પૂર્વછાયો
નશીદપુરની વાવ્ય ઉપર, બેઠા નીલકંઠ નાથ । સાય કરી ત્યાંના રાયની, શ્રીહરિયે કર્યો સનાથ ।।૧।।
આકાશથી નીચે ઉતાર્યો, નશીદપુરનો રાજન । પ્રેમમગન થઈ આવિયો, જ્યાં બેઠાછે શ્રીભગવન ।।૨।।
પ્રણામ કર્યો છે પ્રેમથી, મુકીને પોતાનું માન । દીન થઈને કેવા લાગ્યો, સુણતાં જન તે સ્થાન ।।૩।।
આકાશમાં કરી રક્ષા મારી, બાલાયોગી મહારાજ । નીલકંઠે નીચે ઉતાર્યો, બચાવ્યો મુને આજ ।।૪।।
આશ્ચર્ય પામ્યા જન સર્વે, રાજાનાં સુણી વચન । નિરમાની થૈને પગે પડ્યાં, કરવા લાગ્યાં સ્તવન ।।૫।।
ચોપાઈ- હવે નીલકંઠજીની સાથ, નમ્ર થૈને બોલ્યા નરનાથ । હે બાલાયોગી શ્રીમહારાજ, પધારો મારે ભુવને આજ ।।૬।।
ભાવે કરો આવીને ભોજન, મારો દરબાર થાય પાવન । એવું સુણી બોલ્યા બલવીર, રાય સુણો તમે શૂરવીર ।।૭।।
મતિમંદ થઈને તેં આપ, ઘણાં દુર્ઘટ કર્યાં છે પાપ । માટે પાપીનું ભુવન જ્યાંય, અમે જાતા નથી કદી ત્યાંય ।।૮।।
એવું સુણીને રાજા સુહિત, તેહ કેવા લાગ્યો રુડી રીત । ચરણ ઝાલીને બોલ્યો વચન, હે કૃપાનિધિ છો ભગવન ।।૯।।
હવે દયા કરો દીનાનાથ, પધારો નગ્રમાં અમ સાથ । મહાપાપથી અમને આજ, મુક્ત કરો તમે મહારાજ ।।૧૦।।
એવું કૈને શ્રીહરિ સમક્ષ, તેમણે નિમ લીધો પ્રત્યક્ષ । બ્રહ્મચારીના કેવા પ્રમાણે, હિંસાદિ ન કરવી કોઈ ટાણે ।।૧૧।।
ત્યારે સ્વામી થયા છે પ્રસન્ન, ગયા દરબારમાં ધરી મન । રાજાયે કર્યો બહુ સત્કાર, કર જોડી કર્યો નમસ્કાર ।।૧૨।।
થયો ગદ્ગદ તે રાજન્, હે કૃપાનાથ હે ભગવન્ । મારા સદનમાં દયાવાન, પ્રભુજી કરો ભોજન પાન ।।૧૩।।
એમ કહી ગયો ઘરમાંય, પોતાની રાણીઓ બેઠી જ્યાંય । રાણીઓને કેછે તે રાજન, હે પ્રિયા સુણો મારું વચન ।।૧૪।।
આ બાલાયોગી આવ્યા પાવન, સેવા કરો તમે શુદ્ધ મન । મન કર્મ વચનથી હિત, નિષ્કામ રૂડી ભાવ સહિત ।।૧૫।।
કરાવો સારાં ભોજન પાન, એતો સાક્ષાત છે ભગવાન । નિજપતિનાં સુણી વચન, તર્ત તૈયાર થૈ શુભ મન ।।૧૬।।
કરી રસોઈ નાના પ્રકાર, ઘણી સારી ને મિષ્ટ અપાર । નીલકંઠજીને નિરધાર, રાજા સાથ જમાડ્યા તે ઠાર ।।૧૭।।
જમીને તૃપ્ત થયા તૈયાર, ચળુ કરાવ્યું છે તેણી વાર । પાનબીડાં આપ્યાં મુખવાસ, રાજાયે કરી મન હુલ્લાસ ।।૧૮।।
પછે પ્રાણપતિ મહારાજ, બિરાજ્યા આસને સુખસાજ । નાસાગ્રવૃત્તિ રાખી ઉમંગે, રાજારાણી આવ્યાં રુડે રંગે ।।૧૯।।
પોતાની સર્વે રાણીઓ જેહ, તેસહિત બોલ્યા રાજા એહ । કરસંપુટથી સન્મુખ, વદે ગર્વ મુકી વાણીમુખ ।।૨૦।।
મારા ઘરમાં છે કન્યા ચાર, તેને આપ કરો અંગીકાર । રિદ્ધિ સિદ્ધિ સોંપી દઉં અત્ર, રાજ ભોગવો આપ સ્વતંત્ર ।।૨૧।।
કૃપા કરી રહો આંહી આપ, મારા ટાળો ત્રિવિધના તાપ । બાલાયોગી બોલ્યા છે વચન, તમે સર્વે કરી લ્યો ભોજન ।।૨૨।।
શ્રીહરિની ઇચ્છા હશે જેમ, નિશ્ચે જાણી લેજ્યો થાશે તેમ । રાણીઓ સાત કન્યાઓ ચાર, ગયા જમવા સુંદર સાર ।।૨૩।।
ત્યાંતો પ્રભુની ઇચ્છાના બળે, ભક્તિ ધર્મ આવ્યાં છે તે સ્થળે । દિવ્ય સ્વરૂપે કર્યાં ભોજન, થયાં અદ્રશ પુન્ય પાવન ।।૨૪।।
એવું અદ્ભુત દેખીને કામ, પત્નીઓ પોતાની તેહ ઠામ । પુછે રાણીઓ આવીને ખાસ, દેખેલી વાત કરી પ્રકાશ ।।૨૫।।
ત્યારે બોલ્યા છે ભૂધરભ્રાત, સુણો રાજા રાણી કહું વાત । માતા પિતા અમારાં જેહ, અમ સાથે રેછે નિત્ય તેહ ।।૨૬।।
તમારો ભાવ દેખ્યો પાવન, આંહી કરવા આવ્યાં ભોજન । એમ કરે છે વાત વિચાર, રવિ અસ્ત થયો તેણી વાર ।।૨૭।।
બ્રહ્મચારીને માટે આસન, કર્યું રાજાયે નિર્મળ મન । રૂડી રીતે કરાવ્યું શયન, પછે પ્રસન્ન થયા રાજન ।।૨૮।।
રાજારાણી ગયાં ઘરમાંય, પોતાનું રંગભુવન જ્યાંય । સર્વે થયાંછે નિદ્રામગન, હવે વિચારે છે ત્યાં જીવન ।।૨૯।।
તેના કેવા પ્રમાણે રેવાય, તો સત્સંગમાં કેમ જવાય । માટે રેવું નથી આંહિ મારે, ચાલી નિકળવું તે સવારે ।।૩૦।।
સાથે લીધો પોતાનો જે સાજ, ત્યાંથી પરવર્યા શ્રીમહારાજ । પેરાવાળા ઉભાછે ત્યાં દ્વાર, તેને સમાધિ થૈ તેણીવાર ।।૩૧।।
જેજ્યાં તેત્યાં ઠરી ગયા સ્થિર, શુધરહિત થયાં શરીર । દરવાજે તાળાં વાસ્યાંછે જેહ, ઝટ ઉઘડી ગયાં છે તેહ ।।૩૨।।
અક્ષરાધિપતિ જે કેવાય, એને કોણ રોકે જગમાંય । નિર્બંધનને બાંધવા જાય, પણ કોઇ થકી ન બંધાય ।।૩૩।।
એમ ચાલ્યા ત્યાંથી મતિધીર, મહા કાનનમાં નરવીર । તીવ્ર વૈરાગ્યના વેગે સોય, સામી દ્રષ્ટિયે જાયછે જોય ।।૩૪।।
હવે નસીદપુરનો રાય, સવારે ઉઠ્યો છે સમુદાય । જ્યારે દેખ્યા નહિ તેહ વાર, કરે કલ્પાંત તે નરનાર ।।૩૫।।
રાજારાણી કરેછે રુદન, શોકાતુર થયાં તેનાં મન । નીલકંઠ સ્વામી તમે આજ, કયાં ગયા મુકીને મહારાજ ।।૩૬।।
હે બાલાયોગી બાલાવેષ, જ્ઞાનવૈરાગ્યના રૂપે એશ । કર્યો દંપતિયે ત્યાં તપાસ, કયાંઈ મળ્યા નહિ અવિનાશ ।।૩૭।।
શોધી શોધીને કર્યો પ્રયાસ, આશા મુકી થયાં છે નિરાશ । કેમ કર્યો તે અમારો ત્યાગ, તમને વ્હાલો લાગ્યો વૈરાગ ।।૩૮।।
મુકી ગયા કર્યું આ શું કાજ, કેમ મેર તજી સુખસાજ । એમ કરે છે બહુ કલ્પાંત, પણ ચિત્ત પામે નહિ શાંત ।।૩૯।।
ત્રૈણ દિવસ ને ત્રૈણ રાત, ઝુરી ઝુરી કર્યાં અશ્રુપાત । તોય મળ્યા નહિ ભગવાન, ગયા હિંમત હારી નિદાન ।।૪૦।।
થયો નહિ વિયોગ સહન, રાજારાણીયે તજ્યું છે તન । મહાપ્રભુની ઇચ્છાથી એહ, ગયાં અક્ષરધામમાં તેહ ।।૪૧।।
હવે નીલકંઠ બ્રહ્મચાર, ચાલ્યા જાય છે વન મોઝાર । ઘણા દિવસે વ્હાલો દયાલ, પોક્યા છે કાળા પર્વતે લાલ ।।૪૨।।
જોઈ તે નગ થયો મગન, ચાલ્યા જાય છે શ્રીભગવન । જ્યાં જ્યાં વિચરે છે અવિનાશ, કરે છે ત્યાં ત્યાં ધર્મપ્રકાશ ।।૪૩।।
એમ ફરે છે ધર્મકુમાર, પોતે હરવા ભૂમિનો ભાર । જડ ચેતન સ્થાવર જેહ, સર્વેને મુક્તિ આપે છે એહ ।।૪૪।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે નશીદપુરના રાજારાણીઓ સહિતને ચમત્કાર દેખાડીને તેનો મોક્ષ કર્યો એ નામે આઠમો તરંગઃ ।।૮।।