અધ્યાય - ૨૧ - અસુરોએ શક્તિ મેળવવા વિંધ્યાવાસિની દેવીનું કરેલું પૂજન ઉલટું પડયું ને વિનાશનો શાપ મળ્યો.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન પ્રગટ થવાના છે એ દરમ્યાન ચારે વર્ણમાં ઉત્પન્ન થયેલા સેંકડો અસુરોએ ભેળામળી વિંધ્યાવાસિની દેવીનું પૂજન કર્યું.૧
તે દેવીના મંદિરમાં પણ વ્યભિચારાદિ દુષ્કર્મ કરનારા તે અસુરોએ આસો સુદ નવમીને દિવસે મોટો ઉત્સવ ઉજવ્યો.૨
તે અસુરોએ હજારો બકરાં, ઘેટાં, પાડાં તથા મનુષ્યોને વધેરીને તે વિંધ્યાવાસિની દેવીની આગળ તેમના માંસનું નિવેદન કર્યું, અને મદિરાના ઘડાઓ ભરી ભરી નૈવેદ્યમાં દેવીની આગળ ધર્યા.૩
માંસનું ભક્ષણ કરી અને ત્રણ પ્રકારની મદિરાનું પાન કરી મહાઉધ્ધત બનેલા તે અસુરોએ દેવીના મંદિરમાં જ સ્વૈરિણી, કામિની અને પુંશ્ચલી સ્ત્રીઓની સાથે વ્યભિચાર કર્યો.૪
આવા પ્રકારના અધર્મને અને અન્યાયને જોઇ દેવી અસુરો ઉપર ક્રોધાયમાન થઇ. અને તેમાં પણ સર્વના આચાર્ય થઇ બેઠેલા કાલિદત્ત ઉપર તો દેવીનો અધિક કોપ થયો.૫
ભયંકર રૂપવાળી, લાલચોળ નેત્રોવાળી અને હાથમાં તલવાર અને ત્રિશૂલ ધારણ કરી રહેલી દેવીએ રાત્રે સ્વપ્નામાં આવી કાલિદત્તને કહ્યું કે હે દ્વિજ ! તમે સર્વે અસુરો મદથી ઉન્મત્ત થઇ મર્યાદાનું ઉલ્લંઘન કરો છો, તેમજ મારા નામે સુરા અને માંસનું ભક્ષણ કરો છો.૬-૭
તેથી હે દૈત્યોને છેતરનારા કાલિદત્ત ! મારા મંદિરમાં પશુહિંસા, માનવહિંસા તથા પરદારાનો સંગ કરનારા નિર્દય તમને સર્વેને હું શાપ આપું છું કે તમારા સર્વેના વંશનો ઉચ્છેદ થાઓ, તમારા ધન, ધાન્ય તથા આજીવિકાનો નાશ થાઓ, અને તમે સર્વે પણ ટૂંક સમયમાં જ વિનાશને પામો.૮-૯
આ ધરા પર આજ દિવસથી આરંભીને તમારી પેઠે જે કોઇ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર આદિ મારું સુરા કે માંસથી પૂજન કરશે, તેના વંશનો પણ તમારી જેમ જ વિનાશ થશે. તે ધન, ધાન્ય આદિ આજીવિકાથી રહિત થશે અને મરીને નરકને પામશે.૧૦-૧૧
તમારો પૂર્વનો શત્રુ શ્રીકૃષ્ણ કૌશલદેશ નિવાસી ધર્મદેવ થકી ભક્તિદેવીને ત્યાં હરિ નામે પ્રગટ થશે અને બુદ્ધિરૂપી શસ્ત્રથી તમારા સર્વેનો મૂળમાંથી વિનાશ કરશે.૧૨
ત્યારપછી તે શ્રીહરિ સમુદ્ર પર્યંત પૃથ્વી ઉપર પરિભ્રમણ કરી, જ્યાં ત્યાં છૂપાયેલા તમારા જેવા એક એકને ખોળી ખોળીને નિર્મૂળ કરશે.૧૩
આ પૃથ્વી ઉપર તમને સહાય કરનારા જે રાજાઓ હશે તેનો પણ એની ઇચ્છાથી તમારી જેમ વિનાશ થશે, તેમાં કોઇ જાતનો સંશય નથી.૧૪
તેની ઇચ્છાથી વાયુ દિશામાંથી તામ્રમુખવાળો કોઇ રાજા આવશે અને અકસ્માત સર્વે રાજાઓને પોતાને વશ કરી સમગ્ર ધરતીનું તે પાલન કરશે.૧૫
દેવીના શાપનીવારણ માટેની મંત્રણાઃ- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે અસુરો ઉપર કુપિત થયેલી દેવી શાપ આપી અંતર્ધાન થઇ ગઇ. એ બધું સાંભળીને કાલિદત્ત અસુર અતિશય ત્રાસ પામ્યો અને ઊંઘમાંથી જાગ્રત થયો.૧૬
ત્યાર પછી તેણે સર્વે અસુરોને ભેળા કરી અંબિકા દેવીનાં વચનો કહી સંભળાવ્યાં. તે વચનો સાંભળી સર્વે અસુરો કંપવા લાગ્યા અને ચિંતાની પીડાથી આકુળ વ્યાકુળ થઇ ગયા.૧૭
પોતાના દુષ્કર્મોથી ઉત્પન્ન થયેલા દેવીના શાપનું નિવારણ કોઇ પણ ઉપાયથી હવે થઇ શકશે નહિ. એમ માની પૃથ્વી પર નાક ઘસવા લાગ્યા અને મુખમાં તરણાં લઇ દેવીની ક્ષમા માગવા લાગ્યા.૧૮
ક્ષમા માગવા છતાં પોતાનું કાર્ય સિદ્ધ થયું નહિ તેથી સમીપમાં જ આવી પડેલી આપત્તિવાળા તે અસુરો પોતપોતાની બુદ્ધિ અને સામર્થીને અનુસારે દેવીના શાપનું નિરાકરણ લાવવાની ઇચ્છાથી એકાંતમાં ભેળા મળી મંત્રણા કરવા લાગ્યા.૧૯
તે શ્રીહરિને બાલ્યાવસ્થામાં જ આપણે મારી નાખવો. તે કેવી રીતે ? તો કૃત્યાઓ ઉત્પન્ન કરી તે કૃત્યાઓના તલવાર આદિ હથિયારો દ્વારા, તથા સિદ્ધ કરેલા અસ્ત્રો કે શસ્ત્રો દ્વારા અથવા સિદ્ધ કરેલા વીરો કે વૈતાલાદિ દ્વારા, અથવા પુરશ્ચરણ કરી સાધેલા મારણમંત્રો દ્વારા અથવા પાંચ, દશ કે વીશ દુર્ગા આદિના અનેક યંત્રોદ્વારા, અથવા એ સમસ્ત ઉપાયો દ્વારા શ્રીહરિને બાલ્યાવસ્થામાંજ મારી નાખવો.૨૦
જેના મિત્રો અને જેનું બળ વૃદ્ધિ પામ્યું હોય એવા મોટા થઇ ગયેલા શત્રુનો કોઇ પ્રતિહાર કરી શકતું નથી, તે કારણથી અત્યારથી પ્રયત્નશીલ થઇ બાલ્યાવસ્થામાં જ રહેલા તે શ્રીહરિને કૃત્યાદિના ઉપાયોથી જ મારી નાખશું.૨૧
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ધર્મના દ્વેષી તે અસુરો આ પ્રમાણે નિશ્ચય કરી પોતપોતાના સ્થાનકે ગયા. ત્યાર પછી કૃત્યાઓ ઉત્પન્ન કરવી, વીરો ઉત્પન્ન કરવા વગેરે ઉપાયોમાં મન લગાવી, મૌન રહી તે શ્રીહરિના જન્મની પ્રતીક્ષા કરવા લાગ્યા.૨૨
આ પૃથ્વી પર પોતાના શત્રુ હરિનું પ્રાગટય થશે અને તેના દ્વારા પોતાનો વિનાશ થશે, એવું દેવીનું વચન સાંભળતાંની સાથે જ જેમની ધીરજ ચાલી ગઇ છે એવા તે અસુરો ચિંતારૂપી તાપથી પીડાવા લાગ્યા અને ભયને કારણે તેઓનો એક એક દિવસ યુગની પેઠે વીતવા લાગ્યો.૨૩
આ બાજુ અસુરોનો ભય જેને ચાલ્યો ગયો છે એવા ધર્મદેવે પોતાના નિયમ મુજબ ભાદરવા સુદ ચોથને દિવસે સિદ્ધિવિનાયક ગણપતિજીનો અને આસો વદી ચૌદશને દિવસે મહાવીર હનુમાનજીનો પૂજા ઉત્સવ વિધિપૂર્વક કર્યો.૨૪
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં અસુરોને થયેલા વિંધ્યાવાસિની દેવીના શાપનું નિરૂપણ કર્યું એ નામે એકવીશમો અધ્યાય પૂર્ણ થયો. -૨૧-