અધ્યાય - ૬૮- 'ઋતે જ્ઞાનાન્ન મુક્તિઃ' એ શ્રુતિ વિષયક નિત્યાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિને પૂછેલો પ્રશ્ન.

Submitted by swaminarayanworld on Thu, 03/08/2017 - 7:13pm

અધ્યાય - ૬૮- 'ઋતે જ્ઞાનાન્ન મુક્તિઃ' એ શ્રુતિ વિષયક નિત્યાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિને પૂછેલો પ્રશ્ન.

'ઋતે જ્ઞાનાન્ન મુક્તિઃ' એ શ્રુતિ વિષયક નિત્યાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિને પૂછેલો પ્રશ્ન.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! એક સમયે મહામુનિ નિત્યાનંદ સ્વામી ભગવાન શ્રીહરિની સમીપે આવ્યા ને બે હાથ જોડી નમસ્કાર કરી વિનયપૂર્વક પૂછવા લાગ્યા.૧ હે ભગવાન ! ''જ્ઞાન વિના મુક્તિ ન થાય'' આવા પ્રકારની શ્રુતિ છે. તો હે પ્રભુ ! એ જ્ઞાન કેવું છે ? તે કૃપા કરીને મને યથાર્થ જણાવો.૨ સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો, તેથી સકલ ઐશ્વર્યસંપન્ન ભગવાન શ્રીહરિ સબીજ સાંખ્યશાસ્ત્રે નિર્ણય કરેલા જ્ઞાનનું સ્વરૂપ નિત્યાનંદ સ્વામીને સમજાવવા લાગ્યા.૩

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે મુનિવર્ય ! જે જ્ઞાનથી મનુષ્યોની મુક્તિ થાય છે, તે જ્ઞાનનું સ્વરૂપ હું તમને બ્રહ્માંડની ઉત્પત્તિના વર્ણન દ્વારા યથાર્થ સમજાવું છું, તેનું તમે શ્રવણ કરો.૪

પૂર્વે આત્યંતિક પ્રલયમાં પોતાના અક્ષરધામને વિષે સ્વયં શ્રીવાસુદેવ ભગવાન પાર્ષદોએ સેવાયેલા થકા એકલા જ વિરાજમાન હતા.૫

તે સમયે સૂર્યના પ્રકાશમાં રાત્રી જેમ લીન રહે, તેમ ભગવાનના પ્રકાશમાં સર્વે પાર્ષદો, મુક્તો, અક્ષરપુરુષ, મૂળપુરુષ, મૂળમાયા, અર્થાત્ પ્રધાનમાયા અને પ્રધાન પુરુષોના સમૂહની સાથે મહાપુરુષ અને મહામાયા પણ ભગવાનના તેજમાં લીન હતાં.૬

એ દિવ્ય મૂર્તિ જે વાસુદેવ છે, તેને જ વેદ, પુરાણો તથા મહાભારતાદિક શાસ્ત્રોને વિષે શ્રીકૃષ્ણ, પુરુષોત્તમ, પરમાત્મા, પરબ્રહ્મ, વિષ્ણુ, નારાયણ એવે નામે પણ કહેલા છે. તથા જ્યોતિસ્વરૂપ, અક્ષરાતીત, હરિ, પરમપુરુષ, એવે નામે પણ કહેલા છે.૭-૮

એ અક્ષરધામાધિપતિ સ્વયં શ્રીવાસુદેવ ભગવાનને જ્યારે બ્રહ્માંડ સર્જવાની ઇચ્છા થઇ, ત્યારે એ ભગવાન યોગનિદ્રાનો સ્વીકાર કરી પોતાના તેજમાં લીન થઇ રહેલા મહાકાળ નામના મહાપુરુષને પોતાની દૃષ્ટિથી પ્રેરણા કરીને જાગૃત કર્યો.૯

હે મુનિવર્ય ! એ મહાકાળને જીવ, અક્ષરપુરુષ, બ્રહ્મ અને નર એવા ઘણા નામે વેદો કહે છે, આ મહાકાળ અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કારણ છે, એમ પણ વેદ કહે છે.૧૦

ત્યારપછી શ્રીવાસુદેવ ભગવાને બ્રહ્માંડો સર્જવાની ઇચ્છાથી પોતાના શરીરભૂત એવા એ મહાપુરુષ દ્વારા અક્ષરના પ્રકાશમાં લીન એવી મહામાયાને જાગૃત કરી.૧૧

ત્યારપછી મહાકાળ એવો જે મહાપુરુષ તે શ્રીવાસુદેવ ભગવાનની ઇચ્છાથી જાગૃત થયેલી માયાની સાથે બહુ કાળ પર્યંત રમણ કર્યું, ને તે મહાપુરુષે પોતાની પત્નીરૂપ એવી એ મહામાયાને વિષે દૃષ્ટિથી ગર્ભ ધર્યો. અને તે મહામાયાએ પણ એ ગર્ભને બહુકાળ પર્યંત ધારણ કરી રાખ્યો. પછી એ મહામાયાથકી અનંતકોટી પ્રધાનપુરુષોનાં જોડલાં પ્રગટ થયાં.૧૨-૧૩

વળી પાછી શ્રીવાસુદેવ ભગવાનની ઇચ્છાથી પરસ્પર જોડાયેલા તે અનંત પ્રધાનમાયા અને પ્રધાનપુરુષના જોડકાથી અનંતકોટિ બ્રહ્માંડો ઉત્પન્ન થયાં. અહીં પ્રધાનમાયા અને પ્રધાન પુરુષના જોડલાં અનંત છે. તેથી બ્રહ્માંડો પણ અનંત ઉત્પન્ન થયાં છે. એક જોડલાં થકી એક બ્રહ્માંડ એમ અનંત કોટિ બ્રહ્માંડોનું સર્જન થયું.૧૪

હે મુનિ ! મહામાયાની સાથે રમણ કરતા મહાકાલરૂપ મહાપુરુષના શરીરમાંથી પરસેવાનું જે જળ ઉત્પન્ન થયું તેને 'નાર' એવા નામથી કહેવાય છે. તે અનંતકોટિ બ્રહ્માંડોના આધારભૂત છે એમ મહામુનિઓ જાણે છે.૧૫

એ 'નાર' નામનું ગર્ભોદક જળ પ્રકાશરૂપ અને આનંદરૂપ છે. જેમના એક બિંદુમાત્રથી અનંતકોટિ બ્રહ્માંડવાસી જીવો મહાસુખીયા થાય છે, અર્થાત્ જીવ સંજ્ઞાવાચી મનુષ્યો, ઇન્દ્રાદિ દેવતાઓ, બ્રહ્મા, શિવ, વૈરાટ આદિ ઇશ્વરો છે, તે મહાસુખીયા થાય છે.૧૬

હે મુનિ ! ''આપો નારા'' એ શ્રુતિના કહેવા અનુસાર 'નર' નામના મહાપુરુષે પોતાના શરીમાંથી ઉત્પન્ન થયેલા 'નાર' નામના જળને વિષે યોગનિદ્રાનો સ્વીકાર કરીને શયન કર્યું તેથી ''નારા અયનં યસ્ય સઃ'' એ સમાસથી તેમનું ''નારાયણ'' એવું નામ થયું.૧૭

આ મહાપુરુષને ભગવદ્નિષ્ઠ જ્ઞાનીપુરુષોએ કૂટસ્થ અર્થાત્ નિર્વિકારી અક્ષરાત્મા, અક્ષરબ્રહ્મસ્વરૂપ, અવ્યક્ત- પ્રાકૃત ઇન્દ્રિયોથી ન ગ્રહણ કરી શકાય તેવા, પ્રકૃતિથી પર- પોતે જેનો સ્વીકાર કર્યો એ મૂળમાયાથી પર, તથા અપ્રમેય- પોતાનાથી નીચેના સર્વે જેના ઐશ્વર્યનો કોઇ અંત લઇ શકતા નથી, એવા કહેલા છે.૧૮

એ અવસરે દિવ્ય મૂર્તિ એવી મહામાયા પોતાના જ અંગમાંથી ઉત્પન્ન થયેલા ગર્ભોદકના જળમાં શયન કરી રહેલા પોતાના પતિ એવા સમર્થ મહાપુરુષને રાજી કરવા, જાણે પોતાનો ત્યાગ ન કરી દે એવા ભય સાથે અખંડ તેમની અનુવૃત્તિમાં રહીને ચરણચંપી કરે છે.૧૯

હે મુનિ ! સ્વયં શ્રીવાસુદેવ ભગવાન એ મહાપુરુષ, મહામાયા આદિ સર્વેને વિષે પોતાની અસાધારણ સત્ય જ્ઞાન, ક્રિયા, ઇચ્છા શક્તિ આદિથી અન્વયપણે રહેલા છે, અને સ્વતઃ સ્વરૂપથી પોતાના અક્ષરધામમાં વ્યતિરેકપણે પણ રહેલા છે.૨૦

હે મુનિવર્ય ! આ પ્રમાણે શ્રીવાસુદેવ ભગવાનના સંકલ્પથી અનંત કોટિ બ્રહ્માંડોની ઉત્પત્તિ થાય છે. તે સર્વેની મધ્યે એક બ્રહ્માંડની ઉત્પત્તિનો ક્રમ હું તમને કહું છું. એ પ્રમાણે બધા બ્રહ્માંડોની ઉત્પત્તિનું અનુમાન કરી લેવું.૨૧

હે મુનિવર્ય ! મૂળપ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી પ્રધાન નામની પ્રકૃતિના અધિષ્ઠાતા ને અક્ષરબ્રહ્મ નામના મહાપુરુષથકી પ્રગટ થયેલા જે પુરુષ છે, તે આદિ અને અંતથી રહિત છે, દિવ્યમૂર્તિ છે, અને પોતાના થકી ઉત્પન્ન થયેલા ચોવીસ તત્ત્વો અને તેના ઇશ્વરોના પણ તે ઇશ્વર છે. અર્થાત્ ચોવીસ તત્ત્વોથકી ઉત્પન્ન થયેલા વૈરાટપુરુષના પણ તે સ્વામી છે, એમ વેદ કહે છે.૨૨

એ પ્રધાનપ્રકૃતિના અધિષ્ઠાતા પુરુષ પોતાનાથી ઉત્પન્ન એવા અવ્યાકૃત, સૂત્રાત્મા અને વિરાટ, નામના દેહોમાં અભિમાની આત્મારૂપે રહેલા ઇશ્વર, હિરણ્યગર્ભ, તથા વૈશ્વાનર નામના પુરુષને વિષે પણ અન્વયસ્વરૂપે અને વ્યતિરેક સ્વરૂપે રહેલા છે. અર્થાત્ તે ત્રણ શરીરવાળા પુરુષના ઐશ્વર્યને પ્રકાશ કરવા તેનામાં અન્વયસ્વરૂપે રહેલા છે અને પોતાના લોકમાં વ્યતિરેક સ્વરૂપે રહેલા છે.૨૩

હે મુનિ ! આવા એ પ્રધાનના પતિ પુરુષ સગુણબ્રહ્મના સ્વરૂપે સ્થાવર જંગમાત્મક આ વિશ્વને સર્જવાની ઇચ્છા કરી સ્વયં વાસુદેવ ભગવાનની ઇચ્છાથી પ્રથમ કાળશક્તિ, કર્મશક્તિ અને સ્વભાવશક્તિનો પોતે સાધનરૂપે સ્વીકાર કરે છે.૨૪

આ ત્રણ શક્તિથી યુક્ત થઇને તથા પોતાના પિતા મહાપુરુષની દૃષ્ટિ પામીને તે પ્રધાનના અધિષ્ઠાતા પુરુષ પોતાની પત્નીરૂપ પ્રધાનપ્રકૃતિને વિષે દૃષ્ટિરૂપ વીર્યને ધારણ કરે છે.૨૫

પછી પોતે સ્વીકારેલી કાળશક્તિથી પોતાની પત્ની એવી ત્રણ ગુણવાળી પ્રધાનરૂપ પ્રકૃતિમાં સત્ત્વ, રજ અને તમ આ ત્રણ ગુણોનો પ્રથમ ક્ષોભ થાય છે.૨૬

પછી પોતે પુરુષે સ્વીકારેલી સ્વભાવશક્તિથી તે ત્રણગુણોમાં પરિવર્તન સર્જાય છે. ત્યારપછી કર્મશક્તિ દ્વારા મહતત્ત્વને પ્રગટ થવાની ક્રિયા થાય છે. આ રીતે પ્રધાનપુરુષના જોડલા થકી પ્રથમ મહત્તત્ત્વ ઉત્પન્ન થાય છે.૨૭

હે મુનિ ! આ મહત્તત્ત્વ છે, તેને કાર્ય અવસ્થાની પ્રાપ્તિ થઇ ન હોવાથી શુદ્ધ સ્વરૂપ છે. સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણાત્મક છે, જેમાં હાથ, પગ આદિક અંગ સ્વરૂપે પરિણામ દશા પ્રાપ્ત થઇ નથી એવું હોવાથી તેને વૈરાજપુરુષનું પ્રથમ શરીર અવ્યાકૃત એવા નામથી કહેવાય છે. અર્થાત્ મહત્તત્ત્વ પ્રારંભિક દશામાં વૈરાટપુરુષના અવ્યાકૃત શરીરરૂપે થાય છે.૨૮

એ શરીરના અભિમાની જે પુરુષ છે તેને ''ઇશ્વર'' એવા નામથી કહેલા છે. શ્રીમદ્ ભાગવતના દ્વિતીય અને તૃતીય સ્કંધમાં એ અવ્યાકૃત શરીરાભિમાની ઇશ્વર વિષે વિસ્તારપૂર્વક વાર્તા લખી છે.૨૯

હે મુનિ ! આ રીતે સૃષ્ટિ સમયે પ્રબોધ પામેલી શુદ્ધ સત્ત્વાદિ ત્રણ ગુણોવાળી પ્રધાન નામની પ્રકૃતિ સત્ત્વગુણદ્વારા શુદ્ધ સત્ત્વગુણપ્રધાન મહત્તત્ત્વને જન્માવે છે.૩૦

જે મહત્તત્ત્વને પ્રકાશરૂપ, શાંતસ્વરૂપ, કૂટસ્થ (વિકાર રહિત) અને જગતના અંકુરરૂપ કહેલું છે. તથા જે મહત્તત્ત્વને જ્ઞાનશક્તિથી અને ક્રિયા શક્તિથી ચિત્તસ્વરૂપ અને સૂત્રસ્વરૂપ કહ્યું છે.૩૧

તેમાં ચિત્તનું લક્ષણ એ છે કે તે ભગવાન વાસુદેવની સાક્ષાત્ ઉપલબ્ધિના સ્થાનરૂપ, શાંતરૂપ, સત્ત્વગુણાત્મક સ્વચ્છ અને અવિકારી છે. આ ચિત્તનું લક્ષણ છે.૩૨

સૂત્રનું લક્ષણ એ છે કે, તે સર્વ પ્રાણીઓમાં ચેષ્ટા કરતો પ્રાણની પાછળ બીજા સર્વે પ્રાણો ચેતનવંતા થાય છે, એટલે કે ઇન્દ્રિયો પ્રાણવાળી થાય છે, જેને મહાપ્રાણ પણ કહે છે. તે મહાપ્રાણને અહીં સૂત્ર એવા નામથી કહેલું છે, આ સૂત્રનું લક્ષણ છે.૩૩

હે મુનિ ! પછી માયા, કાળ, કર્મ અને સ્વભાવથી વિકાર પામેલા મહત્તત્ત્વથકી રૂદ્રદેવની સાથે અહંકાર ઉત્પન્ન થાય છે. ૩૪

એ અહંકારનું લક્ષણ એ છે કે, જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ અને દ્રવ્યશક્તિવાળો તે અહંકાર ક્રમશઃ સાત્વિક, રાજસ અને તામસ આ ત્રણ પ્રકારનો કહેલો છે.૩૫

હવે ચિત્તરૂપ એવા મહત્તત્ત્વની સાથે જોડાયેલા આ ત્રણ પ્રકારના અહંકારને તે પૂર્વોક્ત ''ઇશ્વર'' નામના દેવતાનું બીજું શરીર સૂત્રાત્મા કહેલું છે.૩૬

અવ્યાકૃત શરીરના અભિમાની ઇશ્વર નામના દેવતા છે, તે આ બીજા સૂત્રાત્મક શરીરના સંબંધને પામે છે, ત્યારે તેને હિરણ્યગર્ભ નામે કહેવાય છે.૩૭

વૈરાજપુરુષના આ બીજા સૂત્રાત્મક શરીરને વિષે તે સમયે સર્વે જીવોના સૂક્ષ્મ અને કારણ શરીરો વિલીન દશામાં રહેલા હોય છે. તેવી જ રીતે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી પણ તે સૂત્રાત્મક શરીરમાં લીન દશામાં રહેલાં હોય છે.૩૮

તેજ રીતે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચભૂતોની પાંચ તન્માત્રાઓ પણ તે સૂત્રાત્મક શરીરને વિષે વિલીન દશામાં રહેલા હોય છે.૩૯

હે મુનિ ! જ્યારે ભગવાનની કાળશક્તિથી એ સૂત્રાત્મક શરીરનો ક્ષોભ થાય છે. ત્યારે હિરણ્યગર્ભના એ સૂત્રાત્મક શરીરમાં રહેલા જીવો પોતાના અનાદિના સંચિત કર્મોની પરિપક્વદશા પ્રાપ્ત કરીને હવે ફળ ભોગવવાનો સમય પ્રાપ્ત થયેલો હોય એમ, પોતાના કર્મોને અનુસારે તે હિરણ્યગર્ભના શરીરને વિષે પ્રગટ થવા માટે અંકુરિત થઇને રહે છે, પછી વૈરાટનો દેહ પ્રગટ થાય છે તે કહું છું.૪૦-૪૧

હે મુનિવર્ય ! જેવીરીતે અવ્યાકૃત શરીરના અભિમાની ઇશ્વર નામના દેવતા સૂત્રાત્મક શરીરનો સંબંધ પામવા પછી હિરણ્યગર્ભ નામને પામ્યા, તેવી જ રીતે આ સૂત્રાત્મશરીરાભિમાની હિરણ્યગર્ભ વિરાટ દેહનો સંબંધ પામ્યા પછી વૈશ્વાનર એવા નામે કહેવાય છે. આવી રીતે અવ્યાકૃત સૂત્રાત્મા અને વિરાટ આ ત્રણ દેહના સંબંધે ઇશ્વર, હિરણ્યગર્ભ અને વૈશ્વાનર આવા ત્રણ નામે રહેલા તે પુરુષના સ્વરૂપમાં ભેદ સમજવો નહિ, કારણ કે આ ત્રણે શરીરના અભિમાની પુરુષ એક જ છે, તેમાં કોઇ ભેદ નથી.૪૨-૪૩

હે મુનિવર્ય ! જે રીતે ત્રિગુણાત્મક અહંકાર થકી આ બ્રહ્માંડાભિમાની વૈરાટપુરુષની ઉત્પત્તિ થઇ તે રીતને એક એક તત્ત્વના લક્ષણો કહેવા પૂર્વક તમારા જાણ માટે વિસ્તારથી કહું છું. તે અહંકાર થકી ચોવીસ તત્ત્વો કેવી રીતે ઉત્પન્ન થયાં અને જેમાંથી વૈરાટનું શરીર ઉત્પન્ન થયું, તે તમને સમજાય તે રીતે કહું છું.૪૪

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં નિત્યાનંદ સ્વામીના પ્રશ્નથી આપવા માંડેલા જ્ઞાનોપદેશમાં ભગવાન શ્રીહરિએ પુરુષની ઉત્પત્તિનું નિરૂપણ કર્યું, એ નામે અડસઠમો અધ્યાય પૂર્ણ થયો. --૬૮--