અધ્યાય - ૯ - શ્રીહરિએ શ્રીમદ્ ભાગવત આદિ સત્શાસ્ત્રોના શ્રવણનો કરેલો પ્રારંભ.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 6:46pm

અધ્યાય - ૯ - શ્રીહરિએ શ્રીમદ્ ભાગવત આદિ સત્શાસ્ત્રોના શ્રવણનો કરેલો પ્રારંભ.

શ્રીહરિએ શ્રીમદ્ ભાગવત આદિ સત્શાસ્ત્રોના શ્રવણનો કરેલો પ્રારંભ.

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! આ પ્રમાણેનાં ભગવાન શ્રીહરિનાં વાક્યો સાંભળી ઉત્તમ ભૂપતિનું મન ખૂબજ પ્રસન્ન થયું ને પરમેશ્વર એવા ભગવાન શ્રીહરિને પ્રણામ કરીને મનમાં દેશકાળની અનુકૂળતાએ શ્રીમદ્ ભાગવતનું પુરશ્ચરણ કરાવવાની ઇચ્છા કરી. તેમ જ કથાશ્રવણ અને પુસ્તકદાન કરવાની પણ ઇચ્છા કરી.૧-૨

ત્યારે શ્રીહરિએ અનેક પ્રકારનાં ચિત્રવિચિત્ર રંગોવાળાં વસ્ત્રોથી અને કેળાના સ્તંભોથી સુશોભિત કરાયેલા મંડપની પોતાના નિવાસસ્થાનની સમીપે રચના કરાવી.૩

ત્યારપછી સંવત ૧૮૭૬ ના માગસર સુદ સાતમના પ્રાતઃકાળે આહ્નિકવિધિ પૂર્ણ કરી રચના કરાયેલા મંડપની મધ્યે રમણીય વ્યાસાસન તૈયાર કરાવ્યું.૪

ત્યારપછી પાર્ષદો દ્વારા પ્રાગજી પુરાણીને બોલાવ્યા ને વ્યાસાસન ઉપર બેસાડી શ્રીમદ્ ભાગવતના પુસ્તકની પૂજા કર્યા બાદ પુરાણીની પૂજા કરી.૫

પછી શ્રીહરિએ કથાના પ્રારંભ સમયે વક્તા પ્રાગજી પુરાણીને બહુ મૂલ્યવાળાં સૂક્ષ્મ નવીન રેશમી વસ્ત્રો અર્પણ કર્યાં.૬

ત્યારપછી શ્રીહરિએ સુવર્ણનાં કુંડળ, કડાં અને વીંટીઓ અર્પણ કરીને કથાનો પ્રારંભ કરાવ્યો.૭

અને શ્રોતાઓના ધર્મમાં રહેલા રામપ્રતાપભાઇ અને ઇચ્છારામભાઇ પણ શ્રીહરિની સમીપે આસન ઉપર વિરાજમાન થયા.૮

સોમલાખાચર આદિ પાર્ષદો, ઉત્તમ આદિ રાજાઓ અને મુકુન્દાનંદ બ્રહ્મચારિ આદિ વર્ણીઓ તે સભામાં પોતપોતાના યોગ્ય સ્થાને બેઠા.૯

તેવીજ રીતે મુક્તાનંદ સ્વામી આદિ સંતો પણ તે સભામાં બેઠા. જયાબા, રમાબા અને લલિતાબા આદિ સ્ત્રી ભક્તજનો પણ સભાના એક વિભાગમાં મર્યાદાપૂર્વક બેઠાં.૧૦

તે સભાને વિષે બેઠેલા સર્વે શ્રોતાજનો ભગવાન શ્રીહરિ થકી પૂર્વે સારી રીતે શિક્ષણ પ્રાપ્ત કરેલું હોવાથી સાત્વિક લક્ષણોથી યુક્ત હતા.૧૧

તે સભામાં શ્રીહરિ સ્વયં સાક્ષાત્ સર્વજ્ઞા હોવા છતાં પણ મનુષ્ય-નાટયનું અનુકરણ કરી પુરાણ શ્રવણના ધર્મનું પૃથ્વી પર પ્રવર્તન કરવા માટે અન્ય મુમુક્ષુ શ્રોતાઓની જેમ શ્રવણ કરવા લાગ્યા.૧૨

હે રાજન્ ! ભગવાન શ્રીહરિ કથા પ્રસંગમાં કોઇ કોઇ વારે કઠિન જણાતા અધ્યાત્મના વિભાગને પોતાના અનુભવસિદ્ધ જ્ઞાનથી વિસ્તારપૂર્વક બોધ આપી સર્વે શ્રોતાઓ તથા વક્તાને પણ આનંદ ઉપજાવતા હતા.૧૩

ભગવાન શ્રીહરિએ કથાની સમાપ્તિ વખતે શ્રોતાજનોની સાથે ભગવાનના નામ સંકીર્તન કર્યા બાદ સાત્ત્વિક લક્ષણવાળા વક્તા પ્રાગજી પુરાણીને કહેવા લાગ્યા.૧૪

હે દ્વિજોત્તમ ! તમે અમારા મોદીવણિકની દુકાનેથી તમને ગમતું કાચું અન્ન, ઘી, સાકર આદિ ગ્રહણ કરવું.૧૫

હે પુરાણી, તમે નિરંતર ચૂરમાના કે મોતિયા લાડુનું ઇચ્છિત ભોજન કરો. કારણ કે તમારે પ્રતિદિન પરિશ્રમ કરવાનો છે.૧૬

પ્રાતઃકાળે દૂધનું પાન કરવા આ બે ગાયનો સ્વીકાર કરો. એમ કહીને બહુ દૂધવાળી બે ગાયો વક્તાને અર્પણ કરી.૧૭

ત્યારે પ્રાગજી પુરાણી ભગવાન શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! હે કૃપાનાથ ! તમારી આજ્ઞાનું હું નિરંતર પાલન કરીશ તેમાં કોઇ સંશય નથી.૧૮

હે પ્રભુ ! જો શાક વગેરે સામગ્રીની કંઇક અનુકૂળતા થાય તો ઇચ્છાનુસાર લાડુ આદિ જમવાની તમારી આજ્ઞાનું સારી રીતે પાલન થઇ શકે.૧૯

તે સાંભળી ભગવાન શ્રીહરિ હસવા લાગ્યા ને પોતાની સમીપે જ ઊભેલા હરનાથ નામના વૃદ્ધ માળી પ્રત્યે કહેવા લાગ્યા કે, આ પ્રાગજી પુરાણીને તેમની ઇચ્છા પ્રમાણે તમારે દરરોજ શાક આપવું.૨૦

તે સમયે વક્તા પ્રાગજી પુરાણી હસતા હસતા ભગવાન શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે પ્રભુ ! મારી સમગ્ર ઇચ્છા પૂરી થઇ. આ પ્રમાણે વારંવાર બોલી શ્રીહરિને નમસ્કાર કરી ત્યાંથી પોતાના નિવાસસ્થાન પ્રત્યે ગયા.૨૧

પ્રતિદિન કથાનું શ્રવણ કરતા અને ભક્તજનોને આનંદ ઉપજાવતા ભગવાન શ્રીહરિએ શ્રીમદ્ ભાગવત કથાની સમાપ્તિ વખતે સભામાં પૂર્વોક્ત ઉત્તમરાજાને કહેલ સમગ્ર વિધિનું પાલન કર્યું.૨૨

અને ભગવાન શ્રીહરિ પુરાણીને વિધિ કરતાં ઉપર જઈ અધિકાધિક સોનામહોરોનું અને વસ્ત્રોનું દાન કરી સર્વ કરતાં શ્રેષ્ઠ શોભવા લાગ્યા.૨૩

શ્રીહરિએ કરેલું પુરાણીનું સન્માન સાંભળી સર્વે રાજાઓ પણ અતિશય વિસ્મય પામી ગયા.૨૪

તેમજ શ્રીહરિએ કથા શ્રવણ કરવા પધારેલા અન્ય બ્રાહ્મણોને પણ ઇચ્છાનુસાર વરસાદની જેમ દક્ષિણા આદિક અર્પણ કરી સંતોષ પમાડયા.૨૫

હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ એક મહિના સુધી શ્રીમદ્ ભાગવતનું શ્રવણ કરીને દશમ તથા પંચમ સ્કંધનું વિશેષ શ્રવણ કર્યું.૨૬

બે માસમાં બન્ને સ્કંધનું શ્રવણ કરી ફાગણ માસમાં મોટી સામગ્રીવડે ફૂલડોલનો ઉત્સવ કર્યો.૨૭

પછી શ્રીહરિ શ્રીરામાનુજાચાર્યના ભાષ્યે સહિત શ્રીમદ્ ભગવદ્ગીતાનું શ્રવણ કર્યું. ત્યાં સુધીમાં ભગવાન શ્રીહરિના પ્રાદુર્ભાવની ચૈત્રસુદી નવમી તિથિ પ્રાપ્ત થઇ.૨૮

હે રાજન્ ! તે હરિજયંતીના મહોત્સવમાં દુર્ગપુર પ્રત્યે હજારો નરનારી ભક્તજનો તથા હજારો સંતો દેશાંતરમાંથી પધાર્યા.૨૯

નિષ્કપટ અંતરવાળા ઉત્તમરાજાએ ભગવાન શ્રીહરિને પ્રસન્ન કરવા માટે મોટી સામગ્રીથી શ્રીહરિજયંતીનો મહાન ઉત્સવ ઉજવ્યો અને ઉત્સવની સમાપ્તિમાં શ્રીહરિએ આવેલા ભક્તજનોને પોતપોતાના દેશ પ્રત્યે મોકલી ફરી કથા સાંભળવાનો પ્રારંભ કર્યો.૩૦-૩૧

તેમાં રામાનુજાચાર્યના કૃપાપાત્ર શિષ્ય પરાશર ભટ્ટ દ્વારા રચાયેલ ભાષ્યે સહિત વિષ્ણુસહસ્રનામ સ્તોત્રની કથા સાંભળી અને તેની ચૈત્રસુદ તેરસના દિવસે સમાપ્તિ કરી.૩૨

હે રાજન્ ! શ્રીહરિ વૈશાખસુદ પડવાને દિવસે કૂર્મ ભગવાનનો જન્મોત્સવ પણ ધામધૂમથી ઉજવીને ફરી વૈશાખસુદ બીજના દિવસે કથા સાંભળવાનો પ્રારંભ કર્યો.૩૩

તે સમયે સ્કંદપુરાણની અંદર વિષ્ણુખંડમાં રહેલા શ્રીવાસુદેવમાહાત્મ્યનું એક મહિના સુધી અતિશય હર્ષપૂર્વક શ્રવણ કર્યું.૩૪

ત્યારપછી પ્રથમ જેઠસુદ બીજથી આરંભીને સવા મહિના સુધી પોતાના સામવેદની અમદાવાદના પંડિત હેમંતરામવિપ્રના મુખથકી પારાયણ સાંભળવા લાગ્યા.૩૫

તે બીજા જેઠસુદ દશમીની તિથિએ મધ્યાહ્ને ગંગાર્ચનોત્સવ ઉજવીને બપોર પછી સામવેદની પારાયણની સમાપ્તિ કરી.૩૬

પછી સંવત ૧૮૭૬ ના જેઠ સુદ નિર્જલા એકાદશીની તિથિએ મિતાક્ષરાટીકાએ યુક્ત યાજ્ઞાવલ્ક્યસ્મૃતિની કથા સાંભળવાનો પ્રારંભ કર્યો. તેનું શ્રવણ કરતાં કરતાં સંવત ૧૮૭૭ ના નવાવર્ષના શ્રાવણસુદ ત્રીજની તિથિએ તેની પૂર્ણાહુતિ કરી.૩૭

બીજે દિવસે શ્રાવણ સુદ ચતુર્થીને દિવસે શ્રીહરિએ મધ્યાહ્ને વરાહ ભગવાનનો પ્રાદુર્ભાવ મહોત્સવ ઉજવ્યો અને સાધુ બ્રાહ્મણોને ભોજન કરાવ્યાં.૩૮

આ પ્રમાણે ભક્તજનોને આનંદ ઉપજાવતા ભગવાન શ્રીહરિ શ્રાવણ સુદ નાગપંચમીની તિથિએ વિદુરનીતિ સાંભળવાનો પ્રારંભ કર્યો.૩૯

ને શ્રાવણ માસની પૂર્ણિમાને દિવસે રક્ષાબંધનનું કાર્ય પૂર્ણ કર્યા પછી વિદુરનીતિની સમાપ્તિ કરી વસ્ત્ર, આભૂષણાદિક વડે વક્તાને સંતોષ પમાડયા.૪૦

હે રાજન્ ! આ પ્રમાણે પોતાના આત્મીય ભક્તજનોના નેત્રોને આનંદ ઉપજાવવામાં પૂર્ણિમાના ચંદ્રમાની સમાન મુખકમળવાળા, મનુષ્યનાટયનું અનુકરણ કરી પોતાના ભક્તજનોમાં ભાગવતધર્મનું સ્થાપન કરતા અને હૃદયરૂપી ગુફામાંથી જીતવા અશક્ય એવા અને કલિયુગના બળથી અજેય થઇ ફરતા અધર્મ સર્ગને મૂળમાંથી ઉખેડીને વિનાશ કરતા અને સંતોના ગુરુ સ્વરૂપે વિરાજતા શ્રીવાસુદેવ ભગવાન સ્વયં આ પૃથ્વી પર શ્રીસ્વામિનારાયણ સ્વરૂપે પ્રસિદ્ધિને પામ્યા.૪૧

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં પુરાણ શ્રવણના ઉત્સવ પ્રસંગે ભગવાન શ્રીહરિએ શ્રીમદ્ ભાગવતાદિ સચ્છાસ્ત્રોનું શ્રવણ કર્યું અને વિધિ પ્રમાણે વક્તાનું પૂજન કર્યાનું નિરૂપણ કર્યું એ નામે નવમોઅધ્યાય પૂર્ણ થયો. --૯--