કોઇ ઇન્દ્રાદિક અથવા બ્રહ્માદિક દેવ ભરમાવવાનો ઉપાય કરે તો પણ સ્વામિનારાયણ ભગવાન વિના બીજા કોઇને હું ભગવાન માનું નહીં. એમ તે બાઇ વિચાર કરીને પોતાના બિછાના પર સૂઇ ગઇ. પછી જ્યારે પ્રાતઃકાળ થયો ત્યારે અમે ત્યાંથી નીકળ્યા.
પછી તે બાઇ એક વખત અમારાં દર્શન કરવા ગઢપુર જ્યારે ભારે સમૈયો ભરાયો હતો ત્યારે ત્યાં આવ્યાં હતાં ત્યારે સમૈયાની ભીડ જોઇને છેટે ઊભાં થઇ રહ્યાં. તેને જોઇને અમોએ સત્સંગીઓને કહ્યું જે, તે બાઇને અમારી પાસે આવવા દ્યો. ત્યારે તે બાઇ આવીને અમોને પગે લાગ્યાં. ત્યારે અમે તે બાઇને મર્મથી કહ્યું જે, ‘આ ચરણારવિંદ તમારા ઘરના પીપળાને અડક્યાં હતાં. ત્યારે વજીબાઇએ શરમાઇને નીચું જોયું. ત્યારે તે ગામનાં રહેનારાં મોટીબા બોલ્યાં જે, હે મહારાજ ! ‘આ બાઇએ નીચું જોયું તેનું કારણ શું ?’ ત્યારે અમોએ સર્વે વાત કહી દેખાડી અને કહ્યું જે, અમારો જેને દૃઢ નિશ્ચય હોય તેને બ્રહ્માદિક જેવા ડગાવે તો પણ ડગે નહીં. એમ સભામાં વજીબાઇની પ્રશંસા કરી. તે સાંભળી સર્વ રાજી થયા.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, હે ભક્તજનો ! (તમો સંત્સંગી છો તે તમારે સત્સંગી નામ સાર્થક કરવું તે શું ? તો આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન જેવા છે તેવા જાણીને તેમનો મન, કર્મ, વચને સમાગમ કરવો. બીજું આ પ્રગટ ભગવાનના સંતો, જે સ્ત્રી, ધનના ત્યાગી એવા જે સંતો, તેમનો સમાગમ કરવો. અને પ્રત્યક્ષ ભગવાને પ્રવર્તાવ્યો એવો જે ભાગવત ધર્મ તેને પાળવો અને પ્રત્યક્ષ ભગવાન તથા સાધુ તથા ભાગવત ધર્મનો મહિમા જેમાં કહેલો હોય એવાં જે શાસ્ત્રો જે સત્સંગિજીવન તથા વચનામૃત તથા શિક્ષાપત્રી ભાષ્ય આદિકને વાંચવાં સાંભળવાનો અભ્યાસ કરવો, અને તે જ પ્રમાણે વર્તવું. તેને સત્સંગી કહીએ) હવે ભગવાનનો સમાગમ કરવાની રીત કહીએ છીએ જે, પોતાના ત્રણ દેહ, ત્રણ અવસ્થા, ત્રણ ગુણ, પંચભૂત, દશ ઇંદ્રિયો, દશ પ્રાણ, ચાર અંતઃકરણ તથા અંતઃકરણના દેવતા તે સર્વ થકી પોતાના આત્માને ન્યારો બ્રહ્મરૂપ જાણીને પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિનું નખથી શિખા પર્યંત ધ્યાન કરવું. તથા ગદ્ગદ્ કંઠે રોમાંચિત ગાત્ર થઇને ભગવાનની માનસી પૂજા કરવી તથા પ્રત્યક્ષ પૂજા કરવી તથા નવ પ્રકારની ભક્તિ કરવી તેને ભગવાનનો સમાગમ કર્યો કહેવાય. અને સાધુની અન્ન વસ્ત્રાદિકે કરીને સેવા પૂજા કરવી તથા તેમના મુખથી કથા વાર્તા સાંભળવી અને તે કહે તેમ જ કરવું તે સંતનો સમાગમ કર્યો કહેવાય.
હવે ભાગવત ધર્મનિષ્ઠાની વાર્તા કહીએ છીએ જે, અહિંસા તથા બ્રહ્મચર્ય આદિક જે પોતાનો વર્ણાશ્રમ સદાચાર તેને યુક્ત થકો નિર્દંભપણે કરીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવા કરવી. તથા ભગવાનનાં મંદિરો કરાવવાં. તથા ભગવાનને અર્થે બાગ-બગીચા કરાવવા તથા ભગવાનને નાના-પ્રકારનાં નૈવેદ્ય ધરાવવાં. તથા ભગવાનનાં મંદિરમાં વાળવું-લીંપવું તેમાં શ્રધ્ધા રાખવી, આવી રીતે વર્તવું તેને ભાગવત ધર્મ કહીએ. એ આદિક ઘણીક વાર્તાઓ કરીને વિરામ પામ્યા. અને સવારે ઊઠીને પોતાનો નિત્યવિધિ કરીને ત્યાં હરિભક્તોને ઘેર થાળ જમ્યા. ત્યાંથી ચાલ્યા તે રસ્તામાં હરિભક્તોનાં ગામ જે જે આવ્યાં તે તે ગામના સત્સંગીઓના મનોરથ પૂર્ણ કરીને ગામ મછીઆવ પધાર્યા. ત્યાંના સત્સંગીજનો સર્વે ગાજતે વાજતે મહારાજની સન્મુખ આવ્યા.
પછી સૌ ગામમાં આવ્યા અને બાપુભાઇને ઘેર ઉતારો કર્યો. અને બાપુજીભાઇએ સારાં સારાં ભોજન તથા વ્યંજન કરાવીને મહારાજને જમાડ્યા. ત્યાર પછી મહારાજને દર્શને આવેલા હરિભક્તો દર્શન કરીને સભામાં બેઠા હતા તેની આગળ મહારાજે વાર્તા કરી જે, સર્વે ગૃહસ્થાશ્રમી અમારા સત્સંગીઓ ! તમો સાંભળો જે, સ્ત્રીના સ્વભાવ છે તે હું તમોને કહું છું. જે સ્ત્રી બહુ ધર્મવાળી હોય અથવા ડાહી હોય તો પણ સ્વભાવથી જન્મથી ભોળી છે તેનું કહ્યું જે પુરુષ માને છે તે દુઃખીઓ થાય છે કારણકે, પતિના પ્રાણ જાય તેવી વાત હોય તો પણ તે સ્ત્રી મનમાં વિચારે નહીં જે આમાંથી પતિના પ્રાણ જશે. તે વિચારી જુવો કે, દશરથ રાજાએ કૈકૈયીનું માન્યું તો પોતાના પ્રાણ ખોયા. માટે અલ્પ કામ સારુ સ્ત્રી રાત દિવસ કંકાસને કરે છે. વળી સત્યભામાએ પુષ્પને માટે શ્રીકૃષ્ણ ભગવાનને કટુ શબ્દ કહ્યા. વળી સ્ત્રી રૂપી ભાગીરથી નદી સદા વાંકા સ્વભાવવાળી છે. માટે સારી ધર્મવાળી સ્ત્રી હોય, અથવા માતા હોય તો પણ તેનું કહ્યું વિચારીને જ કરવું. વળી સ્ત્રીનું ઘણું સન્માન કરવું. વળી સ્ત્રી કેવી છે તો ઠગાદિકથી ઠગાઇ જાય છે અને ભૂત-પ્રેતના ભયમાં ભમાઇ જાય છે. અને ધૂતારાના વચનમાં સાચી પ્રતીતિ માની લે છે, પણ ભગવાનનો અલૌકિક મહિમા જાણતી નથી તે કારણથી છાની વાત રાખવી હોય તો તે વાત તેની પાસે કરવી નહીં. જેના ઘરમાં સ્ત્રી કર્તા હોય તથા રાજ્યમાં બાળક કર્તા હોય તેના ઘરમાં ધનાદિકની આશા ન રાખવી. ત્યાગીને તો ચિત્રની સ્ત્રી હોય અથવા કાષ્ઠની પુતળી હોય તો પણ દૃષ્ટિપૂર્વક જોવી નહીં, તો પછી તેનો સ્પર્શ તો થાય જ કેમ ? ત્યારે વ્યાપકાનંદ મુનિએ પૂછ્યું જે, હે મહારાજ ! પાષાણ તથા ચિત્રની સ્ત્રી તે તો નિર્જીવ કહેવાય, તે શું કરનારી છે ?
પછી મહારાજ કહે જે, એનો ઉત્તર આજ નહીં કરીએ, હમણાં ફરવા જાઓ. પછી વ્યાપકાનંદ સ્વામી ફરવા ગયા. તે ફરતા ફરતા થાનગઢમાં વાસંગી નાગનું મંદિર છે તેમાં રાત રહ્યા, અને તે મંદિરના ઘુમટમાં સ્ત્રીની પુતળીઓ ચિતરેલી હતી, તેની સામે સ્વામીએ જોયું કે ભાન ભૂલી ગયા અને તે પુતળીઓ જાણે સજીવન નાચતી હોય કે શું ? એમ તેણે જોયું.
પછી સ્થિરચિત્તે વ્યાપકાનંદ મુનિએ શ્રી હરિનું ધ્યાન ધર્યું અને પ્રાર્થના બહુ કરી ત્યારે તે ચિત્રો હતાં તેમ જ સ્થિર થયાં. પછી સ્વામી ગઢડામાં મહારાજ પાસે આવ્યા ત્યારે ગદ્ગદ્ કંઠે બોલ્યા જે, હે મહારાજ ! આપની વાત મેં બરાબર સાચી માની છે. એમ કહીને પોતાનું વૃત્તાંત કહી સંભળાવ્યું. માટે સ્વામીને તો સ્ત્રીની ચિત્ર પ્રતિમા પણ બંધન કરનારી છે. પછી હરિભક્તો રસોઇની સામગ્રી લાવ્યા અને રસોઇ કરીને સંતો સહિત પોતે જમ્યા.
તે વખતે એક ભિખારીનો છોકરો અતિ કરગરીને અન્ન માગવા આવ્યો. તેને જોઇને મહારાજ બોલ્યા જે, આ છોકરાને હોય તો આપો. પણ કોઇ બોલ્યા નહીં અને એમ જાણ્યું જે આ મત્સ્યનો ખાનારો તેને અન્ન કેમ અપાય ? ત્યારે મહારાજે તે છોકરાને પૂછ્યું જે, તું જલડોડી ખાય છે કે નથી ખાતો ? તે સાંભળીને છોકરે કહ્યું જે, ના મહારાજ ! હું નથી ખાતો. તે વચન સાંભળીને મહારાજે સત્સંગીઓ આગળ કહ્યું જે, ધર્મી જણાય છે માટે સ્વધર્મી કે પરધર્મી હોય તો પણ ભૂખ્યો કે દુઃખ્યો જણાય તો તેનું દુઃખ જોઇને શક્તિ પ્રમાણે અન્ન જલ આદિકે કરીને તેને શાંતિ પમાડવો. તે ગમે તેવો હોય તો પણ રાંધેલા અન્નાદિકે કરીને તેનું દુઃખ ટાળવું તે સદ્ગૃહસ્થોનો ધર્મ છે. સગું હોય અથવા સ્વદેશી હોય કે પરદેશી હોય તો પણ તેને અન્ન તો આપવું જોઇએ, કેમ જે, સુવર્ણાદિક દાન કરતાં પણ અન્નદાન અધિક છે. અને તે કરતાં પણ શ્રીહરિના સ્વરુપ સંબંધી જ્ઞાન દાન તો સર્વથી અધિક દાન છે. એવી રીતે ઘણીક વાર્તા કરી.
ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે વિજાપુરમાં મહારાજે વજીબાઇની વાર્તા કરી તથા ત્યાંથી મછીઆવ પધાર્યા અને ત્યાં હરિભક્તો આગળ કેટલીક વાર્તા કરી એ નામે તોત્તેરમો અધ્યાય. ૭૩