અધ્યાય - ૬૭- ભગવાન શ્રીહરિએ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આદિકના લક્ષણોનું કરેલું નિરૂપણ.
ભગવાન શ્રીહરિએ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આદિકના લક્ષણોનું કરેલું નિરૃપણ. જ્ઞાનનું લક્ષણ. વૈરાગ્યનું લક્ષણ. ભક્તિનું લક્ષણ. એકાંતિકધર્મનું સ્વરૃપ.
જ્ઞાનનું લક્ષણ :- ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે મુનિ ! પ્રથમ જ્ઞાનનું લક્ષણ કહીએ છીએ. જીવપ્રાણી માત્રના દેહ નાના પ્રકારના દુઃખો તથા નાના પ્રકારના વિકારોથી ભરેલા છે. અને આત્મા જે જીવ છે તે તો દેહથકી ભિન્ન છે, વિકારે રહિત અને સુખરૂપ છે.૧
એ જીવાત્મા શસ્ત્રે કરીને છેદાય તથા ભેદાય એવો નથી. તે આત્મા નિત્ય, અજન્મા પરિણામે રહિત તથા અક્ષર છે. વળી તે દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ દેવતા અને પ્રાણ એ સર્વેને પ્રકાશનારો છે.૨
એ જીવાત્મા જળે કરીને સડી જાય, અગ્નિએ કરીને બળી જાય તથા વાયુએ કરીને સૂકાઇ જાય એવો નથી. એ જીવાત્મા નિર્લેપ અને અચળ છે.૩
એ જીવાત્માને વિષે જે ગુણ છે, તે દેહાદિકમાં ક્યારેય પણ આવતા નથી. અને દેહાદિકને વિષે જે દોષ છે તે જીવાત્માને વિષે ક્યારેય પણ આવતા નથી.૪
પોતાના જીવાત્માને આવા લક્ષણોએ યુક્ત જાણીને પછી સત્, ચિત્ અને આનંદરૂપ એવું જે અક્ષરબ્રહ્મ, તેમની સંગાથે એ જીવાત્માની એકપણાની ભાવના કરવી. અર્થાત્ અક્ષરબ્રહ્મના ગુણને પોતાને વિષે ધારવા. એમ ધારતાં ધારતાં અક્ષરબ્રહ્મના ગુણ પોતાના આત્માને વિષે આવે છે. જેમ દેહના સ્વભાવ જીવાત્માને વિષે કલ્પવાથી દેહરૂપ થઇ જવાય છે, તેમ અભ્યાસ કરવાથી અક્ષરબ્રહ્મના ગુણ જીવાત્માને વિષે આવે છે.૫
હે મુનિ ! પોતાના જીવાત્માને વિષે એવી અતિશય દૃઢ નિષ્ઠા તે જ્ઞાન કહેવાય, હવે મોટા સંતોએ માન્ય કરેલું વૈરાગ્યનું લક્ષણ કહીએ છીએ.૬
વૈરાગ્યનું લક્ષણ :- હે મુનિ ! પ્રથમ પોતાના તથા બીજાના દેહનું સ્વરૂપ યથાર્થ જાણવું, તે દેહ માંસના લોચા અને મળ આદિક અપવિત્ર ભૂંડી વસ્તુથી ભરેલા કોથળા જેવો જ છે. ત્વચા, માંસ, રુધિર, નાડીઓ, મેદ, મજ્જા, હાડકાંના કટકા, વિષ્ટા, મૂત્ર, જરા અવસ્થા તથા નાના પ્રકારના રોગ આદિક ભૂંડી અપવિત્ર વસ્તુઓથી ભરેલા આ દેહને વિષે શું વસ્તુ રૂડી છે ? કોઇ વસ્તુ રૂડી નથી. સર્વે ભૂંડી જ વસ્તુઓ ભરેલી છે.૮
રાજાનો દેહ હોય છતાં અંતે કૃમિ, વિષ્ટા અને ભસ્મ એવી કોઇને કોઇ સંજ્ઞા થાય છે. જેમ કે, મૃત્યુ પામેલો દેહ પડયો રહે તો તેમાં કીડા પડી જાય, ને જો તે દેહને શિયાળીયાં, સમડાં આદિક જનાવરો ખાઇ જાય તો તેની વિષ્ટા થઇ જાય અને લાકડામાં અગ્નિએ કરીને બાળે તો ભસ્મ થઇ જાય છે. આવા દેહને વિષે પ્રીતિવાળા જીવ વારંવાર અંડજ, ઉદ્ભિજ, સ્વેદજ અને જરાયુજ એ ચાર પ્રકારના દેહને પામે છે.૯
મનુષ્યો આવા દેહથી શુભ કે અશુભ કર્મો કરીને દેવલોક, પાતાળલોક, તથા મૃત્યુલોકને વિષે વારંવાર જન્મ અને મૃત્યુને પામે છે.૧૦
અશુભ કર્મોથી અતિશય ભયંકર યમયાતનાનાં તથા નરકનાં દુઃખ પામે છે, ને ત્યાર પછી પક્ષી, કીડા આદિક અતિશય ભૂંડા જન્મને પરવશ થઇને વારંવાર પામે છે.૧૧
તથા શુભ કર્મોથી એ જીવ ક્યારેક રાજાના દેહને પામે છે, ક્યારેક પાતાળલોકના સુખને પામે છે અને ક્યારેક સ્વર્ગના સુખને પામે છે પરંતુ એ સર્વે સુખ નાશવંત છે.૧૨
તથા કામ, લોભ, ભય, ઇર્ષ્યા, ક્રોધ અને બરોબરીયામાં અદેખાઇ એ આદિક દોષોથી ભરેલા છે. માટે એ સર્વે સુખ તો કેવળ દુઃખરૂપ જ છે.૧૩
કારણ કે બ્રહ્માના એક દિવસને વિષે ચૌદ ઇન્દ્રનો નાશ થઇ જાય છે. અને જ્યારે પ્રાકૃત પ્રલય થાય ત્યારે વિરાટ દેહે સહિત એવા બ્રહ્માજીનો પણ નાશ થઇ જાય છે.૧૪
પ્રકૃતિ પુરુષથી ઉદ્ભવેલું જે કાંઇ સ્થાવર જંગમ વિશ્વ છે, તે સર્વે કાળનું ભક્ષણ છે.૧૫
આવી રીતે અખિલ બ્રહ્માંડને અને તેના સુખને નાશવંત તથા દુઃખરૂપ જાણી પોતાનો દેહ, દેહના સંબંધી, વિષય ભોગનાં પદાર્થો એ સર્વેને વિષે આસક્તિનો ત્યાગ કરી દેવો, તેમાં ક્યાંય પ્રીતિ રાખવી નહિ. તેને વૈરાગ્ય કહેવાય છે.૧૬
ભક્તિનું લક્ષણ :- શ્રીવાસુદેવ ભગવાનના અવતારને વિષે મહાત્મ્યજ્ઞાને સહિત જે સ્નેહે કરીને સેવા કરવાની વૃત્તિ, તે ભક્તિ કહેવાય છે.૧૭
માહાત્મ્યજ્ઞાન એટલે શું કે શ્વેતદ્વીપ, બ્રહ્મપુર, ગોલોક તથા વૈકુંઠ આદિક જે ભગવાનનાં ધામ છે તેને વિષે જે દિવ્ય ઐશ્વર્યો રહ્યાં છે તથા દિવ્ય પાર્ષદો રહ્યા છે. ૧૮
જ્યારે પોતાની ઇચ્છાથી જીવનાં કલ્યાણ કરવા મનુષ્યરૂપ થઇને આ પૃથ્વીપર ભગવાન વિચરણ કરે છે. ત્યારે તે ઐશ્વર્યો અને પાર્ષદો પણ તેમની સાથે રહેલા હોય છે. એવી રીતે દિવ્યભાવે કરીને પ્રત્યક્ષ ભગવાનને જાણવા, તેને માહાત્મ્યજ્ઞાન કહેવાય. ૧૯
આવી રીતના માહાત્મ્ય જ્ઞાને યુક્ત ભગવાનને જાણીને શ્રવણ, કીર્તન, સ્મરણ, ચરણસેવા, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન એ નવ પ્રકારની પ્રેમેયુક્ત ભગવાનનું સેવન કરવું, તે ભક્તિનું લક્ષણ છે.૨૦
જે પોતાના ધર્મને વિષે રહી જ્ઞાન, વૈરાગ્યે સહિત ભક્તિ કરે છે. તેઓ ઉત્તમ ભક્ત મનાયેલા છે.૨૧
એવી રીતે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિએ સંપન્ન સંતપુરુષોછે તેને આલોકને વિષે સદ્ગુરૂઓ કહેવાય છે. અને એવા સાધુનાં દર્શન માત્રે કરીને સર્વ પાપ નાશ પામી જાય છે.૨૨
પોતાને કર્મે કરીને સંસારને વિષે ભમતા પુરુષનું કલ્યાણ પણ સ્વધર્મના પાળનારાને ભગવાનના ભક્ત એવા સાધુના આશ્રયથી જ થાય છે.૨૩
મોક્ષની ઇચ્છાવાળાએ એવા સાધુને સેવવા અને પૂજવા.૨૪
હે મુનિ ! ધર્મ બે પ્રકારનો માનેલો છે. એક પ્રવૃત્તિધર્મ અને બીજો નિવૃત્તિધર્મ. એ બે પ્રકારનો ધર્મ ભગવાનના સંબંધ થકી એકાંતિક ધર્મ કહેવાય છે.૨૫
સનકાદિક ત્યાગીઓ નિવૃત્તિ ધર્મમાં રહી એકાંતિકપણાને પામ્યા છે અને મરીચ્યાદિક પ્રજાપતિ આદિક ગૃહસ્થો પ્રવૃત્તિધર્મમાં રહી એકાંતિકપણાને પામ્યા છે.૨૬
સાક્ષાત્ ભગવાનના ધામને પામવારૂપ આત્યંતિક મુક્તિ તો કેવળ એકાંતિક ધર્મે કરીને જ પમાય છે. માત્ર એકલા નિવૃત્તિ કે પ્રવૃત્તિ ધર્મથી થતી નથી. પરંતુ બીજા લોકની પ્રાપ્તિ થાય છે.૨૫-૨૭
એકાંતિકધર્મનું સ્વરૂપ :- હે મુનિ ! હવે એકાંતિક ધર્મનું સ્વરૂપ સારી પેઠે સમજાય તેવી રીતે અમે તમને કહીએ છીએ. તે સ્વરૂપ ભગવાનના આશ્રય વિના શાસ્ત્રવેત્તા વિચક્ષણ પુરુષને જાણવું પણ અતિશય કઠણ છે. ૨૮
હે મુનિ ! નેત્ર, શ્રોત્ર આદિક બહારની ઇન્દ્રિયોની તથા મન, બુદ્ધિ આદિક અંદરની ઇન્દ્રિયોની સર્વે વૃત્તિઓ સહજ સ્વભાવે નિરંતર એક ભગવાનને વિષે જ પ્રીતિએ યુક્ત વરતતી હોય, ત્યાર પછી હિંસાએ રહિત અને કોઇ પણ ફળની ઇચ્છા નહિ રાખીને જ્ઞાન વૈરાગ્યે યુક્ત થઇ વેદે કહેલી પ્રવૃત્તિધર્મ કે નિવૃત્તિ ધર્મરૂપ કર્મ કરે, તો તે એકાંતિક ધર્મ આત્યંતિક કલ્યાણને-ભગવાનના ધામને પમાડનારો થાય છે.એકાંતિકધર્મયુક્ત જે પુરુષ હોય તેને મોટા મોટા સાધુઓએ એકાંતિક ભક્તો કહ્યા છે..૨૯-૩૧
સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્યે યુક્ત ભગવાનને વિષે અનન્ય ભક્તિના લક્ષણ વાળો એકાંતિક ધર્મ છે. તે થોડાક આત્મબળવાળા પુરુષોને ધારવો અતિશય કઠણ છે.૩૨
એ એકાંતિક ધર્મને ધારવાવાળા પુરુષો જે સમયે પૃથ્વીપર હોય તે સમયે તે એકાંતિક ધર્મ પ્રગટ થાય છે. અને એવા પુરુષો જ્યારે ન હોય ત્યારે તે અદૃશ્ય થઇ જાય છે.૩૩
પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનના સંગ થકી અથવા તે ભગવાનના ભક્તના સંગ થકી જ પુરુષ એકાંતિક ધર્મ પામી શકે છે. તે વિના બીજા કોઇ પ્રકારે ક્યારેય પણ એ એકાંતિક ધર્મ પમાતો નથી.૩૪
જે સમયે જે દેશને વિષે અથવા પુરુષને વિષે એ એકાંતિક ધર્મ રહ્યો હોય તે સમયે અને તે ઠેકાણે સત્યુગની પ્રવૃત્તિ જાણવી, પરંતુ ત્યાં ત્રેતા, દ્વાપર તથા કળિયુગની પ્રવૃત્તિ ન જાણવી.૩૫
ગૃહસ્થ ભક્તજનોએ એ એકાંતિક ધર્મનું આચરણ કરીને જીવની હિંસાએ રહિત એવા વિષ્ણુયાગ, દાન, વ્રત આદિ અનેક પ્રકારના દ્રવ્યોમય યજ્ઞોથી વિધિપૂર્વક ભગવાનનું પૂજન કરવુ.૩૬
અને પૃથ્વી પર ત્યાગીઓએ એકાંતિક ધર્મનું આચરણ કરીને બ્રહ્મયજ્ઞા એટલે ભગવાન સંબંધી શાસ્ત્ર ભણવાં ભણાવવાં, વિચારવાં, પાઠ કરવો, તથા ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરી દેખાડવું. તેમજ તપયજ્ઞા - દેહ ઇંદ્રિયો અને અંતઃકરણને દંડ દેવો, તથા યોગયજ્ઞા એટલે અષ્ટાંગ યોગ સાધવો, વગેરેથી ભગવાનનું પૂજન કરવું.૩૭
એ યજ્ઞોને વિષે પૂજવા યોગ્ય બીજા દેવતાઓને વિષે ભગવાનના ભક્તપણાની ભાવના કરીને પૂજવા. પરંતુ અલગપણાની ભાવના કરવી નહિ.૩૮
ભગવાનના એકાંતિક ભક્તો આ લોકમાં પંચભૂતના દેહનો ત્યાગ કરીને બ્રહ્મરૂપ એવું ભાગવત શરીર પામીને બ્રહ્મધામને પામે છે.૩૯
હે મુનિ ! આ રીતે એકાંતિક ધર્મનું લક્ષણ સારી રીતે સમજાય એ રીતનું મેં તમને કહ્યું. તે એકાંતિક ધર્મની પ્રાપ્તિને માટે પૂર્વે મોટા મોટા ઋષિઓએ ઉગ્ર તપ કર્યું હતું.૪૦
તે માટે જે મુમુક્ષુ ભક્ત પોતાનું આત્યંતિક કલ્યાણ ઇચ્છતા હોય તે એકાંતિક ધર્મ પાળે. તે પાળવે કરીને જ જન્મ મરણરૂપ સંસારથકી મૂકાઇને ભગવાનના ધામને પામે છે.૪૧
પૂર્વે જે જનો આત્યંતિક મુક્તિ પામ્યા છે, તે પણ આ એકાંતિક ધર્મનું પાલન કરવે કરીને જ પામ્યા છે. પણ બીજા કોઇ સાધનથી પામ્યા નથી.૪૨
હે મુનિ ! તમે આ એકાંતિક ધર્મનું પાલન કરીને અમારા આશ્રિત બીજા સર્વે ત્યાગી સંતોને તે પ્રમાણે જ વર્તાવો કારણ કે તમે તેવી રીતે વર્તવા અને વર્તાવાને વિષે સમર્થ છો.૪૩
પવિત્ર તથા આત્યંતિક મોક્ષ પમાડનારા એવા ત્યાગી સાધુઓના ધર્મામૃતનું જે સાધુઓ સેવન કરશે અર્થાત્ ભણી સાંભળીને તે પ્રમાણે વર્તન કરશે, તેમને કાળરૂપ સર્પનો ભય નહિ રહે. તથા તેમને જન્મ મરણરૂપ વારંવારની સંસૃતિમાં ક્યારેય જવું નહિ પડતું નથી.૪૪
હે મુનિ ! ત્યાગી સાધુઓના એકાંતિક ધર્મોને કહેતો આ ધર્મામૃત ગ્રંથ અતિશય પવિત્ર ગ્રંથ છે. સત્ અસત્ના વિવેકે યુક્ત થઇ તથા અતિ ડહાપણથી બુદ્ધિવાળા મોટા સાધુઓને આ સર્વકાળે સેવવા યોગ્ય છે. ને સર્વ સંતાપને હરનાર છે. આવા ધર્મામૃતનું આલોકમાં જે ત્યાગી સાધુઓ રસપાન કરે છે. આદરથી ભણીને, સાંભળીને તથા વિચારીને એ પ્રમાણે વર્તે છે. તે ત્યાગી સાધુ જન્મ મરણના ભયથકી મૂકાઇને ભગવાનના ધામને પામે છે. અને બ્રહ્મરૂપ થઇને અખંડ ભગવાનની સેવામાં રહે છે.૪૫
સુવ્રતમુનિ કહે છે, હે નિષ્પાપ પ્રતાપસિંહ રાજન્ ! આવી રીતે સત્પુરુષોના સ્વામી શ્રીભક્તિધર્મના પુત્ર ભગવાન શ્રીનારાયણમુનિએ કહેલા ત્યાગી સાધુઓના એકાંતિક ધર્મો સાંભળીને પ્રસન્ન થયેલા ગોપાળાનંદ મુનિ સ્વયં એ પ્રમાણે વર્તન કરવા લાગ્યા અને બીજા ત્યાગી સંતોને એ પ્રમાણે વર્તાવવા લાગ્યા.૪૬
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં ત્યાગી સાધુઓના ધર્મને વિષે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના લક્ષણરૂપ એકાંતિક ધર્મનું નિરૂપણ કર્યું એ નામે સડસઠમો અધ્યાય પૂર્ણ થયો. --૬૭--