રાગ : ગોડી
પદ-૧
ફૂલના પે’રી રે જામા, ફૂલના પે’રી,
ફૂલ્યો રસિક સુજાણ જામા, ફૂલના પે’રી, ટેક - ૦
ફૂલનો મુગટ કુંડળ, ફૂલનાં છે કાન,
ઓઢી ઉપરણી ફૂલોની શોભે, વા’લો ભીનેવાન - ફૂલ ૦૧
સુગંધી ફૂલોના શોભે, હૈડે સુંદર હાર,
માથે ફૂલના તોરા અંગે, તેજનો અંબાર - ફૂલ ૦૨
ફૂલડાના ગજરા બાજુ, ફૂલની છડી,
કરે ઈન્દ્ર ઉપરથી પ્રેમે, ફૂલની ઝડી - ફૂલ ૦૩
ફૂલડાનાં ઝાંઝર ચરણે, પે’રી સુંદર શ્યામ,
મુક્તાનંદને વાલે કીધું, ઘેલું ગોકુળ ગામ - ફૂલ ૦૪
પદ-૨
ફૂલડાં ધારી રે અંગે, ફૂલડાં ધારી,
શોભે શામળિયો સુજાણ, અંગે ફૂલડા ધારી - ટેક૦
જરકસી પાઘડલીમાં, ફૂલના તોરા,
માથે ભ્રમર ગુંજાર કરી, આવે છે ઓરા - ફૂલ ૦૧
હૈડા ઉપર હાર સુંદર, ફૂલના પે’રી,
ચોરે માનનીઓનાં મનને પ્યારો, લટકાળો લે’રી - ફૂલ ૦૨
ફૂલનો શણગાર પે’રી, પ્રીતમજી પ્યારો,
અતિ આનંદ વધારે નિત, નંદનો લાલો - ફૂલ ૦૩
મુક્તાનંદનો વા’લો ફૂલ્યા, ગોપીને સંગે,
ગોપી અંગોઅંગ ફૂલી રહી, શામળા સંગે - ફૂલ ૦૪
પદ-૩
નેણને બાણે રે મારી, નેણને બાણે,
મુને મોહનજી મરમાળે મારી, નેણને બાણે - નેણ ૦૧
નેણુંને નજારે પ્રીતમ, પ્રાણ હર્યા મારા,
એક ઘડી અલબેલો વા’લો, નહીં મેલું ન્યારા - નેણ ૦૨
નંદકુંવરનાં નેણું કેરાં, જાદુડાં ભારી,
એની આંખડિયુંને જોઈ સર્વે, મોહી રહી નારી - નેણ ૦૩
જોયા વિના જંપ ન થાય, શું કરીએ બે’ની ?
હું તો વાલાને વશ થઈ છું લાગી, મોહની એની - નેણ ૦૪
મુક્તાનંદને વા’લે મારું, ચિત્ત લીધું ચોરી,
એનું મુખ જોઈ જીવું જેમ, ચંદ ચકોરી - નેણ ૦૫
પદ-૪
પ્રીતડી વાઘી રે, મારે પ્રીતડી વાઘી,
સખી શામળિયા સંગાથે મારે, પ્રીતડી વાઘી - પ્રીત ૦૧
નંદકુંવર નવરંગી સંગે, લાગી રંગઝડી,
મારે ગોવર્ધનધારી શું ગાંઠ, પ્રેમની પડી - પ્રીત ૦૨
હૈડાં કેરો હાર મોહન, નહી મેલું ન્યારો,
મારા જીવડલા સંગાથે જડ્યો, નંદદુલારો - પ્રીત ૦૩
સુંદરવરને સંગે મારું, અંગ રહ્યું ફૂલી,
એને સુખે હું સંસાર કેરો, મારગડો ભૂલી - પ્રીત ૦૪
મુક્તાનંદને પ્યારે પ્રેમે, બાંહી ગ્રહી મારી,
પ્રીતમને પ્રતાપે સે’જે, થઈ રહી જગન્યારી - પ્રીત ૦૫