અધ્યાય - ૨૬ - શત્રુઓના ઉપદ્રવના તત્કાળ વિનાશનો ઉપાય.
શત્રુઓના ઉપદ્રવના તત્કાળ વિનાશનો ઉપાય. શ્રીહરિનું દશાવતારસ્તોત્ર. સ્તોત્રપાઠની ફલશ્રુતિ. અભયપરિવારનું આકરું તપ.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવદ્ ચરિત્રોનું ગાન કરતાં કરતાં રાત્રી પૂર્ણ થઇ પ્રાતઃકાળે નિત્ય વિધિથી પરવારી પારણાં કરી પોતાને ગામ કારિયાણી જવાની તૈયારી કરતા ખટ્વાંગરાજા પ્રત્યે અભયરાજા આંખમાં અશ્રુઓ સાથે વિનમ્રપણે કહેવા લાગ્યા કે, હે જીવનપર્યંત નૈષ્ઠિકબ્રહ્મચર્યવ્રતનું નિયમ ધારણ કરનારા ખટ્વાંગ રાજર્ષિ ! શ્રીસ્વામિનારાયણ તમારી ભક્તિને વશ થઇ તમારે ગામ જ્યારે પધારે ત્યારે તત્ક્ષણ દૂત મોકલી અમને જાણ કરજો.૧-૨
કદાચ તમે એમ કહેશો કે, અત્યારેજ સરધારપુર જઇ ભગવાન શ્રીહરિનાં દર્શન કરી આવો. તો તે પણ શક્ય નથી. કારણ કે, હે કલ્યાણમૂર્તિ ! અત્યારે અમે વિના કારણે પરેશાન કરતા અધાર્મિક શત્રુઓના ઉપદ્રવમાં છીએ. તેથી ગઢપુર છોડી બહાર જવું અમારાં માટે યોગ્ય નથી. નહીં તો આજે જ ભગવાન શ્રીહરિનાં દર્શન કરવા સરધારપુર જઇ આવીએ.૩-૪
માટે હે ખટ્વાંગ રાજર્ષિ ! જે ઉપાયથી શત્રુઓના ઉપદ્રવનો સત્વરે વિનાશ થાય તે ઉપાય જો તમે જાણતા હો તો અમને જણાવો. કારણ કે શત્રુઓની ઉપાધી દૂર થતાં શ્રીસ્વામિનારાયણ ભગવાનનાં દર્શન અમને જલદી થશે.૫
શ્રીહરિનું દશાવતારસ્તોત્ર :-- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે અભયરાજાનું વચન સાંભળી અનેક શાસ્ત્રોમાં પારંગત ખટ્વાંગ રાજા તેમને કહેવા લાગ્યા કે, હે સદ્ગુણી રાજન્ ! ભગવાન શ્રીહરિનું દશાવતાર સ્તોત્ર હું તમને કહું છું તેને તમો એકાગ્ર મનથી અંતરમાં ધારણ કરો.૬
શ્રીકૃષ્ણ ભગવાનનું પૂજન કરી પ્રતિદિન આદર પૂર્વક આ સ્તોત્રનો પાઠ કરવો. તેમ કરવાથી તમે સર્વે પ્રકારના ભયથી મુક્ત થશો.૭
હે પ્રતાપસિંહ રાજન્ ! આ પ્રમાણે કહીને ખટ્વાંગ રાજાએ સર્વપ્રકારના ભયને દૂર કરનાર દશાવતાર સ્તોત્રનો ઉપદેશ કર્યો. તે સમયે બુદ્ધિમાન પુરુષોમાં શ્રેષ્ઠ અભયરાજાએ પણ એકાગ્ર મનથી અંતરમાં ધારણ કર્યો.૮
૧. મત્સ્યાવતાર :-- હે ભગવાન શ્રીહરિ ! તમે જ્યારે કલ્પનો સમય પૂર્ણ થતાં પૃથ્વી પર પ્રલયકાળનો સમય આવ્યો ત્યારે દિવ્ય અલૌકિક મત્સ્યાવતારને ધારણ કરી સ્વયં પ્રલયકાળના જળમાં નિવાસ કર્યો અને સપ્તર્ષિઓએ સહિત સત્યવ્રત રાજાને આ પૃથ્વીરૂપી નાવમાં બેસાડી તેનું વહન કરતાં કરતાં તેઓનું પ્રલયકાળના જળ થકી રક્ષણ કર્યું. અને સત્યવ્રત રાજાને મત્સ્યપુરાણનો ઉપદેશ કર્યો તથા હયગ્રીવનામના અસુરનો સંહાર કરીને તેમને ચોરેલા ચારેવેદો જગતસ્રષ્ટા બ્રહ્માજીને પરત કર્યા. એવા હે ભગવાન શ્રીહરિ મારું સમગ્ર કષ્ટ થકી રક્ષણ કરો.૯
૨. કૂર્માવતાર :-- વળી હે શ્રીહરિ ! અમૃત પ્રાપ્તિને માટે પોતાનાં બાહુબળથી સમુદ્ર મંથન કરતા દેવતાઓએ જ્યારે મંદ્રાચળ પર્વતને સમુદ્રમાં પધરાવ્યો ત્યારે નિરાધાર તે પર્વત ક્ષીરસાગરમાં ડૂબવા લાગતાં તત્કાળ તમે કૂર્માવતાર ધારણ કરી તેને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો અને કરુણા કરી નારદાદિ મુનિઓને કૂર્મપુરાણને ઉદ્દેશીને ભાગવતધર્મનો બોધ આપ્યો એવા હે ભગવાન શ્રીહરિ ! મારું સમગ્ર કષ્ટ થકી રક્ષણ કરો.૧૦
૩. વરાહ અવતાર :-- હે ભગવાન શ્રીહરિ ! પોતાના દિવ્ય શરીરમાં સર્વ પ્રકારના યજ્ઞોને સ્થાન આપનારા વરાહ અવતારને ધારણ કરનારા તમે રસાતળમાં રહેલી પૃથ્વીને એક ક્ષણવારમાં જળ ઉપર લાવીને સ્થાપન કરી અને તેના ચોર હિરણ્યાક્ષ દૈત્યનો સંહાર કર્યો તથા કલ્પની શરૂઆતમાં જ સમસ્ત યજ્ઞોનો વિસ્તાર કરી મનુષ્યોના મોક્ષને માટે વરાહપુરાણથકી ભૂદેવીને અનેક વિધ ધર્મોનો ઉપદેશ કર્યો એવા હે ભગવાન શ્રીહરિ ! મારું સમગ્ર કષ્ટ થકી રક્ષણ કરો.૧૧
૪. નૃસિંહાવતાર :-- હે ભગવાન શ્રીહરિ ! તમે ઉગ્રનેત્રોવાળા નૃસિંહ અવતારને ધારણ કરી દૈત્યોના અધિપતિ હિરણ્યકશિપુનો વધ કરી પોતાના પરમ એકાંતિક ભક્તરાજ શ્રીપ્રહ્લાદજીનું રક્ષણ કર્યું અને ઇન્દ્રાદિ દેવતાઓને સ્વર્ગલોકનાં સુખ પરત કરીને સુખી કર્યાં એવા પોતાના ભક્તજનોના મનોરથ પૂર્ણ કરનારા હે ભગવાન શ્રીહરિ ! મારું સમગ્ર કષ્ટ થકી રક્ષણ કરો.૧૨
૫. વામનાવતાર :-- હે ભગવાન શ્રીહરિ ! તમે વામન અવતારને ધારણ કરી ત્રણ પગલાં ભૂમિ માંગવાના મિષથી બલિરાજા પાસેથી ત્રિલોકી મેળવી ઇન્દ્રને અર્પણ કરી ફરી સ્વયં બલિરાજાની ભક્તિને વશ થઇ તેના દ્વારપાલ થયા. ત્યારપછી સ્વર્ગલોકમાં રહી ઇન્દ્રના નાનાભાઇ ઉપેન્દ્રરૂપે તમે વૈવસ્વત-મનુનું રક્ષણ કર્યું એવા હે ભગવાન શ્રીહરિ ! મારું સમગ્ર કષ્ટ થકી રક્ષણ કરો.૧૩
૬. પરશુરામાવતાર :-- હે ભગવાન શ્રીહરિ ! તમે ભૃગુવંશમાં પરશુરામ સ્વરૂપે પ્રગટ થઇ હાથમાં ભયંકર પરશુ (કુહાડી) ધારણ કરી વંશે સહિત સહસ્રાર્જુન રાજાનો વિનાશ કર્યો અને પછી તે રાજાના નિમિત્તે ઉદ્ધત થઇ ગયેલા તથા કુમાર્ગે ચઢી ગયેલા અનેક ક્ષત્રિય રાજવીઓને મારી એકવીશ વખત પૃથ્વી પર ફરી સંહાર કર્યો અને સમુદ્ર પર્યંતની પૃથ્વીનું રાજ્ય શ્રેષ્ઠ બ્રાહ્મણોના હાથમાં સોંપ્યું તથા સિદ્ધો અને ઋષિઓ તમારાં એ ચરિત્રનું અદ્યાપિ પર્યંત સતત યશોગાન કરે છે એવા હે ભગવાન શ્રીહરિ ! મારું સમગ્ર કષ્ટ થકી રક્ષણ કરો.૧૪
૭. રામાવતાર :-- હે ભગવાન શ્રીહરિ ! તમે રઘુવંશમાં દશરથના પુત્ર મર્યાદા પુરુષોત્તમથી રામસ્વરૂપે પ્રગટ થયા અને પિતાની આજ્ઞાથી ધર્મમર્યાદાનું સ્થાપન કરવા માટે પત્ની જાનકી અને નાના ભાઇ લક્ષ્મણની સાથે વનમાં સિધાવ્યા. પોતાના પ્રતાપથી દક્ષિણ સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો અને સીતાજીનું હરણ કરનારા દશાનન લંકેશ્વર રાવણનો વંશે સહિત વિનાશ કર્યો તથા પોતાની પ્રજાનું પિતાની જેમ પુત્રવત્ ધર્મમર્યાદાથી પાલન કર્યું એવા હે ભગવાન શ્રીહરિ ! તમે મારું સમગ્ર કષ્ટ થકી રક્ષણ કરો.૧૫
૮. શ્રીકૃષ્ણાવતાર :-- હે ભગવાન શ્રીહરિ ! તમે ઉત્તમ યદુકુળમાં લીલાપુરુષોત્તમ સ્વરૂપે પ્રગટ થઇ પૃથ્વીના ભારભૂત અનંત કંસાદિ અસુર રાજાઓનો વિનાશ કરી ગાય, પૃથ્વી, સાધુ, બ્રાહ્મણ, દેવતા અને ધર્મનું સર્વ પ્રકારે રક્ષણ કર્યું તથા લોકોનું પરમ કલ્યાણ કરનારાં દિવ્ય લીલાચરિત્રોનો વિસ્તાર કર્યો અને પોતાના ભક્તજનોના સમગ્ર વિઘ્નોને દૂર કર્યાં એવા હે ભગવાન શ્રીહરિ ! તમે મારું સમગ્ર કષ્ટ થકી રક્ષણ કરો.૧૬
૯. બુધ્ધાવતાર :-- હે ભગવાન શ્રીહરિ ! તમે વિશુદ્ધ બુધ્ધાવતારને ધારણ કરી અસુરોની બુદ્ધિને સદૈવ મોહ ઉપજાવે તેવાં ચરિત્રોને કરી અહિંસા, બ્રહ્મચર્ય આદિ સદાચારનું સ્થાપન કર્યું તથા અહિંસામય યજ્ઞોનું પૃથ્વી પર પ્રવર્તન કરી સત્કીર્તિ પ્રાપ્ત કરી, તેમજ શરણાગત જીવોનો સંસારસમુદ્રમાંથી ઉદ્ધાર કર્યો એવા કરુણાના સાગર તથા વિશુદ્ધ બુદ્ધિને આપનારા એવા હે ભગવાન શ્રીહરિ ! તમે મારું સમગ્ર કષ્ટ થકી રક્ષણ કરો.૧૭
૧૦. કલ્કી અવતાર :-- હે ભગવાન શ્રીહરિ ! તમે કલિયુગને અંતે કલ્કી અવતારને ધારણ કરશો. તે સમયે દેવતાઓએ અર્પણ કરેલા અશ્વ ઉપર વિરાજમાન થઇ હાથમાં તીક્ષ્ણ તલવાર ધારણ કરી પૃથ્વી પર વિચરણ કરશો અને અનેક મલેચ્છધર્મ પરાયણ થઇ ગયેલા પાપી રાજાઓનો વિનાશ કરી પોતાના દિવ્ય અંગનો સ્પર્શ કરી પ્રસાર થતા વાયુના સ્પર્શમાત્રથી જનોની દુર્બુધ્ધિનો વિનાશ કરશો અને પૃથ્વી પર વિશુદ્ધ વર્ણાશ્રમ ધર્મનું પુનઃ સ્થાપન કરશો એવા હે ભગવાન શ્રીહરિ ! તમે મારું સમગ્ર કષ્ટ થકી રક્ષણ કરો.૧૮
સ્તોત્રપાઠની ફલશ્રુતિ :-- આ પ્રમાણે દશાવતારને ધારણ કરનારા અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંબંધવાળા આ સ્તોત્રનો પાઠ કરવાથી તથા તેનું શ્રવણ કરવાથી મનુષ્યમાત્રને જળ સંબંધી, સર્વ નરક સંબંધી, અસુર સમુદાય સંબંધી, વાઘ આદિક હિંસક પ્રાણી સંબંધી, દુર્ગમસ્થાન સંબંધી, દુષ્ટરાજાઓ સંબંધી, કુમાર્ગ સંબંધી, શત્રુઓ સંબંધી, અજ્ઞાન સંબંધી તથા કલિયુગ સંબંધી પીડા કે ભય ઉત્પન્ન થતા નથી તેમજ દીનબંધુ ભગવાન શ્રીહરિકૃષ્ણની નિષ્કારણ અતિશય દયાથી મનુષ્યોને દેહને અંતે ભગવાનના ધામની પરમ પ્રાપ્તિ થાય છે.૧૯
અભયપરિવારનું આકરું તપ :-- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ખટ્વાંગ રાજા દશાવતાર સ્તોત્રનો અભયનૃપતિને ઉપદેશ કરી કારિયાણી પધાર્યા અને પરિવાર સહિત રાજા ભગવાન શ્રીહરિની આરાધના કરવા લાગ્યા. તથા શ્રીહરિનું જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી પોતાની સ્ત્રીઓ, પુત્ર, પુત્રી આદિ પરિવારની સાથે અભયરાજાએ ઘી, દૂધ અને સાકરમાંથી બનતા પદાર્થોનો ભોજનમાં ત્યાગ કરી નિયમપૂર્વક ધારણાપારણા વ્રતનું પાલન કરવા લાગ્યા.૨૦-૨૧
સર્વાન્તર્યામી ભગવાન સર્વ ભક્તજનોના અંતરના અભિપ્રાયને જાણનારા સર્વ સમર્થ ઇશ્વર છે. તેથી દયાનિધિ ભગવાન શ્રીહરિ સ્વયં અહીં પધારી જરૂર આપણ સૌને પોતાનું દર્શન આપશે.૨૨
આ પ્રમાણે પાકે પાયે નિશ્ચય કરી પરિવાર સહિત અભયરાજા આ પૃથ્વીપર અવતાર ધારણ કરી જગદ્ગુરુરૂપે વિચરતા ભગવાન શ્રીકૃષ્ણની પોતાના ભવનમાં વિધિપૂર્વક આરાધના કરવા લાગ્યા.૨૩
અને ખટ્વાંગ રાજાએ કહેલી રીત પ્રમાણે ભગવાન શ્રીહરિની મૂર્તિનું ધ્યાન કરવા લાગ્યા. આ પ્રમાણે નિયમમાં તત્પર થઇ અતિ આદરપૂર્વક અભયરાજા અને તેનો પરિવાર ભક્તવત્સલ ભગવાન શ્રીસ્વામિનારાયણનું પ્રેમલક્ષણાયુક્ત નવધા ભક્તિની સાથે ભજન સ્મરણ કરવા લાગ્યા.૨૪
હે રાજન્ ! તપશ્ચર્યા કરી રુધિરને બાળી શરીરને કૃશ કરી દેનારા પરિવારે સહિત અભયરાજા ક્યારેક નિરાહાર, મિતાહાર અને ફલાહાર કરી રાજવૈભવ ભોગવવાને લાયક એવા પોતાનાં શરીરનો માટીના પીંડાની પેઠે સાવ અનાદર કરી વાનપ્રસ્થ ગૃહસ્થની જેમ ભગવાન શ્રીહરિની આરાધના કરવા લાગ્યા.૨૫-૨૬
રાજ્યવ્યવહારનો સમગ્ર ભાર પોતાના મંત્રીઓને અધીન કરી પ્રતિદિન ભગવાનની પૂજાને અંતે દશાવતાર સ્તોત્રનો પાઠ કરી શ્રીહરિના કથા શ્રવણ અને કીર્તન ગાયન પરાયણ જીવન જીવવા લાગ્યા.૨૭
હે રાજન્ ! ખટ્વાંગ રાજર્ષિના મુખથકી ભગવાન શ્રીહરિના જેવા સ્વરૂપનું વર્ણન સાંભળ્યું હતું તેવા સ્વરૂપનું હૃદયમાં વારંવાર ધ્યાન કરવાથી અને તેનો મંત્ર જાપ કરવાથી પરિવારે સહિત અભયરાજાના હૃદયકમળમાં સ્ફુરાયમાન થયેલા ભગવાન શ્રીહરિનાં પ્રતિદિન દર્શન થવા લાગ્યાં.૨૮
આ પ્રમાણે અંતરમાં દર્શન થતાં હતાં છતાં તેઓના મનમાં પ્રત્યક્ષ ભગવાન શ્રીહરિના દર્શનની ઇચ્છા ઉત્તરોત્તર પ્રતિદિન વધતીજ જતી હતી. તેથી તેઓ પોતાનાં શરીરને વધુને વધુ તપશ્ચર્યા કરી કૃશ કરી રહ્યા હતા.૨૯
હે નરેન્દ્ર ! આ પ્રમાણે શ્રીસ્વામિનારાયણ ભગવાનનાં પ્રત્યક્ષ દર્શનની મનમાં ઇચ્છા રાખી પ્રતિદિન ભક્તિ ભાવથી તેમનું ભજન સ્મરણ કરતા રહેતા વિશુદ્ધ અંતરવાળા તે અભય પરિવારને અઢીમાસ વ્યતીત થઇ ગયા અને શત્રુઓનો ભય પણ નાશ પામી ગયો.૩૦
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં સંકટહર દશાવતાર સ્તોત્ર અને અભય પરિવારે કરેલી આરાધનાનું નિરૂપણ કર્યું એ નામે છવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૬--