પંચાળા ૨ : સાંખ્ય-યોગનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 1:22am

પંચાળા ૨ : સાંખ્ય-યોગનું

સંવત્ ૧૮૭૭ ના ફાગણસુદિ ૭ સાતમને દિવસ ગામ શ્રીપંચાળા મઘ્‍યે ઝીણાભાઇના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢાળ્‍યો હતો તે ઉપર શ્રીજીમહારાજ વિરાજમાન હતા, અને ધોળો ફેંટો મસ્‍તક ઉપર બાંઘ્‍યો હતો, તથા ધોળો ખેસ પહેર્યો હતો, તથા ધોળી પછેડી ઓઢી હતી, અને પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”મોક્ષધર્મનું પુસ્‍તક મંગાવો તો સાંખ્‍યના અઘ્‍યાયની તથા યોગના અઘ્‍યાયની કથા કરાવીએ.” એ વચનને સાંભળીને પુસ્‍તક મંગાવ્‍યું. પછી નિત્‍યાનંદ સ્વામીએ કથા કરવાનો આરંભ કર્યો. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”યોગવાળા છે તે પંચવિશમા જીવ ઇશ્વરને કહે છે અને છવિશમા પરમાત્‍માને કહે છે. અને સાંખ્‍યવાળા છે તે ચોવિશ તત્ત્વને અવાંતર જીવ ઇશ્વરને કહીને પંચવિશમા પરમાત્‍માને કહે છે. તેમાં જે યોગવાળા છે એનો એમ મત છે જે, સુઝે એવો આત્‍મા અનાત્‍માનો વિચાર કરો, સાધન કરો પણ પ્રત્‍યક્ષ ભગવાનના આશ્રય વિના મોક્ષ ન થાય, અને સાંખ્‍યવાળાનો એમ મત છે. જે સર્વે દેવ મનુષ્યાદિની જે ગતિઓ તેને જાણીને અને વિષયને વિષે વૈરાગ્‍યને પામીને ત્રણ દેહ થકી પર એવો જે આત્‍મા તેને જાણે ત્‍યારે મુક્ત થાય. અને એ બે પ્રકારના જે મત છે તેને પોતપોતાના મતમાં જે દૂષણ છે તેના નિવારણને અર્થે યુકિતનું ગ્રહણ કરવું. તેમાં યોગમતમાં એ દૂષણ છે જે, જીવને પંચવિશમો કહ્યો, તથા ઇશ્વરને પંચવિશમા કહ્યા, અને જીવનો ચોવિશ તત્ત્વનો દેહ કહ્યો, ને ઇશ્વરનો પણ ચોવિશ તત્ત્વનો દેહ કહ્યો, માટે એ બેયને વિષે તુલ્‍ય ભાવ આવી જાય જે સ્‍થૂળ ને વિરાટ્ તે તુલ્‍ય છે, તથા સૂક્ષ્મ ને સૂત્રાત્‍મા તે તુલ્‍ય છે, અને કારણ ને અવ્‍યાકૃત તે તુલ્‍ય છે, તથા જાગ્રત ને સ્‍થ્‍િાતિ અવસ્‍થા તે તુલ્‍ય છે, તથા સ્‍વપ્ન ને ઉત્‍પત્તિ અવસ્‍થા તે તુલ્‍ય છે, તથા સુષુપ્‍તિ ને પ્રલય અવસ્‍થા તે તુલ્‍ય છે, અને વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ ને વિષ્ણુ, બ્રહ્મા અને શિવ તે તુલ્‍ય છે, એમ સમજીને છવિશમાને ભજે છે. એવી રીતે જીવ ઇશ્વરને વિષે જે તુલ્‍યભાવ રૂપ દોષ છે તેને ટાળવાને અર્થે કોઇક મોટા પાસેથી યુકિત શિખવી જે, ઇશ્વરના દેહમાં જે પંચભૂત રહ્યાં છે. તેની મહાભૂત એવી સંજ્ઞા છે, ને તે સર્વ જીવના દેહોને ધારી રહ્યા છે. અને જીવના દેહમાં જે પંચભૂત છે તે અલ્‍પ છે ને બીજાને ધારવાને સમર્થ નથી. અને જીવ છે તે અલ્‍પજ્ઞ છે, ને ઇશ્વર છે તે સર્વજ્ઞ છે.’ એવી રીતે યુકિત શિખીને જીવ ઇશ્વરને વિષે સમપણું ન સમજવું, અને જો એવી યુકિત ન શિખ્‍યો હોય ને કોઇ પ્રતિવાદી પ્રશ્ર્ન પુછે તો તેનો ઉત્તર કરવો કઠણ પડે ને સમજણ ચુંથાઇ જાય,અને કોઇક પ્રશ્ર્ન કરે તે તો જીવ ઇશ્વરને વિષે સમપણું રહેવા દે નહિ, માટે જીવ ઇશ્વરને વિષે સમપણું ન આવે એવી રીતની યુકિત શિખવી અને એવી રીતનાં જે વચન તેને સાંભળવાં અને સાંખ્‍યવાળાને એ દૂષણ છે જે, ચોવિશ તત્ત્વ કહ્યાં છે, ને પંચવિશમા પરમાત્‍મા કહ્યા છે. ને તે ચોવિશ તત્ત્વને મિથ્‍યા કહ્યાં છે  ને પરમાત્‍માને સત્‍ય કહ્યા છે,ત્‍યારે તે પરમાત્‍માને પામે છે કોણ  ? કેમ જે, પામનારા જીવને તત્ત્વથી ભિન્ન કહ્યો નથી. માટે એજે દૂષણ છે તેને ટાળવાને અર્થે મોટા થકી એમ યુકિત શિખવી જે, ‘એ ચોવિશ તત્ત્વ કહ્યાં તે જીવ વિના હોય નહિ, માટે એ તત્ત્વ ભેળા જ જીવ ઇશ્વરને કહ્યા છે. તે જીવ ઇશ્વર તે તત્ત્વ થકી પૃથક્ છે ને પરમાત્‍માને પામે છે.’  એવી રીતની યુકિત શીખવી. અને આ યુકિત ન શિખિ હોય ને કોઇ પ્રતિપક્ષી પ્રશ્ર્ન પુછે તો સંશય થાય જે, તત્ત્વ તો મિથ્‍યા છે. ત્‍યારે તે પરમાત્‍માને પામ્‍યાને અર્થે બ્રહ્મચર્યાદિક ધર્મ કહ્યા છે તથા શ્રવણ, મનન નિદિઘ્‍યાસાદિક સાધન કહ્યાં છે તે શાને અર્થે કહ્યાં છે ? માટે તત્ત્વના તદાત્‍મકપણાને પામ્‍યા જે જીવ ઇશ્વર તેને તત્ત્વરૂપે કરીને કહ્યા છે, પણ એ તત્ત્વ થકી અતિ વિલક્ષણ છે તે પરમાત્‍માને પામે છે.’ ઇત્‍યાદિક જે યુકિતઓ તેને મોટા સંત થકી સાંખ્‍યવાળાને શિખવી. અને યોગવાળા જે છે તે ‘પ્રત્‍યક્ષ મૂર્તિ એવા જે મત્‍સ્‍ય, કચ્‍છ, વરાહ, નૃસિંહ, વામન, રામ, કૃષ્ણાદિક ભગવાનના અવતાર તેને ઘ્‍યાને કરીને મોક્ષ થાય.’ એવી યુકિતનું ગ્રહણ કરે છે. અને સાંખ્‍યવાળા છે તે જે તે ‘યતો વાચો નિવર્તન્‍તે અપ્રાપય મનસા સહ’ ઇત્‍યાદિક શ્રુતિ શાસ્‍ત્રે કરીને કહ્યું જે ભગવાનનું સ્‍વરૂપ તેને અનુભવે કરીને યથાર્થ જાણે ત્‍યારે મોક્ષ થાય, એવી યુકિતનું ગ્રહણ કરે છે. અને એ બેય મત છે તે સારા છે ને મોટાએ માન્યા છે, અને એ બેયનું યથાર્થ જો આચરણ કરે તો તે પરમગતિને પામે છે. અને એ બે મત છે તેમાં સાધન સરખાં કહ્યાં છે, પણ ઉપાસનાની જે રીત તે સરખી નથી, ઘણી પૃથક્ છે.”

એવી રીતે વાર્તા કરીને શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્‍યે બોલ્‍યા જે, ”હવે તો કીર્તન ગાઓ.” પછી મુકતાનંદ સ્વામી આદિક જે પરમહંસ તે વાજીંત્ર લઇને કીર્તન ગાવા લાગ્‍યા. તે પછી વળી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”હવે કીર્તન રાખો, અને એ સાંખ્‍ય ને યોગ એ બેયનો સિદ્ધાંત તમે કીર્તન ગાયાં ત્‍યાં સુધી અમે વિચાર્યો છે તે કહીએ તે સાંભળો, જે યોગવાળો છે તેને આત્‍યંતિક પ્રલયને વિષે જે અક્ષરધામમાં તેજોમય એવી દિવ્‍યરૂપ ભગવાનની મૂર્તિ રહી છે તે ઘ્‍યાન કરવા યોગ્‍ય છે, અને તેથી ઓરા પ્રકૃતિપુરૂષરૂપ ભગવાન ઘ્‍યાન કરવા યોગ્‍ય છે. અને તેથી ઓરા પ્રકૃતિ પુરૂષનાં કાર્ય જે ચોવિશ તત્ત્વ તે રૂપ ભગવાન ઘ્‍યાન કરવા યોગ્‍ય છે. અને તેથી ઓરા હિરણ્‍યગર્ભ ને તેથી ઓરા ચોવિશ તત્ત્વથી ઉપજ્યો જે વિરાટ્ તે ઘ્‍યાન કરવા યોગ્‍ય છે, અને તેથી ઓરા બ્રહ્મા, વિષ્ણુ, શિવ તથા પૃથ્‍વીને વિષે જે મત્‍સ્‍ય, કૂર્મ, નૃસિંહ, વરાહાદિક ભગવાનના અવતાર તથા શાલગ્રામાદિક પ્રતિમાઓ એ સર્વે ઘ્‍યાન કરવા યોગ્‍ય છે, એવું યોગવાળાનું તાત્‍પર્ય જણાણું, પછી સાંખ્‍યનો વિચાર ઉપજ્યો ત્‍યારે તેણે એ આકારમાત્રનું નિરાકરણ કરી નાખ્‍યું. અને એમ જણાણું જે, ‘એ સર્વેના વિચારનો કરતલ જે જીવ છે તે જેવો શુદ્ધ કોઇ નથી, માટે જીવનું ઘ્‍યાન કરવું એ ઠીક છે,’ એવો જે સાંખ્‍યનો વિચાર તેને ટાળવાને અર્થે વળી યોગનો વિચાર થયો જે, એ પરાત્‍પર એવા જે પુરૂષોત્તમ ભગવાન તેનું એ પ્રકૃતિપુરૂષાદિક સર્વેને વિષે અન્‍વયપણું છે, માટે એ સર્વે ભગવાનજ છે ને દિવ્‍યરૂપ છે ને સત્‍ય છે. અને એ વાતને દૃઢ કરવાને અર્થે શ્રુતિ છે જે, ‘સર્વં ખલ્‍વિદં બ્રહ્મ’ ‘નેહનાનાસ્‍ત્‍િા કિંચન’ તથા ‘ઈદં હિ વિશ્વં ભગવાનિવેતરો યતો જગત્‍સ્‍થાનનિરોધસંભવા:’ એવી રીતનો યોગ માર્ગ છે તેને વિષે પ્રવર્ત્યો જે મુમુક્ષુ તેને કોઇ વિઘ્‍ન નથી; શા માટે જે એ માર્ગ સ્‍થૂલ છે ને એને વિષે પ્રત્‍યક્ષ મૂર્તિ ભગવાનનું આલંબન છે, તે સારૂં જેવો તેવો હોય તે પણ એ માર્ગે કરીને નિર્વિઘ્‍ન થકો મોક્ષને પામે છે. પણ એ માર્ગમાં એક દોષ છે જે એ સર્વેથી પર જે પુરૂષોત્તમભગવાન તેને અને પ્રકૃતિપુરૂષાદિકને અંશઅંશીભાવ આવી જાય છે જે, ભગવાનના અંશ પ્રકૃતિપુરૂષ છે અને તેના અંશ હિરણ્‍યગર્ભ વિરાટાદિક છે.’ એવી રીતે સમજાય તો મોટો દોષ આવે, કાં જે ભગવાન અચ્‍યુત છે, નિરંશ છે, નિર્વિકાર છે, અક્ષર છે, અખંડ છે, તેને વિષે ચ્‍યુતભાવ આવે છે ને અંશ અંશીભાવ આવે છે; માટે એવો દોષ આવવા દેવો નહિ અને એમ સમજવું જે, એ ભગવાન જેવા તો ભગવાન છે ને બીજા જે પ્રકૃતિપુરૂષાદિક છે તે તો એના ભક્ત છે અને એનું ઘ્‍યાન કરે છે. માટે એ ભગવાનરૂપ છે. જેમ કોઇ મોટા સંત હોય ને તે ભગવાનનું ઘ્‍યાન કરતા હોય, ને તેને ભગવાનરૂપ જાણે છે, તેમ એ પ્રકૃતિપુરૂષાદિક પણ ભગવાનરૂપ છે. અને એ સર્વથી પર જે પુરૂષોત્તમ શ્રીકૃષ્ણ તેજ વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્‍ન, અનિરૂદ્ધરૂપે થાય છે, તથા રામકૃષ્ણાદિક અવતારનું ગ્રહણ કરે છે, તે ઘ્‍યાન કરવા યોગ્‍ય છે.’ એમ સમજે તો એ યોગમાર્ગ અતિશે નિર્વિઘ્‍ન છે ને શ્રેષ્‍ઠ છે. અને સાંખ્‍યવાળા છે, તેમાં એ દોષ છે જે એ સાંખ્‍યવાળા હોય તે એમ કહે છે જે, ‘અંત:કરણે કરીને તથા ઇન્‍દ્રિયે કરીને જે જે ગ્રહણ કર્યામાં આવે છે તે સર્વ મિથ્‍યા છે અને અનુભવે કરીને જે ગ્રહણ કર્યામાં આવે છે તે સત્‍ય છે.’ એવી રીતે આકાર માત્રને મિથ્‍યા કરે છે તે ભેળે જીવના કલ્‍યાણને અર્થે પ્રકટ થયા જે ભગવાન તેના રૂપને પણ મિથ્‍યા કરે છે, તથા અનિરૂદ્ધ, પ્રદ્યુમ્‍ન, સંકર્ષણ એમના રૂપને પણ મિથ્‍યા કરે છે, અને નિર્ગુણ એવા જે વાસુદેવ તેનું જ ગ્રહણ કરે છે, એવો એ મોટો દોષ છે. માટે એ સાંખ્‍યવાળા એમ સમજે તો ઠીક જે, ”સાંખ્‍ય વિચારનું ગ્રહણ કરીને પ્રકૃતિપુરૂષથી જે જે ઉપજ્યું તેને મિથ્‍યા કરીને પોતાના આત્‍માને સર્વથી પૃથક્ શુદ્ધ બ્રહ્મરૂપ માનીને તે પછી જીવના કલ્‍યાણને અર્થે પ્રગટ થયા જે ભગવાન તેના રૂપને સત્‍ય જાણીને તેનું ઘ્‍યાન કરવું’ એવી રીતે એ બે પ્રકારના જે વિચાર છે તે કોઇક અમારા જેવા મોટા પાસેથી શિખે ત્‍યારે આવડે, નહિ તો શાસ્ત્રને ભણે સાંભળે પણ આવડે નહિ. અને છે તો એમ જે ‘પ્રથમ સાંખ્‍ય વિચારે કરીને  જે બ્રહ્મરૂપ થયો હોય તેને અર્થે યોગનો ઉપદેશ છે, તે કહ્યું છે જે-

“બ્રહ્મભૂત: પ્રસન્નાત્‍મા ન શોચતિ ન કાંક્ષતિ | સમ: સર્વેષુ ભૂતેષુ મદ્ભકિંત લભતે પરામ્ ||”

“આત્‍મારામશ્વ મુનયો નિર્ગ્રન્‍થાપયુરુક્રમે | કુર્વન્‍ત્‍યહૈતુકીં ભકિતમિત્‍થંભૂતગુણો હરિ: ||”

“પરિનિષ્‍ઠિતોડપિ નૈર્ગુણ્‍યે ઉત્તમશ્લોકલીલયા | ગૃહીતચેતા રાજર્ષે આખ્‍યાનં યદધીતવાન્ ||”

એવી રીતે સાંખ્‍યવાળાને યોગની અપેક્ષા છે; કાં જે એ સાંખ્‍યવાળો વિચારે કરીને પોતાના આત્‍માથી વ્‍યતિરિક્ત જે જે કાંઇ પંચ ઇંદ્રિયો ને ચાર અંત:કરણે કરીને ભોગવવામાં આવે એવા વિષય ભોગ છે તેને અતિશે તુચ્‍છ જાણે છે, માટે એ કોઇ પદાર્થને વિષે આશ્વર્ય પામે નહિ. તથા બંધાય નહિ. અને એની પાસે આવીને કોઇ એમ કહે જે, ‘આ પદાર્થ તો બહુજ રૂડું છે.’ ત્‍યારે એને એમ વિચારે જે, ‘ગમે તેવું સારૂં હશે પણ ઇંદ્રિયો અંત:કરણે કરીને ગ્રહણ કર્યામાં આવે એવું હશે. ને ઇંદ્રિયો અંત:કરણના ગ્રહણમાં જે આવે તે તો અસત્‍ય છે, નાશવંત છે,’ એવી એ સાંખ્‍યવાળાને દૃઢ સમજણ રહે છે. અને પોતાના આત્‍માને શુદ્ધ જાણે છે એવો જે સાંખ્‍યવાળો તેને યોગમાર્ગે કરીને ભગવાનની જે ઉપાસના, ઘ્‍યાન, ભકિત તે કરવાં. અને એમ ન કરે તો એને વિષે અતિ ન્‍યૂનતા કહેવાય છે; એવી રીતે સાંખ્‍યશાસ્ત્ર તથા યોગશાસ્ત્ર તેનો જે સનાતન સિદ્ધાંત છે તે અમે યથાર્થ વિચારીને કહ્યો છે. અને જે આધુનિક યોગવાળા ને સાંખ્‍યવાળા છે તેમણે તો એ બેય માર્ગને બગાડી નાખ્‍યા છે. જે યોગવાળા છે તે આકારનું સ્‍થાપન કરવા જાય છે, ત્‍યારે બીજા જીવના આકાર તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવના આકાર તથા રામકૃષ્ણાદિક અવતારના આકાર તે સર્વેને તુલ્‍યપણે જાણે છે. અને સાંખ્‍યવાળા છે તે આકારનું ખંડન કરે છે તે ભેળે તીર્થ, વ્રત, પ્રતિમા, યમ, નિયમ, બ્રહ્મચર્યાદિક ધર્મ, બ્રહ્મા, વિષ્ણુ, શિવ, તથા રામ-કૃષ્ણાદિક અવતાર એ સર્વેનું ખંડન કરે છે. માટે આધુનિક જે સાંખ્‍યવાળા ને યોગવાળા તે બેય માર્ગને મુકીને કુમાર્ગે ચાલ્‍યા છે તે નારકી થાય છે. ઈતિ વચનામૃતમ્ પંચાળાનું  ||૨|| ૧૨૮