અધ્યાય - ૩૮ - ગઢપુરમાં શ્રીહરિના નિવાસ દરમ્યાન અનંત સંતો ભક્તોની હાજરીમાં વ્રતો-ઉત્સવોનું વર્ણન.
ગઢપુરમાં શ્રીહરિના નિવાસ દરમ્યાન અનંત સંતો ભક્તોની હાજરીમાં વ્રતો-ઉત્સવોનું વર્ણન. શ્રીહરિનું મછિયાવપુરમાં આગમન.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! સંતોનાં મંડળો દેશદેશાંતરોમાં વિચરણ કરવા ગયાં. પછી ગઢપુરમાં અભયરાજાના દરબારમાં બિરાજમાન સંતોના સ્વામી અને મહા સમર્થમૂર્તિ ભગવાન શ્રીહરિ જન્માષ્ટમી આદિ ભગવાનના જન્મોત્સવો તથા સર્વે એકાદશીના ઉત્સવો ઉજવતા.૧
અને અતિપ્રસન્ન મને શ્રીમદ્ ભાગવતની કથા પ્રતિદિન સાંભળતા. જ્યારે ભાગવતની પારાયણ પૂર્ણ થાય ત્યારે અભયરાજા પાસે શ્રીમદ્ભાગવતપુરાણ ગ્રંથનું વિધિપૂર્વક વક્તાને દાન કરાવતા. અને પોતાના આશ્રિત બ્રાહ્મણો પાસે આ શ્રીમદ્ ભાગવતના સો સો પાઠોનાં પુરશ્ચરણ પણ કરાવતા.૨
હે રાજન્ ! મહાભારતમાં કહેલાં વિષ્ણુસહસ્રનામ સ્તોત્રનું શ્રીહરિએ પોતે શ્રવણ કરી પાઠ પણ કર્યા તથા પોતાના આશ્રિત ઉત્તમ વિપ્રો પાસે તેના પાઠ અને પુરશ્ચરણો કરાવ્યાં.૩
હે રાજન્ ! બીજા નગરો કે ગામડેથી આવેલા ભક્તજનો ભગવાન શ્રીહરિને પોતાને ગામ કે નગરમાં પધારવાની વિનંતિ કરતા ત્યારે ભગવાન શ્રીહરિ પણ અભયરાજાને પૂછીને તે તે ભક્તોનાં નગર કે ગામડે જતા.૪
તેમાં ક્યારેક અભયરાજા પોતાના પુત્ર આદિ સંબંધીજનોની સાથે શ્રીહરિની સાથે જતા, અને ક્યારેક શ્રીહરિની આજ્ઞાથી ગઢપુરમાં જ રહી ભજન-સ્મરણ કરતા.૫
હે ભૂમિપતિ ! ભગવાન શ્રીહરિ તે તે ગામડે કે પુરમાં પધારી ભક્તજનોને પોતાનો પ્રસિદ્ધ પ્રગટ પ્રતાપ જણાવીને તથા મહાન ઉત્સવ ઉજવીને ખૂબજ આનંદ પમાડતા અને ફરી ત્યાંથી પાછા ગઢપુર પધારી નિવાસ કરતા.૬
હે રાજન્ ! શ્રીહરિ જ્યારે ગઢપુરમાં ઉત્સવો ઉજવતા ત્યારે પ્રત્યેક ઉત્સવમાં હજારો નરનારીઓ, વૃદ્ધો, બાળકો અને ત્યાગીસંતો સંઘે સંઘમાં ભેળા મળીને આવતા.૭
હે રાજન્ ! ઉત્સવો હોય કે ન હોય છતાં હજારોની સંખ્યામાં સંતો અને હરિભક્તોના સમૂહો દુર્ગપુરમાં પ્રતિદિન આવતા ને જતા. વચ્ચે ઘણા સમય સુધી ભગવાન શ્રીહરિની સમીપે તેમની આજ્ઞાથી નિવાસ કરીને રહેતા પણ ખરા.૮
હે રાજન્ ! સંખ્યાની ગણના કરવામાં નિપુણ પુરુષો પણ ભગવાન શ્રીહરિની સમીપે આવતા ત્યાગી તથા ગૃહસ્થ-ભક્તોના જનસમુદાયને ગણવામાં સમર્થ થતા નહિ.૯
હે રાજન્ ! અક્ષર, કાળ, માયાના નિયંતા સ્વયં સાક્ષાત્ વાસુદેવ મનુષ્યાકૃતિ ધરીને ગઢપુરમાં બિરાજતા હોવાથી તેમનાં દર્શને આવતા હજારો મનુષ્યોની ભીડ જામતી. જેટલા ભક્તજનો રાજદરબારમાં હોય તેટલાજ નગરમાં અને તેટલાજ ઉન્મત્તગંગાને બન્ને કિનારે હોય, તથા તેટલા જ જળમાં સ્નાન કરતા હોય. તેમજ લક્ષ્મીવાડીમાં, પુષ્પવાટિકામાં, વૃક્ષોની છાયામાં અને રાજ-દરબારમાં તથા રાજમાર્ગમાં પણ એટલાજ હરિભક્તોની ભીડ જોવામાં આવતી.૧૦
હે રાજન્ ! આ રીતે ભગવાન શ્રીહરિની સેવા કરનારા સંતો-ભક્તોને તથા ગઢપુરવાસી સર્વે ભક્તોને નિત્યે ઉત્સવનો મહા આનંદ પ્રાપ્ત થતો રહેતો.૧૧
પ્રતાપસિંહ રાજા કહે છે, હે બ્રહ્મન્ ! હે સુવ્રતમુનિ ! અભયરાજાને ખરેખર ધન્ય છે કે જેની નિષ્કામ ભક્તિએ સાક્ષાત્ પરમેશ્વરને પણ વશ કરી લીધા. શ્રીહરિ નિઃસ્પૃહી છે છતાં તેની ભક્તિને વશ થઇ તેના રાજદરબારમાં અખંડ નિવાસ કરીને રહે છે.૧૨
હે મુનિવર ! તમે એમ કહ્યું કે, ભગવાન શ્રીહરિનાં દર્શને આવતા અન્ય ગામ કે નગરના ભક્તજનોની પ્રાર્થના સંભળી શ્રીહરિ અભયરાજાને પૂછીને તે તે ભક્તોનાં પુર કે ગામમાં જઇ ઉત્સવો ઉજવી પાછા ગઢપુર પધારતા.૧૩
તો હે મુનિવર ! ભગવાન શ્રીહરિ ગઢપુરથી કયા કયા ગામ કે નગરમાં પધારી મહોત્સવો ઉજવી પાછા દુર્ગપુર પધારતા. તો તે ગામ કે પુરમાં ઉજવેલા ઉત્સવોની કથારૂપ શ્રીહરિનાં પાવન ચરિત્રો મને સંભળાવો.૧૪
હે સદ્બુદ્ધિવાળા ! હે મુનિવર ! ભગવાન શ્રીહરિની કૃપાથી આપને સર્વજ્ઞાપણું પ્રાપ્ત થયું છે, અને નિરંતર તેમની સમીપે જ આપ નિવાસ કરીને રહો છો, તેથી શ્રીહરિ નાં એક પણ ચરિત્રથી તમે અજાણ નથી. માટે મને તે સર્વે ચરિત્રોની કથા સંભળાવો.૧૫
ત્યારે સુવ્રતમુનિ પોતાના હૃદયમાં પ્રગટ શ્રીહરિનું સ્મરણ કરી પ્રતાપસિંહ રાજાને કહેવા લાગ્યા. હે રાજન્ ! ધર્મની રક્ષા કરવા માટે અને પોતાનાં એકાંતિક ભક્તોના સંતોષને માટે આ પૃથ્વી પર પ્રાદુર્ભાવ પામેલા ભગવાન શ્રીહરિનાં પાવનકારી ચરિત્રોની કથા હું તમને કહું છું તેને તમે સાવધાન થઇ સાંભળો.૧૬-૧૭
હે રાજન્ ! જ્યારે હજારો ભક્તજનો શ્રીહરિને પોતાનાં ગામ કે પુરમાં પધારવાની બહુજ પ્રાર્થના કરતા, ત્યારે કૃપાના સાગર, ભક્તવત્સલ, સર્વનિયંતા ભગવાન શ્રીહરિ તે ભક્તજનોનું પ્રિય કરવા તેમનાં ગામ કે પુર પ્રત્યે પધારતા.૧૮-૧૯
વર્ણાશ્રમને ઉચિત ધર્મનું તથા પ્રેમે સહિત નવધા ભક્તિનું પોષણ કરતા, ભગવાન શ્રીહરિ તે ગામ કે પુરને વિષે જન્માષ્ટમી આદિના મોટા મોટા ઉત્સવો કરતા અને સત્શાસ્ત્ર સંબંધી અનેક વાર્તાઓ કરી ભક્તજનોનો ઉત્સાહ વધારતા હતા.૨૦
શ્રીહરિનું મછિયાવપુરમાં આગમન :-- હે રાજન્ ! સંતમંડળની સાથે રહીને ભગવાન શ્રીહરિએ જ્યાં જ્યાં મોટા મોટા ઉત્સવો ઉજવેલા છે. એવાં ગામ અને નગરો તો બહુ મોટી સંખ્યામાં છે.૨૧
તે સર્વે ગામોની કથા હું તમને કહી શકું તેમ નથી. છતાં પણ કોઇ ગામ કે નગરમાં ભગવાન શ્રીહરિએ ઉત્સવ ઉજવી લીલાચરિત્રો કરેલાં છે તેને સંક્ષેપથી કહું છું. ૨૨
હે રાજન્ ! સૌવીરદેશના સુરસિંહ રાજાએ ભગવાન શ્રીહરિની સંતોનાં મંડળે સહિત પોતાનાં મછિયાવપુર પધારવાની પ્રાર્થના કરી, તેથી ભગવાન શ્રીહરિ પ્રમાથિ નામના સંવત્સરમાં સંવત ૧૮૬૫ ના મહાસુદ વસંત પંચમીનો ઉત્સવ ગઢપુરમાં ઉજવીને અશ્વ ઉપર વિરાજમાન થઇ વર્ણીઓ, સંતો અને પાર્ષદોનાં મંડળોએ સહિત મછિયાવપુરમાં પધાર્યા.૨૩-૨૪
હે રાજન્ ! સનાતન વૈદિક ધર્મમર્યાદાનું સ્થાપન કરતા અને સર્વેજનોમાં પોતાનો અલૌકિક પ્રતાપ વિસ્તારતા શ્રીહરિ જે તે જનસમુદાયમાં છૂપાઇને રહેલા અધર્મનો ઉચ્છેદ કરી તે મછિયાવપુરમાં એકમાસ પર્યંત નિવાસ કરીને રહ્યા.૨૫
હે રાજન્ ! તે મછિયાવપુરમાં પોતાના એકાંતિક ભક્ત એવા સુરસિંહ રાજાના રાજમંદિરમાં બિરાજતા પુરાણ પુરુષ શ્રીસ્વામિનારાયણ ભગવાને દેશાંતરમાં રહેલા પોતાના ભક્તજનોને સંદેશવાહક દૂતો મોકલી મછિયાવપુરમાં પધારવા નિમંત્રણ મોકલી બોલાવ્યા.૨૬
ત્યારે સુરસિંહ રાજાએ અમૂલ્ય વસ્ત્રો, અનેક પ્રકારનાં સુવર્ણમય આભૂષણો, સુગંધીમાન ચંદન તથા પુષ્પના ઉત્તમ હારો તેમજ હજારો રૂપામોરોથી શ્રીહરિનું પૂજન કર્યું.૨૭
તે રાજાના દેવિકા નામનાં રાણી અને તેજોવતી નામનાં રાજકુમારી પણ સુવર્ણના તારવાળાં અનેક પ્રકારનાં અમૂલ્ય વસ્ત્રો અને સુંદર સ્વાદિષ્ટ ભોજન વડે અતિ પ્રેમથી ભગવાન શ્રીહરિની પૂજા કરી.૨૮
હે રાજન્ ! સુરસિંહ રાજાના શાળાની પત્ની કેશિનીદેવીએ પણ મોટા ઉપચારોથી ભક્તિ ભાવથી શ્રીહરિની પૂજા કરી. આવી રીતે સેંકડો અને હજારો નરનારીએ અતિ પ્રેમથી ભગવાન શ્રીહરિની પૂજા કરી.૨૯
તે સમયે દેશાંતરમાંથી આવેલા હજારો નરનારીઓએ ભગવાન શ્રીસહજાનંદ સ્વામીની રાજા આદિકે કરેલી પૂજા જોઇને તેમના પ્રતાપની અત્યંત પ્રશંસા કરવા લાગ્યા અને અતિ આનંદની સાથે અતિશય વિસ્મય પામ્યા.૩૦
હે રાજન્ ! સુરસિંહ રાજા બહુપ્રકારનાં ભક્ષ્ય અને ભોજ્યાદિ પદાર્થોથી ભગવાન શ્રીહરિના સર્વે સંતો, બ્રહ્મચારીઓ, સાધુઓ અને પાર્ષદોને પ્રતિદિન જમાડી તૃપ્ત કરતા હતા.૩૧
હે રાજન્ ! સુરસિંહરાજાના દરબારમાં મુનિમંડળને મધ્યે ઊંચા સિંહાસન ઉપર ભગવાન શ્રીહરિ બિરાજમાન થયા છે. તેમની ચારેબાજુ હજારો નરનારીઓની મર્યાદા પ્રમાણે સભા ભરાઇને બેઠી છે.૩૨
મુક્તાનંદ સ્વામી આદિ સંતોનું ગાયકવૃંદ અતિશય પ્રેમથી ભગવાન શ્રીહરિના ગુણોનું સંકીર્તન કરી રહ્યું હતું. અનેક સંતોદ્વારા પૂજાયેલા ભગવાન શ્રીહરિ અનેક પ્રકારનાં વાજિંત્રોના નાદની સાથે ગવાતાં કીર્તનો ધ્યાનથી સાંભળી રહ્યા હતા.૩૩
હે રાજન્ ! સમય જતાં ફુલડોલનો ઉત્સવ આવ્યો ત્યારે ભગવાન શ્રીહરિએ અનંત ગૃહસ્થ ભક્તજનો તથા સંતોની સાથે ગુલાલ ઉડાડી રંગ રમીને સર્વે ભક્તજનોને ખૂબજ આનંદ પમાડયા.૩૪
તે સમયે ભગવાન શ્રીહરિ સુવર્ણની પિચકારીમાં ભરેલા રાતા-પીળા રંગોનો ભક્તજનો ઉપર છંટકાવ કરીને તેઓનાં અંગોએ સહિત વસ્ત્રોને ભીંજવી ખુશ કરતા હતા. રંગ રમવાના પરિશ્રમથી ભગવાન શ્રીહરિના વિશાળ ભાલમાં ઉપસેલાં પરસેવાનાં બિંદુઓ શ્વેત રંગના મોતીની સમાન શોભતા હતા. પોતાની બાજુમાં ગુલાલનો થાળ ભરી ઊભેલા સંતના હાથમાંથી ગુલાલની મૂઠી ભરી તે સંતનાં જ મુખ ઉપર લેપન કરી મંદમંદ હાસ્ય કરતા ભગવાન શ્રીહરિ સર્વે ભક્તજનોને ખૂબજ હસાવતા હતા.૩૫
હે રાજન્ ! આ પ્રમાણે મનુષ્ય લીલા કરતા અખિલેશ્વર પોતાના ભક્તજનોનાં મનને પોતાના સ્વરૂપમાં આકર્ષિત કરતા હતા.૩૬
હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ તે સુરસિંહરાજાના દરબારમાં વિધિપૂર્વક શ્રીદામોદર ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા કરી.૩૭
હે રાજન્ ! એક વખત તે સુરસિંહરાજાના રાજભવનમાં મોટી સભામાં શ્રીહરિ બિરાજમાન હતા. રાજા પૂજા કરી ભગવાન શ્રીહરિને ચામર ઢોળી રહ્યા હતા. તે સમયે તેમને બોધ આપવા માટે શ્રીહરિ રાજા પ્રત્યે કહેવા લાગ્યા કે, હે રાજન્ ! મારા આશ્રિત સર્વે ભક્તજનોએ બ્રહ્મવિદ્, વેદવિત્ અને તપોનિષ્ઠ બ્રાહ્મણોની સેવા કરવી. આવા ભૂદેવોના અનુગ્રહથી માનવના સર્વ મનોરથો પૂર્ણ થાય છે.૩૮-૩૯
તેમાં પણ ગૃહસ્થ તમોએ તો વિશેષપણે કરીને બ્રાહ્મણોનું મોટા દેવતા માનીને પૂજન કરવું. અને રાજ્ય સમૃદ્ધિની વૃદ્ધિ ઇચ્છતા હોય એવા રાજાઓએ પણ ખાસ કરીને બ્રાહ્મણોને પૂજવા.૪૦
હે રાજન્ ! નિષ્કપટ સેવા કરવાથી પ્રસન્ન થયેલા બ્રાહ્મણો રાજાઓએ ઇચ્છેલાં ક્યાં કાર્યો સિદ્ધ કરી શકતા નથી ? બધાંજ કાર્યો સિદ્ધ થાય છે. કારણ કે પોતાના તપના પ્રભાવથી બ્રાહ્મણો દેવતાઓને પણ પોતાને વશ કરી શકે છે.૪૧
પૂર્વે અનેક રાજાઓએ બ્રાહ્મણોની પ્રસન્નતાથી મહાન પુણ્યકર્મો કરી દેવતાઓને પણ અતિશય દુર્લભ એવી મોટી સિદ્ધિઓને પામ્યા હતા.૪૨
બ્રાહ્મણોનું દેવની સમાન પૂજન કરનારા અનેક ધાર્મિક રાજાઓની ઉજ્જ્વલ યશકીર્તિનું આલોકમાં અદ્યાપિ સુધી નારદાદિ જેવા મુનિઓ ગાન કરે છે.૪૩
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ બ્રાહ્મણોનું ઉત્તમ માહાત્મ્ય કહ્યું. તેને સાંભળીને સુરસિંહરાજા વિનયપૂર્વક ફરીથી ભગવાન શ્રીહરિને પૂછવા લાગ્યા કે, હે સ્વામિન્ ! આગળના કયા કયા રાજાઓએ આલોકમાં કેવાં પ્રકારના ઉપાયોથી બ્રાહ્મણોને પ્રસન્ન કર્યા હતા તે મને જણાવો.૪૪-૪૫
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! વિશુદ્ધ બુદ્ધિવાળા અને વિનયી સુરસિંહરાજાએ આ પ્રમાણે વિસ્તારથી જાણવા પૂછયું, તે સાંભળીને શ્રીહરિ તેમના પર અતિશય પ્રસન્ન થયા અને આગળના, રાજાઓનાં આશ્ચર્યકારી આખ્યાનો સંક્ષેપથી સુરસિંહ રાજાને સંભળાવવા લાગ્યા.૪૬
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં શ્રીહરિ મછિયાવપુર પધાર્યા અને સુરસિંહરાજાએ તથા અન્ય સર્વેએ શ્રીહરિની પૂજા કરી એ નામે આડત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૮--