પૂર્વછાયો- ત્યારપછી સહુ સાંભળો, સંત હરિજન મિત્ર । છુપૈયામાં શ્રીઘનશ્યામે, કર્યું નવીન ચરિત્ર ।।૧।।
હવે માઘશુદી ચતુરથી, તે દિન ધર્મકુમાર । બ્રાહ્મ મુહૂર્તે વહેલા ઉઠયા, કર્યું સ્નાન તેણીવાર ।।૨।।
બેઠા જઇ ચોતરા પર, નિત્ય વિધિ કરે જ્યાંયે । પ્રજાપતિ આવ્યા તે સમે, ચતુર મુખા ત્યાંયે ।।૩।।
પ્રણામ કર્યો પ્રીતવડે, બેઠા પ્રભુ સનમુખ । કેવા લાગ્યા કર જોડીને, જે છે પોતાનું દુઃખ ।।૪।।
નિત્યવિધિ થયો નથીને, બોલ્યા વચ્ચે બ્રહ્માયે । આ સૃષ્ટિનો હવે દાખડો, મારાથી નવ થાયે ।।૫।।
ચોપાઇ- મારે નથી કરવું એ કામ, સોંપીદ્યો બીજાને સુખધામ । એ સાંભળી બોલ્યા જગત્રાતા, સુણો સત્ય કહું છું વિધાતા ।।૬।।
તમારા ઉપર રાજી અમો, માટે કામ કર્યા કરો તમો । પ્રભુએ કહ્યું પ્રેમસમેત, વિધિ સમજ્યા નહિ સંકેત ।।૭।।
બોલ્યા બ્રહ્મા ફરીને વચન, મારાથી થાશે નહિ ભગવન । હમણાં બેસો કહ્યું શ્રીરંગે, પછી વાત કરૂં તમસંગે ।।૮।।
હરિ ઇચ્છાએ બ્રહ્મા વિશેક, આવ્યા અષ્ટમુખા ત્યાં અનેક । વદે વચન તે શિશનામી, અમને શું આજ્ઞા છે કો સ્વામી ।।૯।।
અક્ષરાધિપતિ અવિનાશ, અમેતો છૈયે તમારા દાસ । કરે પ્રાર્થના મનભાવ્યા, બીજા સોળમુખાવિધિ આવ્યા ।।૧૦।।
નેત્રસાન કરીને બેસાર્યા, ચારમુખાને પર્ચા દેખાડયા । ઉત્તરદિશાથી તેણીવાર, બ્રહ્મા આવ્યા હજારો હજાર ।।૧૧।।
તે નારાયણસરને તીર, ઉતર્યા બાગમાં મન સ્થિર । હવે શ્રીહરિ વાત લહેછે, ચ્યારમુખા બ્રહ્માને કહેછે ।।૧૨।।
જાઓ બગીચામાં જોઇ આવો, કોણ આવ્યા છે તે વાત લાવો । સુણી ત્યાંથી ચતુર્મુખા ચાલા, નારાયણસરે મતવાલા ।।૧૩।।
જુવે તો બ્રહ્મા દીઠા અનેક, હજાર મુખવાળા વિશેક । શ્રીહરિના છે તે આજ્ઞાકારી, જોયા ચતુરમુખે તે વિચારી ।।૧૪।।
સમજ્યા ચતુર્મુખ સર્વ, ભાળ્યા બ્રહ્માને ઉતર્યો ગર્વ । નીચું વદન કરી સધાવ્યા, છુપૈયામાં પ્રભુપાસે આવ્યા ।।૧૫।।
કર્યા છે દંડવત પ્રણામ, વદે નમ્ર થઇને તે ઠામ । અપરાધ ક્ષમા કરો મારો, ભૂલ કરી મેં દોષ ઉતારો ।।૧૬।।
હવે નહિ કરું આવું કામ, ફરીને સુણો સુંદરશ્યામ । ૧હંસવાહન કરી અશોક, ગયા આજ્ઞા માગી સત્યલોક ।।૧૭।।
બીજા આવ્યાતા બ્રહ્માયો જેહ, કરી પૂજા પ્રભુજીની એહ । તે પણ આજ્ઞા માગીને ગયા, નિજ સ્થાનક ભેગા તે થયા ।।૧૮।।
આવી લીલા કરે અલબેલ, નિત્ય નવા બતાવે છે ખેલ । ધર્મ ભક્તિ આદિ સહુ જન, અતિ આનંદ પામ્યાં છે મન ।।૧૯।।
પછે માતાએ રસોઇ કરી, ધર્મ સહિત જમાડયા હરિ । આપે કૃષ્ણ અલૌકિક સુખ, છુપૈયામાં નથી કાંઇ દુઃખ ।।૨૦।।
વળી ત્યાર કેડે એક દન, ગયા રમવા કાજે જીવન । સખા સર્વેને લઇ સંઘાથ, દહીએ આંબે ગયાછે નાથ ।।૨૧।।
ઉપર ચઢી કરે ગમત્ય, ઝાડ પીપળી રમે રમત્ય । રમતા થકા થયા મધ્યાન, પણ ઘેર નાવ્યા ભગવાન ।।૨૨।।
માતાપિતા કરેછે વિચાર, જુવોને ગયા છે કોણઠાર । મોટાભાઇ તમે હાલ જાઓ, ઘનશ્યામજીને તેડી લાવો ।।૨૩।।
ઘેર રસોઇ થૈછે તૈયાર, જુવોને ગયા છે કોણ ઠાર । ભાઇએ હાથમાંહી સોટી લીધી, કૃષ્ણને શોધવા મતિકીધી ।।૨૪।।
ઘેરથી ચાલ્યા ગુણગંભીર, નારાયણસરોવર તીર । ચારે દિશાઓમાં જોઇ વળ્યા, પણ ત્યાં નારાયણ ન મળ્યા ।।૨૫।।
ત્યાંથી મીનસરોવરે ગયા, મધુવૃક્ષ હેઠે ઉભા રહ્યા । જોયાં સર્વ ઠેકાણાં ફરીને, પણ ન દીઠા ક્યાંઇ હરિને ।।૨૬।।
ફર્તા જુવે વન ઉપવન, મળ્યા અધ્વમાં સુખનંદન । તેને પુછી લીધું તતકાળ, તે કે જોયા નથી મેં દયાળ ।।૨૭।।
જોયું ખંપાસરોવર તીર, નવ દેખાયા ત્યાં નરવીર । ભાઇને રીસ ચઢી અપાર, મળે તો સોટીયું મારું ચાર ।।૨૮।।
એમ શોધે છે ધર્મના તન, આવ્યા બહિરી આંબે જોખન । ત્યાં તો રમે છે ઝાડ પીપળી, કળા કોયથી ન જાય કળી ।।૨૯।।
ચડયા આંબા ઉપર ચતુર, મોટાભાઇએ જોયું જરૂર । તે દેખી મારી જોખને હાક, સુણી હરિને પડી છે ધાક ।।૩૦।।
મારી આંબા ઉપરથી તલ્પ, પોતાને મન કુદ્યા છે અલ્પ । પણ આવી પડયા જુવો ક્યાંયે, મોતીમામાનો કુવો છે ત્યાંયે ।।૩૧।।
મોટા જાંબુડાને હેઠે થઇ, નારાયણસરોવરે જઇ । ત્યાંથી ઉતાવળા આવ્યા ઘેર, કોય જાણે નહિ જેમ પેર ।।૩૨।।
કાળવ્યાળને જેહ ડરાવે, મોટાભાઇની બીક ધરાવે । જુવો ચરિત્ર કરેછે કેવાં, ભવ બ્રહ્મા ભુલા પડે તેવાં ।।૩૩।।
ઓશરી તેનો ખુણો છે જ્યાંયે, આવી સંતાણા જીવન ત્યાંયે । એક પલંગની ઓથ લઇ, છાનામાના સંતાણા ત્યાં જઇ ।।૩૪।।
એટલામાં મોટાભાઇ આવ્યા, જાણીને પોતે રોમ કંપાવ્યા । બોલ્યા દીદીની સાથ વચન, મુને મારે છે ભાઇ જોખન ।।૩૫।।
તારે માતાજી આપે છે ધીર, બીશોમાં મારશે નહી વીર । ભક્તિમાતા આવ્યાં ત્યાંથી બાર, લીધા ઉત્સંગમાં નિરધાર ।।૩૬।।
મોટાભાઇ તો ત્યાં ધીરા રહી, સર્વે સંબંધીને વાત કહી । પિતાબંધુ સહિત પાવન, કર્યાં ભૂધરજીએ ભોજન ।।૩૭।।
હવે આવ્યો છે શ્રાવણ માસ, તારે શું કરેછે અવિનાશ । ધર્મભકિતએ કર્યો વિચાર, જાવું અયોધ્યાપુરી મોઝાર ।।૩૮।।
કરવા હિંડોળાનાં દર્શન, ચાલ્યા એમ ધારીને તે મન । સાથે લીધા છે બેઉ કુમાર, આવ્યા મખોડાઘાટ તે વાર ।।૩૯।।
મનોરમા નદી કેરે તીર, બેઉ કાંઠે ભરાણું છે નીર । ધીમો ધીમો આવે છે વારીદ, વાંણ ન મળ્યું ને છે તાકીદ ।।૪૦।।
હવે શું કરવું આણે ઠાર, માતા પિતા કરે છે વિચાર । જાણ્યું અંતરજામીયે જ્યાંયે, કરવા માંડયા ચરિત્ર ત્યાંયે ।।૪૧।।
દીદી મારે કરવું છે સ્નાન, બોલ્યા બહુનામી બળવાન । માતાએ કર આંગળી ઝાલી, ગયા જીવન પાણીમાં ચાલી ।।૪૨।।
દીદી આ પાણી મધ્યે છે રસ્તો, એમાં ચાલું છું હું ખસ્તો । મારે કેડે કેડે સહુ આવો, બીશો માં તમે નહીં તણાવો ।।૪૩।।
એમ કૈને પોળા કર્યા ભુજ, જળે માર્ગ દીધો પડી સુજ । જેવો મારગ દીધો તે જોયું, ધર્મભકિત તણું મન મોહ્યું ।।૪૪।।
૧અયન દેખી સહુ રાજી થાય, શ્રીહરિ કેડે તે ચાલ્યા જાય । જોતાં જોતાં લાગી નહિં વાર, એમ ઉતર્યા ગંગાની પાર ।।૪૫।।
સામે કાંઠે પોચી ગયા તારે, ધર્મે પાછું વાળી જોયું ત્યારે । બે કાંઠે જળ તો વહ્યું જાય, નદી પ્રવાહમાં નવ્ય માય ।।૪૬।।
કાંઠા ઉપર એક સુંદર, મોટું શ્રીરામનું છે મંદિર । તેનો વિશાળ છે પરથાર, ધર્માદિક બેઠા તેહ ઠાર ।।૪૭।।
બેઠા હતા તે વેરાગી ત્યાંય, જોયું ચરિત્ર આ મનમાંય । વેરાગીએ પુછી સહુ વાત, ધર્મદેવે કહી તે વિખ્યાત ।।૪૮।।
ત્યારે તેણે કર્યું સન્માન, કરાવ્યાં પછે ભોજનપાન । આપ્યો ઉતારો સુંદર સ્થાન, દેખી રાજી થયા ભગવાન ।।૪૯।।
વેરાગી કે સુણો ધર્મ તમે, વાત સઘળી સમજ્યા અમે । તમારા પુત્ર છે ભગવાન, મુને નિશ્ચે થયો છે નેદાન ।।૫૦।।
પ્રભુવિના પ્રભુતા ન હોય, આવું ચરિત્ર કરે ન કોય । ધર્મભકિત તમેતો સનાથ, તમારા પુત્ર છે રઘુનાથ ।।૫૧।।
ઘનશ્યામનાં ચર્ણમાં જોયું, સોળે ચિહ્ન જોઇ મન મોહ્યું । વખાંણે છે તે વારમવાર, કર જોડી કરે નમસ્કાર ।।૫૨।।
કર્યું છે તે સરિતામાં સ્નાન, ધર્મભક્તિ આદિકે નિદાન । દેવનાં કર્યાં ત્યાં દર્શન, પછે થયાં પ્રફુલ્લિત મન ।।૫૩।।
પીપળાનું છે ત્યાં એક વૃક્ષ, તેના હેઠે આવ્યા છે સમક્ષ । પીપળા હેઠે દેરીમાં દેવી, ભવાની મહાકાલી છે તેવી ।।૫૪।।
તેણે આવ્યા જાણ્યા ભગવાન, આવી પ્રત્યક્ષ આપ્યું છે માન । આપ્યાં શ્રીફળ જુગલસાર, હરિને પેરાવ્યા પુષ્પહાર ।।૫૫।।
ત્યાંથી આવ્યા સર્જ્યુ ગંગા તીર, વાણમાં બેસી ઉતર્યા ધીર । રામઘાટ ગઢી હનુમાન, કર્યાં દર્શન ત્યાં સુખવાન ।।૫૬।।
પછે આવ્યા પોતાને મુકામ, ઠરીને રહ્યા છે શુભ ઠામ । અતિ આનંદ માનીને સર્વ, હરિ ગુણ ગાય તજી ગર્વ ।।૫૭।।
ઇતિ શ્રી મદેકાંતિક ધર્મપ્રવર્તક શ્રી સહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ બ્રહ્માનો ગર્વ ઉતાર્યો ને મનોરમા નદીયે માર્ગ દીધો એ નામે સતાવીશમો તરંગઃ ।। ૨૭ ।।