જેમ એક પુરુષને પુત્ર બે ચારજી, તેને પરણાવી જૂજવી નારજી
તે સૌ બાંધી બેઠા ઘરબારજી, તેમાં એક વનિતાયે કર્યો વ્યભિચારજી
વ્યભિચાર કરી વણશી ગઈ, માંડ્યું જેઠનું જઈ ઘર ।।
તેને શાણી ગઈ સમજાવવા, ત્યાં તો બોલી સામું બળભર ।। ર ।।
કહે શું સમજી શિખામણ દેવા, તું આવી અતિ ડાહી થઈ ।।
ખબર વિના ખોટ ખોળે છે, એવી અક્કલ કેમ ઊઠી ગઈ ।। ૩ ।।
સાસુ સસરો ગોર ગોત્રજ, કુળદેવ બીજા નથી કરિયાં ।।
નણંદ નાતિ જાતિ જાણો, એ તો એમ જ છે નથી ફરિયાં ।। ૪ ।।
ફેરવણીમાં ફેરવણી એટલી, પાલટો કર્યો એક પતિતણો ।।
એને ઉપર આગ્રહ આવો, કહો કેમ કરો છો ઘણો ।। પ ।।
ઈર્ષ્યાયે કરી આળ ચડાવી, વણ વાંકે નાખો છો વાંકને ।।
ફજેતી કરવા સૌ ફર્યા છો, નાખી કલંક કાપવા નાકને ।। ૬ ।।
મને કહ્યું એમ કહો બીજાને, તો તરત મળે તેનું ફળ ।।
અમ જેવાં તો અનેક છે, તેની નથી તમને કાંઈ કળ ।। ૭ ।।
એમ અભાગણી ઉચ્ચરે, શુદ્ધ અતિ સાચી થઈ ।।
નિષ્કુળાનંદ કહે એવા નિર્લજજને, લાજ ને શરમ શી રઈ ।। ૮ ।।