અધ્યાય - ૧૮ - ધર્મદેવ અને મરીચ્યાદિ મુનિઓનું વૃંદાવનમાં મિલન.
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! દેશદેશાંતરમાંથી પોતાની પત્નીઓએ સહિત હજારો જનો પુષ્પદોલોત્સવનાં દર્શન કરવા આ પવિત્ર વૃંદાવનતીર્થમાં આવ્યા હતા.૧
તેમજ દુર્વાસા મુનિના શાપથી આ પૃથ્વી પર માનવયોનિમાં જન્મેલા અને અસુરો થકી અતિશય પીડાયેલા મરીચ્યાદિ મુનિઓ પણ ફરતા ફરતા તે વૃંદાવનક્ષેત્રમાં આવ્યા હતા.૨
ભગવાન શ્રીકૃષ્ણની ઇચ્છાથી તેઓને પોતાના પૂર્વ મૂળ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થયું, તેથી પરસ્પર એક બીજાને ઓળખી ગયેલા તે મુનિઓ બીજા સંસારીજનો પોતાને ઓળખી ન શકે તે રીતે દૈવી ઇચ્છાથી તે વૃંદાવનના એકાંત પ્રદેશમાં સર્વે ભેળા થયા. અને ગોવર્ધનપર્વતની પરિક્રમા કરવા લાગ્યા. તે સમયે પ્રદક્ષિણા કરતા ધર્મદેવે માર્ગમાં તેઓને લોકોત્તર લક્ષણોથી ઓળખી લીધા અને તે મરીચ્યાદિ મુનિઓએ પણ મનુષ્યાકૃતિમાં રહેલા ધર્મદેવને ઓળખી લીધા.૩-૪
હે રાજન્ ! અરસપરસ ઓળખી જવાથી એક બીજાને અતિ હેતથી ભેટી પડયા અને પોતાનું સમગ્ર જીવનવૃત્તાંત એક બીજાને કહી અસુરોએ જે અતિ કષ્ટ આપ્યું હતું તે સર્વે કહેવા લાગ્યા.૫
ધર્મદેવ મુનિઓનાં દુઃખે દુઃખી થયા અને મુનિઓ ધર્મના દુઃખે દુઃખી થયા, ત્યારપછી મુનિઓ ધર્મદેવ પ્રત્યે કહેવા લાગ્યા, હે ધર્મદેવ ! રૂદ્રના અવતાર એવા દુર્વાસામુનિના શાપથી આ જન્મમાં આપણે ભયંકર કષ્ટને પામ્યા, હવે તમારી પ્રાર્થના સાંભળ્યા પછી બદ્રિકાશ્રમમાં જે દુઃખનો અંત તેણે તમને સૂચવ્યો હતો તે અંત ક્યારે આવશે ?.૬-૭
ત્યારે ધર્મદેવ તેઓને કહે છે, હે મુનિઓ ! દુર્વાસામુનિનું વચન ક્યારેય મિથ્યા નહિ થાય. એથી ભગવાન શ્રીકૃષ્ણનું પ્રત્યક્ષ દર્શન જ્યાં સુધી આપણને ન થાય ત્યાં સુધી ધીરજ રાખી એ કષ્ટને આપણે સહન કરવું રહ્યું. માટે હે મુનિઓ ! આપણે આ પવિત્ર વૃંદાવન તીર્થને વિષે કંઇક એવો ભગવાન શ્રીકૃષ્ણની આરાધનારૂપ ઉપાય કરીએ કે જેનાથી શ્રીકૃષ્ણ ભગવાન જલદીથી પ્રસન્ન થાય અને પોતાનું પ્રત્યક્ષ સાક્ષાત્ દર્શન આપણને આપે.૮-૯
શ્રી કૃષ્ણના પ્રત્યક્ષદર્શન માટે જપાત્મક વિષ્ણુયાગનો પ્રારંભઃ- ધર્મદેવ કહે છે, હે મુનિઓ ! હું ભગવાન શ્રીકૃષ્ણના અષ્ટાક્ષરમંત્રનું શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પુરશ્ચરણ કરીશ, અને તમે સર્વે મુનિઓ પણ એ પુરશ્ચરણના અંગભૂત અન્ય અનુષ્ઠાનો કરો.૧૦
હે રાજન્ ! ધર્મદેવનું આ વચન સાંભળી મુનિઓ બહુજ પ્રસન્ન થયા અને તે પ્રમાણે જ કરવાનો મનમાં દૃઢ સંકલ્પ કર્યો.૧૧
ત્યારબાદ ધર્મ-ભક્તિ અને સર્વે મુનિઓએ સંવત ૧૮૩૬ ના ફાગણવદી બીજ ને ગુરુવારે હસ્ત નક્ષત્રમાં શ્રીવિષ્ણુયાગનો પ્રારંભ કર્યો.૧૨
તેમાં સર્વથી પહેલાં મુખ્ય યજમાન સ્વયં ધર્મદેવે શ્રીકૃષ્ણના અષ્ટાક્ષર મંત્રના પુરશ્ચરણનો પોતાની શક્તિને અનુસારે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રારંભ કર્યો.૧૩
ત્યારપછી કેટલાક મુનિઓ શ્રીમદ્ભાગવતનું પારાયણ પુરશ્ચરણ વિધિ અનુસાર સાત સાત દિવસે સંપૂર્ણ થાય તે રીતે કરવા લાગ્યા.૧૪
કેટલાક મુનિઓ મહાભારતને વિષે ભીષ્મપર્વમાં રહેલ શ્રીમદ્ ભગવદ્ગીતાનો પાઠ કરવા લાગ્યા. કેટલાક સ્કંદપુરાણમાં રહેલ શ્રીવાસુદેવ માહાત્મ્યના પાઠ કરવા લાગ્યા.૧૫
કેટલાક મુનિઓ વિષ્ણુસહસ્રનામ સ્તોત્રનો પાઠ કરવા લાગ્યા અને કેટલાક ઋષિઓ વિધિ પ્રમાણે વિષ્ણુગાયત્રી ''ઁ શ્રીનારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુઃ પ્રચોદયાત્'' એ મંત્રનો જપ કરવા લાગ્યા.૧૬
કોઇ મુનિઓ ઉત્તર દિશા તરફ મુખ રાખી શ્રીનારાયણકવચનો પાઠ કરવા લાગ્યા અને કેટલાક મુનિઓ માત્ર ભગવાન શ્રીકૃષ્ણના નામમંત્રનું સ્મરણ કરવા લાગ્યા.૧૭
હે રાજન્ ! સ્વયં ભક્તિદેવી શ્રીમદ્ભાગવતના દશમ સ્કંધના પૂર્વાર્ધમાં રહેલ ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલાનું જેમાં વર્ણન છે તે રાસપંચાધ્યાયીનો અચળ મનથી પાઠ કરવા લાગ્યાં.૧૮
હે રાજન્ ! રાત્રીને વિષે જ્યારે સર્વે તીર્થવાસી યાત્રીઓ સૂઇ જાય ત્યારે ધર્મભક્તિ અને ઋષિમુનિઓ ભેળા મળી વીણા, મૃદંગ આદિ વાજિંત્રોના નાદની સાથે જયદેવ કવિએ રચેલા 'ગીતગોવિંદ' નામના કાવ્યનું ગાયન કરતા હતા.૧૯
આ પ્રમાણે મનને નિયમમાં રાખી ધર્મ-ભક્તિ અને ઋષિમુનિઓ ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરતા હતા, ત્યારે બે મહિનાના અંતે વૈશાખ સુદ મોહિની એકાદશીનો પવિત્ર દિવસ આવ્યો.૨૦
તપથી અતિ કૃશ થઇ ગયેલાં શરીરવાળા અને પોતાને શરણે આવેલ તે ધર્મ-ભક્તિ અને ઋષિમુનિઓ ઉપર પ્રસન્ન થયેલા સમર્થ ભગવાન શ્રીકૃષ્ણે તે દિવસે દયા કરીને પોતાનું સાક્ષાત્ દર્શન આપ્યું.૨૧
ભગવાન શ્રીકૃષ્ણનું સાક્ષાત્ દર્શનઃ- ગોલોકધામને વિષે અખંડ રાસલીલામાં જેવા સ્વયં વિરાજમાન છે તેવા ને તેવા જ સ્વરૂપે વૃંદાવનને વિષે પોતાની આરાધના કરી રહેલા ધર્મ-ભક્તિ અને ઋષિમુનિઓને ચંદ્રમાની જેમ શીતળતા આપનારા ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન થયાં.૨૨
ધર્મ-ભક્તિ અને ઋષિમુનિઓ પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કરી તે એકાદશીની રાત્રીએ વ્રતના અંગભૂત જાગરણ કરતા હતા. એમ કરતાં બ્રાહ્મમુહૂર્ત થયું ત્યારે એકાએક શીતળ શાંત મહાતેજનું તેઓને પ્રથમ દર્શન થયું.૨૩
અને ત્યાર પછી કરોડે કરોડ સૂર્ય અને ચંદ્રમાની કાંતિ સમાન અને તેજસ્વી તેમજ સચ્ચિદાનંદરૂપ એવા આ અક્ષરબ્રહ્મ તેજને વિષે સાક્ષાત્ શ્રીકૃષ્ણનારાયણના ધર્માદિકને દર્શન થયાં.૨૪
નવીન મેઘની સમાન શ્યામ સુંદર મૂર્તિ હોવા છતાં અતિશય તેજના લીધે શ્વેત જણાતા હતા. કોટિ કોટિ કામદેવને પણ મોહ ઉપજાવે તેવા અતિશય રૂપાળા હતા. અગ્નિથી તપાવેલા સુવર્ણના વર્ણની સમાન પીળા પીતાંબરને ધારી રહ્યા હતા.રપ
સુંદર લાલ ઘીલોડા જેવા અધરોષ્ઠ ઉપર કમળ સરખા હસ્તકમળથી વેણુને ધારી બહુ પ્રકારના સ્વરભેદથી વગાડતા હતા, નટવર જેવો સુંદર વેષ ધાર્યો હતો.ર૬
મસ્તક ઉપર રત્નની પંક્તિઓ જડિત સુવર્ણનો મુગટ શોભતો હતો. કાનમાં મકરાકાર કુંડળ શોભી રહ્યાં હતાં. કંઠમાં એક સરખા ગોળાકાર મોટાં મોતીઓની માળા અને સુગંધીમાન સુંદર પુષ્પોની માળાઓ ધારણ કરી હતી.ર૭
વિશાળ ભાલમાં કેસર ચંદનના સુંદર તિલકથી અતિશય શોભી રહ્યા હતા. તેમજ લટકતા સુંદર પુષ્પોના તોરાની પંક્તિઓથી પણ શોભી રહ્યા હતા. રત્નજડિત સુવર્ણનાં ઘણાં આભૂષણો ધારણ કર્યાં હતાં. તેમનું મુખારવિંદ સોળે કળાએ ખીલેલા શરદઋતુના ચંદ્રમાની સમાન શોભતું હતું.ર૮
શરદઋતુમાં ખીલેલાં નવીન કમળનાં પત્રની સમાન વિશાળ નેત્રો શોભતાં હતાં. મસ્તક ઉપર ઝીણાં, વાંકડિયાળા કોમળ એવા કાળા કેશ શોભી રહ્યા હતા. આવી રીતે ભગવાન શ્રીકૃષ્ણ દર્શનીય સમસ્ત શરીરના અવયવોથી શોભી રહ્યા હતા.ર૯
રુક્મિણી, રાધા, લક્ષ્મણા, સત્યભામા, સત્યા, ભદ્રા અને જાંબુવતી આદિક પટરાણીઓ અતિ પ્રેમથી તેમનાં ચરણકમળનું સેવન કરી હતી. અને પોતાની દૃષ્ટિમાત્રથી સર્વેના મનને પોતામાં ખેંચી લેતા હતા એવા સાક્ષાત્ શ્રીકૃષ્ણનારાયણનાં ધર્મ-ભક્તિ અને ઋષિમુનિઓને પ્રત્યક્ષ દર્શન થયાં.૩૦
વળી નંદ, યશોદા, વસુદેવ, દેવકી, બલરામ, સુભદ્રા વિગેરે પરિવારજનો તથા નંદા, સુભદ્રા સુરભિ આદિ ગાયો સ્નેહપૂર્વક એ શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપનું દર્શન કરી રહ્યાં હતાં. તેમજ અનેક પ્રકારના શૃંગારિક દ્રવ્યો હાથમાં લઇ ઊભેલી ગોપાઙ્ગનાઓના સમૂહો પ્રેમથી ચારે બાજુ વિંટાઇને તેમના મુખારવિંદનું દર્શન કરી રહ્યા હતા. સ્વયં પોતે સર્વે ભક્ત સમુદાયને મંદમંદ હાસ્ય વડે આનંદિત કરી રહ્યા હતા. આવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણના સાક્ષાત્ દર્શન પામી પરમ આનંદ તથા આશ્ચર્યને પામેલા ધર્મ-ભક્તિ તથા ઋષિમુનિઓ તેમને દંડવત્ પ્રણામ કરી બન્ને હાથ જોડી સામે ઊભા રહ્યા.૩૧-૩૩
તે ધર્મ-ભક્તિ તથા ઋષિમુનિઓની નેત્રાદિક ઇન્દ્રિયોની વૃત્તિઓ ભગવાન શ્રીકૃષ્ણની અતિશય રમણીય દિવ્ય મૂર્તિમાં ખેંચાઇ ગઇ, તેથી તેઓ કાષ્ઠનાં પૂતળાંની જેમ સ્થિર ઊભા રહ્યા.૩૪
ભગવાન શ્રીકૃષ્ણની ઇચ્છાથી તે સર્વે આમ એક મુહૂર્ત પર્યંત સ્થિર ને સ્થિર ઊભાં રહ્યાં, ત્યાર પછી તેમનીજ ઇચ્છાથી ફરી દેહની સ્મૃતિ પ્રાપ્ત થઇ ત્યારે ભગવાન શ્રીકૃષ્ણનારાયણની સન્મુખ ઊભા રહી ધર્મદેવાદિ સર્વે ઋષિમુનિઓ તે સર્વેશ્વર શ્રીકૃષ્ણ પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યા.૩૫
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં વૃંદાવનમાં ધર્મભક્તિ અને મુનિઓએ વિષ્ણુયાગની આરાધનાથી પ્રસન્ન કરેલા સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણે પોતાના દર્શનથી આપેલા આનંદનું નિરૂપણ કર્યું. એ નામે અઢારમો અધ્યાય પૂર્ણ થયો. --૧૮--