પૂર્વછાયો
રામશરણજી બોલિયા, સુણો હે મહારાજ । બોચાસણે શ્રીહરિયે, શું કર્યું પછે કાજ ।।૧।।
લાલની લીલા સાંભળતાં, તૃપ્તિ જરા નવ થાય । માટે વિસ્તારીને કહો મુને, મન બહુ હરખાય ।।૨।।
ધર્મગુરુ પછે બોલીયા, સુણો ભાઈ સાક્ષાત । સ્નેહસહિત સંભારીને, કહું વાલમજીની વાત ।।૩।।
કાનદાસના ક્ષેત્રવિષે, બેઠા છે ભયહારી । દરશન કરવા આવે છે, ત્યાં મળીને નરનારી ।।૪।।
દયા હરિયે દિલ ધારી, દર્શન દીધાં અજીત । આકર્ષણ કરી દૂરથી, ખેંચી લીધાં સૌનાં ચિત્ત ।।૫।।
ચોપાઈ
કાનદાસ પટેલને સંગે, ઘણા જન આવ્યા છે ઉમંગે । દેખ્યા પ્રગટ પ્રભુને આપ, સ્થિર થૈ ગયા ટળ્યા છે તાપ ।।૬।।
તેજસમૂહનો જોઈ તાર, અન્યોઅન્ય કરે છે વિચાર । વિસ્મે સહિત હજારો જન, કાનદાસને કેછે વચન ।।૭।।
તમે ભાઈ સુણો કાનદાસ, સૂર્યથી અધિક પ્રકાશ । આવું તેજ રવિનું ન હોય, પ્રભુવિના નથી બીજું કોય ।।૮।।
પણ તેજ લીન કરે જ્યારે, થાય મૂર્તિનાં દર્શન ત્યારે । આવે પછીથી સુખ અપાર, થાય આનંદ આનંદ સાર ।।૯।।
બાલાયોગીયે સૌને જોેતામાં, તેજ સમાવી લીધું પોતામાં । નીલકંઠરૂપે ત્યાં દેખાય, મનોહર મૂર્તિ સુખદાય ।।૧૦।।
હવે પાસે આવ્યા સહુ જન, સ્થિર થૈ કરે છે દરશન । સ્તુતિ કરવા લાગ્યા સંગાથ, સ્નેહેે જોડી જોડી બેઉ હાથ ।।૧૧।।
જય પ્રણતપાળ દયાળ, જય કાળતણા તમે કાળ । પાહિ માં પાહિ માં મહારાજ, દીધાં દર્શન ઉત્તમ આજ ।।૧૨।।
પછે બોલ્યા છે ત્યાં કાનદાસ, સુણો નિલકંઠ અવિનાશ । મારે ઘેર પધારોજી આપ, પૂરો શુભ સંકલ્પ અમાપ ।।૧૩।।
ત્યારે નીલકંઠ યોગિનાથ, એને ઘેર ગયા તેની સાથ । કાનદાસ ધરી મનભાવ, કર્યું પૂજન ઉર ઉચ્છાવ ।।૧૪।।
હવે રસોઈ થૈ છે તૈયાર, બ્રાહ્મણની પંક્તિ થૈ તે વાર । કાનદાસ કહે શુભ કાજ, જમવા બેસો શ્રીમહારાજ ।।૧૫।।
કરો આ જળથી તમે સ્નાન, સ્વસ્થ થૈને બેસો ભગવાન । શ્રીહરિવરે કર્યું સ્નાન, જમવા વિરાજ્યા બળવાન ।।૧૬।।
મુક્યું વાસણ આગળ સાર, તેમાં લાડુ પિરસ્યા નિરધાર । એક લાડુમાંથી ભાંગી કોર, મુકી મુખમાં ધર્મકિશોર ।।૧૭।।
પછે જમ્યા નહિ યોગિરાજ, બેસી રહ્યા છે શ્રીમહારાજ । કાનદાસની માતુશ્રી જેહ, ઓશરી બારણે આવ્યાં તેહ ।।૧૮।।
દયાળુને દેખ્યાછે જ્યાં નેણે, મનમાં હેત આવ્યું છે તેણે । હેઠાં બેશી પગે લાગ્યાં ત્યાંય, બોલ્યાં વિચારીને મનમાંય ।।૧૯।।
કેમ જમતા નથી મુરારી, ત્યારે બોલ્યા બાલાબ્રહ્મચારી । દુધ આપોતો થાય ભોજન, ડોશીયે સુણ્યું એવું વચન ।।૨૦।।
સાંજને સમે લેવું છે દુધ, મહિષી દોવા બેઠાં જૈ શુદ્ધ । બાલાયોગીની ઇચ્છાનુસાર, ભેંસે દુધ દિધું તેહ વાર ।।૨૧।।
ડોશી દુધ લાવ્યાં કરી પ્યાર, પ્રભુને આપ્યું પાત્ર મોઝાર । પછે જમ્યા પોતે દુધભાત, ચળુ કરી બોલ્યા જગતાત ।।૨૨।।
સુણો ભાઈ તમે કાનદાસ, તમોને કહું છું તે હુલ્લાસ । તમારા પરિવારમાં યુક્ત, સારા થશે પ્રભુજીના મુક્ત ।।૨૩।।
એમ આપ્યું વ્હાલે વરદાન, કાનદાસ થયા ભાગ્યવાન । હે રામ તમે સુણોને આજ, પછે ચાલ્યા ત્યાંથી મહારાજ ।।૨૪।।
ભાલદેશમાં બુધેજ ગામ, મારો વાલિડો આવ્યા તે ઠામ । ખોડાભાઈ ક્ષત્રી તેને ઘેર, સદાવ્રત ચાલે રુડી પેર ।।૨૫।।
તેને ઘેર ગયા બ્રહ્મચારી, સદાવ્રત લેવા ગિરધારી । સદાવ્રતનું તો એક બાનું, તેનું કરવું છે કલ્યાણ છાનું ।।૨૬।।
કોઈક સમરેછે જે પ્રોક્ષ, ઘણા જીવનો કરવા મોક્ષ । સદાવ્રત લેવા આવ્યા ત્યાંય, મુનિજન જાણે મનમાંય ।।૨૭।।
તે સમે ખોડાભાઈની માત, માંચીપર બેઠાંછે વિખ્યાત । સદાવ્રતમાં આપેછે જ્વાર, નીલકંઠ ઉભા જૈ તે દ્વાર ।।૨૮।।
બાલાયોગીને સર્વની હાર, જ્વાર આપવા માંડી તે વાર । ત્યારે શ્રીહરિ બોલ્યા તે ઠાર, અમે તો નથી લેતા આ જ્વાર ।।૨૯।।
હોય તૈયાર કાંઈ ભોજન, આપો અમને નિર્મલ મન । ત્યારે બોલ્યાં તે ડોશી વચન, આંહિ તૈયાર નથી ભોજન ।।૩૦।।
એવાં તૈયાર ભોજન આજ, કેટલાને દૈયે મહારાજ । લેવી હોય તો લ્યો આ જાર, નૈતો ચાલ્યા જાવો આણીવાર ।।૩૧।।
તમ જેવા આવેછે અનેક, ચાલ્યા જાયછે લૈને વિશેક । એવું સુણી મન વિચારી, ત્યારે બોલ્યા બાલાબ્રહ્મચારી ।।૩૨।।
તમારા સદાવ્રતમાં સોય, અમ જેવા આવ્યા નથી કોય । આવશે પણ નૈ આવા કોઈ, ત્યારે બોલીછે તે સામું જોઈ ।।૩૩।।
તમ જેવાનો તો શો છે ભાર, પણ કૈક આવી ગયા આ ઠાર । મોટા ઉંચા પંચ પંચ હાથ, જટાઓ વાળાછે જોગી સાથ ।।૩૪।।
વળી બોલ્યા બાલાબ્રહ્મચારી, હે ડોશી તમો જુવો વિચારી । પોચે આકાશમાં એવા હોય, પણ અમારા જેવા તે નોય ।।૩૫।।
આવ્યા નૈ હોય અમ સમાન, નિશ્ચે માની લેજ્યો મુકો માન । બોલ્યા મરમનું એવું વચન, પછેશું કરેછે ભગવન ।।૩૬।।
ડોશીયે આપી હતી જે જ્વાર, તેમાંથી બે દાણા લીધા સાર । લેઈ મુક્યા તે મુખમોઝાર, તેનું રુડું કરવા નિરધાર ।।૩૭।।
નિંબ હેઠે ચોતરોછે જ્યાંય, કબુતરને નાખી છે ત્યાં । પછે ચાલ્યા ત્યાંથી બ્રહ્મચારી, તરત પધાર્યા શ્રીસુખકારી ।।૩૮।।
આવ્યા ખોડાભાઈ તેણે ઠામ, ગયેલા હતા તે કોઈ ગામ । તેની માતા કેવા લાગ્યાં વાત, વિસ્તારીને થઇ છે જે ખ્યાત ।।૩૯।।
હવે નીલકંઠજી તે વાર, કુવા પર ગયા ગામ બાર । સ્ત્રીઓ પાણી ભરે છે અપાર, ગયા છે જળપીવા તેઠાર ।।૪૦।।
કર લાંબા કરી મુરારી, કઠારી ભરીને પીધું વારી । પછે ચાલ્યા ત્યાંથી ભગવાન, ઝાલ્યો મારગ આગે નિદાન ।।૪૧।।
પેલી બાયું ભરી રહી વાર, સર્વે મળીને કરે વિચાર । બાલાયોગીનો જોયો પ્રતાપ, પામી આશ્ચર્ય મન અમાપ ।।૪૨।।
એમ કરતી મને નિરધાર, પોતાને ઘેર ગઈ સહુ નાર ।। પછે આવી ખોડાભાઈ પાસ, કરી વાત બનેલી હુલ્લાસ ।।૪૩।।
ખોડાભાઈ વિચારે છે મન, અહો આવ્યા હશે ભગવન । સદાવ્રત લેવા માટે આજ, છાનું છાનું કરી ગયા કાજ ।।૪૪।।
કર્યો વિચાર મનમોઝાર, પછે થયા ઘોડે અસવાર । નિજગામ થકી સાચે સાચ, તપાશી જોયું ગૌ પાંચ પાંચ ।।૪૫।।
પણ પત્તો લાગ્યો નહીં ક્યાંઈ, થયા ઉદાસી બહુ મનમાંઈ । વળી દિલે થયા દિલગીર, પ્રેમે પૂરણ મન અધીર ।।૪૬।।
સાચો પ્રેમ જાણ્યો નિજ મન, નીલકંઠે દીધાં દરશન । પાછા થયા તે અંતરધાન, એવા દયાળુ શ્રીભગવાન ।।૪૭।।
ખોડાજી કરે પસ્તાવ મન, પછે આવ્યા પોતાને સદન । પોતાની માતુશ્રીને તે સ્થાન, ઠપકો દૈ બોલ્યા તે નિદાન ।।૪૮।।
હે માતુશ્રી સુણો મારી વાત, ઘેર આવ્યાતા ભૂધરભ્રાત । નાના બાલકરૂપે સાક્ષાત, રામચંદ્ર હશે નિશ્ચે વાત ।।૪૯।।
નૈતોે અક્ષરપતિ એ હશે, પુરૂષોત્તમ આવ્યા એ વેષે । આવ્યા હશે મહારાજ એહ, પધાર્યાતા આપોઆપ જેહ ।।૫૦।।
તમે ઓળખ્યા નૈ કેમ આજ, કર્યું છે વળી ખોટું એ કાજ । એવું વેણ સુણી ડોશી આપ, કરવા લાગી છે પશ્ચાતાપ ।।૫૧।।
તે કેડે તો ગયા ઘણા દિન, સદાવ્રતને પુન્યે નવીન । પછે થયો વરતાલે જોગ, ત્યારે ટળ્યો ભવજળરોગ ।।૫૨।।
કર્યાં મહારાજનાં દર્શન, દઢ નિશ્ચે કરી દીધો મન । જાણ્યા સાક્ષાત પુરૂષોત્તમ, પછે થયા તે ભક્ત ઉત્તમ ।।૫૩।।
હવે ચાલ્યા ત્યાંથી સુખધામ, પધાર્યા પોતે ગોરાડે ગામ । ત્યાંછે ગામતણો ચોરો જ્યાંય, ત્રૈણ દિન રહ્યા પ્રભુ ત્યાંય ।।૫૪।।
બોેઘા આહિર આદિક જેહ, તેની સ્ત્રીઓ દધિ લાવી તેહ । બાલાયોગીને જમાડે ત્યાંય, પ્રેમમગ્ન થઈ મનમાંય ।।૫૫।।
નીલકંઠ થયા છે પ્રસન્ન, આપ્યું કલ્યાણનું ત્યાં વચન । ચાલ્યા ત્યાંથકી પૂરણકામ, સુખકારી છે સુંદર શ્યામ ।।૫૬।।
સાબરમતી ઉતર્યા પાર, ગયાછે ભીમનાથે મુરાર । કર્યાં પિનાકીનાં દરશન, મહાપ્રભુજી થયા પ્રસન્ન ।।૫૭।।
ત્યાં રહ્યોછેે અતીત જે સાર, કર્યો છે તેણે બહુ સત્કાર । જાણ્યા તપસ્વી પુન્યપાવન, સેવા કરીછે નિર્મળ મન ।।૫૮।।
ત્યારે રાજી થયા ભગવાન, કરાવ્યું છે પોતાનું ત્યાં જ્ઞાન । વળી ત્યાંથી કર્યું છે વિચરણ, આગળ ચાલ્યા અશરણશરણ ।।૫૯।।
ગોપનાથ નામે મહાદેવ, ત્યાં આવ્યા છે શ્રીવાસુદેવ । ત્રૈણ દિવસ રહ્યા તેઠાર, ચાલ્યા ત્યાંથકી જગદાધાર ।।૬૦।।
સોરઠદેશ લોઢવાગામ, તે સ્થળે આવ્યા સુંદર શ્યામ । કર્યો ઉતારો ગામમોઝાર, ચારણનો ચોરો છે જે ઠાર।।૬૧।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રી બાલાયોગી સોરઠદેશમાં લોઢવા ગામે પધાર્યા એ નામે તેવીશમો તરંગઃ ।।૨૩।।