રાગ - ધોળ
શ્રી સહજાનંદ સ્વામીના દાસને રે, કરવી નિત્ય પ્રત્યે ઊઠી પ્રભાતરે,
પ્રભુની પૂજા માનસી રે, પહેલું શ્રીહરિનું રૂપ સંભારવું રે.
જેવા નિરખ્યા હોય સુંદરશ્યામ રે. પ્રભુ૦ ૧
ધરી ધ્યાન અચળ નિજ નાથનું રે,
પ્રેમે પૂજવા હરિ સુખધામ રે. પ્રભુ૦ ૨
દંત ધાવન આદિ ક્રિયા કરાવવી રે,
હરિને પાવલાં પહેરાવવાં પાય રે. પ્રભુ૦ ૩
સરવે સેવાની સામગ્રી પાસે રાખવી રે,
હરિની પૂજા મધ્યે વિઘન ન થાય રે. પ્રભુ૦ ૪
પહેલું સુગંધી તેલ અંગે ચોળવું રે,
ઢાળી ચંદન બાજોઠીયો સાર રે. પ્રભુ૦ ૫
પછે નીર ઊનેથી નવરાવવા રે,
હરિને સજવા સુભગ શણગાર રે. પ્રભુ૦ ૬
હરિને પીતાંબર વસ્ત્ર પહેરાવવું રે,
અંગે ઊપરણી સોનેરી શિર પાઘ રે. પ્રભુ૦ ૭
પ્રેમે ઢોલિયો ઢાળીને પધરાવવા રે,
કરવો શ્યામને ચંદન અંગરાગ રે. પ્રભુ૦ ૮
કંઠે પુષ્પતણા હાર પહેરાવવા રે,
હરિને ચોખા ચોડવા સુંદર ભાલ રે. પ્રભુ૦ ૯
માથે મોતીડાના તોરા ધરાવવા રે,
હરિને હસવા ટીબકડી કરવી ગાલ રે. પ્રભુ૦ ૧૦
મોંઘા મોતીડાના હાર આરોપવા રે,
હાથે હેમકડાં નંગ જડાવ રે. પ્રભુ૦ ૧૧
કાને મકરાકૃત કુંડળ ધરાવવાં રે,
બાંયે બાજુબંધ બાંધી શોભે માવ રે. પ્રભુ૦ ૧૨
હરિના ચરણને ચંદન ચડાવવું રે,
ચાંપી ઊરમાં પામવી ઘણી શાંત રે. પ્રભુ૦ ૧૩
ધરી બાળભોગ આરતી ઉતારવી રે,
કરવું સ્તવન પ્રદક્ષિણા બહુભાત રે. પ્રભુ૦ ૧૪
કરી અષ્ટ અંગે દંડવત દેવને રે,
પછી પૂજવા પ્રભુજી કેરા દાસ રે. પ્રભુ૦ ૧૫
હરિને ખટરસ ભોજન ભાવતાંરે,
પીરસી પ્રેમથી બેસવું પ્રભુ પાસ રે. પ્રભુ૦ ૧૬
ઘણી જુગતે જમાડી જગદીશને રે,
પ્રેમે પાનબીડી દેવી મુખવાસ રે. પ્રભુ૦ ૧૭
પ્રીતે પલંગે પોઢાડી પગ ચાંપવા રે,
હરિનો કરવો નિજમંદિર નિવાસ રે. પ્રભુ૦ ૧૮
રહેવું નિશદિન હરિની હજુરમાં રે,
કરવી પ્રભુના ચરણ કેરી સેવ રે. પ્રભુ૦ ૧૯
મુક્તાનંદ એવી રીતે પૂજા માનસી રે,
કરતાં ભવજળ તરે તતખેવ રે. પ્રભુ૦ ૨૦
Disqus
Facebook Comments