તરંગઃ - ૩૬ - શ્રીહરિ ભુજ નગરથી નિકળીને ફરતા થકા ગામ અંજાર પધાર્યા

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:22pm

પૂર્વછાયો
હે રામશરણ કહું હવે, સુણો થૈ સાવધાન । ભુજનગ્રમાં ભક્તાધીન, શું કરે છે ભગવાન ।।૧।।
વિસ્તારીને તે વર્ણવું, શ્રીહરિના ગુણગ્રામ । સ્નેહવડેથી જે સાંભળે, તે પામે અક્ષરધામ ।।૨।।
સમાધિની વાત કરીછે, સાધુયે સભામાંય । સંત હરિજન સર્વેને, નિશ્ચે થયોછે ત્યાંય ।।૩।।
પ્રશ્ન પુછ્યું સુંદરજીયે, શ્રીહરિને ધરી સ્નેહ । હે ભયહારી મહાપ્રભુ, ટાળો મુજ સંદેહ ।।૪।।
સત્યયુગ ત્રેતા દ્વાપરમાં, ભક્તના રક્ષણ કાજ । ચક્ર સુદર્શન મુકતા, તે ધારીને મહારાજ ।।૫।।

ચોપાઈ
હરતા ત્રૈણે યુગમાં દુઃખ, પ્રભુ રક્ષા કરતા સનમુખ । હવે આ યુગમાં નથી એમ, તેનું શું કારણ કહો કેમ ।।૬।।
આ કળિયુગમાં હરિજન, વ્હાલા નથી કે શું તવ મન । ઘોર કળિમાં તમારા ભક્ત, કરે ભજન થઈ વિરક્ત ।।૭।।
માટે તેની રક્ષા કરવી જોયે, તેહ મારુંજ પ્રશ્ન છે સોયે । કૃપાળુજી તમે કહો એહ, મહાપ્રભુ મટાડો સંદેહ ।।૮।।
ત્યારે બોલ્યા છે જીવનપ્રાણ, સુણો સુંદરજી મુજવાણ । પ્રભુના સ્વરૂપનું જે જ્ઞાન, એ સુદર્શનચક્ર સમાન ।।૯।।
જે છે સુદર્શનમાં પ્રકાશ, દશ સહસ્ર સૂર્યનો તાપ । તે થકી જ્ઞાનનું ઘણું તેજ, જુવો વિચારી અંતર એજ ।।૧૦।।
જીવના હૃદયમાંહી અજ્ઞાન, તેને ટાળી નાખેછે એ જ્ઞાન । અદ્ભુત સૂર્યનો જે પ્રકાશ, તેથી અજ્ઞાન ન પામે નાશ ।।૧૧।।
સુદર્શનથી અધિક જ્ઞાન, નિશ્ચે સમઝી રાખો નિદાન । કામ ક્રોધ આદિ અરી જેહ, નિશ્ચે ટળેછે જ્ઞાનથી એહ ।।૧૨।।
જેને પ્રભુનો નિશ્ચેજ હોય, તેને પીડા કરે નહિ કોય । એવી રીતે કરી ઘણી વાત, સુણી સર્વે થયા રળિયાત ।।૧૩।।
શ્રીહરિના સ્વરૂપમાં સાર, સૌને નિશ્ચે થયોછે તેવાર । તે પછે બીજે દિવસે જોય, ભગવાનજીયે ધાર્યું સોય ।।૧૪।।
નિજ ઘેર કરાવી રસોઈ, પ્રભુને જમાડ્યા પ્રીત પ્રોઈ । જમી રહ્યા જ્યાં પ્રાણજીવન, થયા ભક્ત ઉપર પ્રસન્ન ।।૧૫।।
પછે પૂજા કરી રૂડી રીત, પુષ્પ હાર પેરાવ્યા છે પ્રીત । કંઠી કડાં વિંટી વેઢ જેહ, કંદોરાદિક ભૂષણ તેહ ।।૧૬।।
શ્રીહરિવરને અંગોેઅંગ, ધરાવ્યાં છે કરીને ઉમંગ । પછે કે ભગવાનજીભાઈ, સુણો મહાપ્રભુ સુખદાઈ ।।૧૭।।
રામાનંદ સ્વામીને આ રીત, જમાડ્યાતા પૂરણ પ્રીત । આ ઘરેણાં પેરાવાને કાજ, સ્વામીને કહ્યું મેં મહારાજ ।।૧૮।।
ત્યારે બોલ્યા તે એમ ન થાય, અમથી ઘરેણાં ન પેરાય । આ ઘરેણાંના પેરણહાર, આવશે થોડા દિને આ ઠાર ।।૧૯।।
એમને પેરાવજ્યો તે હિત, કરજ્યો મહાપ્રભુમાં પ્રીત । એમ કૈને મુકાવ્યાંતાં જેહ, આજ આપને પેરાવ્યાં તેહ ।।૨૦।।
એવાં બોલી મધુરાં વચન, કર જોડીને કર્યું સ્તવન । પછે શ્રીહરિ સહજાનંદ, ઉતારે આવ્યા દૈને આનંદ ।।૨૧।।
સભા કરીને સુંદરશ્યામ, ગાદીયે બિરાજ્યા અભિરામ । સર્વે સંત હરિજન સાથ, બેઠા સનમુખ જોડીને હાથ ।।૨૨।।
અતિપ્રકાશે યુકત સ્વરૂપ, દેખી અદ્ભુત કાન્તિ અનૂપ । ભગવાનજીને તેહ ઠાર, થયો પોતાને મન વિચાર ।।૨૩।।
મુક્તાનંદ સ્વામીનેરે આજ, દેખાતા હશે કેવા મહારાજ । દર્શન થાતાં હશે આ રીત, પ્રકાશે યુક્ત પૂરણ પ્રીત ।।૨૪।।
એવો કરી મનમાં વિચાર, સ્વામી પ્રત્યે બોલ્યા નિરધાર । મુક્તાનંદ સ્વામી સુણો સાર, એક વાત પુછું આણી વાર ।।૨૫।।
શ્રીજી મહારાજનો પ્રતાપ, તમને દેખાય છે કો આપ । સ્વામી કે હું તો દેખું છું સોય, શ્રીહરિતણું ઐશ્વર્ય જોય ।।૨૬।।
એમ કહીને આનંદ્યા મન, નિજ ભાગ્યને માન્યું છે ધન્ય । તેસમે તેમાંથી બેઉ સંત, થયા તૈયાર આપ મહંત ।।૨૭।।
ગામ કાળેતળાવમાં જોય, સ્વામીનું છે સદાવ્રત સોય । ત્યાં જાવા માટે થયા તૈયાર, મહારાજની આજ્ઞા બહાર ।।૨૮।।
સદાવ્રતનું હશે કૈ કામ, વણપુછે ચાલ્યા તેણે ઠામ । જેવા ચાલવા જાય તે દિશ, તેવા જાણીગયા જગદીશ ।।૨૯।।
એમનાં ધારેલાં મન કાજ, તે જાણીને બોલ્યા મહારાજ । પ્રભુને પ્રભુ જાણી સાક્ષાત, બીજી કરવા ન ઇચ્છે વાત ।।૩૦।।
માની લેવું કૃતારથ મન, ભાવ કરી કરવું ભજન । કોઈ આગ્રહ કરે ન ચિત્ત, પ્રભુઇચ્છામાં રાખવી પ્રીત ।।૩૧।।
મનસ્વીપણે કાંઈ ન કરવું, કામાદિક શત્રુથી તો ડરવું । પ્રભુવિના બીજાથી ન થાય, બ્રહ્માદિકનો નથી ઉપાય ।।૩૨।।
પોતાને બળે થાય હેરાન, એમ ભેટે નહિ ભગવાન । પ્રભુની આજ્ઞા ધરવી ઉર, રુડાં કાજ કરીયે જરુર ।।૩૩।।
ત્યારે કામાદિક પામે નાશ, પ્રભુનું બળ રાખે જો પાસ । કરે ઇષ્ટદેવ આજ્ઞા જેમ, પોતે વરતિયે વળી તેમ ।।૩૪।।
પ્રભુનું શરણ મુકી સોય, સાધનનું બળ ન લે જોય । એમ કૈને બોલ્યા વળી શ્યામ, આજ દિવસથી અભિરામ ।।૩૫।।
ધ્યાનધારણાનું જે પ્રકરણ, થાશે સત્સંગમાં શુભાચરણ । સત્સંગ તો વધશે અપાર, એમાં સંશે ન જાણો લગાર ।।૩૬।।
એવી રીતે કરી ઘણી વાત, બે સંતોયે સુણી તે સાક્ષાત । થયાં શીતળ તેમનાં મન, નમ્ર થૈને કરે છે સ્તવન ।।૩૭।।
કર જોડી કર્યા નમસ્કાર, નિજ આસને બેઠા તેવાર । એમ ભુજવિષે અવિનાશ, પોતે રહ્યા અગિયાર માસ ।।૩૮।।
સંતસહિત પૂરણબ્રહ્મ, બહુ લીલા કરી છે પરમ । સૌ હરિજન ને નરનાર્ય, તેમને સુખ આપ્યું અપાર ।।૩૯।।
અતિ અદ્ભુત કર્યાં ચરિત્ર, સર્વેનાં મન થયાં પવિત્ર । કરે છે સેવાયો અંગીકાર, નિજ ભક્ત તણી તે ઉદાર ।।૪૦।।
આપી નિજ સ્વરૂપનું જ્ઞાન, દઢ નિશ્ચે કરાવ્યો તે સ્થાન । મુક્તાનંદસ્વામી આદિ જેહ, એમને આજ્ઞા આપી છે તેહ ।।૪૧।।
ઝાલાવાડ્ય સોરઠ હાલાર, કાઠીયાવાડ્ય ભાલમાં સાર । ગુર્જરધર દંઢાવ્ય વિવેક, એ આદિ બીજા દેશ અનેક ।।૪૨।।
સર્વે સંતને તે ગામોગામ, ફરવા મોકલ્યા ઠામોઠામ । પછે પોતે કર્યોછે વિચાર, ત્યાંથી ચાલવા થયા તૈયાર ।।૪૩।।
પ્રીતે મહાપ્રભુ સુખધામ, પધાર્યા પોતે ખોખરે ગામ । વળી પધાર્યા શ્રીરંગરેલ, ભચૌગામે ગયા અલબેલ ।।૪૪।।
રહ્યા રસીયા ત્યાં વીશ દિન, પ્રેમ દેખીને પ્રાણજીવન । ત્યાંના બાઈ ભાઈ હરિજન, સર્વેને કર્યાં પુન્ય પાવન ।।૪૫।।
પછે ત્યાંથી ચાલ્યા સુખધામ, પધાર્યા કંથકોટ છે ગામ । મુળજી ઠક્કર હરિજન, તેને ઘેર ગયા ભગવન ।।૪૬।।
તેની સેવા કરી અંગીકાર, એક માસ રહ્યા છે તેઠાર । વળી ત્યાંથી ચાલ્યા પ્રીતપ્રોઈ, પોતે પધાર્યા ગામ આધોઈ ।।૪૭।।
લાધાજીને ત્યાં સુંદર શ્યામ, દોઢ માસ રહ્યા અભિરામ । પ્રતિવાદીને જીત્યા જીવન, આડેસર ગયા ભગવન ।।૪૮।।
ત્યાંથી સાંતલપુર થૈ શ્યામ, પ્રભુ ગયાછે ગોત્રકે ગામ । ત્યાં સદાવ્રત લીધું જીવન, ભાવ દેખીને કર્યું ભોજન ।।૪૯।।
એક માસ રહ્યા મહારાજ, કર્યાં સફળ સર્વેનાં કાજ । વાલીડે લિધી છે માળા હાથ, ફેરવે છે પોતે દીનાનાથ ।।૫૦।।
તે દેખીને સહુ હરિજન, પુછે શ્રીહરિને તે પાવન । અમે કરીયે તવ ભજન, તમો કોને ભજો છો જીવન ।।૫૧।।
ત્યારે શ્રીહરિ થઈ પ્રસન્ન, બોલ્યા સેવક પ્રત્યે વચન । અમારા ભક્ત જેછે પાવન, કરીયે છૈયે તેનું ભજન ।।૫૨।।
એમ આપ્યાં છે અપાર સુખ, ટાળ્યાં ભવજળ કેરાં દુઃખ । પછે ત્યાંથી ચાલ્યા તતકાળ, ધમડકે ગયા છે દયાળ ।।૫૩।।
રાયધણજીને ઘેર્ય હરિ, બે મહિના રહ્યા છે ત્યાં ઠરી । વળી ત્યાંથી ચાલ્યા ભવતાર, વેગે આવ્યા વાલિડો અંજાર ।।૫૪।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ ભુજ નગરથી નિકળીને ફરતા થકા ગામ અંજાર પધાર્યા એ નામે છત્રીસમો તરંગ ।।૩૬।।