પૂર્વછાયો
જનકપુરથી ચાલિયા, શ્રીહરિ સુખના ધામ । આગળ ચાલ્યા ગયાજી થઈ, સ્નેહે સુંદર શ્યામ ।।૧।।
પુલહાશ્રમ જાતાં વચ્ચે, આવ્યું છે મોટું વન । તે ભયંકર ગહન છે, જ્યાં ધીર ધરે નહિ મન ।।૨।।
મહાવનમાં ચાલ્યા જાયે, નિર્ભય થૈ નિરધાર । આગળ જાતાં વૃક્ષ એક, આવ્યો વડ નિરધાર ।।૩।।
તેના હેઠે કૈક બેઠા, વૈરાગી થઇ ઉદાસ । નીલકંઠ સ્વામીએ નિરખ્યા, પોતે ગયા તેની પાસ ।।૪।।
તેમના પ્રત્યે બોલ્યા વાણી, શ્રીહરિ સુંદર શ્યામ । હે સંતો તમે સૌ મળીને, જાવો છો કીેયે ઠામ ।।૫।।
એવું સાંભળી બોલ્યા બાવા, સુણો તમે વર્ણીરાજ । મોક્ષને અર્થે જઇએ છીએ, હિમાલયે મહારાજ ।।૬।।
ચાલ્યા જઇશું ઉત્તર દિશે, હાડગાળીશું ત્યાંય । તમે યોગીનો વેષ ધારી, કેમ આવ્યા વનમાંય ।।૭।।
(હૈયાના ફુટ્યા હરિસંગે હેત ન કીધું એ રાગ)
બાલુડા જોગી કોને તમે ક્યાંથી આવ્યા, વિકટ માર્ગ મહાવન કેરા । કુણે તમને બતાવ્યા રે ।। બાલુ૦ ।।૮।।
કોણ દેશ ને કોણ મુલક છે, કોણ ગામ કો સારું । કોણ માત પિતા કો અમને, શું છે નામ તમારૂં રે ।। બાલુ૦ ।।૯।।
બાલપણામાં યોગજ લીધો, નાની વયમાં ન્યારો । વિચરો છો મહાવનમાં પોતે, અદ્ભુત વેષ તમારો રે ।। બાલુ૦ ।।૧૦।।
માતપિતા પરિવાર સર્વને, કેમ મેલ્યાં વિસારી । અગમ અગોચર ભસો અમને, અકળ કળાછે તમારી રે ।। બાલુ૦ ।।૧૧।।
શેલી શીંગી ને મૃગછાલા, શિર જટજૂટ બિરાજે । ગંગાધર નીલકંઠ થઈશું, આવ્યા છો અમ કાજે રે ।। બાલુ૦ ।।૧૨।।
૧રાકાપતિ ૨રશ્મિપતિ છો કે, આપે છો અવિનાશી । અલક્ષ નિરંજન અવધૂત વેષે, અંતરમાં છો ઉદાસે રે ।। બાલુ૦ ।।૧૩।।
ઘોર ભયંકર ગહ્વર મોટું, તેમાં કેમ નથી ડરતા । વાઘ વરુ વળી વ્યાલ ફરે છે, તેનો ભય નથી ધરતારે ।। બાલુ૦ ।।૧૪।।
સૃષ્ટિ અંતસમે જેમ શોભે, પૂરણ બ્રહ્મજ પોતે । અમને તો એમ લાગે મનમાં, જગપતિ છો જોતેરે ।। બાલુ૦ ।।૧૫।।
સુરભિ ગાયો અરણા પાડા, મદઝર મોટા દોડે । અગાધ અઘોરી છે આ વનમાં, માણસના તન તોડેરે ।। બાલુ૦ ।।૧૬।।
વ્યાળ કાળ થઈ ફાળ ભરે છે, ઝાળ ઝેરની મારે । એકાએકી વિચરો છો પણ, અહીંયાં કોણ ઉગારેરે ।। બાલુ૦ ।।૧૭।।
ઝાઝાં મનુષ્ય અમે છૈયે પણ, દિલમાં લાગે ડારો । બાલા વયમાં એકીલા તમે, કેમ કરી હિંમત ધારોરે ।। બાલુ૦ ।।૧૮।।
એવાં વચન સુણીને બોલ્યા, બહુનામી બ્રહ્મચારી । હે સંતો અમે નિર્ભય છૈયે, નિર્મલ નિર્વિકારીરે ।। બાલુ૦ ।।૧૯।।
(વૈરાગી સુણો ડરતા નથી અમે કોઇથી) આતમરૂપ અમે તો છૈયે, લાગી બ્રહ્મખુમારી । દેહ ગેહથી ન્યારા છૈયે, નૈષ્ઠિકવ્રત શુભ ધારીરે ।। વૈરાગી૦ ।।૨૦।।
સચ્ચિદાનંદ તત્ત્વમસિ પર, દિવ્યસ્વરૂપ અમારું । ચૈતન્ય ચિદ્ઘન અક્ષર પર છું, હું કોનો ભય ધારુંરે ।। વૈરાગી૦ ।।૨૧।।
સ્થૂલ સૂક્ષ્મ ને કારણ ત્રૈણે, ત્રૈણ અવસ્થા ધારો । કામ ક્રોધ ને લોભ રહિત છું, હૃદયે વાત વિચારોરે ।। વૈરાગી૦ ।।૨૨।।
નિશદિન કંપે જેની કટાક્ષે, લોકપતિ વળી કાળ । જીવજંતુનું જોર ન ચાલે, શું કરશે વળી વ્યાળરે ।। વૈરાગી૦ ।।૨૩।।
હે સંતો તમે સર્વ મળીને, હિમાળે જઈ ગળશો । પણ પ્રભુ પ્રગટ વિના તમે, કેમ કરી મોક્ષને મળશોરે ।। વૈરાગી૦ ।।૨૪।।
કરુણામય રસભરેલ ગંભીર, વચન સુણ્યાં અવિકારી । વૈરાગી સહુ વિસ્મય પામ્યા, મૂર્તિ મનમાં ધારીરે ।। વૈરાગી૦ ।।૨૫।।
શ્રીહરિપ્રત્યે પ્રશ્ન કરે છે, વળી વળી વૈરાગી । પ્રગટ પ્રભુ હવે કયાં મળશે, વાત કરો સદ્ભાગીરે ।। વૈરાગી૦ ।।૨૬।।
(બાલુડા જોગી કોને તમે ક્યાંથી આવ્યા)
એવાં વચન સુણીને બોલ્યા, ભૂધરજી ભયહારી । સાચો ભાવ હશે જો તમારો, મળશે અહીંજ મોરારીરે ।। બાલુ૦ ।।૨૭।।
વળી વળી વૈરાગી બોલ્યા, બહુ સારુ બહુનામી । જેમ કેશો તેમ અમે કરીશું, વર્તિશું શિર નામીરે ।। બાલુ૦ ।।૨૮।।
નિર્માની થૈને વૈરાગી, બોલ્યાછે શુભ વાણી । શ્રીહરિને મન કરુણા ઉપજી, સદ્મતિ લીધી જાણીરે ।। બાલુ૦ ।।૨૯।।
ચાલો સંતો સર્વ સંગાથે, આપણે ભેગા રૈશું । પ્રગટ પ્રભુની વાતો સર્વે, વિસ્તારીને કૈશુંરે ।। બાલુ૦ ।।૩૦।।
વસી ગયું મન વૈરાગીને, સુણી અદ્ભુત વાતો । એક એકને કેવા લાગ્યા, પ્રગટ પ્રભુછે આતોરે ।। બાલુ૦ ।।૩૧।।
કૃપા કરી શ્રીહરિકૃષ્ણજી, વિચાર્યું નિજ મનમાં । ચતુર્ભુજ શ્રીરામસ્વરૂપે, દર્શન દીધું વનમાંરે ।। બાલુ૦ ।।૩૨।।
વિચાર કરવા લાગ્યા મનમાં, વૈરાગી તે ઠામ । જરૂર છે નારાયણ આતો, પોતે પૂરણકામરે ।। બાલુ૦ ।।૩૩।।
એમ મારગમાં ચાલ્યા જાતાં, વાત કરી વિસ્તારી । વૈરાગી મન વિસ્મય પામ્યા, મૂર્તિ મનમાં ધારીરે ।। બાલુ૦ ।।૩૪।।
આગળ જાતાં આવ્યોછે એક, વટતરુ ૧કાનનમાંય । નિશા પડી રવિ અસ્ત થયોછે, પડાવ કરિયો ત્યાંયરે ।। બાલુ૦ ।।૩૫।।
બાવલિયાને બીક ઘણીછે, જીવ જંતુની જાણે । બાંધી ઝોળીયો તે તરુવર પર, વસ્ત્ર તણી તે ટાણેરે ।। બાલુ૦ ।।૩૬।।
વડના વૃક્ષ થકી દશ કદમે, દૂર ગયા દુઃખહારી । અવનીપર આસન જૈ કીધું, અવિનાશી અવતારીરે ।। બાલુ૦ ।।૩૭।।
વૈરાગી મન ભય પામીને, સુતા ઝોળિયોમાંય । બલવંતુ એક બલાખારી, જાનવર આવ્યું ત્યાંયરે ।। બાલુ૦ ।।૩૮।।
વડતરુવર હેઠે આવીને, બલાખારી ત્યાં બેઠું । વૈરાગીને ત્રાસ થયો છે, નથી જોતા કોઈ હેઠુંરે ।। બાલુ૦ ।।૩૯।।
રજની સઘળી બેસી રહ્યું ત્યાં, જનાવર તેઠામે । લઘુ કરીને પુંછ ભીંજવી, છાંટ્યું છે વડસામેરે ।।બાલુ૦ ।।૪૦।।
છાંટા ઉડ્યા વૈરાગીને, વસ્ત્ર ઝોળિયે વારુ । શ્વાસોચ્છવાસ રહિત થયા સહુ, આવ્યું મરણ અમારુંરે ।। બાલુ૦ ।।૪૧।।
બલાખારી તો ચાલ્યું ત્યાંથી, દિનકર ઉગતાં પેલું । વૈરાગીને આવી મળ્યું છે, મોત સરવનું વ્હેલુંરે ।। બાલુ૦ ।।૪૨।।
વાલિડે સૌ વૈરાગીને, દિવ્ય ગતિ ત્યાં આપી । જન્મ મરણ ગર્ભવાસનું સંકટ, પળમાં નાખ્યું કાપીરે ।। બાલુ૦ ।।૪૩।।
શરણાગત વત્સલ છે સ્વામી, કરૂણાસાગર કેવા, વૈરાગીને મોક્ષ પમાડ્યા, અધમ ઉધારણ એવારે ।। બાલુ૦ ।।૪૪।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે વનને વિષે ઘણાક વૈરાગીયોને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવીને સદ્ગતિ પમાડ્યા એ નામે છઠ્ઠો તરંગઃ ।।૬।।