રાગ : સંધ્યા આરતી
પદ – ૧
જય દેવ જય દેવ, જય જનસુખકારી,(૨)
કમળનયન કમળાવર (૨) ભક્ત ભયહારી. જય૦ ટેક.
લક્ષ્મીનાથ નારાયણ, ત્રિભુવન જનસ્વામી, (૨)
મેઘશ્યામ મનોહર (૨) હરિ ગરૂડગામી. જય૦ ૧
કિરીટ મુગટ મકરાકૃતિ, પીતાંબર ધારી (૨)
શ્રીવત્સ ભ્રગુપદ કૌસ્તુભ (૨) વનમાળી પ્યારી. જય૦ ૨
દિવ્યસ્વરૂપ દયાનિધિ, સુર નર મુનિ ત્રાતા, (૨)
ભક્ત મનોરથ પૂરક (૨) વાંછિત વરદાતા. જય૦ ૩
નાના રત્ન વિભૂષણ, ભૂષિત મુરારી (૨)
સુંદર હસત વદનપર (૨) પ્રેમાનંદ વારી. જય૦ ૪
પદ - ૨
જયદેવ જયદેવ, જય હરિવર સ્વામી, જય હરિવર સ્વામી;
સુંદર મુખ નિરખીને (૨) અવિચલ સુખ પામી; જય. ટેક.
સહજાનંદ સુખકારી, કરુણા બહુ કીધી (૨);
ભવસાગરમાં બુડતા (૨) બાંહ્ય ગ્રહી લીધી . જય. ૧
શ્રીઘનશ્યામ મનોહર મૂરતિ મરમાળી (૨) ;
કૃપા કરી નિજજનનાં (૨) દુઃખ નાંખ્યા ટાળી. જય. ૨
નીલકંઠ નારાયણ, હરિ કૃષ્ણ સ્વામી (૨) ;
નામ રટી રટી બહુ જન (૨), થઇ ગયા નિષ્કામી. જય. ૩
ધર્મકુંવર કરુણાનિધિ, કરુના ઉર લાવી (૨) ;
પ્રેમાનંદના ઉરમાં (૨) અખંડ રહો આવી. જય. ૪
પદ – ૩
જય સ્વામી વહાલા, જય સ્વામી વહાલા;
આરતિ ઉતારું (૨), ધર્મતણાં લાલા; જય. ટેક
મહા મનોહર મૂર્તિ, નિરખી દુઃખ જાય (૨) ;
ચરન કમલ ઉર ધરતાં (૨), મન શીતલ થાયે. જય. ૧
કૃષ્ણ કમલદલલોચન, મોચન ભવ પીડા (૨);
દીનાનાથ તમારી (૨), નીત નૌતમ ક્રીડા. જય. ૨
કરુણામય તનુ ધારી, કરુણા બહુ કીધી (૨) ;
મુક્તતણી જે પદવી (૨), અનાથને દીધી. જય. ૩
આ અવતાર ધર્યો સ્વામી, ગરીબોને સારું (૨);
પ્રેમાનંદકે' તન મન(૨), લઇ તમ પર વારું. જય. ૪
પદ – ૪
જયદેવ જયદેવ જય સ્વામી મહારજ (૨) ;
સહજાનંદ દયાલુ (૨), જય જય ગરીબ નિવાજ; જય. ટેક
પતિત પાવન અધમ ઓધારણ, મુક્તિના દાતા (૨);
દીનતણા દુઃખભંજન (૨) શરણાંગત ત્રાતા. જય. ૧
કરુણા રસમય મૂર્તિ, કરુણામય વાણી (૨);
કરુણામય કર લટકે (૨), લીધાં મન તાણી. જય. ૨
બહુ સુખ દીધા જનને, કરુણા ઉર આણી (૨);
માયા મદ અભિમાની (૨), તે ન શક્યા જાણી. જય. ૩
ભક્તતણા ઉર ભૂષણ મુનિને મન વસીયા (૨) ;
પ્રેમાનંદના જીવન (૨), સહજાનંદ રસિયા. જય. ૪