રાગ - કેદારો
પદ-૧
કીજીએ ધ્યાન શ્રી ધર્મના કુંવરનું,
સર્વ પહેલાં ઊઠી પ્રાતઃકાળે, કીજી. ટેક૦
નીરખીએ રૂપ નખશિખ મહારાજનું, વાસના અશુભ તત્કાળ ટાળે.... કીજી૦ ૧
સંત હરિભક્ત સૌ ઉંઘ આળસ તજી, ચિંતવીએ ચરણ અતિ પ્રીત આણી,
નીરખીએ નખ મણિ સીમા શોભા તણી, દુર્લભ દેવને એમ જાણી.... કીજી૦ ૨
જમણા તે ચરણના અંગુઠા ઊપરે, નખમાંહી ચિહ્ન તે જોઈ રે’વું,
ચિહ્ન પર રક્ત રેખા અતિ શોભતી, મન તેમાં લઈ પ્રોઈ દેવું.... કીજી૦ ૩
અંગુઠા આંગળીઓ ઊપર કેશ છે, સૂક્ષ્મ ચિહ્ન છે ચાખડીનાં,
અંગુઠા પાસની આંગળીએ તિલ છે, પ્રેમાનંદની જોયેલ આંખડીનાં.... કીજી૦ ૪
પદ - ૨
મંગળ મૂળ મહારાજના ચરણ છે, ચિંતવતાં ચિત્તમાં શાન્તિ થાયે,
કામ ને ક્રોઘ મદ લોભ વ્યાપે નહિ, ઊરથકી સર્વ અજ્ઞાન જાયે.... મંગળ૦ ૧
જુગલ પદતળ વિષે ષોડશ ચિહ્ન છે, નામ તેનાં હવે કહું વિચારી,
સ્વસ્તિ જવ જાંબુ ધ્વજ અંકુશ અંબુજ, અષ્ટકોણ વજ્ર ઊર્ધ્વરેખા પ્યારી.... મંગળ૦ ૨
નવ ચિહ્ન ધારવાં જમણા તે ચરણમાં, વામ પાદમાં બીજાં સાત શોભે,
મીન ત્રિકોણને વ્યોમ ગોપદ કળશ, અર્ધચંદ્ર ધનુષ ચિત્ત લોભે.... મંગળ૦ ૩
જમણા તે ચરણની આંગળી છેલ્લીએ, તિલ એક અનુપમ આનંદકારી,
પાનીયું સુંદર ઘુંટી પિંડી પર, પ્રેમાનંદ તન મન જાય વારી.... મંગળ૦ ૪
પદ - ૩
નીરખતાં નાથની જાનૂ છબી જીવમાં, સુખ થાયે દુઃખ સૌ દૂર વામે,
જમણા સાથળ વિષે ચિહ્ન એક અનુપમ, નીરખતાં ભક્ત મન મોદ પામે.... નીર૦ ૧
કેળના સ્થંભ જેવા સાથળ સુંદર, ગરુડની પીઠ પાવનકારી,
કટિતટ પીતપટ કસ્યો કરુણાનિધિ, શ્યામ શોભા કટી લાગે પ્યારી.... નીર૦ ૨
નલિની સમ નાભી પર ત્રિવળી છબી ઊદરમાં, ઊન્નત ઊરમાંહી કેશ સોહે,
સ્તનપર શ્યામ છાપનાં ચિહ્ન છે, તિલ એક ઊર વિષે ચિત્ત મોહે.... નીર૦ ૩
ઊર વિષે કૌસ્તુભ શ્રી વત્સ ચિહ્ન છે, વિનગુણ હારની શોભા સારી,
દક્ષિણ બાહુને નિકટ તિલ ચાર છે, પ્રેમાનંદ જોઈ જોઈ જાય વારી.... નીર૦ ૪
પદ - ૪
અશરણ શરણ ભુજદંડ મહારાજના, ચિહ્ન તેમાં હવે કહું વખાણી,
ભુજમાં છાપનાં ચિહ્ન છે સુંદર, કોણીયું શ્યામ સુખધામ વાણી.... અ૦ ૧
પોંચાથી ઊપરે છાપનાં ચિહ્ન છે, કાંડાં છે કઠણ બળવાન ભારી,
કરભ પર કેશ છે હથેળી રાતીયો, શ્યામ રેખા તેમાં ન્યારી ન્યારી.... અ૦ ૨
રાતી છે આંગળીયું રાતા છે નખમણિ, ઊપડતા તીખા તે જોયા જેવા,
એવા જે કરવર ધરત જન શિરપર, આતુર અભય વરદાન દેવા.... અ૦ ૩
જાનૂ પર્યંત ભુજ સરસ ગજસુંઢથી, ભક્તને ભેટવા ઊભા થાયે,
એવા ઘનશ્યામની ભુજ છબી ઊપરે, પ્રેમાનંદ તન મન વારી જાયે..... અ૦ ૪
પદ - ૫
ચિંતવીએ ચિહ્ન મહારાજના અંગમાં, ભક્તજન ભાવશું વારવાર,
વામ ભાગે વળી કંઠને ભુજ વચ્ચે, ચૌદ તિલ સૂક્ષ્મ સરસ સાર.... ચિંત૦ ૧
ડાબે પડખે વળી નવ તિલ નૌતમ,ત્રણ તિલ કાંખમાં કહું છું જોઈ,
એક તિલ અનુપમ કંબુ કંઠને વચ્ચે,નીરખતાં ભક્ત મન રે’છે મોઈ.... ચિંત૦ ૨
ચિબુક ને અધર પર કેશ રેખા છબી, અધર-પ્રવાળ જોઈ ચિત્ત લોભે,
કુંદની કળી સમ દીપે દશનાવળી, કનકની રેખામાંહી સરસ શોભે.... ચિંત૦ ૩
ડાઢમાં ચિહ્ન છે શ્યામ સોહામણું, મંદ મુખહાસ જોઈ લાજે કામ,
ઘેરે સાદે કરી બોલતા વચન હરિ, પ્રેમાનંદનો સ્વામી ઘનશ્યામ.... ચિંત૦ ૪
પદ - ૬
વારી જાઉં વારણે વદનશશી ઊપરે, નીરખતાં નેણ નથી તૃપ્ત થાંતા,
અમૃત-વૃષ્ટિ કરે તાપ તનના હરે, હરે હરે કહે હરિ છીક ખાતાં.... વારી૦ ૧
શોભા તે શી કહું નાસિકા શુક તણી, ગોળ કપોળ બહુ લાગે રૂડા,
નાસિકા ઊપર શીળીનાં ચિહ્ન છે, ચિતવતાં ઘાટ ન થાય કૂડા.... વારી૦ ૨
જમણા કપોળમાં મોટો એક તિલ છે, તિલ એક મોટો છે ડાબે કાને,
જે જન નીરખીને ધારી લે ચિત્તમાં, તે નવ પડે માયા કાળ પાને.... વારી૦ ૩
કાન વીંધ્યા તેનાં ચિહ્ન છે સુંદર, ચંચળ દ્રગમાંહી રેખા રાતી,
પ્રેમાનંદ મીન અલિ ખંજન વારું લઈ, ઊપમા દેવા નથી બુદ્ધિ થાતી.... વારી૦ ૪
પદ - ૭
ભક્તમન રંજન ભ્રકુટિ ઘનશ્યામની, કામિની જોઈ તુરત થાય ઘેલી,
ભ્રકુટિને હેઠે ને નેત્રની ઊપરે, રેખા ઊઠે અતિ રસ ભરેલી.... ભક્ત૦ ૧
ભાલ વિશાળમાં પંચ રેખા ઊઠે, ઊભી છે બે ને ત્રણ ચંદ્રાકારે,
જમણી કોરે એક ચિહ્ન છે ભાલમાં, ભક્તજન નીરખે તે વારે વારે..... ભક્ત૦ ૨
સુંદર મસ્તક શ્રી મહારાજનું, શિખા સુંદર જેમાં જોઈજ રહીએ,
ત્રણ તિલ છે વળી શિખાને પાછળે, વામ ભાગે તેને ધારી લઈએ..... ભક્ત૦ ૩
મોટો એક તિલ છે વામ વાંસામાંહી, મોટો એક કેશ છે તેની પાસે,
જમણા વાંસામાંહી આઘો એક તિલ છે, પ્રેમાનંદ નીરખતાં દુઃખ નાસે..... ભક્ત૦ ૪
પદ - ૮
નખશિખ નીરખીને ચિહ્ન વર્ણન કર્યાં, સંત હરિભક્તને નિત્ય ગાવા,
ભક્તના ઊર વિષે શ્રીમહારાજની, સુંદર ર્મૂર્તિ સાક્ષાત થાવા.... નખ૦ ૧
પુષ્પનાં ભૂષણ વસન મહારાજનાં, એક પદમાં હવે કહું વખાણી,
ઊજજવલ પાઘ શિર શ્વેત પટકો ખભે, શ્વેત ધોતી પે’રી પ્રીત આણી.... નખ૦ ૨
પુષ્પના હાર ઊર કંકણ પુષ્પના, પુષ્પના બાજુ તે બાંધ્યા બાંહે,
પુષ્પના ગુચ્છ તે ખોસ્યા બે કાનમાં, તોરા લટકે સુંદર પાઘમાંહે.... નખ૦ ૩
એ પદ જે કોઈ શીખે ને સાંભળે, એ છબીનું નિત્ય ધ્યાન ધરશે,
પ્રેમાનંદ કહે તેના ઊરમાં આવીને, સ્વામી સહજાનંદ વાસ કરશે.... નખ૦ ૪