તરંગઃ - ૯૨ - શ્રીહરિ વિચરણ

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 12:01pm

ચોપાઇ

માળીયેથી ચાલ્યા પરમેશ, રણ ઉતરીને કચ્છદેશ । સીકારપુર શ્રીહરિ વસી, શુદિ ફાગણની એકાદશી ।।૧।। 

ગાગોદરમાં ગોવિંદ આવી, ભલી હુતાશની ત્યાં ભજાવી । કાનજી ઠક્કર તેને ઘેર, સંતયુક્ત જમ્યા રુડી પેર ।।૨।। 

ગામ સાપરમાં ભગવાન, ઘણીવાર આવ્યા તેહ સ્થાન । પોતાનો નિશ્ચે સૌને કરાવ્યો, બહુ પ્રતાપ તિયાં જણાવ્યો ।।૩।। 

ગામ ભીમાસરે ઘનશ્યામ, બેઉ પક્ષ રહ્યા સુખધામ । ત્યાંના તળાવમાં નિત્ય નાય, હરિજન સમાધિમાં જાય ।।૪।। 

કોટડા ચાંદ્રાયણી છે ગામ, સંતને જમાડ્યા તેહ ઠામ । ગામ દુધઇના ચોરામાંય, બેઉ રાત્રિ રહ્યા પ્રભુ ત્યાંય ।।૫।। 

ગામ લાકડીયે ગયા લાલ, લાલજીને સાધુ કર્યા વાલ । નિષ્કુલાનંદ નામ ધરાવ્યું, એક વસ્ત્ર ભગવું પેરાવ્યું ।।૬।। 

ગોરાસરમાં ઘોડાને પાવે, તિયાં તેજ બતાવ્યું છે માવે । શિવરાત્રિના દિવસે સંત, રુડાં કીર્તન ગાયા મહંત ।।૭।। 

ધમડકાપુરમાં ઘણા જન, કર્ણિબા રાયધણ પાવન । દધિ ગોરસાં તિયાં જમીયા, વસ્ત્ર ઘરેણાં પ્રેમે પેરીયાં ।।૮।। 

પ્રબોધનીનો ઉત્સવ કરી, ગંગાના ધરામાં નાહ્યા હરિ । ચાર ધામના મુક્ત ત્યાં આવ્યા, સેવાનો લાભ લેવાને ફાવ્યા ।।૯।। 

વળી ત્યાં યજ્ઞ કરીયો ભારી, બેઉ રૂપે થયા સુખકારી । એક રૂપે ડભાણે ચલાવે, બીજા રૂપે ત્યાં યજ્ઞ કરાવે ।।૧૦।। 

ત્યાં જળનો કુંડ છે સારો, ત્રણ ઋતુમાં રહે છે ન્યારો । સંઘ સહિત નાહ્યા છે અતિ, તેની ગણના ન થાય રતિ ।।૧૧।। 

ગામ ચોબારીમાં ભગવાન, રંગપંચમી રમ્યા તે સ્થાન । મુળજી લુવાણે સુખ લીધું, જમ્યા સંતયુક્ત ગુણસિંધુ ।।૧૨।। 

ગામ ભચાઉમાં માવ મીઠા, તિયાં જાતાં સર્વે જને દીઠા । રામજી ઠક્કરને ત્યાં જમ્યા, દેખી ગામના લોકને ગમ્યા ।।૧૩।। 

મનફરા અતિ મન ભાવ્યું, હરિયુક્ત સંતવૃંદ આવ્યું । રાત્રિ છ માસની ત્યાં કરીને, કીર્તન ગવરાવ્યાં ફરીને ।।૧૪।। 

ગયા કુંભારીયે નંદલાલો, તળાવ તટે ઉતર્યા વ્હાલો । ભક્તો લાવ્યા ફળો થાળ ભરી, તેને જમ્યા પ્રભુ ભાવ કરી ।।૧૫।। 

ગામ અંજારમાં મહારાજ, મરચાં મીઢી જમે સુખસાજ । ત્યાગ વૈરાગની વાતો કરે, ચારે દેશમાં તે બહુ ફરે ।।૧૬।। 

કચ્છ દેશ એકવાર જાય, પંચ પાપ બળે મુક્ત થાય । તેહ અક્ષરધામનો મુક્ત, હજાુર સેવામાં રહે જાુક્ત ।।૧૭।। 

ગોત્રકેથી ચાલ્યા જગવંદ, આડેસર આવ્યા સુખકંદ । માવજી લુવાણો તેને ઘેર, બેઉ રાત્રિ રહ્યા મોદભેર ।।૧૮।। 

કંથકોટમાં તે લીલા કરી, ચડ્યા પર્વત ઉપર હરિ । તિયાં થાળ મંગાવીને જમ્યા, પદમશી લુવાણાને ગમ્યા ।।૧૯।। 

એવી રીતે વાગડમાં રહી, ગામોગામ સુખ આપ્યાં સહિ । તેહ ફેરે છ માસ રહ્યાછે, ફરતા થકા ભુજ ગયા છે ।।૨૦।। 

ઉત્સવ સમૈયા બહુ કર્યા, સાત વર્ષ તે કચ્છમાં ફર્યા । ફરી ફરીને આવ્યા ઘણીવાર, તેતો લખતાં ન આવે પાર ।।૨૧।। 

ખારી રોહરથી ન રહ્યા ઝાલ્યા, જળની ઉપર પોતે ચાલ્યા । વવાણીયે ઉતરીને આવ્યા, હરિજનતણે મન ભાવ્યા ।।૨૨।। 

રાજકોટમાં શ્રીમહારાજ, સાહેબને મળ્યા સુખસાજ । પોતે શિક્ષાપત્રી તેને આપી, નાખ્યું જગતનું દુઃખ કાપી ।।૨૩।। 

ભાદરામાં લીલા બહુ કીધી, વળી પત્ર લખ્યા બહુવિધી । વશરામ સુતાર તે ગામ, અનંત કીડીયો મુકી ધામ ।।૨૪।। 

વળી જોડીયેથી મહારાજ, બેઠા વાણમાં તે સુખસાજ । થયો સંકલ્પ સુંદર ભૈને, પડ્યા પાણીમાં હરિ જઇને ।।૨૫।। 

વળી ગઢપુરે સુખધામ, ઘણું રહ્યા છે ત્યાં ઘનશ્યામ । લીલાઓ કરી છે સુખધામે, શાસ્ત્રમાં લખી છે ઠામો ઠામે ।।૨૬।। 

દાદાખાચર પુન્ય પાવન, જીવુબા લાડુબા હરિજન । સર્વસ્વ પોતે અર્પણ કીધું, હરિચરણમાં શીષ દીધું ।।૨૭।। 

લોયા નાગડકા કારિયાણી, સારંગપુરે હનુમાન જાણી । બોટાદ ક્રમડ બહુ સારાં, વ્હાલે ચરિત્ર કર્યાં છે પ્યારાં ।।૨૮।। 

મુળીપુર વિષે ભગવાન, ઘણીવાર આવ્યા તેહ સ્થાન । અનંતને સમાધિ કરાવે, નિત્ય અર્લક વાવ્યમાં ન્હાવે ।।૨૯।। 

ભોગવતી ગંગા તેને તીરે, ઘોડાં ખેલાવ્યાં છે બલવીરે । દશેરાનું પૂજન કરીને, બહુ દિન રયા છે ઠરીને ।।૩૦।। 

વળી માલાકુ નામે તળાવ, તિયાં ગયા મનોહર માવ । કાકાજી પુંજાજી રામાભાઇ, જેઠીસિંગ રત્ન રઘાભાઇ ।।૩૧।। 

ગામ લિંબલીમાં સગરામ, તેને મુક્ત કર્યો ઘનશ્યામ । અષ્ટમીનો તે ઉત્સવ કરી, ઘણા દિન રયા છે ત્યાં હરિ ।।૩૨।। 

મુળજીશેઠ કથા કહે છે, સંત હરિજન સાંભળે છે । તે સમે ચાર માસ રહ્યા છે, સહુ જનને રાજી કર્યા છે ।।૩૩।। 

ગામ માનહરે મહારાજ, નિપાલો જમ્યા છે સુખસાજ । પછે તક્ર પીધી છે અપાર, ઝેર સહન કર્યું નિરધાર ।।૩૪।। 

ગામ હળવદે પોતે આવી, ઘણી સાકર જમ્યા મનભાવી । પછે ચોરાશી કરીછે સારી, ઘણા વિપ્ર જમાડ્યા મુરારી ।।૩૫।। 

ગામ મેંથાણમાં મહારાજ, ખટ માસ રહ્યા સુખસાજ । ચતુર્ભુજનું મંદિર જેહ, છોવરાવી સારૂં કર્યું તેહ ।।૩૬।। 

વળી તે ગામમાં જીજીબાઇ, તેનું ઘી જમીયા પ્રેમલાઇ । ત્યારે શ્રીહરિ બહુ રાજી થયા, મોક્ષવર આપ્યો કરી દયા ।।૩૭।। 

મેમકામાં મનોહર માવ, ૧સોનામુખી જમે અતિ ભાવ । કુવા પાસે પલાંશીનાં વૃક્ષ, તેમાં જાયછે નિત્યે પ્રત્યક્ષ ।।૩૮।। 

એવી રીતે નવ માસ સુધી, પોતે રહ્યા છે શ્રીજી સુબુદ્ધી । મુળજીશેઠ ને હંસરાજ, તેને ઘેર રહ્યા મહારાજ ।।૩૯।। 

વળી તે ગામથી ચાલ્યા હરિ, ભોગાવો ઉતર્યા પ્રેમ કરી । પાણી ઉપર ચાલ્યા ગયા છે, વઢવાણ જઇને રહ્યા છે ।।૪૦।। 

ગામ શિયાણીના શિવરામ, તેને ઘેર પધાર્યા છે શ્યામ । ગાડા ઉપર ચઢીને માવ, સંતને મળ્યા છે અતિ ભાવ ।।૪૧।। 

તાવી દેવળીયા બેઉ ગામ, ક્ષૌર કરાવ્યું છે સુખધામ । દેહનું જોખમ કરે એવો, બીજો ૨નાપિત લાવ્યા છે તેવો ।।૪૨।। 

જીવો વીરમ ગામો પટેલ, ગામ અંકેવાળીયે વસેલ । ધ્રાંગધ્રેથી પથ્થર લાવ્યા, ગાડાં ભરી શ્રીનગરે આવ્યા ।।૪૩।। 

જોઇ મહારાજ રાજી થયા, મોક્ષવર આપ્યો કરી દયા । નરનારાયણનું મંદિર, તેમણે પુરુ કર્યું સુંદિર ।।૪૪।। 

પછે મહારાજે મોજ આપી, ઝાલાવાડમાં સત્સંગ સ્થાપી । કણબીકુળ પાવન કર્યું, શ્રીહરિયે અંતરમાં ધર્યું ।।૪૫।। 

વળી તે દેશના રાજા કૈયે, ધ્રાંગધ્રા આદિ સહુ લૈયે । વઢવાણ ને લિંબડી જેહ, મોરબી મુળીપુર છે તેહ ।।૪૬।। 

વાંકાનેર ને સાયલાપુર, ચુડા લખતર તે જરૂર । ત્યાંના દરબારે ગયા માવ, રાજાઓનો દેખી બહુ ભાવ ।।૪૭।। 

માળીયાપુરના રાજા કૈયે, સતાજીનામે સત્સંગી લૈયે । તેમણે સેવાઓ ઘણી કરી, અતિ અંતરમાં ભાવ ભરી ।।૪૮।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ વિચરણ એ નામે બાણુમો તરંગઃ ।।૯૨।।