તરંગઃ - ૯૭ - શ્રીહરિયે વેણીરામનું કષ્ટ ટાળ્યું

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 12:08pm

પૂર્વછાયો

વળી પરચાની વાર્તા, લખવા અતિશે ઉમંગ । કહું લીલા બહુનામીની, ચડે અંગે રંગ અભંગ ।।૧।। 

મુમુક્ષુ મર્મ લેઇ સદા, અતિ પામે ઉર ઉમંગ । મતિ રહે નિત્ય નિર્મળ, લહે અંતરમાં સુખ અભંગ ।।૨।। 

સુંદર લખનૌ શેરમાં, વસે વણિક વેણીરામ । પ્રધાન પોતે પુરનો, અતિ કરે રુડાં કામ ।।૩।। 

નગરપતિનો પ્રેમ છે, સહુ ભોગવે અધિકાર । એક સમે કાંઇ વાંકથી, નૃપ કોપ્યો અપરંપાર ।।૪।।

 

ચોપાઇ

 

દેખી દોષ દિવાનનો અતિ, ઘણો કોપે થયો છે ભૂપતિ । લુંટી લીધાં બધાં ઘરબાર, નાખ્યો બંધીખાનાની મોઝાર ।।૫।। 

ક્રોડ દામનો દંડ જ દીધો, લઇ જામીનને છુટો કીધો । આપી અવધિ એક જ માસ, દંડ લેવા કર્યો બહુ ત્રાસ ।।૬।। 

બોલ્યો ભૂપતિ ક્રોધ તે લાવી, વીતે વાયદો દેશું વટલાવી । જાશે એક દિન સત્ય માન, તુંને કરીશ મુસલમાન ।।૭।। 

એવું વેણ વદ્યો પુરપતિ, વેણીરામની મુંઝાણી મતિ । ક્રોડ દામ દેવા નથી હામ, લાવું ક્યાંથી જાવું કોણે ઠામ ।।૮।। 

આવા કષ્ટથી કોણ ઉગારે, દેહ પાડવા વાત વિચારે । નહીં શુદ્ધને સાન લગાર, જેમ તેમ આવ્યો પુરબાર ।।૯।। 

તિયાં ગોમતી નદીને તીર, દીઠું શિવનું રુડું મંદિર । ધીર આવી ભોળાનાથ ભાળી, બેઠો સન્મુખ આસન વાળી ।।૧૦।। 

બોલી દીન વચન અપાર, અતિ સ્તવન કરે ત્રિપુરાર । જય જય શંભુ શૂલપાણી, રાખો શરણ મુને દીન જાણી ।।૧૧।। 

જય જય તમોને તે નાથ, મારો હેતે ઝાલો તમે હાથ ।। જય જય ભાલચંદ્ર ધારી, મારા તાપ ટાળો ત્રિપુરારી ।।૧૨।। 

જટાધારી મૃગરંગ ભોગી, જય ઉમાપતિ મહાજોગી । જય કંદર્પ હર્ષ હરંત, નીલકંઠ મહા બળવંત ।।૧૩।। 

મુંને થાશો નહીં જો પ્રસન્ન, તમો આગળ પાડીશ તન । એમ વિનતિ કરે અપાર, ચાલે ચક્ષુમાં નીરચોધાર ।।૧૪।। 

ત્યારે તેહ સમે સુખકંદ, વ્યાપકાનંદ ને સુખાનંદ । મહા સમર્થ શ્રીજીના સંત, ત્યાગ વૈરાગ્યાદિ ગુણો અનંત ।।૧૫।। 

જેણે જાણ્યું જગ તૃણતોલે, જ્ઞાનાનંદ મસ્ત થઇ ડોલે । પરમાર્થી પરમ કૃપાળ, મહામુક્ત દીનના દયાળ ।।૧૬।। 

બેઠા તેહ સ્થળે બેઉ સ્વામી, અતિ પ્રતાપી અંતર્યામી । વાત જાણી વેણીરામતણી, કૃપા કરી આવ્યા તેહ ભણી ।।૧૭।। 

પોતે બોલ્યા વચન હુલ્લાસે, કેમ મુઝાવો છો કેને ત્રાસે । વેણીરામે જોયું ધરી ભ્રાંત, દેખી સંત થયો અતિ શાંત ।।૧૮।। 

કૃપાસાગર જાણી કેવળ, કહ્યું કષ્ટ પોતાનું સકળ । કરજોડી રહ્યો થઇ દીન, ઘાટે સ્વરે કરતો રુદન ।।૧૯।। 

દુઃખી જાણી દયા આવી મન, શુભ વાક્ય બોલ્યા મુનિજન । દયાસિંધુ છે દેવના દેવ, દુઃખી દીનના પાલન એવ ।।૨૦।। 

જેણે પંચાલીનાં પુર્યાં ચીર, વારે આવશે શ્યામશરીર । પછે પ્રગટ પ્રભુનો ત્યાંય, સંભળાવ્યો તેને મહિમાય ।।૨૧।। 

વેણીરામ પામ્યો ઘણું જ્ઞાન, જાણ્યા શ્રીજીને શ્રીભગવાન । પછે સ્વામીનો સેવક થઇ, વર્તમાન ધાર્યાં નિમ લઇ ।।૨૨।। 

નિશ્ચે કરી થયો સતસંગી, પામ્યો દાન અભંગ ઉમંગી । કહે સ્વામી સુણો વેણીરામ, કષ્ટ ગયું તમારૂં તમામ ।।૨૩।। 

એમ કહી ચાલ્યા મુનિરાજ, કાનપુરે પધારવા કાજ । દીધું વેણીરામને વચન, જાણ્યું અંતર્યામીયે મન ।।૨૪।। 

સંતનું વેણ સત્ય કરવા, ચાલ્યા ભક્તનું કષ્ટ હરવા । વ્હાલે લીધો વણિકનો વેષ, શીર પાઘ ખભે રૂડો ખેશ ।।૨૫।। 

શ્વેત અંગરખું અંગે પેરી, ઝળકે ભાલ લટકંતો લેરી । સુંદર પેરી ધોળી ધોતલી, કાને ખોશી કલમ ઉઝળી ।।૨૬।। 

નામા ઠામાતણો સાજ સહી, ચાલે મુનીમ ચોપડા લહી । આવ્યા ૧સોનૈયા લેઇને શેઠ, વેણીરામની કરવા વેઠ ।।૨૭।। 

રાજભુવને રાજીવનેણ, જઇ કહ્યું નવાબને વેણ । વેણીરામનો દંડ તમામ, દેવા આવ્યા અમે ક્રોડ દામ ।।૨૮।। 

પછે રોકડા રૂપિયા ગણી, મુકી થેલીયો આગળ ઘણી । માગી પાવતી કરી હિસાબ, જોઇ વિસ્મે પામ્યો છે નવાબ ।।૨૯।। 

દામ પુરું ચુકાવી તે દીધું, લખેલું ખત તે હાથે લીધું । ત્યારે રાયે પૂછ્યું તમે કોણ, વેણીરામની ક્યાંથી પિછાણ ।।૩૦।। 

સુણી શેઠ બોલ્યા રુડી વાણ, વેણીરામના અમે વેચાણ । અમો વસિયે પશ્ચિમ દેશ, વેણીરામ અમારા નરેશ ।।૩૧।। 

જગજીવન નામ અમારૂં, વેણીરામતણું નામ પ્યારૂં । ધીરે રૂપિયા ક્રોડ હજાર, ભાગે ભીડ્ય હમારી અપાર ।।૩૨।। 

ઘણું કર્જ એનું અમ શીષ, થોડું ચુકાવ્યું અમો આ દીશ । એમ કહી ચાલ્યા જગવંદ, રહ્યો વિમાસી ઉર રાજેન્દ્ર ।।૩૩।। 

વેણીરામ જાણ્યો ધનવાન, બોલાવીને દીધું બહુમાન । કહે કોણ શેઠ આંહિ આવ્યો, ક્રોડ રૂપિયા કયાં થકી લાવ્યો ।।૩૪।। 

વેણીરામ કહે સુણો રાય, એનો મર્મ ન જાણું હું કાંય, નથી એક કોડી મુજ પાસ, રાત્રિ દિન રહું છું ઉદાસ ।।૩૫।। 

તમે લુંટીને કીધો ભીખારી, કોણ સાખ પુરે હવે મારી । દંડ ચુકાવ્યાની વાત બોલી, ઠાલી રાંકની કરો ઠઠોલી ।।૩૬।। 

કહે રાય સત્ય સરવથી, આંહિ ટોળતણી વાત નથી । જાુવો આ દંડ તમારો આવ્યો, એમ કહી હિસાબ બતાવ્યો ।।૩૭।। 

પછે થેલી બતાવી તમામ, જેમાં ભર્યા હતા ક્રોડ દામ । તેહ ઉપર સિક્કો કરેલ, વેણીરામનું નામ લખેલ ।।૩૮।। 

દેખી અદ્ભુત ચમત્કાર, વેણીરામ કરે છે વિચાર । કર જોડી બોલ્યો મુખવાણ, આવ્યા નિશ્ચે પ્રગટ પ્રમાણ ।।૩૯।। 

મારું કષ્ટ જોઇ તતકાળ, લીધી શામળે મારી સંભાળ । અહો પ્રભુ અનાથના નાથ, મારો હેતે ઝાલ્યો તમે હાથ ।।૪૦।। 

મહા કષ્ટથી લીધો ઉગારી, મુને દર્શન દેજ્યો મુરારી । સત્ય કીધું સંતનું વચન, ધન્ય ધન્ય તમે ભગવન ।।૪૧।। 

પછી પોતે થઇ રળિયાત, સર્વ કહી નવાબને વાત । મળ્યા સંત અભયદાન દીધું, થયું કારજ સર્વે સીધું ।।૪૨।। 

સુણી ભૂપતિ વિમાસે ભારી, ઓળખ્યા નહિ મેં અવતારી । જાણ્યા પ્રાકૃત માનવી રૂપ, કોટિ કોટિ બ્રહ્માંડના ભૂપ ।।૪૩।। 

રૂડો વેષ નિહાળી વિચિત્ર, ભુલો પડ્યો હું માયામાં મિત્ર । તુને દુઃખાવ્યો મેં મહાસાધ, કર્યો મોટો તારો અપરાધ ।।૪૪।। 

કરો ક્ષમા તજી મને રીસ, એમ કહી નમાવતો શીષ । વેણીરામ કહે સુણો રાય, ભાવી થનારું હોય તે થાય ।।૪૫।। 

તેનો શોક કરો નહિ રતિ, મહા જ્ઞાનવંત છો ભૂપતિ । એમ વદી વેણીરામે વાણ, કર્યો શાંત ભૂપતિ સુજાણ ।।૪૬।। 

પાછો નૃપે દીધો અધિકાર, વેણીરામ શું બાંધીને પ્યાર । મહાગુણનિધિ મહીપત, સંભારતો શેઠની સુરત ।।૪૭।। 

પોતે શોધાવ્યું શેર તમામ, જોયા શેઠ દીધા જેણે દામ । પાછા આવીયા સેવક જન, ક્યાંય ન મળ્યા જગજીવન ।।૪૮।। 

કહ્યું આવી ભૂપને વૃત્તાંત, ત્યારે ભાંગી ગઇ મન ભ્રાંત । જાણ્યું નિશ્ચે આવ્યા જગતાત, દીધા દામ મુને ખરે ખાત ।।૪૯।। 

પછે વેણીરામ થયો વિરક્ત, બન્યો શ્રીજીતણો મહાભક્ત । આવા પરચા બીજા છે અનંત, સૌ સાંભળજ્યો થઇ નિઃશંક ।।૫૦।। 

દીઠા સાંભળ્યા અમે જેટલા, અથ ઇતિ લખ્યા છે તેટલા । અતિ અદ્ભુત કર્યાં ચરિત્ર, ગાતાં સુણતાં થાશો પવિત્ર ।।૫૧।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્ય ભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે વેણીરામનું કષ્ટ ટાળ્યું એ નામે સત્તાણુમો તરંગઃ ।। ૯૭।।