અધ્યાય -૧૯ - મરીચ્યાદિ મુનિઓની સાથે ધર્મદેવે કરેલી ભગવાનની સ્તુતિ.

Submitted by swaminarayanworld on Sat, 24/06/2017 - 4:34pm

અધ્યાય - ૧૯ - મરીચ્યાદિ મુનિઓની સાથે ધર્મદેવે કરેલી ભગવાનની સ્તુતિ.

ધર્મદેવ કહે છે, હે ભગવન્ ! આપનું દર્શન મનુષ્યનાં સર્વ પ્રકારના પાપના સમૂહને નાશ કરવામાં સમર્થ છે, અને સર્વે આપત્તિઓને તત્કાળ દુર કરનારું છે. આવું આપનું દિવ્ય દર્શન આજ અમને પ્રાપ્ત થયું છે, અહો !!! આપની કૃપાના એક મુખે શું વખાણ કરું ?.૧

હે પ્રભુ ! તમે પોતાના આશ્રિત ભક્તોનું રક્ષણ કરવા સમર્થ છો. જગતના નિયંતા છો. જીવોના અનાદિ અવિદ્યારૂપ બંધનને તોડનારા છો. ક્ષર એવા બદ્ધજીવો અને અક્ષર એવા મુક્તાત્માઓથી પણ તમે પર છો. એથી પુરુષોત્તમ એવા આપ આ અનંતકોટી બ્રહ્માંડના કર્તા છો.૨

આવું આપનું ધામ છે તે પ્રકૃતિપુરુષાદિ ઇશ્વરોના સ્થાનો કરતાં પણ પર છે. સર્વોત્તમ, અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત, અક્ષર, સદાય અવિનાશી છે. આવા અતિશય તેજોમય ધામને વિષે સમગ્ર ઐશ્વર્ય અને શક્તિએ સહિત આપ બિરાજો છો.૩

હે સર્વના કારણ ! દેવ મનુષ્યાદિ સમ-વિષમ સૃષ્ટિની રચના કરવા છતાં સમ-વિષમતાના વિકારી ભાવોથી પર રહેલા એવા આપજ વાસુદેવાદિ પ્રસિદ્ધ ચતુર્વ્યૂહ ધારણ કરનારા છો. તમારો મહિમા જાણનાર સમસ્ત એકાંતિક ભક્તજનો પંચરાત્ર શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે આપનું જ પૂજન કરે છે.૪

વેદ, ઇતિહાસ, પુરાણાદિ સમસ્ત સત્શાસ્ત્રો તમારી જ એક વિશુદ્ધ કીર્તિનું ગાન કરે છે, તમેજ કાળ, માયાદિના નિયંતા છો, તમેજ બ્રહ્મા, વિષ્ણુ, શિવરૂપ ધારણ કરી આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કરનારા છો.૫

આ પૃથ્વી ઉપર ચારે તરફ ફેલાયેલા અધર્મથી જ્યારે ધર્મમાર્ગ ક્ષીણ થાય છે, ત્યારે આ ધરાપર તે ધર્મનું રક્ષણ કરવા તથા સંતો, ભક્તો અને દેવતાઓનું રક્ષણ કરવા તમે અનંત અવતારોને ધારણ કરો છો.૬

હે ભગવન્ ! પૂર્વે તમે મત્સ્યાવતાર ધારણ કરી હયગ્રીવ અસુર પાસેથી વેદો પાછા લાવ્યા હતા, તેવી જ રીતે સમુદ્ર મંથન વખતે તમે કૂર્માવતાર ધારણ કરી મંદ્રાચળ પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો હતો.૭

તમે વારાહરૂપ ધારણ કરી દાંતના અગ્રભાગથી રસાતળમાં ગયેલી પૃથ્વીને ઊંચકીને પાણી ઉપર સ્થાપન કરી હતી. તેમજ નૃસિંહ અવતાર ધારણ કરી તમે મૃત્યુપર વિજય મેળવનાર દૈત્યપતિ હિરણ્યકશિપુનો સંહાર કર્યો હતો.૮

હે શ્રીહરિ તમે વામન અવતાર ધારણ કરી ત્રણ પગલાં જમીનના બહાને કપટથી બલીને છેતર્યો હતો. વળી તમે જમદગ્નિ ઋષિને ત્યાં પરશુરામ સ્વરૂપે પ્રગટ થઇ પૃથ્વીને એકવીશવાર ક્ષત્રિય રહિત કરવા ફર્યા હતા.૯

હે ઇશ્વર ! પૂર્વે ત્રેતાયુગમાં તમે રામચંદ્રરૂપે અવતાર ધારણ કરી સમુદ્ર ઉપર સેતુ બાંધી સમસ્ત વિશ્વને રડાવનાર, તેમજ રાક્ષસોનો અધિપતિ, મહાબળવાન, પુલસ્ત્યપુત્ર રાવણનો સંહાર કર્યો હતો.૧૦

તેમજ હે હરિ ! તમે પૂર્વે મથુરા નગરીમાં પ્રથમ વસુદેવ-દેવકીને ત્યાં પુત્રરૂપે પ્રગટ થઇ વ્રજમાં પધાર્યા. ત્યારપછી આપને વિષે અનન્ય પ્રેમવાળાં ગાયો, ગોવાળો, ગોપીઓ આદિ વ્રજવાસીઓનાં અનેક સંકટોનું નિવારણ કરી તેઓને આનંદ આપતા આ યમુનાના તટમાં વિહાર કર્યો હતો.૧૧

હે ગોપીજન વલ્લભ ! તમે કંસે મોકલેલા પૂતના, તૃણાવર્ત આદિ અનેક અસુરોનો સંહાર કરી જન્મભૂમિ મથુરા પધાર્યા અને સાધુજનોનો દ્રોહ કરનાર મામા કંસનો વધ કર્યો હતો.૧૨

ત્યાર પછી તમે દ્વારિકાનગરીમાં પધારી અનેક દિવ્યસ્વરૂપોને ધારણ કરી લક્ષ્મીસ્વરૂપા રુક્મિણી આદિ સ્ત્રીઓની સાથે લગ્ન કર્યાં હતાં. તથા ધર્મનો દ્રોહ કરનાર, પૃથ્વીના ભારરૂપ અસુરોનો વિનાશ કરી સનાતન ધર્મનું સ્થાપન કર્યું હતું.૧૩

એવા અપાર મહિમાવાળા હે નાથ ! સર્વના નિયંતા તમે પોતાને અતિ વ્હાલા એવા નરના અવતારરૂપ અર્જુનની સાથે હસ્તિનાપુરમાં અનેક લીલા કરી પ્રિય પત્ની દ્રૌપદીએ સહિત યુધિષ્ઠિરાદિ પાંડવોનું પ્રિય કર્યું હતું.૧૪

એવા હે પ્રભુ ! તમે બુદ્ધાવતાર ધારણ કરી દૈત્યોને મોહ ઉપજાવ્યો હતો. અને હવે કલિયુગના અંતે કલ્કિ અવતાર ધારણ કરી તમે પૃથ્વી ઉપર રહેલા દુષ્ટજનોનો વિનાશ કરશો.૧૫

એવા હે નાથ ! તમે પૃથ્વી ઉપર પોતાના શરણાગત ભક્તજનોની આપત્તિઓને વારંવાર હરો છો, તમે સાધુ, બ્રાહ્મણનું હિત કરનારા છો, અને અતિ સમર્થ છો, તેથી અત્યારે તમો અમારા ઉપર મોટી કૃપા કરો જેથી અમારું સર્વે સંકટ દૂર થાય.૧૬

ભક્તિદેવીએ કરેલી શ્રીકૃષ્ણભગવાનની સ્તુતિઃ- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે સાક્ષાત્ ભગવાનનાં દર્શન થવાથી જેનાં નેત્રોમાં હર્ષનાં અશ્રુઓ આવેલાં છે એવા ધર્મદેવ ઋષિમુનિઓની સાથે ભગવાન શ્રીપુરુષોત્તમનારાયણની સ્તુતિ કરી મૌન થયા.૧૭

ત્યારપછી ભક્તિદેવી દિવ્ય શરીરધારી એવા ભગવાન શ્રીકૃષ્ણનાં પ્રત્યક્ષ દર્શન કરી અતિ હર્ષથી બન્ને હાથ જોડી ભગવાનને પ્રણામ કર્યા.૧૮

આ વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણના ભક્તાધિનપણાના ગુણનો વિચાર કરતાં ભક્તિદેવીની આંખોમાં હર્ષનાં આંસુઓ છલકાયાં અને શરીર પુલકિત થયું. તેથી રોમાંચિત થઇને ગદ્ગદ્ કંઠે શ્રીકૃષ્ણ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યાં.૧૯

હે ભગવન્ ! આપનું સ્વરૂપ સદાય આનંદમય છે. આપ ભક્તજનોને પણ ઇચ્છિત મહાસુખ આપી આનંદ આપો છો, દયાળુ છો. આપનાં શ્રીચરણો વંદન કરનાર ભક્તજનો માટે કલ્પવૃક્ષની સમાન મનોરથ પૂર્ણ કરનારાં છે, તેથી ભક્તજનોના સમુદાયને સદાય આનંદ પમાડનારા નંદનંદન! તમારા ચરણોમાં હું ભક્તિ, વંદન કરું છું.૨૦

તમે ભક્તજનોને મુક્તિ આપનારા હોવાથી વેદો તમને મુકુંદ અને આનંદના સાગર કહે છે. છતાં ભક્તજનો ઉપર વાત્સલ્યભાવ હોવાથી નંદજીના ભવનમાં મા યશોદાજીના ખોળામાં બેસીને અસ્પષ્ટ કાલીઘેલી મધુર વાણીથી 'હે મા ! મને માખણ આપ' એ પ્રમાણે યાચના કરનારા પરબ્રહ્મ આપના શ્રીચરણોમાં હું ભક્તિ વંદન કરું છું.૨૧

તમે માખણની ચોરી કરી તેથી ક્રોધે ભરાયેલાં મા યશોદાજી તમને ખાંડણીયા સાથે બાંધ્યા અને તે સમયે ભય અને લાજથી નીચું મુખ કરી અશ્રુઓ સાથે ભયભીત થયેલી આંખોથી મા યશોદાજીની સામે જોઇ રહેલા આપને હું કાયા, મન અને વાણીથી સપ્રેમ ભજું છું.૨૨

વળી તમે ગોપીઓના હાથની તાળીથી પ્રોત્સાહિત થઇ વારંવાર ગાયન કરો છો, અને વારંવાર સુંદર નૃત્ય કરો છો, ત્યારે કેવા શોભો છો! વળી ગોપીઓ કહે, કાના, આ દાણ આપવાનું માણું લાવી આપો તો, આ બાજોઠ લાવો તો, આ પાદુકા લાવી આપો તો. ત્યારે વસ્તુઓ લાવવા માટે અસમર્થ હોય તેમ બાજોઠ આદિને પકડી આમ તેમ ઘોડો કરીને પછી કહેતા, ના. હું નહિ લઇ આવું, તું લઇ લે, એમ કહીને હાથ સહિત ખભાને નકારમાં ઉલાળતા એવા આપના શ્રીચરણોમાં હું ભક્તિ વંદન કરું છું.૨૩

પોતાની સમાન વયના ગોપબાળકો સાથે ખેલકૂદ કરનારા, ગામના પાદરમાં લઇ જઇ ગાયના વાછરડાંઓને ચારવામાં તત્પર બનેલા, બંસીના નાદથી સમગ્ર ગોકુળને આનંદિત કરનારા તથા જનાવરોને નાચ નચાવનારા હે બાલકૃષ્ણ ! તમને હું નમસ્કાર કરું છું.૨૪

વૃંદાવનમાં ગોધન ચારનારા, ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ધારણ કરી ગોકુળનું રક્ષણ કરનારા, ગોપીજનોને અતિશય પ્રિય અથવા ગોપીઓ જેને અતિ પ્રિય છે એવા તથા શ્રીરાધાની સાથે રમણ કરનારા તેમજ ભક્તજનોના ચિત્તને પોતા તરફ આકર્ષણ કરી લેનારા આપને હું નમસ્કાર કરું છું.૨૫

અત્યંત દયાથી ભરપૂર પોતાની દૃષ્ટિમાત્રથી ચરાચર અનંત જીવોનો ઉદ્ધાર કરનારા, પોતાને મારવા આવતા દૈત્યોને પણ મુક્તિ આપનારા, પાપના સમૂહોનો તત્કાળ વિનાશ કરી નાખે તેવા નામને ધારણ કરનારા તથા ખભા ઉપર ગાયોને બાંધવાના દામણાંને ધારણ કરી રહેલા આપને હું નમસ્કાર કરું છું.૨૬

સોળે કળાએ ખિલેલા પૂર્ણિમાના ચંદ્રમાના તેજથી અતિશય રમણીય બનેલા એવા વૃંદાવનમાં શરદઋતુની સર્વ રાત્રીઓમાં જેટલી ગોપાંગનાઓ તેટલાં સ્વરૂપો ધારણ કરી તેઓની સાથે રાસલીલા કરનારા તમને હું પ્રણામ કરું છું.૨૭

બ્રહ્મા, શિવ, ઇન્દ્ર, ચંદ્ર, બૃહસ્પતિ આદિ બ્રહ્મર્ષિઓને જીતી લેવાથી મહા ગર્વિષ્ઠ બનેલા અને તમને જીતવા રાસોત્સવમાં આવેલા અને વક્રદૃષ્ટિથી તમારી સામે જોઇ રહેલા કામદેવનો તમે ગોપાંગનાઓથી ચારે તરફ વીંટળાઇને શૃંગારરસ શાસ્ત્રમાં બતાવેલી સર્વે ક્રિડા કરીને પણ પરાજય કરનારા આવા સમર્થશાળી હે નાથ ! તમારા શરણને હું પામી છું. તમે મારું કષ્ટ થકી રક્ષણ કરો.૨૮

હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ કરી નમસ્કાર કરી પ્રેમવતી વિરામ પામ્યાં. ત્યાર પછી સ્વયં ભગવાન ધર્મ-ભક્તિ અને મરીચ્યાદિ મુનિઓ પ્રત્યે કહેવા લાગ્યા, હે ભક્તજનો ! તમારા ઉપર હું ખૂબ પ્રસન્ન થયો છું, તમે મારા થકી ઇચ્છિત વરદાન માગો.૨૯

ત્યારે ધર્મદેવ કહેવા લાગ્યા, હે ભગવન્ ! મનુષ્યયોનિમાં જન્મેલા અસુરો થકી અમે અત્યંત પીડા પામ્યા છીએ, અને તેથી સર્વે અમે મહાદયાળુ આપના શરણે આવ્યા છીએ. હે કેશવ ! તે અસુરો થકી અને તેઓએ આપેલા દારિદ્રયના દુઃખ થકી ભય પામેલા અમારું રક્ષણ કરવા માટે તમે એક જ સમર્થ છો, માટે અમારી રક્ષા કરો.૩૦-૩૧

પુત્રરૂપે પ્રગટ થવાનું શ્રીકૃષ્ણ ભગવાને આપેલું વરદાનઃ- આ પ્રમાણે બે હાથ જોડી કહી રહેલા ધર્મદેવ પ્રત્યે ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં કહેવા લાગ્યા, હે ધર્મ ! દુષ્ટ અસુરોના સમુદાયથી તમે ભય ન પામશો. તમને પીડનારા તે સર્વે અસુરો પૂર્વે કૃષ્ણ-અવતારથી જ મારી ઉપર વૈર રાખી મારો પરાભવ કરવા ઇચ્છે છે, અને તમને મારા જાણીને તે સર્વે અસુરો અધિક રીતે પીડે છે તથા દેવતાઓને પણ મારા જાણી સાત્વિક હોવા છતાં તેઓને સુરા, માંસનું નિવેદન કરીને ઉપદ્રવ આપે છે.૩૨-૩૪

હે ધર્મ ! દંભાચારથી દુરાચારને ઢાંકનારા આ અસુરો પૃથ્વીના ભારરૂપ છે, અને મારા વિના બીજા કોઇથી પણ તેમનો વિનાશ શક્ય નથી, તેથી હે ધર્મ-ભક્તિ ! તમારે ત્યાં હું પુત્રરૂપે પ્રગટ થઇશ અને તે સર્વે અસુરોનો હું સર્વપ્રકારે નિગ્રહ કરીશ, તેમાં કોઇ જાતનો સંશય નથી.૩૫-૩૬

તમારી સાથે મને પણ બદ્રિકાશ્રમમાં દુર્વાસામુનિનો શાપ થયો છે, તેથી હું પણ મનુષ્યરૂપે અવતરીશ. માટે હે કલ્યાણમૂર્તિ ધર્મ ! આ પૃથ્વી પર હું ''હરિ'' એવા નામથી વિખ્યાત થઇશ, અને તમારા પુત્રપણાને પામેલો હું પત્ની ભક્તિદેવીએ સહિત તમારું, આ ઋષિમુનિઓનું અને દેવતાઓનું તે અસુરો થકી રક્ષણ કરીશ.૩૭-૩૮

જેવી રીતે અહિં દિવ્ય વૃંદાવનને વિષે હું આ ભક્ત સમુદાયની સાથે સદાય વિચરું છું, તેમ મનુષ્યરૂપે પૃથ્વી ઉપર તમારી સાથે સદાય વિચરણ કરીશ. હે નિષ્પાપ ! આજથી આરંભીને તમારું દારિદ્રય નાશ પામશે અને ધન, ધાન્ય આદિ સંપત્તિ પહેલાં હતી તેના કરતાં અધિક પ્રાપ્ત થશે.૩૯-૪૦

તમને દુર્વાસાના શાપ થકી તત્કાળ મુક્ત કરીશ અને ક્ષીણ થઇ ગયેલા એકાંતિક ભાગવત ધર્મનું સર્વપ્રકારે પ્રવર્તન કરીશ.૪૧

જપાત્મક વિષ્ણુયાગનું ફળઃ- હે ધર્મ ! આલોકને વિષે તમારી જેમ જે કોઇ પણ અન્ય પુરુષો આ મારા અષ્ટાક્ષરમંત્રનો જપ કરી પુરશ્ચરણ વિધિપૂર્વક કરશે તથા શ્રીમદ્ ભાગવત પુરાણ કે ભગવદ્ગીતા આદિનો પાઠ વિધિપૂર્વક કરશે તેના સકલ મનોરથો નિશ્ચય સિદ્ધ થશે અને દેહના અંતે નિશ્ચય મારા પરમ ધામને પામશે, તેમજ મારા શ્વેતદ્વીપ, વૈકુંઠ અને ગોલોકધામને વિષે જે ઐશ્વર્ય અને ભોગો રહેલા છે તે સર્વેની તેમને નિશ્ચે પ્રાપ્તિ થશે.૪૨-૪૪

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! કરુણા કરનારા કરુણાનિધિ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ ઋષિઓના વૃંદે સહિત ધર્મદેવને આ પ્રમાણે કરુણાનાં વાક્યો કહીને અંતર્ધાન થયા, ત્યાર પછી અત્યંત ખુશ થયેલા ઋષિઓની સાથે ધર્મદેવ પુરશ્ચરણનો વ્રતવિધિ તત્કાળ સમાપ્ત કર્યો.૪૫

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ધર્મદેવ અને ઋષિમુનિઓએ તથા ભક્તિદેવીએ કરેલી સ્તુતિ અને ભગવાન શ્રીકૃષ્ણે આપેલા વરદાનનું નિરૂપણ કર્યું એ નામે ઓગણીસમો અધ્યાય પૂર્ણ થયો. --૧૯--