તરંગઃ - ૬૪ - શ્રીહરિ વૌઠે પધાર્યા

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 11:13am

પૂર્વછાયો

પ્રેમવડેથી પાન કરો, પ્રગટ લીલા પિયુષ । અધમોધારણ શ્રીહરિ છે, સુફલ કર્ણ આયુષ ।।૧।। 

પછે વ્હાલો ત્યાંથી વિચર્યા, કરી મન વિચાર । હાલાર સોરઠમાં થઈ, ચાલ્યા આગળ નિરધાર ।।૨।। 

કાઠીયાવાડ કરીઆણે, દેહાખાચરને દ્વાર । ઉતારો કર્યો ઉમંગે ત્યાં, સુખસિંધુ ભવતાર ।।૩।। 

સંતદાસજી આવી પોચ્યા, કર્યાં પ્રભુનાં દર્શન । મૂર્તિ મનોહર નિરખીને, પામ્યા સુખ નિજ મન ।।૪।। 

 

ચોપાઈ

 

સંતદાસજીને જગતાત, પુછે બદ્રિકાશ્રમની વાત, ત્યારે મુનિ કહે છે તે સર્વ, બદ્રીવનની વાત અપૂર્વ ।।૫।। 

રહ્યા પાંચ દિન સંતદાસ, શ્રીહરિ સહજાનંદ પાસ । પછે આજ્ઞા આપી છે શ્રીશ્યામે, સંતદાસ ગયા બદ્રીધામે ।।૬।। 

હવે કરીઆણે અલબેલ, લીલા કરેછે સુંદર છેલ । દેશદેશથી પુન્ય પાવન, આવ્યા સંત અને હરિજન ।।૭।। 

કર્યો છે મોટો સમૈયો ત્યાંય, સર્વે મોદ પામ્યા મનમાંય । વળી એક સમે કોઈ દિન, કાળો મકવાણો હરિજન ।।૮।। 

શ્રીહરિને જમાડવા કાજ, થાળ કરાવ્યો સુંદર સાજ । પછે તેડી ગયો નિજધામ, શ્રીહરિને જમાડ્યા તે ઠામ ।।૯।। 

કર્યું પ્રેમ સહિત પૂજન, વાલા પ્રત્યે બોલ્યો તે વચન । હે કૃપાળુ સુણો મનમાંય, આવ્યો છે કિમિયાગર આંય ।।૧૦।। 

બુટીવાળો છે બાવાને વેષ, ગામ લોક માને છે વિશેષ । ત્રાંબાનું સોનું કરે નવીન, ઘણા લોક રેછે તેઆધીન ।।૧૧।। 

ત્યારે વાલીડો બોલ્યા વચન, તમારે છે એમાં કાંઈ મન । હોય તો તે કહી દેજ્યો આજ, સોનું કરી દૈયે તમો કાજ ।।૧૨।। 

ત્યારે ભક્ત બોલ્યા કરી ભાવ, સુણો વાલા મનોહર માવ । દ્રવ્ય હોેય તો સારૂં કેવાય, તવ સંતતણી સેવા થાય ।।૧૩।। 

એવું સુણીને કે મહારાજ, આજ કરીયે તમારૂં કાજ । લોઢાની કોશ ઘરમાં જો હોય, લાવો સોનું કરી દૈયે સોય ।।૧૪।। 

ભક્ત રાજી થયો મનમાંય, લાવ્યો કોશ કોદારી બે ત્યાંય । પછે પ્રભુ કહે જાઓ લેઈ, બુટીવાળાને કેજ્યો આ દેઈ ।। ૧૫।। 

એવાં સુણી પ્રભુનાં વચન, બાવા પાસે ગયો હરિજન । મહાપ્રભુના કેવા પ્રમાણે, હરિભક્તે કહ્યું છે તે ટાણે ।।૧૬।। 

સુણો બાવાજી કહીયે કાજ, લોઢાનું સોનું કરી દ્યો આજ । બાવો કે નથી એનો ઉપાય, લોઢાનું તો સોનું નહીં થાય ।।૧૭।। 

પછે ભક્ત આવ્યો નિજ ઘેર, કહી મહારાજને સૌ પેર । ત્યારે શ્રીહરિ પરમ દયાળ, મનમાં વિચારી તતકાળ ।।૧૮।। 

કોશ કોદાળી બન્ને ઉપાડ્યાં, પથર ઉપર તે પછાડ્યાં । થયું દેદીપ્ય સોનું પાવન, ઘણો રાજી થયો હરિજન ।।૧૯।। 

જોખી જોતાં થયું પચ્ચી શેર, ભક્તે જાણ્યું થઈ ભારે લેર । પ્રભુ કહે હવે ખુબ વાપરજ્યો, સાધુ બ્રાહ્મણની સેવા કરજ્યો ।।૨૦।। 

ત્યારે શ્રીહરિ સુંદર શ્યામ, ગયા દેહાખાચરને ધામ । પછે ચાલી તે ગામમાં વાત, સર્વે લોકોયે જાણ્યું વિખ્યાત ।।૨૧।। 

હવે તે હરિજનને ધામ, ચોર આવે છે ચોરીને કામ । નિશામાં નિત્ય નિત્ય તે ઠાર, સુવર્ણ ચોરી લેવા વિચાર ।।૨૨।। 

રાત્રિ દિન ફરે કરે તાણ, આવીને કરે છે ધમસાણ । નિદ્રા પણ નથી દેતા કરવા, તસ્કર આવે છે સોનું હરવા ।।૨૩।। 

થયું તે ભક્તને જુવો દુઃખ, નથી આવતું પળનું સુખ । થયા ઉજાગરા દશ દિન, પ્રભુથી ચિત્ત થયું છે ભિન્ન ।।૨૪।। 

પછે આવ્યો મહારાજ પાસ, કરી વાત તે સર્વે પ્રકાશ । મુને ઠરવા દેતા નથી ચોર, ચિત્ત રેતું નથી મારું ઠોર ।।૨૫।। 

ત્યારે મહારાજ કે એહ સારું, કોઇને આપતો નથી વારું । જો આપીયે તો તે દુઃખી થાય, અમારી ભક્તિ એ ભુલી જાય ।।૨૬।। 

એની સંભાળ રાખવી પડે, નિત્ય ભક્તિમાં આવીને નડે । માટે એ પાપને કરી દૂર, પથર પર નાખો જરૂર ।।૨૭।। 

ત્યારે હતું તેવું થાશે લોહ, મટી જાશે ઉપાધિ સંદેહ । પછે નિરભે થઇને ફરજ્યો, સુખે અમારું ભજન કરજ્યો ।।૨૮।। 

શ્રીહરિની આજ્ઞા અનુસાર, એ ભક્તે કર્યું છે તેણીવાર । ત્યારે મનમાં થયો આનંદ, મટી ગયો તે માયાનો ફંદ ।।૨૯।। 

કરી વાલમ મન વિચાર, સારંગપુર ગયા નિરધાર । ત્યાં જૈને પત્ર લખાવ્યા સાર, દેશોદેશ વિષે તેણીવાર ।।૩૦।। 

સર્વે સંત અને હરિજન, આ હકીકત જાણજ્યો મન । કાર્તિક સુદી પૂર્ણીને દિન, વૌઠે આવજ્યો પુણ્ય પાવન ।।૩૧।। 

એમ પત્ર લખ્યો સર્વે દેશ, ત્યાંથી પધાર્યા દેવ દેવેશ । ગામ બુધેજ થૈ અલબેલ, વૌઠે પધાર્યા સુંદર છેલ ।।૩૨।। 

ત્યાંતો આવ્યો છે આગેથી સંઘ, સંત સેવક કરી ઉમંગ । જાણ્યું સંતે આવ્યા અલબેલ, અતિ આનંદની થઇ રેલ ।।૩૩।। 

સંત હરિજન સૌ પવિત્ર, રૂડાં વગડાવે છે વાજીંત્ર । આવ્યા શ્રીહરિ સન્મુખ સ્નેહ, કર્યાં દર્શન નિસ્સંદેહ ।।૩૪।। 

સરિતાને કિનારે છે ગામ, તેનું વારસંગ એવું છે નામ । તેની સીમ વિષે કરીને ભાવ, સંઘ સર્વેયે કર્યો પડાવ ।।૩૫।। 

તેના મધ્યે બિરાજ્યા છે શ્યામ, પુરૂષોત્તમ પૂરણકામ । દેશો દેશના સૌ હરિજન, તેમણે કર્યું પ્રીતે પૂજન ।।૩૬।। 

વસ્ત્ર આભૂષણ તેહ ઠાર, આપ્યા સર્વે વિવિધ પ્રકાર । હેતે પેરાવ્યા પુષ્પના હાર, મનમોદ થયો છે અપાર ।।૩૭।। 

પછે ગંગામાયે કર્યો થાળ, નિશામાં જમ્યા દીનદયાળ । સર્વેને સુખ આપ્યાં અપાર, પછે પોઢ્યા ત્યાં પ્રાણઆધાર ।।૩૮।। 

નારદીપુરના ત્યાં નાનાભાઇ, તેને કેવરાવ્યું સંઘમાંઇ । જેને પ્રભુજીને અર્થે સાર, થાળ કરવા જો હોય વિચાર ।।૩૯।। 

કાલે મધ્યાને કરજો તૈયાર, પ્રીતે લાવજો તે આણે ઠાર । કુબેરસિંહ ત્યાં છડીદાર, આવ્યા શ્રીજી પાસે તેણીવાર ।।૪૦।। 

કર જોડી કહે છે તે વાત, સુણો વિનંતિ ભૂધરભ્રાત । જુવો ગોસ્વામી આવ્યા છે આંય, આ પેલા ઉતર્યા સંઘમાંય ।।૪૧।। 

એમણે વાત કરી છે આજ, તે પ્રમાણે કૌ છું મહારાજ । સ્વામિનારાયણે આ અપાર, દીવીઓ પ્રગટાવી આ ઠાર ।।૪૨।। 

કોણ આપે છે એટલું તેલ, કયાંથી લાવે છે એ જુઓ ખેલ । એવું સુણીને શ્રીઅવિનાશ, મર્મ કૈને વાલે કર્યું હાસ ।।૪૩।। 

પછે બીજે દિવસે સવાર, વ્હેલા ઉઠ્યાછે વિશ્વઆધાર । સાતનદીનો સંગમ જ્યાંય, સંઘસાથે વ્હાલો ગયા ત્યાંય ।।૪૪।। 

શ્યામ સલુણે કર્યું ત્યાં સ્નાન, નિજભક્તસંગે ભગવાન । વસ્ત્ર પેરીને થયા તૈયાર, ત્યાં વાગે છે વાજીંત્ર અપાર ।।૪૫।। 

કર્યાં મહાદેવનાં દર્શન, હરિહર ભેટ્યા પૂણ્યપાવન । હતો ચંદ્રશેખરનો શિશ, તેને કૃપા કરી જગદીશ ।।૪૬।। 

પોતે પેર્યાતા પોશાક અંગ, સર્વે આપી દીધા એ ઉમંગ । પછે ઉતારે પધાર્યા આપ, જેનો પૂર્ણ દીસે છે પ્રતાપ ।।૪૭।। 

હવે સેવક લાવ્યા જે થાળ, તે જમ્યા છે શ્રીદીનદયાળ । સર્વે સંત અને હરિજન, સૌને પ્રસાદી આપી પાવન ।।૪૮।। 

જમી જમાડી થયા તૈયાર, ચાલવાનો કર્યો છે વિચાર । શ્રીજી ઘોડે થયા અસવાર, પાર્ષદોયે સહિત તે વાર ।।૪૯।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ વૌઠે પધાર્યા એ નામે ચોસઠમો તરંગ ।।૬૪।।