રાગ : કાફી
પદ-૧
જમોને ગોપીનાથજી સુંદર લાડુ રે. જમો૦ ટેક૦
ઘૃત સાકરમાંહી ઝાઝાં ભેળીને, હરિવર હેતે હું જમાડું રે. જમો૦ ૧
જગ જીવન મારે હાથે જમો તો, ઘણું ઘણું માનીસ હું સપાડું રે. જમો૦ ૨
સુંદર મુખડું હું જમતા રે જોવું, થાયે મારા અંતરમાંહી ટાઢું રે. જમો૦ ૩
પ્રેમાનંદ ઉભો આશ કરીને, જમીને આપો પનવાડું રે. જમો૦ ૪
પદ-૨
જમોને ઘનશ્યામજી પુરી શીરો રે. જમો૦ ટેક૦
બહુ પકવાન તમ કાજ કર્યા છે, બીરજં હરીસો સાકર કેરો રે. જમો૦ ૧
લાવી છું ડોલરીયાના હાર ગુંથીને, જમીને જીવન તમે પેરો રે. જમો૦ ૨
જીવન તમને જમતા જોઉં તો, મટે મારા ભવ કેરો ફેરો રે. જમો૦ ૩
પ્રેમાનંદને શીત પ્રસાદી, દીયો તો રાજી છે ઘણેરો રે. જમો૦ ૪
પદ-૩
લીયોને ગોપીનાથજી મુખવાસ રે. લીયો૦ ટેક૦
તજ એલાયચી જાવંત્રી જાયફલ, હાજર ઉભી છું લઈને પાસરે. લીયો૦ ૧
કાથો ચુનો તજ લવીંગ સોપારી, બીડી મેં વાળી છે કરી ઉલાસ રે. લીયો૦ ૨
મારે હાથે હું બીડી મુખમાં આપું. આજ મારે આવ્યો અવકાશ રે. લીયો૦ ૩
મુખ તંબોલ લીધાની રે મોહન, પ્રેમાનંદને છે ઘણી આશ રે. લીયો૦ ૪
પદ-૪
આપું છું બીડી પાનની હું બનાવી રે. આપું૦ ટેક.
નાગરવેલીનાં પાન મનોહર, પાકાં પાકાં જોઈને આખાં લાવી રે. આપું૦ ૧
કાથો ચુનો ને લવીંગ એલાયચી, વાંકડી સોપારી કતરાવી રે. આપું૦ ૨
પ્રીત કરીને સુંદર બીડી મેં વાળી, મુખમાં મેલું પાસે આવી રે. આપું૦ ૩
પ્રેમાનંદને કૃપા કરીને, મુખ તંબોલ આલો આવી રે. આપું૦ ૪