અધ્યાય - ૩૪ - ભગવાન શ્રીહરિનો પ્રતાપ સહન ન થવાથી અસુર ગુરુઓ અને રાજાઓ ક્રોધે ભરાયા અને શ્રીહરિને મારવા કરેલા અનેક ઉપાયો.

Submitted by swaminarayanworld on Thu, 06/07/2017 - 9:59am

અધ્યાય - ૩૪ - ભગવાન શ્રીહરિનો પ્રતાપ સહન ન થવાથી અસુર ગુરુઓ અને રાજાઓ ક્રોધે ભરાયા અને શ્રીહરિને મારવા કરેલા અનેક ઉપાયો.

ભગવાન શ્રીહરિનો પ્રતાપ સહન ન થવાથી અસુર ગુરુઓ અને રાજાઓ ક્રોધે ભરાયા અને શ્રીહરિને મારવા કરેલાં અનેક ઉપાયો. નિર્માની સંતોને અસુરોએ આપેલી પીડા. શ્રીહરિએ આપેલું સંતોને આશ્વાસન . અંગ્રેજના દશ પ્રકારના ધર્મો.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! અતિ સમર્થ ભગવાન શ્રીહરિનો પ્રતાપ દશે દિશાઓમાં ફેલાયો. તેથી દૈવી સંપત્તિવાળા જનો હતા તે ખૂબ જ રાજી થવા લાગ્યા. અને આસુરી સંપત્તિવાળા દુષ્ટજનો હતા તે અત્યંત ખેદ પામવા લાગ્યા.૧

સંતોના ઉપદેશથી પોતાના શિષ્યોને ભગવાન શ્રીહરિનો આશ્રય કરતા જોઇ દૈત્યાંશ ગુરુઓ અત્યંત દાઝવા લાગ્યા અને ભગવાન શ્રીહરિના પ્રતાપને સહન કરવા સમર્થ થયા નહિ.૨

હે રાજન્ ! દૈત્યાંશ ગુરુઓ શ્રીહરિની સાથે દ્વેષ કરતા દૈત્યાંશ રાજાઓની સાથે મળીને ભગવાન શ્રીહરિને પીડવાની ઇચ્છા કરી.૩

તેઓમાંથી કેટલાક મહાકાલીના અને કેટલાક ભૈરવના ઉપાસકો હતા. તેઓએ મહાકષ્ટથી સાધીને વશ કરેલા મહાભયંકર અને ભૂખ્યાડાંસ મહાવીરોને ભગવાન શ્રીહરિને મારવા પ્રેરણા કરી.૪

તે મહાવીરો તો શ્રીહરિની દૃષ્ટિ માત્રથી બળવા લાગ્યા અને આમતેમ ભાગવા લાગ્યા તથા ચીસો પાડવા લાગ્યા, ત્યાંથી જઇ પ્રેરણા કરનારા અસુરાંશ ગુરુઓનેજ વળગી તેઓને અત્યંત પીડવા લાગ્યા.૫

હે રાજન્ ! તેમાંથી એક અસુરાંશ ગુરુએ તો ઉપરથી સૌમ્યવેષ ધારણ કરી ભગવાન શ્રીહરિની સમીપે આવી છૂપી રીતે મંત્રેલા અડદની મૂઠી શ્રીહરિ ઉપર ફેંકી, છતાં શ્રીહરિને કાંઇ જ થયું નહિ.૬

કેટલાક અસુરોએ તો સહન ન કરી શકાય તેવા કાતિલ ઝેરના પ્રયોગો નાગરવેલના પાનબીડાંમાં મૂકીને કર્યા અને કેટલાક અસુરો કામણટૂમણ જાણતી સ્ત્રીઓને ધનનું પ્રલોભન આપી મંત્રતંત્રના પ્રયોગો કરાવ્યા.૭

હે રાજન્ ! ભગવાન શ્રીહરિને મારવા માટે આવા અનેક ઉપાયો કરવામાં આવ્યા, છતાં ભગવાન શ્રીહરિને તેની લેશમાત્ર અસર થઇ નહિ. ઉલટાના મારવાના પ્રયોગ કરનાર ઉપર જ તેની માઠી અસર થઇ અને તેઓ મરણ પમાડે તેવા મહારોગથી ઘેરાયા.૮

તેમાંથી કેટલાકના વંશનો ઉચ્છેદ થયો. ધનવાનોના ધનનો નાશ થયો, રાજાઓનાં રાજ્ય નાશ પામ્યાં અને સૌ ભિખારીઓ થઇ ભમવા લાગ્યા.૯

આમ છૂપી રીતે ભગવાન શ્રીહરિને મારવા સફળ ન થયા ત્યારે કેટલાક ગુરુરૂપ અસુરો ભેળા મળ્યા અને હાથમાં ખુલ્લાં શસ્ત્રો ધારણ કરી ભગવાન શ્રીહરિને જે તે સ્થળે આવવા જવાના માર્ગને આંતરીને તેમને મારવા માટે બેઠા.૧૦

આશ્ચર્યકારી ચરિત્રો કરતા ભગવાન શ્રીહરિની માયાથી મોહ પામેલા મૂઢ રાજારૂપ અને ગુરુરૂપ અસુરો તો શ્રીહરિ પોતાની આગળથી નિર્ભયપણે ચાલ્યા જાય છે, તેને પ્રત્યક્ષ જુએ છે, છતાં પણ તેમને મારવા સમર્થ થયા નહિ.૧૧

હે રાજન્ ! આ પ્રમાણે દુર્જન અસુરો પોતાની શક્તિ, બુદ્ધિ, ધન અને સખાઓના સામર્થ્ય અનુસાર ભગવાન શ્રીહરિને મારવાના ઘણા બધા ઉપાયો કર્યા.૧૨

હે રાજન્ ! બ્રહ્મા, શિવ આદિ ઇશ્વરોથી પણ જે પરાભવ ન પામે એવા મહા તેજસ્વી મહાપ્રતાપી શ્રીહરિને તેઓ કોઇ પણ ઉપાયે કાંઇ પણ કરી શક્યા નહિ.૧૩

નિર્માની સંતોને અસુરોએ આપેલી પીડા :-- હે રાજન્ ! સાક્ષાત્ ભગવાન શ્રીહરિનો પરાભવ કરવા અસુરો જ્યારે સમર્થ થયા નહિ, ત્યારે પૃથ્વી પર વિચરણ કરતા શ્રીહરિનો અનન્ય આશ્રય કરતા સંતોને ચારે બાજુએથી તે અસુરો બહુ જ પીડવા લાગ્યા.૧૪

પુણ્ય ક્ષેત્રમાં સંતો જ્યાં જ્યાં વિચરણ કરતા હતા તે તે દેશના અસુર રાજાઓ તથા ગુરુઓ સંતોને બહુ જ કષ્ટ આપવા લાગ્યા.૧૫

તેમાં કેટલાક દુષ્ટ બુદ્ધિવાળા અસુરાંશ ગુરુઓ સંતોને પૂજવાની ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિઓને બલાત્કારે ઉઠાવી જતા અને સિંહાસનો ભાંગી નાખતા હતા.૧૬

કેટલાક અસુરો તો સંતોના કંઠમાંથી તુલસીની કંઠીઓ તોડી નાખતા, કેટલાક ભાલમાં કરેલાં ઉર્ધ્વપુંડ્ર તિલકને ભૂંસી નાખતા.૧૭

કેટલાક અસુરો સંતોનાં વસ્ત્ર, પુસ્તકો આદિકને ઉઠાવી જતા અને કમંડલુને ભાંગી નાખતા હતા. તથા કેટલાક અસુરો સંતોના ભિક્ષાપાત્રોમાં મરેલાં માછલાં આદિક અભક્ષ્ય પદાર્થો નાખતા.૧૮

કેટલાક દુષ્ટ ગુરુરૂપે કે રાજારૂપે રહેલા અસુરો સંતો સ્ત્રીઓનો સ્પર્શ ન કરતા જાણી સ્ત્રીઓને પ્રેરી બળજબરીથી સ્પર્શ કરાવતા અને સ્ત્રીઓ સાથે બલાત્કારે બોલાવતા અને ન બોલે તો સંતોને લાકડીઓના બહુ માર મારતા હતા.૧૯

હે રાજન્ ! કેટલાક અસુરો અતિશય ક્રોધ કરીને સંતોનાં કંથા, કૌપીન આદિ વસ્ત્રો ફાડી નાખતા અને કેટલાક સંતોને ભિક્ષામાં મળેલા અન્નના પાત્રમાં ધૂળ નાખીને ભાગી જતા. તથા કેટલાક અસુરો તો ભગવાનને નૈવેદ્ય ધરવાના પાત્રો તોડી નાખતા.૨૦

કેટલાક સંતોને અપશબ્દો, ગાળો અને કઠોર વચનો બોલીને કારણ વિના ખૂબજ માર મારતા. હે રાજન્ ! આ પ્રમાણે જન સમુદાયમાં વધી રહેલા સંતોના ઉત્કર્ષને સહન ન કરી શકવાથી તે રાજાઓ અને ગુરુરૂપ અસુરો અનેક ઉપાયોથી સંતોનો મોટો તિરસ્કાર અને અપમાન કરવા લાગ્યા.૨૧

હે રાજન્ ! કેટલાક અસુરો જે તે દેશને વિષે ભગવાન શ્રીહરિએ સ્થાપન કરેલાં અન્નક્ષેત્રોનું સંચાલન કરતા સંતોને માર મારી બહાર કાઢી મૂકી અન્નક્ષેત્રોનો ધ્વંસ કરી નાખતા હતા.૨૨

હે રાજન્, ક્રોધને જીતી જિતેન્દ્રિયપણે વર્તતા સંતો શુકદેવજી, ઋષભદેવ અને જડભરતની જેમ નિર્માની ભાવે ક્ષમા રાખી તે અસુરોએ ઊભી કરેલી સર્વે પીડાને સહન કરતા હતા.૨૩

હે રાજન્ ! આમ આઠે દિશામાંથી અસુરોએ પીડા આપી સંતોને કાઢી મૂક્યા ત્યારે તેઓ પોતપોતાના મંડળના સંતોની સાથે મળી ભગવાન શ્રીહરિની સમીપે આવ્યા.૨૪

શ્રીહરિએ આપેલું સંતોને આશ્વાસન :-- હે રાજન્ ! દેશદેશાંતરોમાં વિચરણ કરી પોતાની સમીપે આવેલા સર્વે સંતોનો શ્રીહરિએ યથાયોગ્ય માન આપી સત્કાર કર્યો, પછી સંતોને સમગ્ર વૃત્તાંત પૂછયું. ત્યારે સંતોએ પોતે અનુભવેલું સમગ્ર વૃત્તાંત શ્રીહરિને કહી સંભળાવ્યું.૨૫

સર્વજ્ઞા એવા શ્રીહરિ આ સર્વ વૃત્તાંત જાણતા હતા છતાં સંતોની વાત સાંભળી તેઓના પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સંતો ! તમને દુઃખ આપનાર અસુરોનો વિનાશકાળ નજીક આવ્યો છે, કારણ કે તેઓએ તમારા જેવા પવિત્ર અને નિરપરાધી સંતોનો અપરાધ કર્યો છે. માટે તમારો અપરાધ કરનાર જો શિવતુલ્ય શક્તિશાળી હોય છતાં પરિવારે સહિત વિનાશને પામે છે.૨૬-૨૭

હે સંતો ! તમારા જેવા પવિત્ર સંતોનો અપરાધ, માત્ર શરીરના વિનાશનો જ હેતુ નથી, પરંતુ બહુ જ અનર્થકારી છે. તમારા જેવા મહાપુરુષોનો અપરાધ કરનાર પુરુષના આયુષ્યનો નાશ થાય છે. ધનનો નાશ થાય છે. તેની કીર્તિમાં કલંક લાગે છે, અને ધર્મનું અનુષ્ઠાન કરી ભેળું કરેલું પુણ્ય પણ નાશ પામી જાય છે. તેમજ સ્વર્ગાદિ લોકની પ્રાપ્તિ થાય તેવાં કરેલાં સુકૃતો અને વડીલોના મળેલા આશીર્વાદ પણ નાશ પામે છે. વધુ શું કહું ? જે કાંઇ પુણ્ય કર્મ કરેલું હોય તે સર્વેનો વિનાશ થાય છે.૨૮

હે સંતો ! તમારો દ્રોહ કરવાથી અત્યારે પૃથ્વીપર રહેલા અસુરરાજાઓ અને અસુર ગુરુઓનાં સુકૃતોનો નાશ થઇ ગયો છે.૨૯

જેમ પૂર્વે કૃષ્ણાવતાર વખતે કંસ, કેશી, બકાસુર વિગેરે અસુરોનો વિનાશ થયો હતો. તેવી જ રીતે અત્યારે ટૂંક સમયમાં જ તે પાપી અસુર ગુરુઓ અને અસુર રાજાઓનો તમારાં અપરાધને કારણે વિનાશ થશે.૩૦

હે સંતો ! તમારા જેવા પવિત્ર સંતોના રક્ષણ માટે ભગવાનના અસાધારણ સંકલ્પથી વાયુ દિશામાંથી આ અસુર ગુરુઓ અને રાજાઓને શિક્ષા કરનાર કોઇ રાજા આવશે.૩૧

એ રાજા ભગવાન શ્રીરામચંદ્રજીએ કિંપુરુષ ખંડના અધિપતિ સ્થાને નિયુક્ત કરેલા વાલીપુત્ર અંગદના વંશમાં જન્મેલ છે, નીતિશાસ્ત્રમાં નિપુણ છે, ઇસુનો ઉપાસક છે, નાના નાના રાજાઓને પોતાના તાબે કરવાની કળામાં તે ચતુર છે.૩૨

ગૌર શરીરવાળો છે, દાઢી મુછને મુંડાવે છે અને મસ્તક ઉપર કેશ વધારે છે, સ્વચ્છ વસ્ત્રો પહેરે છે. શસ્ત્રને ધારણ કરનારો.૩૩

તે છ ગુણોમાં અર્થાત્ સંધિ, વિગ્રહ, યાન, આસન, સંશ્રય, દ્વૈધીભાવમાં નિપુણ છે. સામ, દામ, દંડ અને ભેદ આ ચાર ઉપાયોમાં પણ તે નિપુણ છે. તેવીજ રીતે ઋણ લેવું, દેવું આદિ અઢાર પ્રકારના વ્યવહારમાં પણ તે નિપુણ છે. (આ અઢાર પ્રકારના વ્યવહારને પંચમ પ્રકરણમાં રાજધર્મમાંથી જાણીલેવા.)૩૪

એ રાજા સૈન્યની ગોઠવણીના અનેક પ્રકારના વ્યૂહને જાણે છે. જેવાં કે, ગરુડાકારવ્યૂહ, મકરાકાર, કૌંચપક્ષ્યાકાર, ચક્રવ્યૂહ, સૂચિમુખ, મહદ્, વજ્રાયુધ, સર્વતોભદ્ર મંડલાકારવ્યૂહ, અર્ધચંદ્રાકાર, સકટ અને શૃંગાટકફલાકાર વ્યૂહ આદિ અનેક ઉપરોક્ત વ્યૂહના માધ્યમથી સમગ્ર સૈન્યને પૃથ્વીપર બધા જ સ્થળે ફેરવી શકે છે.૩૫-૩૬

સ્વયં રાજા હોવા છતાં સુવર્ણાદિ અલંકારોને છોડીને તપસ્વીના જેવો વેષ રાખે છે. પોતાના ગુરુ ઇસુએ કહેલા દશ પ્રકારના સ્વધર્મનું સારી રીતે પાલન કરે છે.૩૭

અંગ્રેજના દશ પ્રકારના ધર્મો :-- ૧. એક ઇસુ સિવાય બીજો કોઇ દેવ નથી આ એમનો પ્રથમ ધર્મ છે, ૨. સમર્થ તે ઇસુને વિષે જ પ્રેમ કરવો, ૩. અસત્યવાદમાં ઇસુના ક્યારેય પણ સોગંદ ન લેવા. ૪. રવિવારે રાત્રી દિવસ ઇસુની આરાધના કરવી અને વ્યવહારિક કાર્યમાં રજા રાખવી, ૫. માતાપિતાને સદાય આદર આપી માનવાં, ૬. કોઇ પણ મનુષ્યનો ઘાત ન કરવો, ૭. પરસ્ત્રી સાથે વ્યભિચાર ન કરવો, ૮. કોઇની કોઇપણ વસ્તુની ચોરી ન કરવી, ૯. કોઇની ખોટી સાક્ષી ન પૂરવી, અને ૧૦. લાંચ આદિ વડે પારકા ધનને લેવાની મનથી પણ ક્યારેય ઇચ્છા કરવી નહિ એ એમનો દશમો ધર્મ છે.૩૮-૪૨

હે સંતો ! આ પ્રમાણે દશ પ્રકારના ધર્મોનું યથાર્થ પાલન કરતો તે ઉત્તમરાજા અધર્મીઓને શિક્ષા કરી તમારું સર્વ પ્રકારે રક્ષણ કરશે.૪૩ હે નિષ્પાપ સંતો ! એ રાજાનું આગમન ન થાય ત્યાં સુધી તમે સર્વે કોઇ ઓળખી ન શકે તેવા વેષને ધારણ કરો. કારણ કે, દેશકાળને અનુસારે વર્તન કરવું એ પણ એક પ્રકારની શાસ્ત્રની નીતિરૂપ ધર્મ જ છે.૪૪

હે સંતો ! ભગવાન શ્રીકૃષ્ણની સહાય હોવા છતાં પૂર્વે પાંડવો શત્રુઓના સંકટ સમયે વિરાટનગરીમાં એક વર્ષ પર્યંત અલક્ષ્ય લિંગે એટલે કે, છૂપાવેષે નિવાસ કરીને રહ્યા હતા.૪૫

હે સંતો ! અંતે ધર્મનો જ જય થાય છે, અધર્મનો નહિ. સત્યનો જ જય થાય છે, અસત્યનો નહિ. આ પ્રમાણે આર્ષ વચનોને સત્યમાની તમે ચિંતામુક્ત થાઓ અને કોઇ ઓળખી ન શકે તેવા વેષે સુખપૂર્વક નિવાસ કરીને રહો.૪૬

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીનીલકંઠવર્ણીએ જ્યારે કહ્યું, ત્યારે સર્વે સંતો તેમનું જ અંતરમાં ધ્યાન સ્મરણ કરતા કેટલોક કાળ સુધી પૃથ્વી પર કોઇ ઓળખી ન શકે એ રીતે ફરવા લાગ્યા.૪૭

હે રાજન્ ! અહંતા અને મમતાનો સદંતર ત્યાગ કરીને વર્તતા સંતોએ સત્સંગના પ્રસિદ્ધ વૈષ્ણવ ચિહ્નોનો ત્યાગ કરી અસુરાંશ ગુરુઓ તથા તેમના શિષ્ય અસુરાંશ રાજાઓ જે રીતે આ સ્વામિનારાયણના સાધુ છે એમ ન જાણી શકે તે રીતે પૃથ્વી પર રંક જનોની રીતિ ધારણ કરી વિચરવા લાગ્યા.૪૮

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં દેશાંતરમાં વિચરણ કરવા ગયેલા સંતોને અસુરોએ બહુ ઉપદ્રવ કર્યો એ નામે ચોત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૪--