દીઠે આજ દિવાળી, મોહન મુખ દીઠે આજ દિવાળી; (૪)

Submitted by swaminarayanworld on Tue, 18/04/2017 - 8:37pm

રાગ : કલ્યાણ

 

પદ - ૧

દીઠે આજ દિવાળી, મોહન મુખ દીઠે આજ દિવાળી;

શ્યામ સુંદર મારે મહોલ પધાર્યા, વિઠ્ઠલ વર વનમાળી. મોહન૦ ૧

રૂપ અલૌકિક રસિક રાયનું, ભુલી હું તન શુદ્ધ ભાળી. મોહન૦ ૨

મુક્તાનંદના નાથને મળતાં, લોક લજજા સરવે ટળી. મોહન૦ ૩

 

પદ - ૨

છોગલિયું સુખકારી, સલુણા તારૂં છોગલિયું સુખકારી;

જરકશી પાઘમાં છોગું બિરાજે, જોઇને મોહી વ્રજનારી. સલુણા૦ ૧

રંગડાનું ભરિયું રસિક તારૂં છોગું, ગુણસાગર ગિરિધારી. સલુણા૦ ૨

મુક્તાનંદ કહે છોગલા ઉપર, વારમવાર બલહારી. સલુણા૦ ૩

 

પદ - ૩

મુખડાની મોહની લાગી, મોહન તારા મુખડાની મોહની લાગી;

મુખ જોઇ માવ હું થઇ મતવાળી, તનસુખ લાલચ ત્યાગી. મોહન૦ ૧

આજ સપરમો દિન સુખકારી, મળ્યા તમે શ્યામ સુહાગી. મોહન૦ ૨

મુક્તાનંદ કહે મુખડું તમારૂં, જોઇને હું અતિ અનુરાગી. મોહન૦ ૩

 

પદ - ૪

રસિયાજી રૂપ તમારૂં, મનોહર રસિયાજી રૂપ તમારૂં;

નંદનંદન તારૂં રૂપ અલૌકિક, જોઇને મોહ્યું છે મન મારૂં. મનોહર૦ ૧

છેલ છબીલા તારા છોગા ઉપર, વાલમ સરવસ વારૂં. મનોહર૦ ૨

મુક્તાનંદના નાથ હું તમને, ઉર થકી પળ ન વિસારૂં. મનોહર૦ ૩

Facebook Comments