અધ્યાય -૨૦ - અસુરોના ભયે ભગવાનના વરદાનને ગુપ્ત રાખવાનો નિર્ણય કરી ઘર તરફ પ્રયાણ

Submitted by swaminarayanworld on Sat, 24/06/2017 - 4:35pm

અધ્યાય - ૨૦ - અસુરોના ભયે ભગવાનના વરદાનને ગુપ્ત રાખવાનો નિર્ણય કરી ઘર તરફ પ્રયાણ

સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! ભગવાનના પ્રત્યક્ષ દર્શન અને વરદાનથી મહા આનંદને પામેલા ધર્માદિ મુનિઓએ જપાત્મક વિષ્ણુયાગની શક્તિ અનુસાર કરેલા વિધિથી પૂર્ણાહુતિ કરીને બારસનાં પારણાં કર્યાં.૧

ત્યાર પછી એકાંત સ્થળમાં બેસી પરસ્પર નિર્ણય કર્યો આ કે વૃત્તાંત આપણામાંથી કોઇએ પણ કોઇ પણ મનુષ્યની આગળ ક્યારેય પણ કહેવું નહિ.૨

અને ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર પ્રગટ થશે ત્યારે કોઇનાથી પણ આ વાત છૂપી રહેશે નહિ. અને ત્યારે તો કોઇ પણ જાતની ચિંતા નહિ રહે. કારણ કે ભગવાન તો અધીશ્વર છે. (તે બધુંય કબજે કરવા સમર્થ છે. તેથી અસુરોના ભયની શંકાનો કોઇ લેશ નહિ હોય.)૩

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે પરસ્પર નિર્ણય કરી એક બીજાને પરસ્પર ભેટીને નમસ્કાર કરીને સર્વે ધર્માદિ મુનિઓ પોતપોતાના સ્થાને જવા નીકળ્યા.૪

હે રાજન્ ! ધર્મ તથા મુનિઓને હરિઇચ્છાથી ક્યારેક ક્યારેક પોતાના પૂર્વ જન્મની સ્મૃતિ થઇ આવતી, પણ સર્વકાળ તે જ્ઞાન રહેતું નહિ.૫

પોતાનાં પત્ની ભક્તિદેવીની સાથે પ્રસન્ન અને પૂર્ણકામ એવા ધર્મદેવ પોતાને ગામ પાછા ફરતાં ફરી નૈમિષારણ્ય ક્ષેત્રમાં આવ્યા.૬

સઘન વૃક્ષોથી ઘેરાયેલા આ ઘોર જંગલમાં ચાલ્યાં જતાં ધર્મ અને ભક્તિએ માર્ગમાં અસુરોને આવતા જોઇ તે માર્ગને છોડી દીધો, અને આગળ જતાં બંધ પડી જતી પગકેડીએ ચાલતાં ધર્મ-ભક્તિને મુખ્ય માર્ગનું ભાન ભૂલાઇ ગયું, તેવામાં સૂર્યાસ્ત થયો અને કોઇ ગામ આવ્યું નહિ. હે રાજન્ ! ભૂખ્યાં તરસ્યાં બન્ને જણ મહા ધીરજ રાખી આ ઘોર અંધારી રાતમાં આપણે ક્યાં જશું ? આવું વિચારીને ત્યાં ને ત્યાં જ બેસી રહ્યાં.૭-૯

આસુરી અશ્વસ્થામાનો ધર્મ-ભક્તિને શાપઃ- હે રાજન્ ! તેવામાં તે બન્નેએ દૈવી ઇચ્છાથી ત્યાં આવી પહોંચેલા કોઇ એક તપસ્વીને જોયો, તે મેઘ સમાન શ્યામ શરીરવાળો, લાલચોળ પહોળાં નેત્રોવાળો, જટાધારી, ભયંકર બિહામણાં શરીરવાળો, મસ્તક ઉપર ટાલવાળો અને બ્રહ્મચારીના વેષને ધરી રહેલો હતો, તેને કોઇ સિદ્ધપુરુષ માની ધર્મ-ભક્તિ ઉભા થઇ પ્રણામ કર્યા, ધર્મદેવ તેમની સામે હાથ જોડી ઉભા રહ્યા ત્યારે તે તપસ્વી ધર્મદેવને પૂછવા લાગ્યો.૧૦-૧૧

આ ભયંકર જંગલમાં સંધ્યા સમયે પત્નીની સાથે વિચરનારા ધીરપુરુષ તમે કોણ છો ? જે હો તે મને તત્કાળ સાચું કહો. આ પ્રમાણે તપસ્વીના પૂછવાથી ધર્મદેવ કહેવા લાગ્યા.૧૨

હે વર્ણિન્ ! હું કૌશલદેશનો બ્રાહ્મણ છું, દેવશર્મા મારું નામ છે. શત્રુઓના ભયથી હું અતિદુઃખી છું, તેમજ અત્યંત દરિદ્ર છું, તેથી ઘરબારનો ત્યાગ કરી વૃંદાવન તીર્થક્ષેત્રમાં ગયો હતો.૧૩

ત્યાં જપાત્મક વિષ્ણુયાગના અનુષ્ઠાનથી ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરી. ત્યારે પ્રગટ થયેલા તેમના થકી વરદાન મેળવી અમારે ઘેર પાછો જઇ રહ્યો છઉં, દૈવવશાત્ મુખ્યમાર્ગ ભૂલાયો તેથી આ ભયંકર જંગલમાં ભટકી ગયો છું, અને આવા સમયે આપનું દર્શન અમને થયું, તેથી બહુ જ આનંદ થયો.૧૪

પોતાના પૂર્વના વેરી શ્રીકૃષ્ણનું નામ સાંભળતાંજ તપસ્વીનો ક્રોધ ભભૂકી ઉઠયો ને ફરી ધર્મદેવને પૂછવા લાગ્યો, હે વિપ્ર ! શ્રીકૃષ્ણ થકી તમને કયું વરદાન પ્રાપ્ત થયું છે ? તે મને કહો. તેમનાં વચન સાંભળી ધર્મદેવ તે તપસ્વી પ્રત્યે કહેવા લાગ્યા.૧૫

હે બ્રહ્મચારી ! પ્રસન્ન થયેલા ભગવાન શ્રીકૃષ્ણને અસુરોએ આપેલાં સર્વ દુઃખનું મેં નિવેદન કર્યું, ત્યારે ભગવાને મને કહ્યું, જે આ પૃથ્વી ઉપર તમારા શત્રુઓ છે તે સર્વે અસુરો છે, અને તેઓએ પૂર્વે કલિયુગના અવતારરૂપ એવા દુર્યોધનને સહાય કરી હતી, તેમાંથી કેટલાક અસુરો યુદ્ધને વિષે ભીમ અને અર્જુન આદિના હાથે મરાયા. કેટલાકનો મેં અને બલરામે વિનાશ કર્યો, તેમાંથી પણ જે અસુરો વૈરબુદ્ધિથી પણ મારાં દર્શન કે સ્પર્શ કરવારૂપ સંબંધને પામ્યા તે સર્વે દૈત્યો, દાનવો અને રાક્ષસો પોતાને ઇચ્છિત મુક્તિને પામ્યા, તથા જે અસુરો માયિક પંચવિષયોના સુખમાં જ એક તૃષ્ણા બાંધી દૃઢ વાસનાએ સહિત મૃત્યુ પામ્યા તે સર્વે અસુરો મારી સાથે વૈર રાખીને ફરી અત્યારે પૃથ્વી ઉપર જન્મ્યા છે.૧૬-૧૯

અત્યારે ભૂમિપર ઉત્પન્ન થયેલા તે સર્વે અસુરો મારી સાથે વૈર લેવાની અતિશય ઇચ્છાવાળા હોવાથી ધર્મ જ ભગવાનનું સ્વરૂપ છે, એમ જાણી ધર્મનિષ્ઠ એવા તમને પીડે છે, તથા અન્ય મારા મરિચ્યાદિક મુનિઓને પણ પીડે છે. એજ કારણથી હું તમારે ત્યાં પુત્રરૂપે પ્રગટ થઇ દેવતાઓના શત્રુ એવા એ સર્વે અસુરોનો વિનાશ કરીશ. હે બ્રહ્મચારી ! મને આ પ્રમાણે વરદાન આપી ભગવાન અંતર્ધાન થયા, ત્યારપછી હું મારા ઘર પ્રત્યે જતાં અહિ નૈમિષારણ્યના જંગલમાં આવ્યો છું.૨૦-૨૧

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણનો ઉત્કર્ષ અને પોતાનો તથા પોતાના મિત્ર દૂર્યોધન આદિનો અપકર્ષ જણાવનારી ધર્મદેવની વાણી સાંભળીને તે તપસ્વી અતિશય ક્રોધથી આકુળ વ્યાકુળ થયો, અને પોતાની દૃષ્ટિથી ધર્મ-ભક્તિને જાણે હમણાંજ બાળી દેશે કે શું ? એમ ધખતો થકો દાંતથી હોઠને દબાવી તે તપસ્વી ધર્મદેવને કહેવા લાગ્યો, હે વિપ્ર ! તે કૃષ્ણ ભલે તમારો પુત્ર થાય. તેના સર્વે ગુણ અને દોષને હું જાણું છું પણ બીજાને એની ખબર નથી, મારા પ્રિય મિત્ર રાજા દુર્યોધનનું તે અપ્રિય કરનારો છે, અર્જુનના સારથી એ કૃષ્ણે મને અતિશય દુઃખ આપ્યું છે, હું દુર્યોધનનો મિત્ર અશ્વત્થામા છું, એમ તમે જાણો. હે બ્રાહ્મણ ! મને પ્રિય એવા અસુર સમુદાયને રાજી કરવા માટે અને મારા પૂર્વના વૈરનો બદલો લેવા માટે હું તમને શાપ આપું છું કે ''તારા પુત્રરૂપે જન્મનારો એ કૃષ્ણ ક્યારેય પણ હથિયાર ધારણ નહિ કરે'' અને અરે !!! હે બ્રાહ્મણ ! શસ્ત્રધાર્યા વિના પોતાના શત્રુઓનો વિનાશ થવાનો નથી, કારણ કે મહાન શૂરવીર પુરુષ હોય, નીતિશાસ્ત્રના અર્થને સારી પેઠે સમજતો હોય, છતાં પણ શસ્ત્ર વિના શત્રુને મારવા સમર્થ થતો નથી. કદાચ તારો પુત્ર તે કૃષ્ણ મારાં વચનનો અનાદર કરી શસ્ત્ર ધારણ કરશે તો ઉલટાનો પોતાના શત્રુઓ થકી પરાભવ પામશે.૨૨-૨૯

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! દ્રોણપુત્ર તે અશ્વત્થામા આ પ્રમાણે શાપ આપી અદૃશ્ય થયો, ત્યારપછી ઘોર જંગલમાં રહેલાં ધર્મ-ભક્તિ અશ્વત્થામાના શાપની ચિંતામાં અત્યંત દુઃખી થયાં.૩૦

અપાર વિપત્તિના મહાસાગરમાં ડૂબેલાં ધર્મભક્તિને કોઇ સહારો મળ્યો નહિ ત્યારે છેલ્લે હરિ ઇચ્છાએ એક માત્ર ધીરજરૂપી નાવ પ્રાપ્ત થઇ. તેમાં બેસી સમય પ્રસાર કરવા લાગ્યાં. તે સમયે સ્ત્રી સ્વભાવને કારણે અત્યંત ખેદ કરતાં પ્રેમવતીને ધર્મદેવ કહેવા લાગ્યા, હે કલ્યાણી ! આપણાં સિદ્ધ થયેલાં કાર્યમાં દુર્ભાગ્યે વિઘ્ન કર્યું.૩૧-૩૨

ગણપતિવ્રતની પ્રતિજ્ઞા:- હે સતિ ! સર્વ પ્રકારનાં વિઘ્નોની નિવૃત્તિને અર્થે સકલ મનોરથ પૂર્ણ કરનાર ગણપતિજીનું વ્રત કરવાનું બ્રહ્મવૈવર્ત આદિ પુરાણોમાં કહેલું છે. હે દેવિ ! આપણો વિવાહ પૂર્ણ થયો પછી ઇટ્ટાર ગામે પાછા ફરી રહેલા મારા પિતા બાલશર્માએ પણ વિઘ્ન સમયે આ વિઘ્નહર્તા ગણપતિનું વ્રત કરવાનો મને આદેશ આપ્યો હતો. આ ગણનાયક ગણપતિદેવ ભગવાન શ્રીકૃષ્ણના અંશાવતાર છે. તે હેતુથી તેમનું વ્રત અનેકવિધ સંકટોનો નાશ કરનાર કહેલું છે. માટે આજથી આરંભીને દર વર્ષે ભાદરવાસુદ ચતુર્થીને દિવસે ગણપતિનું વ્રત આપણે કરશું. જેનાથી પ્રસન્ન થયેલા તે ગણપતિદેવ આપણું અનેક પ્રકારના વિઘ્નોથી રક્ષણ કરશે.૩૩-૩૬

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે આ વિપ્ર દંપતીએ મનમાં નિશ્ચય કરી આ વ્રત કરવાનું નિયમ ગ્રહણ કર્યું, અને ત્યારપછી ફરી ધર્મદેવ દુઃખ અને શોકને હરનારાં વચનો ભક્તિદેવીને કહેવા લાગ્યા, હે સુંદરી ! પૃથ્વી પર આવું દુઃખ આપણને જ આવ્યું છે એવું તમે ન જાણશો, કારણ કે આ વિશ્વનું સ્વરૂપ જ દુઃખમય છે, (જેવી રીતે ભવ્ય મહેલમાં પણ પ્રજ્વલિત અંગારા ઉપર કોઇ ચાલે ને દાઝે નહિ એ શક્ય છે ? તેમ દુઃખમય પ્રપંચી આ જગતમાં રહેલા આપણા જેવાને ક્યારેય દુઃખ આવે નહિ એ શક્ય નથી.) ૩૭-૩૮

પૂર્વે વનમાં નિવાસ કરતા ભગવાન શ્રીરામચંદ્રજીએ પણ પત્ની સીતા અને ભાઇ લક્ષ્મણની સાથે અપાર દુઃખ ભોગવ્યાં છે, આ પ્રમાણે કહીને ધર્મદેવે હનુમાનજીના મહિમાના વર્ણનની સાથે ભગવાન શ્રીરામચંદ્રજીના લીલાચરિત્રની કથા ભક્તિદેવીને કહી સંભળાવી, એમ કરતાં રાત્રી ત્રણ પ્રહર વ્યતિત થઇ ગઈ.૩૯-૪૦

કથાનું શ્રવણ કરતાં ભક્તિદેવીને તે તે કથાપ્રસંગોમાં જાનકીપતિ શ્રીરામચંદ્રજીની હનુમાનજીએ વારંવાર સહાય કરી, તો આપણી કેમ સહાય કરતા નથી ? એમ સહાય માટે વારંવાર હનુમાનજીનું મનમાં સ્મરણ થવા લાગ્યું અરે ! ! ! રામપ્રિય હનુમાનજી તો આપણા કુળદેવ છે, અને મહાસમર્થ હોવા છતાં પણ આ મહાવિપત્તિકાળમાં આપણી ઉપેક્ષા કેમ કરે છે ?.૪૧-૪૨

હનુમાનજીનું પ્રાગટયઃ- હે હનુમાનજી ! અમારી રક્ષાકરો, રક્ષાકરો. આ પ્રમાણે જ્યાં પોકારીને ભક્તિદેવી બોલ્યાં કે તે જ ક્ષણે મારુતિ વિપ્રનું રૂપ ધરીને ત્યાં પ્રત્યક્ષ થયા. રાત્રે જ્યારથી ધર્મદેવ ભક્તિદેવીને રામકથાનું શ્રવણ કરાવતા હતા ત્યારથી જ કોઇ મનુષ્યો જોઇ ન શકે તે રીતે હાજર રહી કથાનું શ્રવણ કરતા હતા. પરંતુ જ્યારે યાદ કર્યા ત્યારે પ્રત્યક્ષ દર્શન આપીને તે હનુમાનજી બન્ને પ્રત્યે કહેવા લાગ્યા, હે ભક્તિ ! હે ધર્મ ! તમે ચિંતાનો ત્યાગ કરો. કારણ કે હું તમારો કુળદેવ હનુમાનજી બેઠો છું, હું તમારું પ્રત્યેક પ્રસંગે રક્ષણ કરીશ.૪૩-૪૫

અશ્વત્થામાના શાપને કારણે તમારા પુત્ર ભગવાન આયુધ ધારણ કરશે નહિ, છતાં પણ પોતાની શક્તિથી આખી ત્રિલોકીને જીતવા સમર્થ થશે. તેમાં તમારે કોઇ પ્રકારે સંશય કરવો નહિ. શસ્ત્ર વિના પણ તમારો પુત્ર સદાય શત્રુઓના ભયથી રહિત થઇને ફરશે અને તમારા દારિદ્રયના દુઃખનો પણ ચોક્કસ વિનાશ કરશે.૪૬-૪૭

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે કહી આશ્ચર્યમાં ગરકાવ થયેલાં તે બન્નેને મહામાર્ગ દેખાડી હનુમાનજી અંતર્ધાન થયા, અને તે બન્ને પણ આગળ પોતાના દેશ તરફ જવા પ્રયાણ કર્યું.૪૮

ત્યારથી આરંભીને ધર્મ-ભક્તિની સર્વ પ્રકારે ઉપાધિ નાશ પામી. ચિંતા દૂર થઈ. અન્ન, ધન અને વસ્ત્રની પ્રાપ્તિ થઇ અને મન પણ સ્વસ્થ થયું. તથા હૃદયમાં ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરતાં કરતાં નિર્ભય થયાં. પૂર્વે જોયેલા મહામાર્ગને વિષે ચાલ્યાં જાય છે.૪૯-૫૦

માર્ગમાં ચાલતાં ચાલતાં પ્રેમવતી પ્રેમપૂર્ણ મધુર વચનોથી પતિદેવ ધર્મદેવને પ્રસન્ન કરતાં કરતાં પૂછવા લાગ્યાં કે, હનુમાનજી ચિરંજીવી કેમ છે ? હે નાથ ! હનુમાનજીનો પ્રતાપ તમારા થકી સાંભળીને, તેમજ અત્યારે પ્રત્યક્ષ અનુભવ કરીને મારા મનમાં પરમ આનંદ થયો છે.પ૧-પર

હે સ્વામિન્ ! પવનપુત્ર હનુમાનજી ચિરંજીવી કેવી રીતે થયા ? દિવ્ય ભગવાનનાં વૈકુંઠ લોકને વિષે નહિ જઇને આ પૃથ્વી ઉપર નિરંતર નિવાસ કરીને એ શું કરે છે ?.૫૩

હનુમાનજીના ચિરંજીવીપણાનું કારણઃ- હે રાજન્ ! આ પ્રકારે પ્રેમથી પ્રેમવતીએ પ્રશ્ન પૂછયો, ત્યારે ધર્મદેવ તેમને કહેવા લાગ્યા, હે દેવી ! સીતારામજીની કૃપાથી હનુમાનજી ચિરંજીવી થયા છે.પ૪

જ્યારે શ્રીરામચંદ્રજી ભગવાન યુદ્ધમાં રાવણને મારી પોતાના સૈન્ય તથા પરિવારની સાથે અયોધ્યા પધાર્યા અને રાજગાદી ઉપર અધિષ્ઠિત થયા, તે સમયે હે સતિ ! ભગવાનનો વિયોગ સહન નહિ કરનારા દિવ્યરૂપધારી સુગ્રીવાદિ વાનરો, વિભીષણાદિ રાક્ષસો અને જાંબુવાન આદિ રીંછો એક વર્ષ સુધી અયોધ્યાનગરીમાં રહ્યા.૫પ-૫૬

છત્ર, ચામર આદિથી તે રઘુકુલનાયક ભગવાન શ્રીરામચંદ્રજીની સેવા કરતાં તેમના અંતરમાં દિવસે દિવસે ભગવાનમાં અતિ ગાઢ પ્રેમ ઉત્પન્ન થયો.પ૭

તેથી સમસ્ત વ્યવહારિક કાર્યોને ભૂલી ગયા, પ્રભુના સાનિધ્યનો ત્યાગ કરી પોતપોતાના ઘર પ્રત્યે જવાની અનિચ્છાવાળા તે સુગ્રીવાદિ સેવકોને ભગવાન શ્રી રામે પરાણે પોતપોતાના ઘેર મોકલવાની ઇચ્છાથી વસ્ત્રો, આભૂષણો અને ધનથી સર્વેનું સન્માન કર્યું. આ રીતે યથાયોગ્ય સન્માન કરાયેલા તે અશ્રુપૂર્ણ નેત્રોવાળા સુગ્રીવાદિ વાનરોને ભગવાન શ્રીરામે પરાણે કિષ્કિંધા મોકલ્યા.૫૮-૫૯

ત્યારે જવાના સમયે હનુમાનજીનાં નેત્રોમાંથી પ્રેમનાં અશ્રુઓની ધારા વહેવા લાગી અને શ્રીરામચંદ્રજી ભગવાનને છોડીને જવા સમર્થ થયા નહિ. તેથી બે હાથ જોડીને કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! તમારે વિષે મારો સ્નેહ નિરંતર સ્થિર રહો. હે વીર ! અનુવૃત્તિપૂર્વકની ભક્તિ તમારે વિષે અચળ રહો, અને તમારા સિવાય બીજે ક્યાંય પ્રીતિ ન થાઓ.૬૦-૬૧

હે રામ ! આ ધરતી ઉપર જ્યાં સુધી તમારાં પાવનકારી ચરિત્રોની કથા થયા કરે ત્યાં સુધી તે કથાને સાંભળવા માટે આ લોકમાં હું જીવતો રહું, અને સદાય કથા સાંભળ્યા કરું. એવી મારી ઇચ્છા છે.૬ર

હે રામ ! કિંપુરુષખંડમાં વસતા ગંધર્વો પણ મને સદાય તમારી કથા સંભળાવ્યા કરે, એવી મારી અંતરની અભિલાષા છે. હે ભગવન્ ! તમારા કથામૃતનું પાન કરવાની જેવી મારા અંતરમાં ઇચ્છા વર્તે છે, તેવી દિવ્ય વૈકુંઠલોકને પામવાની કે અણિમાદિ ઐશ્વર્યોને પામવાની ઇચ્છા થતી નથી. એ નિશ્ચિત વાત છે.૬૩-૬૪

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે હનુમાનજીએ કહ્યું, તેથી ભગવાન શ્રીરામચંદ્રજી પોતાની રાજગાદી ઉપરથી તત્કાળ નીચે ઉતરી હનુમાનજીને અતિ સ્નેહથી ભેટી પડયા અને કહેવા લાગ્યા, હે કપિશ્રેષ્ઠ ! તમે જે માગ્યું તેમ થશે, તેમાં કોઇ પ્રકારનો સંશય નથી. મારા વરદાનથી તમારા હૃદયની સર્વે ઇચ્છાઓ સિદ્ધ થશે.૬૫-૬૬

ધર્મદેવ કહે છે, હે સુંદરવ્રતને ધારણ કરનારાં સતિ ! ભગવાન શ્રીરામચંદ્રજી થકી આ પ્રમાણે વરદાનને પ્રાપ્ત કરનારા હનુમાનજી ભગવાન શ્રીરામચંદ્રજીનાં કથારૂપી અમૃતને જ એક પોતાનું જીવન બનાવનારા ચિરંજીવી બન્યા છે.૬૭

આ પૃથ્વી ઉપર જે જે સ્થળે ભગવાન શ્રીરામચંદ્રજીની કથા થાય છે તે તે સ્થળે ભગવાનના વરદાનથી હનુમાનજી ત્યાં પધારે છે અને કથાનું શ્રવણ કરે છે.૬૮

રાત્રે તમારી આગળ હું જ્યારે રામકથા કહેતો હતો ત્યારથીજ તેઓ ખરેખર કથા સાંભળવા પધાર્યા હતા, અને અત્યારે આપણને પ્રત્યક્ષ દર્શન આપી અંતર્ધાન થયા છે.૬૯

આ રીતે હે સતી ! ગણપતિજીના વ્રત કરવાનો સંકલ્પ માત્ર કર્યો ત્યાં આપણાં વિઘ્નો માત્ર નાશ પામી ગયાં ને પહેલેથી જ અહીં આવીને રહેલા હનુમાનજીએ પોતાનું દર્શન આપ્યું, તેમજ આપણા કાર્યની સિદ્ધિ થઇ.૭૦

હે નૃપ ! આ રીતનાં પતિદેવ ધર્મનાં વચન સાંભળી સતી ભક્તિદેવી પ્રસન્ન થયાં, આ રીતે ધર્મદેવ તેમની સાથે ધીરે ધીરે ચાલતા ચાલતા પોતાના ગામ છપૈયાપુરે પધાર્યા.૭૧

હે નૃપ ! વૃંદાવનથી નિકળી દોઢ મહિને છપૈયાપુર આવી પહોંચેલાં ધર્મ-ભક્તિને સંબંધીજનો અને જ્ઞાતિજનો મળ્યાં અને અત્યંત આનંદને પામ્યાં.૭ર

ભગવાનના પ્રતાપથી શત્રુઓ હતા તે પણ ઉપરથી મિત્રો થયા અને ધર્મદેવનાં દર્શન માત્રથી અંતરમાં ભય પામવા લાગ્યા.૭૩

આવી રીતે ભગવાનના પ્રતાપથી ધર્મદેવના ભવનમાં ધન, ધાન્ય, વાહન, પશુ, દ્રવ્ય આદિ અનંત પ્રકારની સમૃદ્ધિ દિન પ્રતિદિન પહેલાં કરતાં પણ અધિક વૃદ્ધિ પામવા લાગી.૭૪

આ પ્રમાણે શ્રીહરિની પ્રસન્નતાનો પ્રસાદ પ્રાપ્ત થવાથી વિપ્રવર્ય શ્રી ધર્મદેવ ''હરિપ્રસાદ'' એવા નામથી પૃથ્વી ઉપર પ્રસિદ્ધિને પામ્યા.૭૫

ત્યારપછી અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ કરુણાનિધિ ભગવાને અનંત જીવોનાં કલ્યાણ કરવા શ્રીનરનારાયણદેવનું નિમિત્ત બનાવીને પોતે મનુષ્યદેહ ધારણ કરવાની ઇચ્છા કરી, ત્યારે પ્રથમ પોતાના અવતારરુપ નર અને નારાયણ આ બે સ્વરુપને અવતારી એવા પોતાને વિષે એક કરીને સ્વેચ્છાએ ધર્મદેવના હૃદયમાં આવી નિવાસ કર્યો, અને ધર્મદેવને હૃદયમાં સાક્ષાત્ પોતાનું દર્શન આપવા લાગ્યા.૭૬-૭૭

ગર્ભાધાન સંસ્કારઃ-સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ઇતર મનુષ્યોની કાંતિને ઉલ્લંઘી જનારી એવી પોતાના શરીરમાં આકસ્મિક ઉત્પન્ન થયેલી અવયવોની અમાનુષિ કાંતિથી અને પ્રતિદિન વિના વિલંબે વધતી જતી સમૃદ્ધિના કારણે પોતાને વિષે ભગવાન શ્રીકૃષ્ણનો આવિર્ભાવ થયો છે, એમ ધર્મદેવે જાણ્યું.૭૮

પોતાને વિષે સાક્ષાત્ ભગવાનનો આવિર્ભાવ થયો છે, એમ જાણ્યા પછી ભક્તિદેવીના ઋતુકાળના સોળમા દિવસે ગુરુવારે અને પુષ્યનક્ષત્રમાં ધર્મદેવે ભક્તિદેવીના ઉદરમાં ગર્ભ આરોપિત કર્યો. તેનાથી દેદીપ્યમાન બનેલાં અને પવિત્ર શોભાયમાન અંગવાળાં થયેલાં ભક્તિદેવી પણ કપિલ ભગવાનની માતા દેવહૂતિની જેમ આ પૃથ્વી ઉપર શોભવા લાગ્યાં.૭૯

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં અશ્વત્થામાએ ધર્મદેવને શાપ આપ્યો અને ધર્મ-ભક્તિ પોતાનાં ગામ છપૈયા પાછાં પધાર્યાં એ નામે ર્વીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૦--