તરંગઃ - ૧ - સરજાુનદીમાં અસુરે નાખી દીધા તે બાર ગઉ શરવાઘાટે નિકળ્યા

Submitted by swaminarayanworld on Thu, 21/09/2017 - 8:48am

 

પૂર્વછાયો

 

મંગલમૂર્તિ મહાપ્રભુ, શ્રીહરિ સહજાનંદ । સદ્મતિ દેજ્યો મુજને, ઉપજે ઉર આનંદ ।।૧।।

તવ ગુણ ગાતાં સુણતાં, પાપી પાવન થાય । કોટિ જનમનાં કર્મ તે, તરતજ દૂર પલાય ।।૨।।

અપાર મહિમા આપનો, કેતાં ન આવે છેક । નિરમળ મતિયે આદરું, ગુણ ગાવા ધરી ટેક ।।૩।।

કથા કહું ઉત્તરાર્ધની, શ્રીહરિ કરજો સહાય । દયા હોય જો તવ તણી, પુનીત ગુણ ગવાય ।।૪।।

 

ચોપાઇ

સુણો સર્વ હરિજન શાંત, વાલમજીનું કહું વૃત્તાંત । તીવ્ર વૈરાગને વેગે શ્યામ, ચાલ્યા ઉમંગથી સુખધામ ।।૫।।

હર્ષ કરી હરિવર રાય, ઘરથી ઉત્તર દિશે જાય । સુંદર સર્જુગંગાતીર, રામઘાટ પોક્યા નરવીર ।।૬।।

પાછું વાળીને જાુવે છે ધીર, રખે આવેજો જોખન વીર । મોટાભાઈને જાણ જો થાય, ઘેર તેતો મુને લઈ જાય ।।૭।।

ઘરનો કર્યો છે મેં ત્યાગ, અતિ મનમાં વ્હાલો વૈરાગ । વેગે મારે જાવું નિશ્ચે વન, શ્રીહરિએ વિચાર્યું છે મન ।।૮।।

ત્યાંતો આવ્યો છે એક અસુર, કાલીદત્તનો સ્નેહી છે ભૂર । કૌશિકદત્ત એનું છે નામ, વૈર ધરી મનમાં તે ઠામ ।।૯।।

રીસે રાતો થયો છે અભાગ, દયાહીને લજ્જા કરી ત્યાગ । અવિચારી આવ્યો છે તે સ્થાન, જ્યાં બેઠા છે તે શ્રીભગવાન ।।૧૦।।

પ્રાણપતિને પાપીયે ત્યાંયે, નાખ્યા છે સર્જુના જળમાંયે । ત્યાં છે ઉંડું પાણી તે અપાર, જોર ન ચાલે કાંઇ લગાર ।।૧૧।।

પ્રભુ પાણીમાં જાય તણાણા, ગયા દૂર પછે ન દેખાણા । ત્યારે પાછો વળ્યો એ અસુર, હર્ષ પામ્યો ઘણો મતિક્રુર ।।૧૨।।

ચાલ્યો મનમાં કરી હુલ્લાસ, આવ્યો અન્ય અસુરોને પાસ । તે પ્રત્યે કરી છે સહુ વાત, સુણી પાપી થયા રળિયાત ।।૧૩।।

એ અધર્મી સરવ સમાન, અતિ પાખંડી દૂર મતિવાન । એવો છે આપણો શત્રુ જેહ, સર્જુમાં નાખ્યો છે મેં તેહ ।।૧૪।।

ડુબાવી એને જળ મોઝાર, હું કેવા આવ્યો છું આણે ઠાર । એને કોણ ઉગારશે ત્યાંય, નાશ થાશે તેનો જળમાંય ।।૧૫।।

વચન સુણીને બોલ્યા દુષ્ટ, આપણ એમાં નથી સંતુષ્ટ । માર્યો નવ મરે એતો આજ, ચેતીને કરવું છે આ કાજ ।।૧૬।।

વિષ્ણુ પ્રગટ થયો છે પોતે, એની કળ નવ પડે જોતે । હમણાં નિકળશે જૈ બાર, નિશ્ચે સમજી લેજ્યો આવાર ।।૧૭।।

પાછો આવશે જો આણે ઠાર, જીવતા ન મુકે નિરધાર । માટે ચાલો સર્વે જૈયે ત્યાંય, સહુ શસ્ત્ર લઈ કરમાંય ।।૧૮।।

જ્યાં જતો નિકળશે એ બાર, એકાએકી હશે નિરધાર । મારી નાખીશું એને તે ઠેર, પછે આવશું નિરાંતે ઘેર ।।૧૯।।

એવો વિમુખે કર્યો વિચાર, શસ્ત્ર બાંધીને થયા તૈયાર । ગદા ગુરજ અસિ ભિંદિપાલ, એવાં શસ્ત્ર લીધાં તતકાળ ।।૨૦।।

શ્રીહરિને તે મારવા જાય, પણ જીવતા નાવે કદાય । દાડો ઉઠે ત્યારે ફરે મત, મોત વિના મરે તે અસત ।।૨૧।।

કાળ કોપે તે ક્યાં પકડાય, તેનાં નગારાં ના વગડાય । પણ બુદ્ધિ કુબુદ્ધિ જો થાય, જાણે બેઠો છે તે મૃત્યુમાંય ।।૨૨।।

જેની કટાક્ષે કંપે છે કાળ, ધ્રુજી પડે મોટા લોકપાળ, પુરુહિત પ્રજાપતિ એશ, આજ્ઞા પાળે છે શેષ મહેશ ।।૨૩।।

એ ધણીની જે ન ધારે બીક, એનું મૃત્યું આવે છે નજીક । જાય ૧જંબુક સિંહને હણવા, જાય પતંગ દીપમાં પડવા ।।૨૪।।

જાય પન્નગ ગરુડ પાસ, એનો કેમ નવ થાય નાશ । એમ મહાપ્રભુને સંહરવા, જાય છે વણમોતે તે મરવા ।।૨૫।।

લીધાં શસ્ત્ર થયા હુશીયાર, સરજાુતીરે ચાલ્યા ગમાર । તે જળમાં તણાયા જીવન, બાર ગાઉ સુધી ભગવન ।।૨૬।।

નીલકંઠ સ્વામી તેહ વાર, નિકળ્યા શરવાઘાટે નિરધાર । ત્યાંછે પીપળાનો તરુ એક, તેને હેઠે પધાર્યા વિશેક ।।૨૭।।

થોડી વાર બેઠા છે તે ઠાર, ધીરા રૈને શ્રીધર્મકુમાર । એટલામાં આવ્યા અઘવાન, દુષ્ટ ને દુર્મતિ સમાન ।।૨૮।।

દેખ્યા દુરથી હરિને દ્રષ્ટ, માંહોમાંહિ કેવા લાગ્યા સ્પષ્ટ । જુવો શત્રુ જીવે છે રે ભાઈ, એતો આવીને બેઠો છે આંઇ ।।૨૯।।

એવું ધારીને આવ્યા નજીક, પાપી ધરતા નથી મન બીક । જાણ્યું અંતરજામીયે તેહ, મારવા સારું આવ્યા છે એહ ।।૩૦।।

ત્યાં તો છેટેથી પૂરણકામ, કર્ડી દષ્ટિ જોયું ઘનશ્યામ । દુષ્ટની બગડી બુદ્ધિ તરત, ભુલી ગયા છે પોતાની શરત ।।૩૧।।

લડવા લાગ્યા તે માંહોમાંય, એક એકને મારે છે ત્યાંય । જાણે ઓચિંતો અગ્નિ સળગ્યો, કાળ આવીને પાપીને વળગ્યો ।।૩૨।।

કૈનાં શીશ વઢાણાં છે ભટ્ટ, કૈના કર ચરણ થયા કટ્ટ । કૈનાં નાક કપાયાં છે ટચ્ચ, કૈના હોઠ ઉડી ગયા બચ્ચ ।।૩૩।।

કોઈના કર કર્યા છેદન, કૈકના પ્રાણ થયા મેલન । કૈની આયુષ્યદોરી ત્યાં ખુટી, કૈક અકાળથી ગયા ટૂટી ।।૩૪।।

મારો મારો કરે ધમાધમ, તરવાર્યો છુટે છમાછમ । ૨ગુરજ ગદાઓ મારે ગંભીર, હાહાકાર કરે તજી ધીર ।।૩૫।।

હોહોકાર કરે છે હોકારા, જિહ્વાયે કરે છે ડચકારા । ભિંદિપાલ ઉડાડે ભડાકા, પ્રલેકાળના જાણે કડાકા ।।૩૬।।

રુધિરે થયા છે રંગરોળ, એવો રંગડો જામ્યો અતોલ । કૈક સુરા પુરા છે આતુર, કૈક પાપી થયા ચકચુર ।।૩૭।।

એમ યુદ્ધ થયો ઘણી વાર, વિમુખને પડ્યો ઘણો માર । કૃષ્ણે જાદવને કર્યું જેમ, મારે વાલિડે આદર્યું એમ ।।૩૮।।

કૃતાંતાધીન કર્યો પ્રકાશ, દ્રષ્ટિમાત્રમાં પમાડ્યા નાશ । જોવે દૂરથી ધર્મકુમાર, પાપીજનનો આવ્યો ત્યાં પાર ।।૩૯।।

એમાં કોઈ જીવ્યા નહિ એક, સાથે મરણ પામ્યા છે અનેક । આવ્યા હતા તો મારવા સારું, પણ શીશ વઢૈ ગયાં વારું ।।૪૦।।

સરવે મરણ પામ્યા એહ ઠામે, એવું કામ કર્યું ઘનશ્યામે । આવું કામ બીજાથી ન થાય, અવતારી કરે એ ઉપાય ।।૪૧।।

હરિકૃષ્ણજી બેઠા છે ત્યાંય, અતિ આનંદ છે મનમાંય । અસુરનો કર્યો છે નાશ, માંહોમાંહિ લડાવીને ત્રાસ ।।૪૨।।

સુણો રામશરણ સદમતિ, હવે ઘેર શું થઇ છે ગતિ । તેનો વર્ણવી કહું વિસ્તાર, સુણો એકચિત્તે નિરધાર ।।૪૩।।

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિશિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રીઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિને સરજાુનદીમાં અસુરે નાખી દીધા તે બાર ગઉ શરવાઘાટે નિકળ્યા એ નામે પ્રથમો તરંગઃ ।।૧।।