પૂર્વછાયો- ધર્મદેવને સંધ્યાગીરી, બીજા કેટલાક જન । દીઘા ઘાટે હરિયર ક્ષેત્રે, મેળે જવા કર્યું મન ।।૧।।
તૈયારી કરી તાતજીયે, ત્યારે બોલ્યા દીનાનાથ । હે દાદા મુને મેળો જોવા, તેડી જાઓ તમ સાથ ।।૨।।
હરિપ્રસાદજી બોલિયા, સુણો તમે કુમાર । હાલ તમે નવ આવશો, જઇશું બીજીવાર ।।૩।।
એમ કહિને ભુલવાડયા, ગયા ચુકાવીને સરત । પ્રભુએ પિતા નવ દેખીયા, ત્યારે રોવા લાગ્યા તરત ।।૪।।
હે દીદી તમે સાચું કહો, ક્યાં ગયા છે મુજ તાત । એવું સુણી હેત બતાવી, બોલ્યાં છે મૂર્તિમાત ।।૫।।
ગયા છે તમ સારું લેવા, હાથી ઘોડા મારા તન । હમણાં લઇને આવશે, ધીરજ રાખો મન ।।૬।।
ચોપાઇ- એમ કહી હરિ સમજાવ્યારે, જેમ તેમ કરીને મનાવ્યારે । અંતર્જામીનું નથી અજાણ્યુંરે, વારે વારે તે હું શું વખાણુંરે ।।૭।।
પિતાજીતો ગયા મુને મુકીરે, પણ હું કેમ જાઇશ ચુકીરે । માટે જરૂર મેળામાં જાવુંરે, પિતાજીના તો અગાડી થાવુંરે ।।૮।।
પ્રભુજીએ ધર્યો આહલાદરે, કર્યા ગરૂડજીને ત્યાં યાદરે । આવી ઉભા રહ્યા ખગરાજરે, બેઉ રૂપે થયા મહારાજરે ।।૯।।
એકરૂપે રહ્યા છે ઘેરરે, બીજેરૂપે ચાલ્યા રૂડી પેરરે । કરી ગરૂડની અસવારીરે, વિચર્યા મનવેગે મોરારીરે ।।૧૦।।
ધર્મપિતા ગયા છે ત્યાંયેરે, બોતેર નદી સંગમ જ્યાંયેરે । ગયા ઘનશ્યામજી તે સ્થાનરે, ગરૂડે બેસી શ્રીભગવાનરે ।।૧૧।।
પછે આવ્યા સંધ્યાગીર ધર્મરે, ત્યાં દેખ્યા નિજપુત્રને પર્મરે । ધર્મદેવ કરે છે વિચારરે, આંહી ક્યાંથી આવ્યા આ કુમારરે ।।૧૨।।
તમો પુત્ર મારા મનભાવ્યારે, કોની સાથે તમે આંહી આવ્યારે । ત્યારે બોલ્યા ત્રિભુવન પતિરે, સુણો દાદા તમે મહામતિરે ।।૧૩।।
મુને છાનો મુકી આવ્યા તમેરે, આ ગરૂડે ચડી આવ્યા અમેરે । એવું સુણીને બોલ્યા છે તાતરે, હે પુત્ર કહું છું સત્ય વાતરે ।।૧૪।।
આતો ગરૂડજી પંખીરાજરે, હરિવાહન છે સુખસાજરે । ક્યાંથી મળે બેસવા તમનેરે, એ વિચાર થાયછે અમનેરે ।।૧૫।।
પછે ધર્મને સાંભર્યું મનરે, માર્કંડેય ઋષિનું વચનરે । મારા પુત્રતો છે પરબ્રહ્મરે, મુને કેમ થયો છે વિભ્રમરે ।।૧૬।।
કૃષ્ણજી બોલ્યા દઇને માનરે, ચાલો સંગમે કરીએ સ્નાનરે । એવું કહી પેઠા જલમાં પોતેરે, ધર્મદેવ ગયા પણ જોતેરે ।।૧૭।।
પિતાજીએ જ્યાં ડુબકી મારીરે, દીધાં દર્શન શ્રીગીરધારીરે । દીઠા છે ત્યાં ચતુર્ભુજ રૂપરે, અતિ આશ્ચર્યકારી અનુપરે ।।૧૮।।
પાછા જળથી નીકળ્યા બારરે, ત્યાંતો પાસે ઉભા છે કુમારરે । એવાં દર્શન પામ્યા સાક્ષાતરે, સંધ્યાગીરીને તે કહી વાતરે ।।૧૯।।
પછી ત્યાંથકી તો ચાલ્યા જાયરે, ધર્માદિક સકળ કહેવાયરે । નિજ વતન ઇટાર ગામરે, આવ્યા છે સર્વે ત્યાં શુભ ઠામરે ।।૨૦।।
કાકાને ઘેર બે દિન રહ્યારે, ત્યાંથી લોહગંજરીએ ગયારે । કૃષ્ણજી બીજે રૂપે થયાછેરે, એકરૂપથી ઘેર રહ્યાછેરે ।।૨૧।।
પિતાજીને ત્યાં આવતા જાણીરે, સામા ગયા છે સારંગપાણીરે । ભક્તિ કહે તમે ભલે આવ્યાછોરે, ઘનશ્યામ સારૂં શું લાવ્યાછોરે ।।૨૨।।
ધર્મ કહે તમારી સંગાથરે, ઘરે ક્યાંથી આવ્યા ત્રિભુવનનાથરે । એવું જાણીને મથુરાબાઇરે, બોલે વિચારીને મનમાંઇરે ।।૨૩।।
સાક્ષાત છે પ્રભુ ઘનશ્યામરે, બેઉ રૂપે થયા પૂર્ણકામરે । અતિ અદ્બુત લીલા અપારરે, જોઇ સ્થિર થયાં નરનાર્યરે ।।૨૪।।
વળી લોહગંજરી જે ગામેરે, બીજી લીલા કરી ઘનશ્યામેરે । વાંસી ગામનો જે ચંંદુરાયરે, કૈક મનુષ્ય બીજાં કહેવાયરે ।।૨૫।।
તેને છાના રાખ્યા સંધ્યાગીરીરે, પોતાને ગામે લોહગંજરીરે । જાણ્યું છે તે નવાબે છલમાંરે, આવ્યા લશ્કર લઇ બળમાંરે ।।૨૬।।
બાવાએ જાણ્યું લશ્કર મોટુંરે, આજે આયુષ્ય થઇ ગયું ખોટુંરે । કરી હરિપ્રસાદને વાતરે, માથે આવીછે સર્વને ઘાતરે ।।૨૭।।
જાણ્યું મહારાજે આપી ધીરરે, નવ બીશો રહો તમે સ્થિરરે । મારા પિતાનો પ્રતાપ મોટોરે, ક્ષણમાં થશે નવાબ ખોટોરે ।।૨૮।।
ગતિભંગ થશે ગભરાશેરે, હમણાં પડીને ભાગી જાશેરે । એમ કહી યોગકલા કરીરે, ઉપજાવ્યું સૈન્ય શ્રીહરિરે ।।૨૯।।
લાખો આરબલોક સબળારે, શસ્ત્રબંધ આવીયા સઘળારે । હરિએ કહ્યું જાઓ ભગાવોરે, આવ્યું છે સૈન્ય તેને નસાવોરે ।।૩૦।।
આજ્ઞા પ્રમાણે આરબ ગયારે, ઓલ્યા સૈન્યના સામા તે થયારે । ભય પામીને નાઠો નવાબરે, સૈન્ય સુધાં ન આપ્યો જવાબરે ।।૩૧।।
ધર્માદિ સર્વે આશ્ચર્ય પામ્યારે, રાજા પ્રજા સહુ દુઃખ વામ્યારે । એમ સર્વેતણાં ભાંગ્યાં દુઃખરે, આપ્યાં શ્યામે અવિચળ સુખરે ।।૩૨।।
ધર્મભક્તિએ કર્યો વિચારરે, ચાલો જઇએ હવે નિરધારરે । સાથે લેઇને બેઉ કુમારરે, આવ્યાં છુપૈયાપુર મોઝારરે ।।૩૩।।
વળી એક સમે તે મોરારરે, હવન અષ્ટમી આવી તારરે । વેણી માધવ આદિ જે મિત્રરે, બોલાવ્યા જેછે પુન્ય પવિત્રરે ।।૩૪।।
સખા સર્વેને લઇ મુનિવરરે, ગયા નારાયણસરોવરરે । ત્યાંથી ઉગમણો એક બાગરે, તેમાં આવ્યા સહુ મહાભાગરે ।।૩૫।।
ત્યાંછે બહિરી આંબાનું વૃક્ષરે, તેનાં ડાળાં પર ઘણો લક્ષરે । દક્ષિણ દીશાની એક શાખારે, તેનો ઘોડો કરી બેઠા સખારે ।।૩૬।।
ઉગમણી બાજુની જે ડાળરે, તેના ઉપર બેઠા દયાળરે । જાણે તુરંગ પલાણ્યો હોયરે, મારે સોટીયો મુંજની જોયરે ।।૩૭।।
બોલાવે છે મુખે બચકારારે, વગાડે છે જીભે ડચકારારે । શ્રીહરિએ ઇચ્છા મન ધારીરે, પોતે બેઠા છે ત્યાં સોટી મારીરે ।।૩૮।।
મારતાં સાથે નીકળ્યો ઘોડોરે, જેનો કાંઇ મળે નહિ જોટોરે । ઉચૈઃશ્રવાની જાત તુરંગરે, મુખ સાત ૧અવદાત રંગરે ।।૩૯।।
કરે મુખે શબ્દ હણેણાટરે, વ્યાપ્યો દિશાયોમાં ગણેણાટરે । તેની શોભાતણો નહિ પારરે,થયા અલબેલોજી અશ્વારરે ।।૪૦।।
એક મુહૂર્ત ઉપર ઠર્યારે, એકસો આઠ પ્રક્રમા ફર્યારે । છુપૈયાપુર ફરતી છેલેરે, ફરી પ્રદક્ષિણા અલબેલેરે ।।૪૧।।
આવી નારીઓ ભરવા નીરરે, ઉભી જુવે સરોવર તીરરે । કોટી કંદર્પ લાવણ્ય જેહરે, અકલિત અનુપમ એહરે ।।૪૨।।
કરે બ્રાહ્મણ સંધ્યાવંદનરે, તેણે દેખ્યા છે ધર્મનંદનરે । પડયા મુક્યા પ્રાણાયામ પાઠરે, જુવે ઘનશ્યામનો ઠાઠરે ।।૪૩।।
દશ દિશાયોમાં તેહ કાળેરે, નરનારી સહુ જન ભાળેરે । ગામ પરગામનાં ઘણાં લોકરે, જુવે તન્મય થૈને અશોકરે ।।૪૪।।
ભુલી નારીઓ ભરવું નીરરે, જે જ્યાં તે ત્યાં સહુ થયાં સ્થિરરે । દક્ષિણોત્તર પશ્ચિમ પૂર્વરે, જુવે દીશાઓનાં લોક સર્વરે ।।૪૫।।
આજુબાજુનાં ગામોમાં થૈનેરે, ફર્યા પ્રક્રમા ત્યાં સુધી જૈનેરે । ગ્રંથ વિસ્તાર પામે છે જેથીરે, કરું સંક્ષેપે વર્ણન તેથીરે ।।૪૬।।
નરેચા તીનવા સુરવાલરે, એઆદિ સહુ ગામ વિશાળરે । એમ સઘળે ફર્યા શ્રીશામરે, સરિતા સર વાપી ને ઠામરે ।।૪૭।।
સખા સઘળા રમે છે જ્યાંયરે, પધાર્યા પ્રક્રમા ફરી ત્યાંયરે । પછે પ્રભુની ઇચ્છાએ કરીરે, થયો અદૃશ્ય દેખતાં ૨હરીરે ।।૪૮।।
ધર્મભક્તિ આદિ સહુ જનરે, જોઇ વિસ્મય પામ્યાં છે મનરે । બાળલીલા સુણે નિમધારીરે, તેને મળે પ્રગટ મોરારીરે ।।૪૯।।
ઇતિ શ્રી મદેકાંતિક ધર્મપ્રવર્તક શ્રી સહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ ગરૂડ ઉપર બેસીને દીધાઘાટે હરિયરક્ષેત્રને મેળે ગયા એ નામે છવીસમો તરંગઃ ।। ૨૬ ।।