તરંગઃ - ૧૧ - વનમાં સિદ્ધનો મોક્ષ કર્યો એ નામે અગીયારમો

Submitted by swaminarayanworld on Thu, 21/09/2017 - 9:00am

 

પૂર્વછાયો

હે રામશરણ સુણો તમે, પ્રગટ ચરિત્ર પુનિત । વિસ્તારીને તેહ વર્ણવું, પૂરણ કરીને પ્રીત ।।૧।।

પૂજારીએ પ્રેમવડેથી, સેવા કરીછે અપાર । દયાળુમૂર્તિ વાલિડે, સેવા કરી તે અંગીકાર ।।૨।।

કૃપા કરીને બોલ્યા પછે, ભયહારી ભગવાન । સુણો પૂજારી કહું સાચું, આપું છું વરદાન ।।૩।।

ગુજરધર જે દેશ મોટો, રુડું વડતાલ ગામ । જોબન વડતાલા ગૃહે, જન્મ ધરીશ તેહ ઠામ ।।૪।।

ત્યારે થાશે કલ્યાણ તારું, પામીશ અક્ષરધામ । આવીશ તું સત્સંગમાં, ત્યાં થાશે રુડું કામ ।।૫।।

 

 

ચોપાઈ

 

પૂજારીને આપ્યું વરદાન, પછે ચાલ્યા ત્યાંથી ભગવાન । તીવ્ર વૈરાગ્યને વેગે કરી, ચાલ્યા જાય છે પોતે શ્રીહરિ ।।૬।।

આગળ જાતાં આવી તે ઠામ, મહાકાળીદેવી જેનું નામ । તેના દેવળમાં ગયા શ્યામ, થોડીવાર કર્યો ત્યાં વિશ્રામ ।।૭।।

વળી ચાલ્યા ત્યાંથી જગઈશ, શ્યામ સલુણો ઉત્તરદિશ । સોનારૂપા કેરી ખાણ્યો જેહ, અતિ ઉજ્વલ આવીછે તેહ ।।૮।।

તેની શોભા તણો નહી પાર, તેહ સ્થળે હજારો હજાર । તેને જોતા થકા મહારાજ, ચાલ્યા આગળ શ્રીવર્ણિરાજ ।।૯।।

આવ્યો આશ્રમ ઉત્તમ એક, અતિ રમણીકછે તે વિશેક । નથી મનુષ્ય ત્યાં નિરધાર, રૂડો શોભિત સુંદરસાર ।।૧૦।।

જોઇ રૂપાળી જગ્યા એકાંત, બેઠા આસન વાળી નિરાંત । પછે બે દિન ધર્યું ત્યાં ધ્યાન, ત્રીજે દિન ચાલ્યા ભગવાન ।।૧૧।।

પ્રાતઃકાલમાંહિ ચાલ્યા જાય, દક્ષિણદિશાએ સુખદાય । આગળ જઈને જોયું પ્રસિદ્ધ, દેખ્યા દુરથકી ઘણાસિદ્ધ ।।૧૨।।

મોટા મોટા તપસ્વી મહંત, બેઠા આસન વાળીને સંત । વૃત્તિ મેષોન્મેષ રહીત, પ્રભુને ભજે પ્રેમ સહિત ।।૧૩।।

એવામાં દેખ્યા દીનદયાળ, ઉત્તરથી આવે તતકાળ । દિવ્યરૂપે સુંદર સાકાર, જોયા તેજતણો જાણે તાર ।।૧૪।।

કહે સિદ્ધ પરસ્પર વાત, અહો ભાઈ જાુવો આ વિખ્યાત । ઉત્તરદિશા વિષેથી અભીત, આવેછે તેજોમય અજીત ।।૧૫।।

કેટલાક કહે શુભ કાજ, નોય સૂર્ણનારાયણ આજ । આતો આવેછે અગ્નિ પ્રત્યક્ષ, દર્શન દેવા સારું સમક્ષ ।।૧૬।।

ત્યારે કોઈ કહેછે એ દેવ, આવેછે કોઈ દેવના દેવ । વળી બીજા કહેછે સમાન, દીસે આતો તપ મૂર્તિમાન ।।૧૭।।

સામસામા કરેછે વિચાર, કોઈ મહાત્મા આવે આઠાર । એમ કેતા થકા સિદ્ધસર્વ, ઉઠી સામા આવ્યા તજી ગર્વ ।।૧૮।।

પ્રેમસહિત તેહજ વાર, કર્યા કરજોડી નમસ્કાર । કર્યાં દીલ ધારીને દર્શન, તપસ્વી બોલ્યા નિર્મળમન ।।૧૯।।

આતો સાક્ષાત શ્રીઅવિનાશ, આવ્યા કૃપા કરી સુખરાશ । તપ કર્યું છે આપણે જેહ, તેની સમાપ્તિ કરવા એહ ।।૨૦।।

પધાર્યા પ્રભુજી પોતે આપ, આપણા ટાળવા પરિતાપ । હવે તપ કરવું કોનેકાજ, આપોઆપ મલ્યા મહારાજ ।।૨૧।।

ત્યાંતો સહુને મલ્યાછે મોરારી, ગયા આશ્રમમાં સુખકારી । સિદ્ધજનોએ આપ્યું આસન, મધ્યભાગમાં બેઠા જીવન ।।૨૨।।

સઘળાસિદ્ધે કર્યું પૂજન, મૂર્તિ દેખીને માન્યાંછે મન । ચતુર્ભુજમાં પ્રોવાણાં ચિત્ત, વરણી ફરતા બેઠા કરી પ્રીત ।।૨૩।।

જેમ ચંદ્ર નક્ષત્રમાં રાજે, મુનિમધ્યે શ્રીહરિ બીરાજે । એમ શોભીરહ્યા ગીરિધારી, તપસ્વીમધ્યે દેવ મોરારી ।।૨૪।।

એકચિત્તે કરીને પ્રસિદ્ધ, સામું જોઇ રહ્યા છે તે સિદ્ધ । ત્યાં રેતા થકા શ્રીઅવિનાશ, દર્શન દેછે સૌને હુલ્લાસ ।।૨૫।।

અદ્રિમાં ફર્યા શ્રીભગવાન, યોગીસાથે જોયાં દેવસ્થાન । મુક્ત મુમુક્ષુ હતા જે જન, વળી તેને આપ્યાં દરશન ।।૨૬।।

આપ્યું નિજ સ્વરૂપનું જ્ઞાન, નિશ્ચે કરાવ્યો સૌને સમાન । પછે બોલ્યા બાલાયોગી ધીર, સુણો સિદ્ધ કહું મતિ સ્થિર ।।૨૭।।

માયામાં નહી થાય બંધન, અમે કૈયે તે સત્ય વચન । નિત્ય જપજ્યો અમારું નામ, અંતે પામશો અક્ષરધામ ।।૨૮।।

એવું સુણી સઘળા વૈરાગી, તનધનની તૃષ્ણાયું ત્યાગી । તે દિવસથી ટળ્યા સૌ તાપ, જપે નીલકંઠજીનો જાપ ।।૨૯।।

ઇષ્ટ દેવ જાણ્યા તેણી વાર, વિનંતિ કરે વારમવાર । પગે લાગ્યા છે કરીને પ્રીત, ચરણકમળમાં ધર્યું ચિત્ત ।।૩૦।।

વ્હાલે આપ્યું યોગીને વચન, પછે ચાલ્યા ત્યાંથી ભગવન । ઘાટું ગહ્વર અતિ ગંભીર, તેમાં પ્રવેશ્યા શ્રીનરવીર ।।૩૧।।

અતિ વિકટ ઝાડી કઠોર, એમાં મળ્યા અઘોરી જે ઘોર । આવી વિંટી વળ્યાછે ચોફેર, બ્રહ્મચારીને દીધો છે ઘેર ।।૩૨।।

ખોટો આશય દુર્મતિવાન, આવ્યા ઉત્તરથી તે નિદાન । બાલાયોગીએ વિચાર્યું મન, આવ્યા મારવા અઘોરી જન ।।૩૩।।

પવનસુતનુું સ્મરણ કીધું, રામકિંકરે દર્શન દીધું । કીધો શબ્દ ભયંકર ઘોર, અઘોરીને બતાવ્યું છે જોર ।।૩૪।।

ક્રોધાતુર થયા કપિરાય, પાપી ત્રાસ પામી નાઠા જાય । ગયા પ્રાણ લઈ નિરધાર, ઉભા રહ્યા નહી ઘડી વાર ।।૩૫।।

પછે શ્રીહરિ સાથે વચન, બોલ્યા કર જોડી વાયુતન । હે કૃપાનાથ હે મહારાજ, હવે પડે કાંઈ આવું કાજ ।।૩૬।।

મુને સંભારજો જગઈશ, આવી ઉભો રહીશ તેદિશ । તવ પ્રતાપે રક્ષા કરીશ, હશે હરકત તે હું હરીશ ।।૩૭।।

એમ કહી આપ્યાં કંદમૂળ, થયા અદર્શ મંગળમૂળ । બાલાયોગી ચાલ્યા ત્યાંથી તરત, જાવું છે તે દિશે બાંધી સરત ।।૩૮।।

આગે જાતાં આવ્યું એક વન, અતિ ગંભીર ઘોર ગહન । ચાલ્યા ત્રૈણ દિન ત્રૈણ રાત, ઘોર વનમાંહી જગતાત ।।૩૯।।

ચોથે દિવસે મારગમાંય, એક સરિતા આવી છે ત્યાંય । કર્યું છે તે નદીમાંહી સ્નાન, નિત્યવિધિ કર્યો છે નિદાન ।।૪૦।।

કંદમૂળ હતાં નિજ પાસ, વિષ્ણુને ધરાવ્યાં સુખરાશ । ત્યારે પોતે જમ્યા બ્રહ્મચારી, પછે ચાલવા કરી તૈયારી ।।૪૧।।

પ્રીતમે કર્યું ત્યાંથી પ્રયાણ, ચાલ્યા આગળ જીવનપ્રાણ । આવ્યો પિપળાનો તરુ એક, તેના હેઠે પધાર્યા વિશેક ।।૪૨।।

કૂપ કિનારો છે વળી જ્યાંય, એક પુરૂષ બેઠો છે ત્યાંય । મુક્યા ઢળકતા બેઉ ચરણ, કરવું ધારી નિજ મરણ ।।૪૩।।

બાલાયોગી આવ્યા તેની પાસ, પુછેછે પોતે શ્રીઅવિનાશ । તમે ભાઈ સુણો મુજ વાત, શામાટે કરોછો આત્મઘાત ।।૪૪।।

હવે તો મળ્યા છે ભગવાન, કરો ભક્તિ ધરો તેનું ધ્યાન । તોેજ થાય તમારું ક્લ્યાણ, નિશ્ચે માની લેજ્યો સત્ય વાણ ।।૪૫।।

એવાં સુણ્યાં પુરૂષે વચન, ઉભો થયો વિચારીને મન । આવ્યો નીલકંઠજીને શરણ, કર જોડી નમી પડ્યો ચરણ ।।૪૬।।

બાલાયોગી પરમ દયાળ, ક્યાંથી આવ્યા વનમાં કૃપાળ । મહાવિકટ વન ગંભીર, તમે કેમ કરી રાખી ધીર ।।૪૭।।

પ્રભુ મળવા કારણે આજ, કરવા બેઠોતો એવું કાજ । એમ કરેછે વાત વિચાર, વ્હાલે ચરિત્ર કર્યું તે વાર ।।૪૮।।

પોતાની મૂર્તિમાંથી અપાર, નિકળ્યો તેજ તણો અંબાર । પામ્યો આનંદ મુમુક્ષુ જન, મધુર વાણી કરે સ્તવન ।।૪૯।।

મુક્યું ચરણકમળમાં શીશ, પાહિ માં પાહિ માં જગદીશ । હે બાલાયોગી હે સુખસાજ, હે દયાળુ તમે મહારાજ ।।૫૦।।

પધાર્યા મારી કરવા સાય, ભવજળ તારવા સદાય । એવાં સુણીને નમ્ર વચન, નીલકંઠ થયા છે પ્રસન્ન ।।૫૧।।

તપ કરવાની કહી રીત, મહામંત્ર આપ્યો કરી પ્રીત । મુને પામશો તપને અંત, સત્ય માની લેજ્યો તમે સંત ।।૫૨।।

એવું આપ્યું એને વરદાન, થયા તૈયાર શ્રીભગવાન । પરમ ઉદાર ધર્મકુમાર, ત્યાંથી ચાલવા કર્યો વિચાર ।।૫૩।।

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે વનમાં સિદ્ધનો મોક્ષ કર્યો એ નામે અગીયારમો તરંગઃ ।।૧૧।।