હરિવિમુખ થાશે હેરાણજી, મરશે ફરશે ભરશે ચારે ખાણજી
થાશે પરવશ પરનો વેચાણજી, ત્યારે પડશે એ પાપની પે’ચાણજી
પે’ચાણ પડશે પાપની, જયારે જડશે જોડા મૂંડમાં ।।
ત્યારે આંખ્ય ઊઘડશે, પડશે માર જયારે પંડમાં ।। ર ।।
જાણી જોઈ જગદીશનાં, વિમુખ લોપે છે વચનને ।।
મર માણે આજ મોજને, પણ પડશે ખબર તજે તનને ।। ૩ ।।
ટીપ થાશે ત્રણે કાળમાં, અન્ન વસન વિના રે’શે વનમાં ।।
રાત દિવસ રડવડશે, ત્યારે વિચારશે મનમાં ।। ૪ ।।
શીશ ડોલાવી શોક કરશે, કે’શે કયાંથી વચનદ્રોહી થયો ।।
સંત ઘણું સમજાવતા, પણ હું તો દેહમાની રહ્યો ।। પ ।।
કિયાં જાઉં હવે કેમ કરું, સરું દુઃખનું નથી આવતું ।।
મોટાની મરજાદ મૂકી, કર્યું મેં મન ભાવતું ।। ૬ ।।
એમ પસ્તાશે પાપિયો, લેશે ફળ વચન લોપ્યાતણું ।।
દુઃખના દરિયા ઊલટશે, સુખ નહિ રહે એક અણું ।। ૭ ।।
એમ કે’છે આગમમાં, સંત વળી મોટા મુનિ ।।
નિષ્કુળાનંદ કે’ હરિદ્રોહી સમ, ખોળતાં વળી ન મળે ખૂની ।। ૮ ।।