વચનમાં વરતે સંત શાણાજી, દેહ ગેહ સુખમાં જે ન લોભાણાજી
મન કર્મ વચને હરિ બોલે બંધાણાજી, એવા જન જેહ તેહ મોટા ગણાણાજી
મોટા ગણાણા તે માનવું, કર્યું ગમતું જેણે ગોવિંદતણું ।।
તે વિના મોટપ્ય નવ મળે, ફરી ફરી શું કહિયે ઘણું ।। ર ।।
રાધાજિયે રાજી કર્યા, શ્રી કૃષ્ણ કૃપાનિધાન ।।
તેણે કરીને મોટપ્ય મળી, વળી પામિયા બહુ સનમાન ।। ૩ ।।
કમળાએ કૃષ્ણને રીઝવ્યા, રીઝ્યા અલબેલો અવિનાશ ।।
તેણે કરીને તેહ પામિયાં, હરિ ઉરે અખંડ નિવાસ ।। ૪ ।।
વૃંદા વચનમાં વરતી, કર્યા પ્રભુને પ્રસન્ન ।।
તેણે કરી હરિ અંઘ્રિમાં, રહ્યાં કરી સુખ સદન ।। પ ।।
વ્રજવનિતા વચને રહી, વળી વા’લા કર્યા વ્રજરાજ ।।
તેણે કરીને તોલે તેને, ના’વે શિવ બ્રહ્મા સુરતાજ ।। ૬ ।।
પંચાલિયે પ્રસન્ન કર્યા પ્રભુને, આપી ચીરી ચીંથરી ચીરતણિ ।।
તેણે કરી તને નગ્ન ન થયાં, વળી ભકત કા’વ્યાં શિરોમણિ ।। ૭ ।।
એહ રીતે મોટપ્ય મળે, પહેલા રાજી કર્યે પરબ્રહ્મ ।।
નિષ્કુળાનંદ કહે તે વિના, ઠાલો પડે જાણો પરિશ્રમ ।। ૮ ।।